વજનમાં આ મોટો ફરક દેખીતો છે. પણ એ રાતોરાત આવતો નથી. કેટલીક મેડિકલ કન્ડિશનને છોડીને મોટા ભાગના લોકોનું વજન ધીમે-ધીમે વધતું ચાલે છે
પ્રતીકાત્મક તસવીર
તમારો વેઇટલૉસનો ટાર્ગેટ શું છે? એક મહિનામાં ૫-૬ કિલો? એવી ઘણી રીતો છે જેનાથી આ ટાર્ગેટને શક્ય બનાવી શકાય. રૅબિટ જેવી માનસિકતા ધરાવતા લોકો એક ડાયટથી બીજા ડાયટ પર કૂદકા મારતા રહે છે, પણ ઊતરેલું વજન બીજા જ મહિને પાછું જ્યાં છે ત્યાં આવી જાય છે. વેઇટલૉસ તો જરૂરી છે જ, પણ જેટલું વજન ઉતાર્યું એ ટકી રહે એ પણ એટલું જ જરૂરી છે. એ માટે કાચબા જેવી કન્સિસ્ટન્સી હોય તો જ કાયમી પરિણામ મળે છે. જો તમે ઇચ્છતા હો કે વેઇટલૉસ થાય તો એ કાયમી થાય તો એના માટે લાંબા ગાળે શું કરવું એ આજે વર્લ્ડ ઓબેસિટી ડેના દિવસે સમજી લઈએ
મોટા ભાગે આપણે જ્યારે આપણા આદર્શ વજન કરતાં ૨૦-૪૦ કિલો ઉપર પહોંચી જઈએ, આપણને પ્રી-ડાયાબિટીઝ આવે કે કૉલેસ્ટરોલ આવે, ફૅટી લિવર આવે ત્યારે કે સ્ત્રીઓના કેસમાં તેમને PCOD આવે કે પ્રેગ્નન્સી પ્લાન કરવાની આવે ત્યારે આપણને સમજાય છે કે આપણે જે વર્ષોથી ટાળતા હતા હવે એ ટળાય એમ નથી. હવે વજન ઓછું કરવું જ પડશે. એ પણ ૨-૫ કિલો નહીં, ઘણુંબધું વજન ઓછું કરવાનું છે. આ મોટો પહાડ જેવો વેઇટલૉસ કઈ રીતે પાર પડશે એ સમજતાં વાર લાગે છે. એ સમજાય પછી એના માટે અતિ મહેનત શરૂ થાય છે. આંગણે આવીને ઊભેલા રોગો કહે છે કે જલદી વજન ઉતારો નહીંતર અમે તમારા શરીરમાં ઘૂસી જ જઈશું અને એ જલદી ઉતારવા માટેના અથાગ પ્રયત્નો ચાલુ થઈ જાય છે. એકદમ કડક ડાયટિંગ અને દરરોજની નિયમિત એક્સરસાઇઝ ચાલુ થઈ જાય છે. શુગર બંધ, પાર્ટીઓ બંધ, બહારનું ખાવાનું બંધ, પૅકેટ ફૂડ, જન્ક ફૂડ બંધ અને વેઇટલૉસ ચાલુ થઈ જાય છે. તળેલાનો ‘ત’ આપણા જીવનના કક્કામાંથી ગાયબ થઈને સલાડનો ‘સ’ મોટા અક્ષરોમાં કોતરાઈ જાય અને બે મહિનામાં ભયંકર મહેનત કરીને ૮ કિલો વજન ઊતરી પણ જાય. પરંતુ આટલા સારા રિઝલ્ટ પછી થોડીક ચીટિંગ કરવાનું મન થાય એ સહજ છે જેમાં એક દિવસ જો સમોસા કે વડાપાંઉ માટે મન લલચાઈ જાય કે એક દિવસ જૂની ફેવરિટ રેસ્ટોરાંમાં જમવાનું થાય કે બીજા દિવસે તરત જ એકથી દોઢ કિલો વજન વધી જાય. વેઇટલૉસ માટે બે મહિનાથી સતત એક્સરસાઇઝ કરતા હો પણ ૧૦ દિવસ બહારગામ ફરવા જઈએ એમાં એ છૂટી જાય અને પાછા આવીએ ત્યારે લાગે કે ફરવાના આનંદ કરતાં ૩ કિલો વજન વધી ગયાનું દુઃખ ભારે થઈ જાય. વજન ઘટાડવું જેટલું અઘરું છે એના કરતાં પણ વધુ અઘરું છે ઘટેલા વજનને ટકાવી રાખવાનું. જેણે પણ જીવનમાં વજન ઓછું કર્યું છે તે આ સત્ય સમજતા જ હશે. આજે એ સમજવાની કોશિશ કરીએ કે વજન કઈ રીતે ઘટાડવું કે એ કાયમી બની રહે.
ADVERTISEMENT
વજનનું વિજ્ઞાન
વજનનું વિજ્ઞાન સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે લગ્ન પછી મારું વજન એટલું વધી ગયું કે સ્ત્રીઓ કહેશે કે ૨૦ વર્ષે હું ૫૦ કિલોની હતી અને ૪૦ વર્ષે હું ૮૦ કિલોની થઈ ગઈ છું. વજનમાં આ મોટો ફરક દેખીતો છે. પણ એ રાતોરાત આવતો નથી. કેટલીક મેડિકલ કન્ડિશનને છોડીને મોટા ભાગના લોકોનું વજન ધીમે-ધીમે વધતું ચાલે છે. જો વજન વધ્યું હોય તો એક વર્ષમાં વધુમાં વધુ પાંચ કિલો જેવું વધ્યું હોય. પછી બીજા વર્ષે બે કિલો વધે. એમ ધીમે-ધીમે શરીરની ચયાપચયની ક્રિયા બગડે અને વજન વધતું ચાલે. હવે માનો કે ૨૦ કિલો વજન તમે છેલ્લાં ૨૦ વર્ષમાં વધાર્યું હોય તો એને રાતોરાત ઓછું કરી દેવાની ભલે તમને લાગે કે તાતી જરૂર છે, પણ એનાં શરીર પર નુકસાન પણ એટલાં જ છે. વજન જેટલું ધીમે વધ્યું છે એટલું જ શાંતિથી ઉતારો એ એક આદર્શ પરિસ્થિતિ છે. આ રીતે ઉતારેલું વજન ટકે છે, બાકીનું વજન જલદી વધી જતું હોય છે.’
વેઇટલૉસની ફૉર્મ્યુલા
કાયમી વેઇટલૉસ માટે કઈ રીતે અને કેટલું વજન ઉતારવું જોઈએ એ વિશેની ફૉર્મ્યુલા સૂચવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘વેઇટલૉસમાં કેટલું વજન ઘટાડવું સારું એની અમુક ફૉર્મ્યુલા છે. જેમ કે ૧ કિલો વજન ઉતારવા માટે ૭૭૦૦ કૅલરી ઘટાડવી જરૂરી છે. આદર્શ રીતે આ કૅલરી ઘટાડવાનો સમય એક અઠવાડિયું હોવું જોઈએ જેના માટે દરરોજ એક્સરસાઇઝથી ૩૦૦ કૅલરી અને ડાયટ ૪૦૦-૫૦૦ કૅલરી ઓછી કરતાં દર અઠવાડિયે તમારા વજનનું કુલ ૧ ટકા બૉડી વેઇટ ઊતરે. ટાર્ગેટ એ હોવો જોઈએ કે ૧ ટકા બૉડી વેઇટ દર અઠવાડિયે ઘટાડો. મૅક્સિમમ જો તમે ૭૦ કિલોના હો તો દર અઠવાડિયે ૭૦૦ ગ્રામ ઓછું કરવું. આ રીતે ઘટાડેલું વજન સાચી રીતે ઘટાડેલું ગણાય.’
સતત પૅટર્ન બદલવી પડે
આ ફૉર્મ્યુલામાં તકલીફ ક્યાં ઊભી થાય છે એ પણ સાથે સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘દરેક વ્યક્તિ અલગ છે અને તેના શરીરનું બંધારણ અલગ છે. ઘણી વાર કોઈ વ્યક્તિ હેલ્ધી જ ખાતી હોય છતાં જાડી હોય, ઘણી વાર લોકો પરિશ્રમ કરતા હોય, નિયમિત એક્સરસાઇઝ કરતા હોય તો પણ તેનું વજન વધુ હોય એમ બને. આવા લોકોને જુદા પ્રકારે વજન ઊતરે. તેમને વજન ઉતારતાં વાર લાગે. ઘણા લોકોએ ક્યારેય એક્સરસાઇઝ ન કરી હોય અને એકદમ શરૂ કરે તો તરત વજન ઊતરવા લાગે. ઘણા લોકો ખૂબ બહારનું ખાતા હોય અને જેવી શુગર છોડે, કૅલરી ઘટાડે, ઘરનું ખાવાનું શરૂ કરે કે તરત જ વજન ઘટવા લાગે. કોઈને ખૂબ બ્લોટિંગ રહેતું હોય તો ડાયટનાં પહેલાં બે અઠવાડિયાંમાં જ ૨-૩ કિલો સરળતાથી ઘટી જાય. પણ જેવું શરીર અમુક પ્રકારની ડાયટ અને એક્સરસાઇઝ સાથે ટેવાય એવું વજન ઊતરવાનું બંધ થઈ જાય. આમ સતત શરીરને કસવું પડે, સતત પૅટર્ન બદલવી પડે ત્યારે વેઇટલૉસ થાય. પણ કોશિશ એવી કરવી પડે કે દર અઠવાડિયે ૧ ટકા વજન તો ઊતરે જ. આમ બેબી સ્ટેપ્સ લઈને આગળ વધીએ તો કાયમી પરિણામ મળે.’
રોગ આવી જાય ત્યારે જરૂરી વેઇટલૉસ
ધારો કે તમને બૉર્ડર લાઇન કૉલેસ્ટરોલ કે ડાયાબિટીઝ આવ્યું હોય, પ્રેગ્નન્સી જલદી પ્લાન કરવાની હોય, ઘૂંટણનો દુખાવો ખૂબ વધી ગયો હોય અને તમારે તાત્કાલિક વજન ઓછું કરવું પડે એમ હોય તો શું ધ્યાનમાં રાખવાનું? એ વિશે વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘જેમને લાઇફસ્ટાઇલ ડિસીઝ હોય કે વજનને કારણે જ કોઈ તકલીફ આવી હોય તેમનું વજન પણ એકદમ ઘટાડવાનું હોતું નથી. લાઇફસ્ટાઇલ ડિસીઝ ૧૦ કિલો વજન ઉતારવાથી જ પાછો જાય એવું હોતું નથી. એ ધીમે-ધીમે શરીરમાં પ્રવેશ્યો છે એટલે એ ધીમે-ધીમે જ જશે. પણ આ પરિસ્થિતિમાં જે ખૂબ જ જરૂરી છે એ છે લાઇફસ્ટાઇલ ચેન્જ. જો લાઇફસ્ટાઇલ બદલાશે તો એક મહિનાની અંદર એ રોગ પણ કાબૂમાં આવી જ જશે. પણ આ પરિસ્થિતિમાં એક મહિનામાં વધુમાં વધુ ૩-૪ કિલો વજન ઉતારવાનો ટાર્ગેટ રાખવું પડે. એનાથી વધુ જો વજન ઊતરે તો એ તરત જ વધી જાય એ નક્કી વાત છે.’
આટલું ધ્યાન રાખો
એક વખત ૧૦ કિલો વજન ઊતર્યા પછી વ્યક્તિમાં એક જુદો આત્મવિશ્વાસ ડેવલપ થાય છે. તેને લાગે છે કે મને હવે ખબર છે કે વજન કેમ ઉતારાય. એટલે તે થોડી છૂટછાટ લેવા માંડે છે. ૨ દિવસ એક્સરસાઇઝ સ્કિપ કરી દે. તળેલું ખાવાનું શરૂ કરી દે. આ બધાથી તરત ૧-૨ કિલો જે વજન વધે એ શરીર પર એકદમ દેખાતું નથી. આ વાત સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘એ ૧-૨ કિલો વધેલું વજન ઉતારવું સરળ છે એટલે લોકો એને અવગણે છે. હકીકતમાં જો તમારે ઊતરેલું વજન ટકાવી રાખવું હોય તો જેવું ૧-૨ કિલો વધે કે તરત સાવધાનીથી એને ઘટાડી દો. એ તમને જરાય અઘરું નહીં પડે. એક વાર તમે એને અવગણ્યું પછી વજન વધતું જ જશે. અને એકસાથે ૫-૭ કિલો ઓછું કરવું ફરીથી એક મોટો ટાસ્ક લાગશે. ઘણા લોકોને આ પ્રકારનું વેઇટ-ગેઇન એટલું હતાશ કરી દે છે કે તેમને ફરીથી વેઇટલૉસ માટેનું મોટિવેશન મળતું નથી. પરંતુ હકીકત એ છે કે જો તમે ૧-૨ કિલો માટે જાગ્રત રહેશો તો ફરીથી મોટો ટાસ્ક ક્યારેય હાથમાં નહીં લેવો પડે.’

