છોડ સુકાવાની ચિંતા રહેતી હોય તો તમે પણ ઘરે સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ વસાવી શકો છો
પ્રતીકાત્મક તસવીર
કામની વ્યસ્તતા વચ્ચે છોડને પાણી આપવાનું ભુલાઈ જતું હોય કે બહારગામ ગયા હોઈએ ત્યારે છોડ સુકાવાની ચિંતા રહેતી હોય તો તમે પણ ઘરે સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ વસાવી શકો છો, જેમાં તમે અઠવાડિયે કે પંદર દિવસે એક વાર પાણી ભરીને રાખી દો અને એ પછી આપોઆપ છોડનાં મૂળિયાં પાણી શોષતાં રહેશે
આપણા બધાના જ ઘરે કમ સે કમ એક છોડ તો હોય જ છે જેને આપણે ખૂબ જતનથી ઉછેરતા હોઈએ છીએ. એવામાં જ્યારે થોડા દિવસો માટે બહારગામ જવાનું થાય ત્યારે આપણને ચિંતા થવા લાગે કે હવે છોડને પાણી કોણ આપશે? મહેનતથી ઉછેરેલા છોડ સુકાઈ જશે. લોકોની આ ચિંતાને ધ્યાનમાં રાખીને જ આજકાલ માર્કેટમાં સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ મળતાં થયાં છે.
ADVERTISEMENT
સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ એટલે કે સ્પેશ્યલી એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલાં કૂંડાં જેમાં નીચે પાણીનું સ્ટોરેજ કરવાની સ્પેસ હોય છે અને એવું મેકૅનિઝમ હોય છે કે છોડનાં મૂળિયાં સુધી જરૂરિયાત મુજબનું પાણી પહોંચી જાય. એને કારણે તમારે દરરોજ છોડને પાણી ન નાખવું પડે.
સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સના અનેક ફાયદા છે જેમ કે તમારે દરરોજ છોડને પાણી આપવાની જરૂર ન પડે. ખાસ કરીને જે લોકોને છોડ તો ગમતા હોય પણ એને મેઇન્ટેન કરવાનો સમય ન મળતો હોય તેમના માટે આ કામની વસ્તુ છે. સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ છોડના ઉછેર માટે પણ સારાં છે. ઘણી વાર એવું થતું હોય છે કે આપણા હાથેથી કૂંડામાં વધુ પાણી પડી જતું હોય છે. એને કારણે છોડનાં મૂળિયાં સડી જવાનું પણ જોખમ રહેતું હોય છે. સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સમાં આવો કોઈ પ્રૉબ્લેમ થતો નથી.
સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સમાં પ્લાસ્ટિકનું એક કૂંડું આવે જેમાં તમારે છોડ વાવવાનો. આ કૂંડાની નીચે એક દોરો પણ અટૅચ થયેલો હોય છે. એ કૂંડા નીચે મૂકવા માટે એક ટ્રાન્સપરન્ટ ડિટૅચેબલ બેઝ આવે જેમાં પાણી ભરવાનું હોય છે. આ સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે જે બેઝ છે એમાં પાણી ભરવાનું. એની ઉપર કૂંડું મૂકી દેવાનું. કૂંડાની નીચે જે સફેદ દોરી છે એ બેઝમાંથી પાણી શોષીને છોડનાં મૂળિયાં સુધી પહોંચાડતી રહેશે. એ રીતે તમારા છોડને પાણી મળતું રહેશે અને એ નહીં સુકાય.
તમને વિવિધ બ્રૅન્ડ્સના સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ આરામથી ઑનલાઇન મળી જશે. એમની સાઇઝ અને પૅટર્ન થોડીઘણી અલગ હોય છે, પણ બધાની છોડનાં મૂળિયાં સુધી પાણી પહોંચાડવાની જે ટેક્નિક છે એ એક સરખી જ છે. સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સના બેઝમાં જનરલી દર એકથી બે અઠવાડિયે પાણી ભરવાની જરૂર પડે છે પણ એ છોડને કેટલું પાણી જોઈએ છે, સ્ટોરેજ કૅપેસિટી કેટલી છે એ બધી વસ્તુ પર નિર્ભર કરે છે.

