મનમાંથી કાઢી નાખો કે મૅસ્ટરબેશનની કોઈ જ વિપરીત અસર તમારી પર્સનલ લાઇફ પર પડશે અને ધારો કે અસર પડશે તો પણ એ સારી અસર હશે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૮ વર્ષ છે. ૧૬ વર્ષની ઉંમરથી મૅસ્ટરબેશનની આદત છે. લગભગ છ મહિનાથી મને ઇરેક્શન નથી આવતું અને પ્રાઇવેટ પાર્ટની સાઇઝમાં પણ ઘટાડો થયો હોય એવું લાગે છે. મારી મૅસ્ટરબેશનની આદતને લીધે મને આ તકલીફ નડે છે. મેં ઘણી આયુર્વેદિક દવાઓ લીધી, પણ કોઈ ફરક પડતો નથી. હવે મને ડિપ્રેશન પણ લાગવા માંડ્યું છે. ઘણી વાર તો સુસાઇડના પણ વિચારો આવે છે. મારાં મૅરેજ નક્કી થઈ ગયાં છે અને બે મહિના પછી મારું એન્ગેજમેન્ટ અને મૅરેજ બન્ને સાથે એક જ દિવસે થવાનાં છે. મને ડર લાગે છે કે મારા આ પ્રૉબ્લેમને કારણે મારાં મેરેજ તૂટી જશે. પ્લીઝ, મને જણાવો કે મારે હવે શું કરવું? માટુંગા
સીધો જવાબ છે કે મનમાંથી આ બધા વિચારો કાઢી નાખો. આ એક જ જવાબ છે તમારી સમસ્યાનો. વિગતવાર સમજાવું તમને, પણ એ પહેલાં તમે જવાબ આપો. તમે શ્વાસ લો છો? સાચું કહેજો, તમારા શ્વાસ ચાલુ છે? સવાલ પૂછ્યો એ પહેલાં તમે શ્વાસ લેતા હતા અને એમાં કોઈ શંકા છે જ નહીં, પણ તમારી આ શ્વસનપ્રક્રિયાનો તમને અહેસાસ નહોતો થતો. જોકે બે વાર એકનો એક જ પ્રશ્ન પૂછવાથી તમે એ દિશામાં વિચારતા થયા અને તમે જાગ્રત થઈ ગયા, જેને લીધે તમારા મનમાં આ વાત સ્પષ્ટ થઈ અને તમે શ્વાસ પર ફોકસ કરવા માંડ્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જેટલું ધ્યાન તમે તમારા પ્રાઇવેટ પાર્ટ પર ફોકસ કરશો એટલી વાર એમાં ઉત્તેજના નહીં આવે અને જેટલી વાર બેફિકર રહેશો એટલી વાર એ આપોઆપ ઉત્થાન દેખાડશે એટલે કે ઑટોમૅટિક એમાં ઉત્તેજના આવશે. મનમાંથી કાઢી નાખો કે મૅસ્ટરબેશનની કોઈ જ વિપરીત અસર તમારી પર્સનલ લાઇફ પર પડશે અને ધારો કે અસર પડશે તો પણ એ સારી અસર હશે. એનાથી જાતીય જીવન વધારે રસપ્રદ બનશે એટલે કે ફાયદો થશે, નુકસાન નહીં થાય. મૅસ્ટરબેશન સારી રીતે કરી શકો છો એ જ પુરવાર કરે છે કે ફિઝિકલ રિલેશન પણ તમે સારી રીતે માણી શકશો. પ્રાઇવેટ પાર્ટની સાઇઝમાં ક્યારેય ઘટાડો-વધારો ન થાય. શાંત અવસ્થામાં પ્રાઇવેટ પાર્ટની સાઇઝ નાની જ હોય; કારણ કે એ અવસ્થામાં માત્ર કુદરતી હાજતે જ જવાનું હોય, સેક્સ માણવાનું ન હોય. તમારું ટેન્શન માનસિક છે, એને મન પરથી હટાવી દો.


