સદીઓથી એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ લાગણીશીલ હોય છે. સ્ત્રીઓના ધાર્મિક, સામાજિક કે રાજનૈતિક સ્થાન વિશેની વાતોમાં પહેલી હવા એવી જ ચાલે છે કે ‘સ્ત્રીઓ લાગણીશીલ હોય છે એટલે તે લાગણીમાં આવી નિર્ણયો કરશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જ્યારે લાગણીશીલ હોવાની વાત આવે છે ત્યારે સ્ત્રીઓને એ એક વિશેષણ તરીકે મફતમાં જ મળી જાય છે. સ્ત્રી છે તો લાગણીશીલ હોવાની જ અને એ સાથે તે તર્કબદ્ધ નહીં જ વિચારે એવું પણ ધારી જ લેવામાં આવે છે. આવી ધારણાઓને લીધે મહિલાઓની લાગણી વ્યક્ત કરવાની આવડતને પુરુષપ્રધાન સમાજમાં પર્સનાલિટીના નકારાત્મક લક્ષણ તરીકે જોવામાં આવે છે, જેનો ભોગ સ્ત્રીઓ સતત બનતી રહે છે. તેમની વિશ્વસનીયતાને શંકાથી જોવાય છે અને તેમનાં રાજકીય, ધાર્મિક અને સામાજિક મૂલ્યોને આસાનીથી મૅનિપ્યુલેટ કરવામાં આવે છે. કેટલાય લોકો તો એવું માની જ નથી શકતા કે લાગણીશીલતા ખામી નથી પણ તાકાત છે અને એ તર્કબદ્ધતાને કોઈ જ નુકસાન નથી કરતી. આ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘‘ઇમોશનલિટી’ એક બહોળો શબ્દ છે. એને કોઈ વ્યક્તિગત લક્ષણમાં ન ગણી શકાય. ખાસ કરીને એને મહિલાઓ સાથે જ જોડવામાં આવે છે. જેમ કે કોઈને માનસિક તનાવ થાય છે, ડિપ્રેશન થાય છે એવી રીતે લોકો ઇમોશનલિટીને જુએ છે અને એને ફક્ત સ્ત્રીઓ સાથે જોડી લેબલિંગ કરે છે એ ખોટી વાત છે. પુરુષો પણ લાગણીશીલ હોય છે. જોકે એની તેમને કોઈ ખાસ કિંમત નથી ચૂકવવી પડતી. મહિલાઓને લેબલિંગ કરીને મહિલાઓને ઓછી આંકવાની પ્રથા સદીઓ જૂની છે. એક લિંગને દબાવવાની વાત છે. આવું કહીશું તો મહિલાઓના સુઝાવને આસાનીથી ટાળી શકાશે એવી સાર્વત્રિક સમજ પુરુષપ્રધાન સમાજમાં પ્રવર્તે છે. હા, હૉર્મોનને લીધે સ્ત્રીઓ ક્યારેક વધુ ભાવુક થઈ જાય છે એ હકીકત છે. પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓમાં ઑક્સિટોસિન નામના હૉર્મોનનો સ્રાવ વધી જાય છે એટલે તે દરેક વસ્તુને સહાનુભૂતિથી જુએ છે એ પણ સાચું છે. પણ એના લીધે તેને ‘ઇમોશનલ’નું લેબલ લગાડી તેની તર્કબદ્ધતા પર શંકા કરવી એ ખોટું છે. મેં એવી સ્ત્રીઓ પણ જોઈ છે જે શરૂઆતમાં બહુ જ લાગણીશીલ હોય અને દરેક વસ્તુમાં ઊંડી લાગણીથી ભાગ લેતી હોય અને પછી આગળ જતાં એકદમ પ્રૅક્ટિકલ થઈ જાય છે. એવા પુરુષોને પણ જોયા છે જે લાગણીથી નિર્ણયો લેતા હોય.’