સ્તન ભરાવદાર હોવાને લીધે કૅન્સર કે બીજી કોઈ પણ ગાંઠ થાય તો એ સરળતાથી એ ભરાવાની અંદર છુપાઈ શકે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આમ તો દરેક સ્ત્રીનો બાંધો અલગ હોય છે જેને લીધે એનાં સ્તનની સાઇઝ પણ અલગ રહે છે. સ્તન નાનાં છે કે મોટાં એ સ્ત્રીના બાંધા પર નિર્ભર કરે છે. ઉંમર પણ એમાં પોતાનું ભાગ ભજવે છે. ભારતીય સ્ત્રીઓનું શરીર જુદું છે. ભારતમાં લગભગ ૨૦-૨૫ ટકા સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર હોય છે. જેટલાં સ્તન ભરાવદાર એટલું બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધુ અને એટલું જ એનું નિદાન પણ અઘરું. સ્તનનો ભરાવો એ ફાઇબ્રો ગ્લેન્ડ્યુલર એટલે કે જે સફેદ ટિશ્યુ છે એની સાથે સંકળાયેલો છે. ફૅટી ટિશ્યુ એ દેખાવમાં ડાર્ક હોય છે. આ ફાઇબ્રો ગ્લેન્ડ્યુલર ટિશ્યુ એ સ્તનમાં દૂધ બનાવવાનું કામ કરે છે એટલે જ સ્ત્રી મા બને પછી એનાં સ્તનનો ભરાવો વધે છે. સ્તનનો ભરાવો જેટલો વધુ એટલું જ એક રેડિયોલૉજિસ્ટ માટે કૅન્સરનું નિદાન કે ગાંઠને શોધવાનું કામ અઘરું બને છે, કારણ કે જો મૅમોગ્રામ કરીએ તો આ ટિશ્યુનો રંગ સફેદ દેખાય છે અને કૅન્સરના કોષો પણ સફેદ જ દેખાય છે. આમ જે ગાંઠ છે એ કૅન્સરની હોય તો એ પણ સફેદ દેખાય છે અને એ ગાંઠને ઘેરીને બેઠેલાં ટિશ્યુ પણ સફેદ દેખાય છે જેને કારણે નિદાન ટેક્નિકલી ચૅલેન્જિંગ છે.



