વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે દુનિયાભરમાં ૩૦ વર્ષથી ૭૮ વર્ષની ઉંમરના ૧.૨૮ અબજ લોકો હાઇપરટેન્શન ધરાવે છે અને વર્ષે એક કરોડ લોકો આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.
પ્રતીકાત્મક તસવીર
હાઇપરટેન્શન એક ખૂબ જ ગંભીર અને મૅનેજ ન કરી શકાય તો જીવલેણ બીમારી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે દુનિયાભરમાં ૩૦ વર્ષથી ૭૮ વર્ષની ઉંમરના ૧.૨૮ અબજ લોકો હાઇપરટેન્શન ધરાવે છે અને વર્ષે એક કરોડ લોકો આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. આવતી કાલે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે ત્યારે આ સમસ્યાને ઍલોપથી, હોમિયોપથી અને આયુર્વેદની દૃષ્ટિએ સમજીએ
સાઇલન્ટ કિલર ગણાતી અને સામાન્ય રીતે મોટી ઉંમરે આવતી શરીરની એક ગંભીર કન્ડિશન હાઈ બ્લડપ્રેશર હવે નાના-મોટાનો ભેદ ભૂલી ગઈ છે. ટીનેજ બાળકોમાં પણ હાઈ બ્લડપ્રેશરના કિસ્સા જોવા મળી રહ્યા છે. હાર્ટે શરીરના તમામ હિસ્સાઓ સુધી ઑક્સિજનયુક્ત બ્લડ પહોંચાડવાનું કામ પ્રત્યેક ક્ષણ કરવાનું હોય છે. આપણા જન્મથી લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી આ કામ હૃદય કરે છે, પરંતુ આ કામ કરવામાં વિઘ્નહર્તા બને છે હાઈ બ્લડપ્રેશર. કઈ રીતે એ સમજીએ. ધારો કે તમારા નળ વાટે પાઇપલાઇનના માધ્યમે ઠેર-ઠેર પાણીની સપ્લાય કરી રહ્યા છો. હવે જે પાઇપલાઇન થકી પાણીની સપ્લાય થાય છે એ પાઇપમાં કચરાના થર જામે, અંદરથી એ સાંકડી થઈ જાય, ક્યાંક વળાંકવાળી જગ્યાએ એનું લચીલાપણું ઓછું થવાથી એ અક્કડ થઈ ગઈ હોય ત્યારે શું થશે? કાં તો અમુક સ્થાને એ પાણી નહીં પહોંચે અથવા નળમાંથી પાણીનો ફ્લો એવો વધારવો પડશે કે કોઈક દિવસ આ પાઇપલાઇનનો અમુક હિસ્સો ફાટી શકે અને બીજી બાજુ નળ પર પણ લોડ વધે. હાર્ટ નળના સ્થાને છે, જે રક્તનો પ્રવાહ રક્તવાહિનીઓ થકી રક્તપુરવઠો આખા શરીરમાં પહોંચાડે છે. જોકે રક્તવાહિનીમાં બ્લૉકેજ થવાથી દીવાલો સાંકડી થાય અથવા એનું લચીલાપણું ઘટે અને એ કઠણ થાય ત્યારે રક્ત પુરવઠો શરીરના બધા હિસ્સા સુધી પહોંચે નહીં. ઑક્સિજનયુક્ત લોહી નથી મળ્યું એવો મેસેજ જે-તે અવયવો થકી બ્રેઇનને પહોંચે અને બ્રેઇન હાર્ટને મેસેજ મોકલાવે કે લોહીનો પુરવઠો અપૂરતો છે. હાર્ટ વધારે મહેનત કરે. હાર્ટ પોતાની તમામ શક્તિ લગાવીને આ રક્ત પુરવઠો બધે પહોંચે એ માટે પ્રેશર વધારે. રક્તવાહિનીઓમાં ડિફેક્ટ છે એટલે જ રક્ત પહોંચી નથી રહ્યું. એમાં જો સતત હાર્ટ થકી પ્રેશર મળતું રહે તો એ વધારે ડૅમેજ થવાની સંભાવના રહે. સાથે જ હાર્ટની મહેનત પણ વધી જવાથી ક્યારેક એ પણ થાકે અને છેલ્લે રક્ત પુરવઠાની કમીને કારણે રક્તવાહિની અને હાર્ટ દ્વારા ચાલી રહેલી જદ્દોજહદની અસર, ઓછું લોહી મળી રહ્યું હોવાની અસર શરીરનાં લિવર, કિડની, બ્રેઇન જેવાં અન્ય ઑર્ગન્સ પર પણ પડે જ. આ જ કારણ છે કે હાઈ બ્લડપ્રેશર જોખમી છે. હાઈ બ્લડપ્રેશર ધીમે-ધીમે શરીરનાં તમામ ઑર્ગન્સ પર પ્રભાવ પાડી શકે છે અને સ્ટ્રોક, હાર્ટ-અટૅક જેવી સમસ્યાથી જીવલેણ પણ સાબિત થઈ શકે છે એવા અઢળક કિસ્સાઓ છે. જોકે સારી બાબત એ છે કે હાઈ બ્લડપ્રેશરના રૂટ કૉઝને સમજીને જો એને મૅનેજ કરવામાં આવે, એની સરખી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જીવનભર વાંધો નથી આવતો. આજે દુનિયાભરમાં હાઈ બ્લડપ્રેશરના દરદીઓનું પ્રમાણ પૅન્ડેમિકની જેમ વ્યાપક થઈ રહ્યું છે ત્યારે શરીરની આ અવસ્થાને જુદા-જુદા પૉઇન્ટ ઑફ વ્યુથી સમજીએ.
ADVERTISEMENT
ઍલોપથીનો ઇલાજ


ડૉ. પવનકુમાર, હાર્ટ સર્જ્યન
હાઈ બ્લડપ્રેશરને માપવાનું મશીન બનાવીને આ બીમારીની ગંભીરતાને દુનિયા સામે મૂકવામાં મૉડર્ન મેડિકલ સાયન્સના વૈજ્ઞાનિકોનો બહુ જ મોટો ફાળો છે. હાઈ બ્લડપ્રેશરની દવા જીવનભર લેવી પડે, જે દરદીની કન્ડિશન મુજબ નક્કી થાય. કોઈક દવા છે જે શરીરમાં વૉટર રિટેન્શન થકી હૃદયની ધમનીઓમાં પ્રેશર વધારવાનું કામ કરે એવા સોડિયમ એટલે કે મીઠાના પ્રમાણને ઘટાડે, કોઈક આર્ટરીને ટાઇટ કરવાનું કામ કરતાં હૉર્મોન્સને બ્લૉક કરે, કોઈક હાર્ટ-રેટને ઘટાડીને હૃદયને રિલૅક્સેશન આપે. ક્યારેક દરદીની કન્ડિશન મુજબ કૉમ્બિનેશનવાળી દવાઓ પણ અપાય. અહીં હાર્ટ સર્જ્યન ડૉ. પવનકુમાર કહે છે, ‘હાઈ બ્લડપ્રેશરમાં ઍલોપથીની દૃષ્ટિએ એની પાછળનાં કારણોની સમજણની ખૂબ જરૂર છે. હાઈ બ્લડપ્રેશરના એકથી વધુ કારણો છે. કોઈકને હેરિડેટરી કારણોને લીધે થયું છે તો કોઈને કિડની ડિસીઝ, થાઇરૉઇડ જેવા કોઈ અન્ય રોગને કારણે હાઈ બ્લડપ્રેશર છે. ક્યાંક પ્યૉર અને પ્યૉર માત્ર લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસને કારણે છે. જો કોઈ ડૉક્ટર આ કારણોને સમજ્યા વિના મેડિસિન આપે તો ઍલોપથીમાં પણ ખોટી દવાને કારણે હાઈ બ્લડપ્રેશરની દવાઓની સાઇડ ઇફેક્ટ વધી શકે છે. બીજી વાત સમજીએ કે કિડનીના રોગોને કારણે હાઈ બ્લડપ્રેશર થઈ શકે એમ હાઈ બ્લડપ્રેશરને કારણે કિડની ડિસીઝ પણ થઈ શકે. આજે અનિયમિત અને બેઠાડુ જીવનશૈલી એ બ્લડપ્રેશરનું સૌથી મોટું કારણ છે. જન્ક ફૂડનું સેવન, એક્સરસાઇઝનો અભાવ, સ્મોકિંગ અને આલ્કોહોલ ઇન્ટેક, અનિદ્રા, સ્ટ્રેસ, સૉલ્ટી અને ઑઇલી વસ્તુઓનું અતિસેવન વગેરેને કારણે બ્લડપ્રેશર થાય ત્યારે દવાઓની સાથે લાઇફસ્ટાઇલ મૅનેજમેન્ટ મહત્ત્વનું છે. ઘણી વાર શરીરમાં અમુક પ્રકારનાં હૉર્મોન્સનું સિક્રેશન બ્લડપ્રેશરનું કારણ બને. જેમ કે એડ્રિનલિન નામનાં હૉર્મોન્સનું સિક્રેશન વધારે પડતું થાય અને બ્લડપ્રેશરને નિમંત્રણ આપતું હોય તો એવા કેસમાં હૉર્મોનલ થેરપીથી પણ ઇલાજ ઉચિત પરિણામ આપે છે.’
હોમિયોપથીનો ઇલાજ


ડૉ. જવાહર શાહ, હોમિયોપથી એક્સપર્ટ
હોમિયોપથીની દવાઓ હાઈ બ્લડપ્રેશરના પ્રારંભિક તબક્કામાં મહત્ત્વપૂર્ણ પરિણામ આપી શકે છે. લૉન્ગ ટર્મમાં હોમિયોપથી કઈ રીતે હાઈ બ્લડપ્રેશરમાં મદદ કરે એ વિશે ડૉ. જવાહર શાહ કહે છે, ‘હોમિયોપથીની ઇલાજની પદ્ધતિમાં વ્યક્તિને થયેલા રોગનાં કારણોનું નિદાન મલ્ટિપલ ફૅક્ટર પર અવલંબિત હોય છે. હાઈ બ્લડપ્રેશર થવાનું એક મહત્ત્વનું કારણ શૉક હોઈ શકે. વ્યક્તિના જીવનમાં કોઈ આઘાતજનક ઘટના ઘટી અને એ પછી તેને હાઈ બ્લડપ્રેશર આવ્યું તો એનો ઇલાજ અલગ હશે. મારી પાસે એવા દરદીઓ છે જેમને બ્રેકઅપ પછી અથવા પ્રિયજનનું ડેથ થયા પછી, એકાએક નોકરી છૂટ્યા પછી બ્લડપ્રેશરની સમસ્યા થઈ હતી. હોમિયોપથીમાં જો તમે તાત્કાલિક યોગ્ય નિદાન પછી એની દવાઓ શરૂ કરો તો ફૅન્ટૅસ્ટિક રિઝલ્ટ મળી શકે છે. જોકે હોમિયોપથીની દવાઓમાં લાઇફસ્ટાઇલ મૉડિફિકેશન મહત્ત્વનું છે. તમે જો લાઇફસ્ટાઇલ બદલો, સાથે લાઇફ મૅનેજમેન્ટની દવા સાથે હોમિયોપથીમાં હાઈ બ્લડપ્રેશરની દવા લો તો ખરેખર સરસ પરિણામ મળી શકે છે. ઍક્યુટ લેવલ પર તાત્કાલિક બ્લડપ્રેશર લો કરવાની દવાઓ પણ છે. જો તમારી બીમારી ક્રૉનિક છે એટલે કે ઘણાં વર્ષોથી તમને ડાયાબિટીઝની સમસ્યા છે અને પહેલેથી જ દવાઓ ચાલે છે તો એ દવા બંધ કરવાનું ક્યારેય હોમિયોપથીમાં નથી કહેવાતું. એ દવા સાથે વ્યક્તિના શરીરના કૉન્સ્ટિટ્યુશનને બહેતર બનનારી દવા આપીએ. જેમ-જેમ રિકવરી થાય એમ ઍલોપથીની દવાનો ડોઝ ઘટી જાય એવું ઇમ્પ્રૂવમેન્ટ હોમિયોપથીની દવાથી લાવી શકાય છે. હાઈ બ્લડપ્રેશરના દરદીઓ માટે નિયમિત વૉક, સૉલ્ટ અને ઑઇલનું સેવન ઘટાડવું, જન્ક ફૂડના સેવન ન કરવું, આલ્કોહોલ અને સ્મોકિંગથી દૂર રહેવું અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લો તો ધીમે-ધીમે તમારા બ્લડપ્રેશરમાં એક શિફ્ટ દેખાવાનું શરૂ થઈ જાય છે. હોમિયોપથીમાં એવી કેટલીક દવાઓ છે જે સાઇકોલૉજિકલ, ન્યુરોલૉજિકલ,
એન્ડોક્રિનોલૉજિકલ અને ઇમ્યુનિટી પર કામ કરે અને લાંબા ગાળે એની અસર બ્લડપ્રેશરની સ્થિતિ પર પડે.’
આયુર્વેદ અને યોગથી ઇલાજ


ડૉ. હરીશ ભાકુની, આયુર્વેદ રિસર્ચર
કેન્દ્ર સરકારે ‘ધ નૅશનલ પ્રોગ્રામ ફૉર પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ કૅન્સર, ડાયાબિટીઝ, કાર્ડિઍક ડિસીઝ ઍન્ડ સ્ટ્રોક (NPCDCS)’ નામે લૉન્ચ કરેલી સ્કીમમાં આ રોગોના મૅનેજમેન્ટમાં રિસર્ચ બેઝ્ડ કામ થઈ રહ્યું છે જેમાં આયુર્વેદ, યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને સામેલ કરવામાં આવી છે. એને લગતાં સંશોધનો થયાં છે અને એનાં પ્રભાવશાળી પરિણામ પણ મળ્યાં છે. જોકે પ્રત્યક્ષ સ્વરૂપે જોવા જઈએ તો હાઈ બ્લડપ્રેશર નામની બીમારીનો આયુર્વેદના ગ્રંથોમાં ડાયરેક્ટ ઉલ્લેખ નથી પરંતુ હાઈ બ્લડપ્રેશરને કારણે શરીર પર થતી અસરોની વાત આવે છે. શરીરના ત્રણ મુખ્ય દોષોમાં અસંતુલન રોગોનું નિર્માણ કરે છે. આયુર્વેદમાં હાઈ બ્લડપ્રેશરને પણ આ દોષો સાથે સાંકળીને એના મૅનેજમેન્ટ પર કામ થઈ રહ્યું છે. એના જ આધારે નવી દવાઓ શોધાઈ રહી છે. આયુર્વેદમાં રિસર્ચ વર્ક કરતી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદમાં રિસર્ચર તરીકે સક્રિય ડૉ. હરીશ ભાકુની કહે છે, ‘આયુર્વેદમાં હંમેશાં રોગને વ્યક્તિની પ્રકૃતિના આધારે ટ્રીટ કરવામાં આવે છે. આયુર્વેદની વિવિધ દવાઓ થકી રક્તવાહિનીઓમાં આવતી અકડન પર કામ થાય છે. અત્યારે ઇન્ટિગ્રેશનનો જમાનો છે. ઍલોપથી, આયુર્વેદ અને યોગના ઇન્ટિગ્રેશનથી હાઈ બ્લડપ્રેશરના મૅનેજમેન્ટમાં અને એની શરીરના અન્ય અવયવો પર થતી આડઅસરોને નિવારવાની દિશામાં ભરપૂર કામ થયું છે. આયુર્વેદના ગ્રંથોમાં અપાયેલા અનુપ્ત વ્યાધિ સિદ્ધાંત એટલે જે બીમારી ન સમજાય એનાં લક્ષણોને દોષોના માધ્યમથી ઓળખીને ઇલાજ કરવો એના પર અમારાં સંશોધનો ચાલે છે. એ રીતે પિત્તપ્રકૃતિમાં થતા હાઈ બ્લડપ્રેશર કરતાં વાત પ્રકૃતિવાળાને થતા હાઈ બ્લડપ્રેશર અને કફ પ્રકૃતિના દરદીને થતા હાઇપરટેન્શનનાં કારણો અને ઇલાજ જુદાં હોઈ શકે. તેમની મેન્ટલ સ્થિતિનો પણ અભ્યાસ થશે. અમે ઑબ્ઝર્વેશનમાં જોયું છે કે મોટા ભાગે નાની ઉંમરમાં હાઈ બ્લડપ્રેશર હોય એ પિત્તિક એટલે કે પિત્ત દોષમાં આવેલા અસંતુલનને કારણે થાય. એમાં ગભરાટ, માથાનો દુખાવો, બ્લડપ્રેશરમાં મોટા પાયે ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. આયુર્વેદમાં સર્પગંધાના આખા પ્લાન્ટ સાથે બનતી દવાનો વ્યક્તિની પ્રકૃતિના નિદાન પછી ઉપયોગ થાય છે. કોઈકને સર્પગંધાને બદલે અશ્વગંધા અપાય છે તો કોઈકને મુક્તાવટીથી હેલ્પ થાય. આ ઉપરાંત એક નવી દવા પર સંશોધન કરીને હ્યુમન ટ્રાયલમાં મળેલી સફળતા પછી અમે પેટન્ટ માટે મોકલી છે. આ દવા ત્રણેય દોષના દરદીઓમાં અનુકૂળ પરિણામ આપનારી સાબિત થઈ છે.’
યોગથી પણ નિશ્ચિત લાભ થશે
હાઈ બ્લડપ્રેશરમાં સારો આહાર, વિહાર, સ્ટ્રેસ મૅનેજમેન્ટના ઉચિત પ્રયાસો મદદ કરે છે એ વાત બધી જ પથીઓ સ્વીકારી ચૂકી છે. યોગ એ રીતે ખૂબ જ ઉપયુક્ત અભ્યાસ છે. તાડાસન, ત્રિકોણાસન જેવાં આસનો થકી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે. અક્કડ થયેલી આર્ટરીઝ પણ ખેંચાણને કારણે રિકવર થઈ શકતી હોય છે. અનુલોમ-વિલોમ, ભ્રામરી જેવા પ્રાણાયામો શરીરમાં ઑક્સિજનની માત્રા વધારીને શરીરની આંતરિક કાર્યપ્રણાલીને બહેતર કરવાનું કામ કરે છે. ઓમનું ઉચ્ચારણ અને શ્વાસ સાથે સંકળાયેલા ધ્યાનના અભ્યાસો મનને શાંત કરે છે. વ્યક્તિમાં વિવેકબુદ્ધિ વિકસાવે છે. યોગનો અભ્યાસ સહજ રીતે જન્ક ફૂડથી દૂર રહેવા, વ્યસનો માટે મજબૂત મનોબળ કેળવવામાં મદદરૂપ થઈ શકે છે. એવા અઢળક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર અભ્યાસો થયા છે જેમાં યોગના વિવિધ અભ્યાસોએ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે ઇન્સ્ટન્ટ પરિણામ આપ્યું હોય.


