ઇન્ડિયામાં બહુ જ ફેમસ થઈ ચૂકેલી BGMIમાં સ્કિલ્સની સાથે બેસિક વસ્તુઓનું ધ્યાન રાખશો તો પ્રોફેશનલ પ્લેયર બની શકશો. અલબત્ત, આ ગેમ્સ ઍડિક્ટિવ છે એટલે પહેલેથી જ સાવધ રહેવું જરૂરી છે
બીજીએમઆઇ
સ્ટ્રીમિંગ અને અન્ય ગેમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈને કમાણી કરવા માટે પણ ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસની જરૂર છે.
બહુ હોબાળો મચાવી ચૂકેલી PUBG ગેમ બૅન થઈ એ પછી ઇન્ડિયા માટે BGMI ગેમ લૉન્ચ કરવામાં આવી હતી. આ ગેમ પણ થોડા સમય માટે બૅન કરવામાં આવી હતી, પરંતુ હવે એને ફરી શરૂ કરવામાં આવી છે. BGMI ફક્ત એક ગેમ નથી. આ ગેમ રમીને ઘણા લોકો કમાણી પણ કરે છે. સ્ટ્રીમિંગનું ખૂબ જ મોટું માર્કેટ છે અને એના દ્વારા લોકો લાખો રૂપિયાની કમાણી કરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હાલમાં એક ગેમિંગ ઇવેન્ટમાં હાજર રહ્યો હતો. આ BGMIની ઇવેન્ટ નહોતી, પરંતુ ગેમિંગ માર્કેટ આજે ખૂબ જ જોરશોરથી આગળ વધી રહ્યું છે. એવું નથી કે ફક્ત ગેમ રમવાથી સમયની બરબાદી જ થાય છે. યુઝર એક્સપર્ટ પ્લેયર હોય તો તે સ્ટ્રીમિંગ અને અન્ય ગેમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ખાસી કમાણી કરી શકે છે. ઇન્ડિયામાં આવા ઘણા ફેમસ પ્લેયર છે જેઓ ફક્ત ગેમ રમીને લોકપ્રિય થયા છે અને ઘણા પૈસા પણ કમાયા છે. ગેમમાં એક્સપર્ટ બનવા માટે એને રમીને અનુભવ મેળવવાની સાથે કેટલીક વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવી પડે છે. આજે એવી જ કેટલીક ટિપ્સ પર નજર કરીએ જે એક સામાન્ય પ્લેયરને પ્રોફેશન પ્લેયર જેને પ્રો કહેવામાં આવે છે એ બની શકે.
રમવાની સ્ટાઇલ | યુઝરની રમવાની સ્ટાઇલ કઈ છે એના પર બધું ડિપેન્ડ છે. ઘણા યુઝર એવા હોય છે જે અગ્રેસિવ રમે છે. આ માટે તેમણે સબમશિન ગન અથવા તો ઍસોલ્ટ રાઇફલને પસંદ કરવી જોઈએ. કેટલાક યુઝર એવા પણ હોય છે જેઓ પર્ફેક્ટ મૂવમેન્ટની રાહ જોતા હોય છે અને એક જ ફાયર દ્વારા પ્લેયરને એલિમિનેટ કરવાનું વિચારે છે. આ પ્લેયર એટલે કે સ્નાઇપર. અગ્રેસિવ અથવા તો સ્નાઇપર દરેક પ્લેયરે તેમની ગેમ રમવાની સ્ટાઇલને પસંદ કરી એને અનુરૂપ રમવું. ગેમમાં વધુ કિલ કરવાની સાથે લાંબો સમય પસાર કરવો પણ એટલું જ મહત્ત્વનું હોય છે. આથી એકદમ અગ્રેસિવ રમવાની પણ જરૂર નથી. બની શકે એક કરતાં વધુ પ્લેયર હોય. આ સમયે ધીરજ રાખી પ્લેયર દ્વારા કોઈ ભૂલ કરવામાં આવે એની રાહ જોવી. ધીરજ રાખવાથી ગેમમાં લાંબો સમય કાઢી શકાય છે. જલદી કા કામ શેતાન કા કામ અને એ પ્લેયરને ગેમમાંથી જલદી બહાર કરે છે. હા, જો યુઝર એકદમ એક્સપર્ટ હોય તો તે સુપર અગ્રેસિવ રમી શકે છે. આ સાથે જ ચોક્કસ ગન પસંદ કરવી પણ જરૂરી છે. BGMIમાં સૌથી બેસ્ટ ગન તરીકે M416 હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે યુઝરને જે ગન પસંદ પડે એને અનુરૂપ તેણે ટ્રેઇનિંગ ગ્રાઉન્ડમાં જઈને એ બંદૂકમાં માસ્ટરી મેળવવી જોઈએ.
સેન્સિટિવિટી કન્ટ્રોલ | યુઝર માટે કઈ ગન બેસ્ટ છે એ તેણે નક્કી કરી લીધા બાદ સેન્સિટિવિટીને ઍડ્જસ્ટ કરવી જરૂરી છે. BGMIમાં સેન્સિટિવિટી નૉર્મલ રાખવામાં આવી હોય છે. જોકે દરેક યુઝર તેની રમવાની સ્ટાઇલ અને તેની બંદૂકને અનુસાર સેન્સિટિવિટી કન્ટ્રોલ કરી શકે છે. ક્લોઝ રેન્જ માટે સેન્સિટિવિટીની વધુ જરૂર હોય છે, કારણ કે તેમની આસપાસ ખૂબ જ જલદી-જલદી મૂવમેન્ટ થતી હોય છે. જોકે સ્નાઇપરનો ઉપયોગ કરનારા માટે સેન્સિટિવિટીની જરૂર ઓછી હોય છે. આથી યુઝરે તેની ગેમ રમવાની સ્ટાઇલ અને પોતાને યોગ્ય લાગે એ મુજબની સેન્સિટિવિટી રાખવી જોઈએ.
પર્ફેક્ટ એઇમ | ગેમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એઇમ. યુઝરનું નિશાન પર્ફેક્ટ હશે તો તે વધુ ઝડપથી પ્લેયરને કિલ કરી શકશે. આ માટે સેન્સર પર વધુ ડિપેન્ડન્ટ ન રહેવું. નિશાન તાકવા માટે ઝડપથી અંગૂઠાનો ઉપયોગ કરવો. તેમ જ જ્યારે ફાયરિંગ કરવામાં આવે ત્યારે ગન્સનું રિકોઇલ ઍડ્જસ્ટ કરવા માટે સ્લાઇટ ડાઉન સ્વાઇપ કરવું. આમ કરવાથી નિશાન વધુ ઍક્યુરેટ રહી શકે છે.
મેઇન્ટેન કે/ડી રેશિયો | BGMIમાં કે/ડી રેશિયો ખૂબ જ મહત્ત્વનો છે. આ રેશિયો પરથી નક્કી થાય છે કે પ્લેયર કેટલો ખતરનાક છે. કે/ડી રેશિયો એટલે કે કિલ ઍન્ડ ડેથ રેશિયો. એક વાર મૃત્યુ પામવા પહેલાં યુઝરે કેટલા પ્લેયરને કિલ કર્યા છે એની ઍવરેજ કાઢવામાં આવે એને કે/ડી રેશિયો કહેવામાં આવે છે. આ માટે યુઝરે પ્લેગ્રાઉન્ડમાં ઊતરતાથી સાથે જ તેણે અટૅક મોડમાં આવી જવું પડે છે. ગેમની શરૂઆતમાં સૌથી પહેલાં બોટ આવતાં હોય છે. બની શકે એક જ જગ્યા પર એકસાથે વધુ સ્ક્વૉડ ઊતરતાં તરત જ પ્લેયરનો સામનો થાય. જોકે મોટા ભાગે બોટ આવતાં હોય છે. તો શક્ય હોય એટલા બોટને ગેમ શરૂ થતાંની પાંચ મિનિટની અંદર કિલ કરી નાખવા. ત્યાર બાદ પ્લેયર્સ હોવાના ચાન્સ વધુ છે. આ બોટને જેમ-જેમ મારવામાં આવે એમ કે/ડી રેશિયો વધતો જશે. દસ ગેમમાં ટોટલ ૩૦ પ્લેયરને કિલ કર્યા હોય તો આ રેશિયો ત્રણનો રહેશે. બની શકે એક ગેમમાં પાંચ હોય અને એક ગેમમાં એક જ હોય. જોકે ઍવરેજ ત્રણનો રેશિયો રહેશે.

