Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ગમા અને અણગમા વિશે પતિ-પત્ની વચ્ચે વાતચીત થાય એ ખૂબ જ જરૂરી છે

ગમા અને અણગમા વિશે પતિ-પત્ની વચ્ચે વાતચીત થાય એ ખૂબ જ જરૂરી છે

Published : 04 May, 2026 03:11 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

જો પતિ પોતાની પત્નીને પોતાના મનની વાત કહી ન શકે, જો પત્ની પોતાના પતિને મનની વાત કહી ન શકે તો ક્યારેય શારીરિક સંબંધો એમની ચરમસીમાને પ્રાપ્ત ન કરી શકે અને જો એવું બને તો અતૃપ્તિ સતતપણે મનમાં અકબંધ રહે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અત્યાર સુધીના પ્રોફેશનલ અનુભવ પછી પણ જો સોસાયટીમાં કોઈ એક વાત બદલાઈ ન હોય તો એ કે આજે પણ કપલ બેડરૂમની પોતાની પર્સનલ ઇચ્છાઓ એકબીજા સાથે શૅર નથી કરતું. હમણાં જ એક કપલ મળવા આવ્યું. કપલ ઇન્ટિમેટ રિલેશનશિપ એન્જૉય કરતું ન હોવાની ફરિયાદ સાથે આવ્યું હતું. બન્નેના પર્સનલ કાઉન્સેલિંગ દરમ્યાન એક વાત સામાન્ય નીકળી કે બન્નેમાંથી કોઈ એકબીજા સાથે પર્સનલ લાઇફની કોઈ વાત જ શૅર નહોતું કરતું. આ અગાઉની જનરેશનમાં પણ બન્યું છે અને આજે પણ મહદંશે આ જ બને છે. પોતાને કઈ હરકતમાં ખુશી મળે છે, આનંદ મળે છે, પ્લેઝર મળે છે એ વાત કહેવામાં છોકરીને સંકોચ થાય છે તો એવું જ પુરુષ પક્ષે પણ છે.

ડૉ. પ્રકાશ કોઠારી એક વાત બહુ સરસ કહે છે કે જ્યાં સુધી આપણા સમાજમાં લાઇટ્સ ઑફ કરીને ઇન્ટિમેટ રિલેશનશિપનો આનંદ લેવામાં આવશે ત્યાં સુધી સોસાયટીમાં સેક્સ બાબતમાં સાચી અવેરનેસ આવશે નહીં.



જો પતિ પોતાની પત્નીને પોતાના મનની વાત કહી ન શકે, જો પત્ની પોતાના પતિને મનની વાત કહી ન શકે તો ક્યારેય શારીરિક સંબંધો એમની ચરમસીમાને પ્રાપ્ત ન કરી શકે અને જો એવું બને તો અતૃપ્તિ સતતપણે મનમાં અકબંધ રહે. સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવા માટે એકમેક પાસે ખૂલવું અને એકબીજાને મનની વાત કહેવી ખૂબ જ આવશ્યક છે. તમે જ વિચારો કે જો તમે ન ભાવતા શાક વિશે કે પછી ન ભાવતી વાનગી વિશે સ્પષ્ટતા સાથે કહી શકો કે પછી તમારા ગમતા શાકની ડિમાન્ડ કરી શકો તો પછી આ તો એક એવા સંબંધની વાત છે જેમાં કોઈ ઑપ્શન પણ નથી અને હોવો પણ ન જોઈએ. ઘરે ન ભાવતું જમવાનું બન્યું હોય તો વ્યક્તિ હોટેલમાં જઈને જમી શકે, પણ ઇન્ટિમેટ રિલેશનશિપમાં એવું થવાનું નથી તો પછી શું કામ ગમતી અને ન ગમતી વાત વિશે સ્પષ્ટતા સાથે વાત ન થાય? થવી જ જોઈએ અને એ બન્નેનો એકબીજા પ્રત્યેનો અધિકાર છે. હા, છોકરીઓને એવો ડર હોઈ શકે કે પોતે ખૂલીને વાત કરશે તો પતિને કેવું લાગશે? પતિ તેના વિશે ખોટી ધારણા બાંધી લેશે એ વાતનો પણ તેમને ડર હોય છે, પણ હકીકત એ છે કે આવી મનમાં રહેલી માન્યતાને પકડી રાખવાને બદલે સહજ રીતે પતિને પૂછવું જોઈએ કે તેને ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન કઈ વાત વધારે ખુશી આપે છે, કઈ વાત તેને ગમતી નથી.


આ એક એવો સહજ રસ્તો છે જેમાં પહેલ કરવાથી સંભાવના ઊભી થાય કે પતિ પણ એ જ રીતે તેને પ્રશ્ન કરે અને તમે તમારા મનની વાત કરી દો. ઇન્ટિમેટ રિલેશનશિપ એ માત્ર શારીરિક સંબંધો નથી, એ મનને પણ જોડવાનું કામ કરે છે. એકબીજા સાથે સંવાદ કરશો તો મનને જોડવાનું કામ વધારે આસાન થશે અને અંગત સંબંધોને પણ એ કમ્યુનિકેશન વધારે ઘનિષ્ઠ બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 03:11 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK