ચોમાસુ સત્રમાં ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ તરીકે રજૂ થવા જઈ રહ્યો છે અને કૅબિનેટ દ્વારા નવા ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે જાણીએ કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ડેટા પ્રોટેક્શન માટે શું-શું થઈ ચૂક્યું છે...
પ્રતીકાત્મક તસવીર
ચોમાસુ સત્રમાં ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ તરીકે રજૂ થવા જઈ રહ્યો છે અને કૅબિનેટ દ્વારા નવા ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે જાણીએ કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ડેટા પ્રોટેક્શન માટે શું-શું થઈ ચૂક્યું છે, કેવાં રિસ્ટ્રિક્શન્સ મુકાઈ શકે છે અને અન્ય દેશોમાં આ બાબતે કેવાં પગલાં લેવાયાં છે કે લેવાઈ રહ્યાં છે એ
ડેટા ઇન્ક્રિપ્શન, સિક્યૉર્ડ પ્રાઇવસી જેવા દાવા સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન્સ દ્વારા થાય છે એ ધોળા દિવસે બોલાતું સફેદ જુઠ્ઠાણું સિવાય બીજું કશું જ નથી. આ કંપનીઓ તમારા આ ડેટા બીજી અનેક કંપનીઓ સાથે વહેંચે એ માટે તેમને મબલક પૈસા મળતા હોય છે.
ADVERTISEMENT
જિંદગીનું એક-એક પગલું, નાનામાં નાનો નિર્ણય પણ વિચાર કરી-કરીને લેતા આપણે મોબાઇલ ફોન અને સોશ્યલ મીડિયા વાપરતી વેળા આશ્ચર્યજનક રીતે બેદરકાર થઈ જતા હોઈએ છીએ. સાવ બેજવાબદારીપૂર્ણ વર્તતા આપણે આપણી અનેક અંગતથી અતિ અંગત માહિતીઓ પણ જાહેર પ્લૅટફૉર્મ પર ખુલ્લી મૂકી દેતા હોઈએ છીએ. એને પરિણામે ઘણી વાર આર્થિક અને સામાજિક નુકસાન તો ભોગવવું જ પડે છે. એ સિવાય બ્લૅકમેઇલ થવાથી લઈને અનવૉન્ટેડ કૉલ્સ અને અનવૉન્ટેડ નોટિફિકેશન્સનો ત્રાસ પણ ભોગવવો પડે છે. આ ડાર્ક વર્લ્ડ હવે એટલું મોટું થઈ ચૂક્યું છે કે તમારા એક ફોટોગ્રાફ કે કોઈ અંગત માહિતીનો ફાયદો કે ગેરફાયદો કોણ, કેવી રીતે અને ક્યાં ઉઠાવી શકે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. આથી જ ભારતની કેન્દ્ર સરકારે ‘ડેટા પ્રાઇવસી’ માટે એક કાયદો બનાવવાનું નક્કી કર્યું છે જે સદનસીબે આ વખતના ચોમાસુ સત્રમાં પાર્લમેન્ટમાં રજૂ કરવામાં આવશે.
તારીખ હતી ૨૪ ઑગસ્ટ ૨૦૧૭. માનનીય સુપ્રીમ કોર્ટે ભારતીય ઇતિહાસમાં મહત્ત્વનો ગણાવી શકાય એવો એક ચુકાદો આપ્યો હતો, જેને હવે આપણે કે. એસ. પુત્તુસ્વામી કેસ તરીકે ઓળખીએ છીએ. ધારા ૩૭૭ને ડીક્રિમિનલાઇઝ કરતા આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘ભારતીય સંવિધાન એના દરેક નાગરિકને ‘પ્રાઇવસી’ ભોગવવાની આઝાદી આપે છે, પરંતુ દેશમાં એ પ્રાઇવસીની રક્ષા માટેનો હજી કોઈ કાયદો અમલમાં નથી. કેન્દ્ર સરકારે આ વિશે એક અસરકારક કાયદો ઘડવો જોઈએ. વ્યક્તિના અંગત જીવનના સંરક્ષણ માટે કેટલીક મૂળભૂત શરતો જરૂરી છે. જેમ કે વ્યક્તિની ગોપનીયતાને સંરક્ષિત કરતો કાયદો હોવો જોઈએ. બીજું, જો સરકાર પણ કોઈ અંગત માહિતી મગાવે તો એ વાજબી ઉદ્દેશ માટે હોવી જોઈએ અને ત્રીજું, માહિતી મગાવવાની કાર્યવાહી નૈતિક અને વ્યક્તિના અંગત જીવનમાં ઓછામાં ઓછી દખલગીરી કરે એવી હોવી જોઈએ.’ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિવેદન આપી તો દીધું, પરંતુ એને
અનુસરીને કેન્દ્ર સરકાર તરત એક કાયદો બનાવી નાખે એવું નથી. માનનીય કોર્ટે આ વાત કહી હતી છેક ઑગસ્ટ ૨૦૧૭માં. આજે એ વાતને છ વર્ષ થઈ ગયાં છે. કોર્ટે તો કહ્યું કે આ બાબતે સ્પષ્ટ અને કડક કાયદો બનાવો, પરંતુ સરકારે શું કર્યું?
સરકારે હમણાં સુધી શું કર્યું?
ભારત લોકશાહી ઢબે ચાલતો દેશ છે. ૨૦૧૭થી ૨૦૧૯ની સાલ સુધી ‘ડેટા પ્રાઇવસી બિલ’ તરીકે અલગ-અલગ ત્રણ વર્ઝન તૈયાર થયાં. ત્યાર બાદ સામાન્ય જનતાથી લઈને દરેક મિનિસ્ટ્રી અને દરેક પૉલિટિકલ પાર્ટી પાસે એ અંગે ઇનપુટ્સ પણ મગાવવામાં આવ્યાં. જોકે ત્રીજી ઑગસ્ટ ૨૦૧૯ના રોજ ખબર નહીં શા માટે પણ સરકારે ડેટા પ્રોટેક્શન બિલ-૨૦૧૯ વિધડ્રૉ કરી લીધું. ત્યાર બાદ સરકારે ફરી નવેસરથી ડ્રાફ્ટ તૈયાર કરવાની શરૂઆત કરી. જોકે આ સમયગાળામાં એક મોટો ફેરફાર એ થયો કે સરકાર અને સરકારી એજન્સીઝ દ્વારા સર્વેલન્સ ખૂબ મોટા પ્રમાણમાં વધારી દેવામાં આવ્યું. ૨૦૨૨માં ફરી એક વાર પ્રયત્ન થયો કે નવો ડ્રાફ્ટ બિલ તરીકે સંસદમાં રજૂ કરવામાં આવે, પણ ફરી એક વાર એ ડ્રાફ્ટ ખોરંભે ચડી ગયો. આખરે હવે આ ચોમાસુ સત્રમાં ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ તરીકે રજૂ થવા જઈ રહ્યો છે. કૅબિનેટ દ્વારા નવા ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે એ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન
આ બધી પળોજણ જાણ્યા પછી સૌથી પહેલાં તો જાણીએ કે ડેટા પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શન એટલે શું? તો એટલું જાણી લો કે આપણે જ્યારે સ્માર્ટ બનીને આપણો સ્માર્ટફોન વાપરતા હોઈએ છીએ ત્યારે ઇન્ટરનેટ સર્ફિંગ, સોશ્યલ મીડિયા અને ઍપ્લિકેશન્સ દ્વારા અંગત માહિતીઓ અને બીજા અનેક પ્રકારના ડેટા જાહેર કરી દેતા હોઈએ છે. આપણા એ તમામ પર્સનલ ડેટા ભેગા કરાય છે, વર્ગીકૃત કરાય છે અને ત્યાર બાદ વહેંચાય છે, વેચાય છે અને હા, ફ્રૉડ કે બ્લૅકમેઈલિંગ માટે પણ વપરાય છે. એવું નથી કે આપણો ડેટા માત્ર દેશમાં જ ઉપયોગમાં લેવાય છે. અનેક દેશોને અને વિદેશી કંપનીઓને પણ આપણા દરેકના અંગત ડેટામાં કલ્પી ન શકો એટલો બધો રસ હોય છે. આથી બીજા દેશો દ્વારા પણ આપણા ડેટા સિફતપૂર્વક ક્યાં તો ચોરાય છે, ક્યાં મગાવાય છે, ક્યાં ખરીદાય છે.
ભારતીય સંવિધાન દ્વારા આપણને મળેલા હકની દૃષ્ટિએ જોવા જઈએ તો આવું ન થવું જોઈએ, પરંતુ છતાં થાય છે. કેમ? એનું પહેલું કારણ આપણી બેદરકારી, બીજું ડેટાની ગંભીરતા બાબતે અજાણતાં અને ત્રીજું ગંદા હૈ પર ધંધા હૈ યે. એક સાવ સરળ ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. ધારો કે તમે ગૂગલ સર્ચ એન્જિન પર કોઈ સ્પોર્ટ્સ શૂઝ માટે સર્ચ કર્યું. તો બસ એની બીજી જ સેકન્ડથી તમને દરેક સાઇટ પર, તમારા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર અલગ-અલગ અનેક સ્પોર્ટ્સ શૂઝની ઍડ્વર્ટાઇઝમેન્ટ દેખાવા માંડશે. અથવા તમે બે મિનિટ માટે પણ કોઈ હોમલોન કે પર્સનલ લોન આપતી કંપનીની વેબસાઇટની વિઝિટ કરી તો એ ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ તો શરૂ થઈ જશે, તમને અનેક ફોનકૉલ્સ સુધ્ધાં આવવા માંડશે. આ કઈ રીતે બને છે? તો સૌથી પહેલાં તમારો સર્ફિંગ ડેટા તમારી ડેટા પ્રોવાઇડર કંપની પાસે જમા થાય છે. એ જ રીતે ગૂગલ પાસે પણ જમા થાય છે. ત્યાંથી એ ડેટા તરત જે-તે ઑનલાઇન માર્કેટિંગ અને સેલિંગ કંપનીઓ (ઍમેઝૉન, ફ્લિપકાર્ટ જેવી)ને પહોંચે છે. સાથે જ એ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને અને બીજા આવું હિત ધરાવતા અનેક સોર્સને પણ પહોંચે છે. આ બધા જ માટે જે-તે ડેટા પ્રોવાઇડર કંપનીઓના સૉફ્ટવેરમાં પહેલેથી જ ઍલ્ગરિધમ બનાવવામાં આવ્યા હોય છે જે તમારા ડેટા ભેગા કરે છે, ઍનલાઇઝ કરે છે અને ડિસ્ટ્રિબ્યુશન કરે છે અને બધી જ પ્રક્રિયા આંખના પલકારા જેટલી ઝડપે થઈ જતી હોય છે.
એટલું જ નહીં, સ્માર્ટફોન કંપનીના ઓરિજિનેટેડ દેશ સુધી પણ તમારો બધો જ અંગત ડેટા પળેપળની જાણકારી સાથે પહોંચતો હોય છે, જેને આપણે ‘હિડન સ્પાય’ પણ કહી શકીએ. આ હિડન સ્પાય એટલો કૅપેબલ હોય છે કે તમે ક્યાં જાવ છો, કોને મળો છો અને ઘણા કિસ્સાઓમાં તો શું વાતો કરો છો એ માહિતી સુધ્ધાં સતત ભેગી કરતો રહેતો હોય છે.
નૈતિકતા અને આપણા મૂળભૂત અધિકારની દૃષ્ટિએ જોઈએ તો આવું ન થવું જોઈએ, પરંતુ થાય છે. ડેટા ઇન્ક્રિપ્શન, સિક્યૉર્ડ પ્રાઇવસી વગેરેના જે દાવા સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન્સ તમારી સામે કરે છે એ ધોળા દિવસે બોલાતું સફેદ જુઠ્ઠાણું સિવાય બીજું કશું જ નથી અને આ બધી જ કંપનીઓ તમારા આ ડેટા બીજી અનેક કંપનીઓ સાથે વહેંચે એ માટે તેમને મબલક પૈસા મળતા હોય છે. ટૂંકમાં, આ એક જાહેર નહીં એવો જાહેર બિઝનેસ છે.
આ તો તમારા અને મારા અંગત ડેટાની વાત થઈ. વિચાર કરો કે આ જ રીતે દેશની કૉન્ફિડેન્શિયલ માહિતીઓ, ડિફેન્સની માહિતીઓ જેવી અનેક અતિસંવેદનશીલ માહિતીઓ પણ આ બધી કંપનીઓ અને દેશો સુધી પહોંચતી હશે. વિચારી શકો કે આ એક કેટલું મોટું જોખમ છે, જેની તલવાર આપણા માથે લટકી રહી છે. આપણને એ પણ ખબર નથી હોતી કે કયો સૉફ્ટવેર કે કયો હાર્ડવેર સુરક્ષિત છે, કયો આપણા દેશનો છે અને કયો વિદેશી છે. આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના બધા ડેટા અને માહિતીઓ આપી દેતા હોઈએ છીએ.
આ ડ્રાફ્ટ બિલમાં શું હશે?
આ બિલમાં દરેક ભારતીય નાગરિકના હક અને ફરજો વિશેનો ઉલ્લેખ હશે, જેને અહીં ‘ડિજિટલ નાગરિક’ તરીકે દર્શાવવામાં આવ્યા હશે. આ બિલ તમારા પર્સનલ ડેટાને ન માત્ર સેફગાર્ડ કરશે બલ્કે દરેક સંબંધિત કંપનીઓને તમારો ડેટા કઈ રીતે અને કેટલી હદ સુધી વાપરી શકાશે એની પણ રૂપરેખા આપશે. આ ડ્રાફ્ટ ઇન્ટરનેટ સર્ફિંગ, સોશ્યલ મીડિયા અને ઍપ્લિકેશન્સ વાપરવા અંગે અને એમાં તમારા તરફથી ડેટા પ્રોવાઇડ કરવા અંગેના હકો અને ફરજો વિશેની વાત તો કહેશે જ, સાથે તમારો ડેટા વાપરનારી કંપની કે બિઝનેસની પણ જવાબદારીઓ અને ફરજો નક્કી કરશે. એટલું જ નહીં, આ ડેટાનો વપરાશ કરતી કંપનીઓ એ કઈ રીતે અને કઈ હદ સુધી વાપરી રહી છે એના પર સર્વેલન્સ પણ રખાશે. આ કાયદો એટલી બાંયધરી આપશે કે તમારી પાસે લેવાયેલો એક-એક ડેટા કાયદેસર રીતે વપરાશે અને એનો દુરુપયોગ નહીં થાય. ડેટા કલેક્શન પદ્ધતિને વધુ ટ્રાન્સપરન્ટ બનાવવામાં આવશે અને પ્રાઇવસીનો ભંગ નહીં થાય એની પણ કાળજી લેવામાં આવશે. એવી અનેક કંપનીઓ છે જે ભારતમાં બિઝનેસ કરે છે, ભારતીયોનો ડેટા કલેક્ટ કરે છે; પરંતુ એ ડેટા કલેક્ટ કરતાં સર્વર્સ વિદેશોમાં છે. મતલબ કે ભારતીયોનો ડેટા વિદેશમાં કલેક્ટ કરાય છે, સંગ્રહાય છે. આ કાયદો આવ્યા પછી જો એમ થતાં પકડાયું તો એ માટે ખૂબ મોટી સજા અને કૅશ પેનલ્ટી જે ૫૦૦ કરોડ સુધીની પણ હોઈ શકે છે એવું પણ પ્રાવધાન કરવામાં આવશે. આ બધા સિવાય સૌથી મહત્ત્વની વાત કોઈ પણ વ્યક્તિનો ડેટા લેતાં અને વહેંચતાં પહેલાં તે વ્યક્તિની પરવાનગી તો લેવી જ પડશે. સાથે તેને એ પણ જણાવવું પડશે કે તેનો ડેટા ક્યાં-ક્યાં અને કઈ રીતે વપરાઈ શકે છે. અચ્છા, આ સિવાય અકસ્માતે કે ભૂલથી અપાઈ ગયેલા ડેટાનો પણ દુરુપયોગ નહીં થાય એ માટેની જરૂરી કાળજી લેવાવી જોઈએ એવી બાંયધરી પણ મળી રહેશે.
ભારતમાં ૧૨ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (આધાર) દરેક નાગરિકને આપી આ માટેની તૈયારીનું એક પ્લૅટફૉર્મ શરૂ જરૂર થયું હતું, પરંતુ એની અસરકારકતા હજી પણ એટલી ગંભીરતાથી મેળવી શકાઈ નથી જે માટેનાં અનેક કારણો છે. જેમ કે સામાન્ય જનતા પણ કૌભાંડો કરી સરળતાથી નાગરિકતાની ઓળખ મેળવી શકે છે. UCC અને NRC જેવા કાયદા તૈયાર થઈ ચૂક્યા હોવા છતાં એ અસરકારક રીતે લાગુ કરી શકાયા નથી એટલે અનેક બિનભારતીયો દેશમાં પ્રવેશ મેળવી શકે છે, ડેટા મેળવી અને વાપરી શકે છે. ચીન જેવા દેશોમાં બનતા મોબાઇલ ફોન મોટા પાયે વપરાતા હોવાને કારણે સરળતાથી દેશના એક-એક નાગરિકનો ડેટા ચીન પોતાને મનફાવે એ રીતે જમા કરી શકે છે અને એનો સંગ્રહ, ઍનૅલિસિસ અને ઉપયોગ કરી શકે છે.
સરકાર જવાબદાર બને કે ન બને, દેશ જવાબદાર બને કે ન બને; આપણે જવાબદાર બનવું પડશે. ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઇલાજ નહીં નીકળે. ફેસબુક મેસેન્જર પર કે ઇન્સ્ટાગ્રામ મેસેન્જર પર વાત કરતાં અનેક નૈતિક-અનૈતિક પ્રેમલા-પ્રેમલીઓ, કહેવાતા ખાસ મિત્રોને એવો વિશ્વાસ હશે કે તેમની વાતચીત અને તેમના અંગત ફોટો સેફ છે, સુરક્ષિત છે; માત્ર તેના (ખાસ અને અંગત) મિત્ર પાસે જ છે તો એ સૌથી મોટી ભૂલ અને સૌથી નાદાન ભ્રમણા છે. સોશ્યલ મીડિયા પર ‘લેન્ડ ટૂ ઍરપોર્ટ’ કે ‘હૅવિંગ ફન ઍટ રેસ્ટોરાં’ પોસ્ટ કરતા ઉત્સાહીઓને એ ખબર નથી કે તેમની આ બધી માહિતી કોણ-કોણ અને કઈ-કઈ રીતે રાખી રહ્યું છે અને ભવિષ્યમાં એનો કેવો-કેવો ઉપયોગ થવાનો છે. ખેર, ‘ચેત્યા ત્યારથી બચ્યા’ અને ‘જાગ્યા ત્યારથી સવાર’વાળી સમજ અપનાવીને જવાબદારીપૂર્વક ઉપયોગ કરીશું તો આ બધા સ્માર્ટફોન્સ અને સ્માર્ટપોસ્ટ્સ આપણને સ્માર્ટ રાખશે, નહીં તો આપણી વિગતોનો કોઈ સ્માર્ટ્લી ઉપયોગ કરીને આપણને મૂર્ખ બનાવી જતાં કે બ્લૅકમેઇલ કરી જતાં વાર નહીં લગાડે.
કયા દેશમાં કેવો કાયદો છે?
યુઝર્સની અંગત વિગતોના સંરક્ષણ માટે વિશ્વના અનેક દેશોમાં કાયદા બનાવવામાં આવ્યા છે, જેને ડેટા પ્રોટેક્શન ઍક્ટ કહેવામાં આવે છે. ૧૯૪ દેશોમાંથી આજે લગભગ ૧૩૭ દેશોમાં આ અંગેનો કાયદો છે. ડેવલપ્ડ કન્ટ્રીઝમાં પ્રોટેક્શન ઑફ ડેટા ઍન્ડ પ્રાઇવસીના કાયદામાં ૭૫થી ૮૦ ટકાનું સિક્યૉરિટી ઍડ્પ્ટશન છે. આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં ૬૧થી ૫૭ ટકાનું અને અન્ડર-ડેવલપ્ડ કે અનડેવલપ્ડ કન્ટ્રીઝમાં તો આ સિક્યૉરિટી પ્રોટેક્શન માત્ર ૪૫થી ૪૮ ટકા જેટલું જ છે.
જેમ કે યુરોપમાં ડેટા પ્રોટેક્શન લૉ તરીકે ઇન્ટરનૅશનલ ડેટા શૅરિંગ માટે ખૂબ મોટી આર્થિક પેનલ્ટી છે. સાથે જ એ કંપનીની લોકલ લેવલ પર બ્રૅન્ડ-ઇમેજ ખરડી નાખવાની જોગવાઈ છે. મતલબ કે દેશના લોકોની સામે એ કંપનીની અને એની પ્રોડક્ટ્સની ઇમેજ જ એટલી ખરાબ કરી નાખવામાં આવશે કે એ કંપનીના ધંધાને સીધી અસર પહોંચે.
બ્રાઝિલમાં જનરલ ડેટા પ્રોટેક્શન લૉ તરીકે કાયદો અમલમાં છે. આ કાયદા અન્વયે બ્રાઝિલે તબક્કાવાર કુલ ૪૦ કલમો ઘડી છે, જેના દ્વારા પર્સનલ ડેટા અને પબ્લિક ડેટા જેવી બે કૅટેગરીમાં દરેક વ્યક્તિ, કંપની કે દેશના ડેટાને વહેંચવામાં આવ્યાં છે અને આ હક અને મર્યાદા દરેક વ્યક્તિ, દરેક કંપની અને દરેક સેક્ટરને લાગુ પડે છે. આ માટે બાકાયદા ડેટા પ્રોટેક્શન ઑફિસર્સ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે-તે પર્સનલ ડેટા ક્યાં વપરાશે એ માટે પણ આખું એક ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે.
એ જ રીતે ફિલિપીન્સમાં પણ ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો છે જે મોટા ભાગે યુરોપના કાયદાને મળતો આવે છે.
અમેરિકામાં આ માટે કોઈ અલાયદો કાયદો નથી, પરંતુ બીજા સામાન્ય કાયદાઓ દ્વારા આ બાબતોને સાંકડી લેવાનો પ્રયત્ન થયો છે.
એટલું જ નહીં, ત્યાં અલગ-અલગ સ્ટેટ્સ દ્વારા પોતાની રીતે પણ આ માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમ કે કૅલિફૉર્નિયા સ્ટેટ દ્વારા ‘કૅલિફૉર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી ઍક્ટ’ દ્વારા રહેવાસીઓને
એવી સહૂલિયત આપવામાં આવી છે કે તેઓ નક્કી કરશે કે તેમનો ડેટા કઈ હદ સુધી કલેક્ટ કરી શકાશે અને એ ક્યાં, કઈ રીતે અને શા માટે વાપરી શકાશે. બીજા સ્ટેટ્સમાં હજી પોતાના કાયદા માટે બિલ તૈયાર થઈ રહ્યા છે.
સાઉથ આફ્રિકમાં ‘પ્રોટેક્શન ઑફ પર્સનલ ઇન્ફર્મેશન ઍક્ટ’ તરીકે કાયદો અમલમાં છે. ૨૦૧૩થી તૈયાર થયેલા આ ડ્રાફ્ટમાં વર્ષોવર્ષ સમયાંતરે સુધારા થતા રહ્યા અને છેલ્લે જુલાઈ ૨૦૨૧માં પણ એમાં સુધારો કરીને આમેજ કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકામાં આ કાયદો બીજા દેશો કરતાં વધુ કડક છે. ત્યાં ડેટાના ગેરકાયદે વપરાશ કે વહેંચણી માટે આર્થિક પેનલ્ટીની સાથે જેલની સજા સુધ્ધાં થઈ શકે છે.
બાહરિનમાં પણ આ માટેના કડક કાયદાઓ છે. મિડલ ઈસ્ટમાં બાહરિન પહેલો એવો દેશ હતો જેણે આવો કાયદો ઘડ્યો અને લાગુ કર્યો હતો. ત્યાંનો કાયદો દેશના રહેવાસીઓને એ હક આપે છે કે તેમનો કોઈ પણ ડેટા કઈ હદ સુધી કલેક્ટ કરી શકાશે અને કઈ હદ સુધી વાપરી શકાશે. મતલબ કે કોઈ પણ સામાન્ય નાગરિક એ નક્કી કરશે કે તેણે પોતાનો કયો ડેટા કોને અને કેટલો આપવો અને એનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો.
કૅનેડા અને બ્રિટનમાં પણ આ અંગેના કાયદા બન્યા છે, પરંતુ સરકાર અને સામાન્ય જનતાની બેદરકારીને કારણે ત્યાં કાયદો એની એટલી અસરકારકતા દેખાડી શક્યો નથી.

