આંતરિક રક્તસ્રાવને કારણે જખમ થયો હોવાથી દૃષ્ટિ પાછી આવતાં થોડો ટાઇમ લાગશે
આકાશ શાહ
મીરા-ભાઈંદરની જેમ વસઈ-વિરારમાં પણ રસ્તા પરના ખાડા જોખમી બની રહ્યા છે. થોડા દિવસ પહેલાં વિરારના જકાતનાકા પર નબળી ગુણવત્તાના રસ્તા પરના ખાડાને કારણે એક ટીચરે જીવ ગુમાવ્યો હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના હજી તાજી છે ત્યારે વસઈમાં એક ગુજરાતી અખબારવિક્રેતા યુવાનની ખાડાને કારણે આંખ ડૅમેજ થઈ હોવાથી તે ખૂબ ડરી ગયો છે.
વસઈ-વેસ્ટમાં રામેડીનો ૩૨ વર્ષનો આકાશ શાહ અખબારનો વ્યવસાય કરે છે. આકાશના પિતા ૧૩ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા એટલે તે નાની ઉંમરથી આ કામ કરે છે. પેપરનો સ્ટૉલ હોવાની સાથે તે લોકોના ઘરે પેપર આપવા પણ જતો હોય છે. શનિવારે સવારે ચાર વાગ્યે આકાશ રાબેતા મુજબ વસઈ સ્ટેશનથી અખબારો ખરીદવા પોતાની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે વસઈના સ્ટેલા-માણિકપુર વચ્ચેના રોડ પર ખાડાને કારણે બાઇકના ટાયર નીચે પથ્થર આવ્યો હતો જે સીધો તેની આંખમાં વાગ્યો હતો. એને કારણે તેની જમણી આંખને ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેની એક આંખની દૃષ્ટિ ડૅમેજ થઈ હતી. પરિણામે થોડા દિવસ માટે તેણે તેનો વ્યવસાય બંધ રાખવો પડે એમ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ ૧૯૪૮ની કલમ ૬૩ (૧૮) અને (૧૯) મુજબ સારા રસ્તા અને એની જાળવણી મહાનગરપાલિકાની જવાબદારી છે. જો મ્યુનિસિપલ અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો તેમની ફરજ બજાવતા નથી તો તેમની સામે વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવાની જોગવાઈ છે.
થોડા દિવસ મમ્મીએ સ્ટૉલ પર બેસવું પડશે : આકાશ શાહ
ADVERTISEMENT
આકાશ શાહે આ બનાવ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દરરોજની જેમ સવારે પેપર લેવા ગયો ત્યારે રસ્તા પર પડેલા ખાડામાંનો એક પથ્થર સીધો મારી આંખમાં વાગ્યો હતો. ત્યાર બાદ આંખમાં ખૂબ દુખાવો થયો હતો અને સોજો પણ આવી ગયો હતો. દુખાવો ખૂબ વધવા લાગ્યો અને અસ્પષ્ટ દેખાવા લાગ્યું એટલે મેં પારનાકામાં આંખના ક્લિનિકમાં સારવાર લીધી, પણ મને અસ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ડૉક્ટરે આપેલી માહિતી મુજબ આંતરિક રક્તસ્રાવને કારણે જખમ થયો છે. એમાં સંક્રમણને કારણે દૃષ્ટિ આવતાં થોડો વિલંબ થશે. ત્યાં સુધી એક આંખે રોજનું કામ કરવું પડશે. થોડા દિવસ પછી સારું લાગ્યા બાદ હું કામ કરી શકીશ. આંખની પટ્ટી ઉતાર્યા બાદ પણ થોડા દિવસ અસ્પષ્ટ દેખાશે. આ બનાવથી હું ખૂબ ડરી ગયો હતો કે મને દેખાશે નહીં તો? મારા પપ્પા ગુજરી ગયાં એને ૧૩ વર્ષ થયાં છે. હું મમ્મી અને નાની બહેન સાથે રહું છું. મારા આ કામ પર પરિવારનું ગુજરાન ચાલે છે. થોડા દિવસ મમ્મીને સ્ટૉલ પર બેસાડવી પડશે. આંખ શરીરનો મુખ્ય ભાગ હોવાથી આવું થતાં ખૂબ તકલીફ થાય છે.’

