હસબન્ડ કે વાઇફમાં કોઈ જિનેટિક ખામી હોય કે પછી પ્રેગ્નન્સી દરમ્યાન કોઈ કૉમ્પ્લિકેશન્સ ઊભાં થયાં હોય તો બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૯ વર્ષની છે. પત્નીનો સાથ સરસ છે, પણ અમે હમણાં બાળકો નથી ઇચ્છતાં. પહેલાં અમે સેક્સલાઇફને બરાબર માણીએ અને એ પછી બચ્ચાંઓની પળોજણમાં પડીએ. મૅરેજને ચાર વર્ષ થયાં એ પછી પણ અમે ફૅમિલી પ્લાનિંગમાં નથી પડ્યાં. જોકે હમણાં અમારા બે રિલેટિવને ત્યાં બાળકો જન્મ્યાં જેમાંથી એકને સાંભળવામાં તો બીજાને સ્પાઇનમાં તકલીફ છે. આ બન્ને પેરન્ટ્સે મૅરેજનાં પાંચેક વર્ષ પછી ફૅમિલી પ્લાનિંગ કર્યું હતું અને એ પહેલાં સેક્સલાઇફને બરાબર માણી હતી. આ જાણીને અમને ચિંતા છે કે વધુ સેક્સ કરીને સ્પર્મ આમ જ વહાવી દઈશું તો શું બાળકના સ્વાસ્થ્ય પર એની અસર થાય? દાદર
બાળકની હેલ્થનો આધાર એના પેરન્ટ્સ કેટલી વાર સેક્સ માણે છે એના પર નહીં, પણ પેરન્ટ્સના જિન્સ પર આધારિત છે. મનમાંથી કાઢી નાખો કે વધારે સેક્સ કરો તો બાળકમાં જિનેટિક ખામી આવે. હસબન્ડ કે વાઇફમાં કોઈ જિનેટિક ખામી હોય કે પછી પ્રેગ્નન્સી દરમ્યાન કોઈ કૉમ્પ્લિકેશન્સ ઊભાં થયાં હોય તો બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે. બાળકની હેલ્થ અને વધારે પડતા સેક્સને કંઈ લાગતું-વળગતું નથી. પણ હા, સ્મોકિંગ, ચ્યુઇંગ ટબૅકો કે પછી આલ્કોહૉલની આદત હોય અને એ લાંબા સમયથી હોય તો બાળકમાં જિનેટિક ખામી આવી શકે છે. આ ઉપરાંત તમને કહ્યું એમ પ્રેગ્નન્સી દરમ્યાન માતા જો સંતુલિત આહાર ન લેતી હોય અને રોજિંદા ખોરાકમાં જંક ફૂડની માત્રા વધારે હોય તો પણ બાળકના ગર્ભાવસ્થાના વિકાસમાં તકલીફ આવી શકે છે.
એક બીજી વાત ધ્યાનમાં મૂકવાની કે બાળકના ગ્રોથને અને પેરન્ટ્સની ઉંમરને સીધો સંબંધ છે. મોટી ઉંમરે બાળક પેદા થાય ત્યારે બાળકના ગ્રોથમાં તકલીફ થવાની શક્યતા રહે છે. પેરન્ટ્સ બનવાની આદર્શ અવસ્થા માતાની ઉંમર એકવીસ-બાવીસની ગણાય છે તો પુરુષ પચીસ વર્ષે પિતા બને એ આવકાર્ય છે, પણ આજકાલ આ વાતને નવદંપતીઓ ગણકારતાં નથી. પર્સનલ ઍડ્વાઇઝ છે કે આપ જે ઉંમર પર છો એ ઉંમરે જ ફૅમિલી પ્લાનિંગની શરૂઆત કરી દેશો તો એ તમારા હિતમાં છે. પ્રેગ્નન્સી પણ તરત જ રહી જાય એ શક્યતા પણ ઓછી હોય છે એટલે હવે વર્ષ રાહ જોવાને બદલે તમે પેરન્ટહુડની તૈયારી શરૂ કરી દો.