પ્રેગ્નન્સી ટાળવા માટે આઇ-પિલ લો છો એ પણ બરાબર નથી, કારણ કે એ માત્ર ઇમર્જન્સીમાં જ ગર્ભનિરોધક તરીકે વાપરવા માટે બની છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૪૪ વર્ષ છે અને મારા હસબન્ડની ૫૧ વર્ષ. ઉંમરના તફાવતને કારણે તેમને ઝડપી સ્ખલન થઈ જતું હોવાથી તે મોટા ભાગે સમાગમ કરવાનું ટાળે. મને મન થાય તો તેઓ સંતોષ આપવા માટે વાયેગ્રા લઈને સમાગમ કરે. વાયેગ્રા લીધી હોય ત્યારે તેમને સારી ઉત્તેજના આવે, સમાગમ લાંબો ચાલે અને પૂર્ણપણે સંતોષકારક હોય છે. મહિનામાં આ રીતે અમે લગભગ પાંચેક વાર સમાગમ કરતાં હોઈએ છીએ. તેઓ સ્ખલન બહાર જ કરે અને એ પછી પણ ક્યારેક વીર્ય અંદર જતું રહ્યું હોય એવું લાગે ત્યારે હું આઇ-પિલની ગોળી લઈ લઉં. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં કોઈ વાંધો? મેનોપૉઝને કારણે પિરિયડ્સમાં તો અનિયમિતતા છે એટલે આઇ-પિલથી ચાલેને? દહિસર
મહિનામાં પાંચ વાર એટલે કે અંદાજે વીકમાં એકાદ વાર વાયેગ્રા લેવામાં કશું જોખમ નથી, પણ ધારી લઉં છું કે તમારા હસબન્ડને બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટનો કોઈ પ્રૉબ્લેમ નહીં હોય. તમારા હસબન્ડ તમારી ખુશીનું ધ્યાન રાખે છે એ સારી વાત છે, પણ તમને એક બાબતમાં નાનકડી ચેતવણી આપવાની.
ADVERTISEMENT
મેનોપૉઝ હજી ચાલુ થયો છે, જેને લીધે પિરિયડ્સ અનિયમિત છે. જેનો સીધો અર્થ એવો છે કે તમને સંપૂર્ણપણે માસિક ગયું નથી. આવા સમયે પ્રેગ્નન્સીની શક્યતા જરા પણ નકારી શકાય નહીં. પ્રેગ્નન્સી ટાળવા માટે આઇ-પિલ લો છો એ પણ બરાબર નથી, કારણ કે એ માત્ર ઇમર્જન્સીમાં જ ગર્ભનિરોધક તરીકે વાપરવા માટે બની છે, એનો રેગ્યુલર વપરાશ ન હોવો જોઈએ. એ હૉર્મોન-સાઇકલને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે.
માસિકમાં અનિયમિતતા આવી હોય, પણ માસિક સાવ બંધ નથી થઈ ગયું ત્યારે સ્ખલન કરવામાં જોખમ તો છે જ છે. તમે પોતે સ્વીકારો છો કે ઘણી વાર ખબર નથી પડતી કે વીર્ય અંદર ગયું છે કે નહીં. આવા સમયે તમારે નિશ્ચિંત થઈને સમાગમનો આનંદ માણવો હોય તો કૉન્ડોમ જ સૌથી ઉત્તમ છે. બહેતર છે કે તમે એનો ઉપયોગ કરો. કૉન્ડોમ માત્ર પ્રેગ્નન્સીથી જ નહીં, પણ અન્ય ઇન્ફેક્શનથી પણ તમને સલામત રાખશે. માટે શક્ય હોય ત્યારે કૉન્ડોમ વાપરવાનું રાખો એ તમારા હિતમાં છે.

