Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દાળિયા, ગોળ અને ઘીની ત્રિપુટીનો પાવર જાણી લો

દાળિયા, ગોળ અને ઘીની ત્રિપુટીનો પાવર જાણી લો

Published : 06 June, 2025 12:38 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજકાલ છોકરીઓમાં નાની ઉંમરથી પિરિયડ્સ આવવાની સમસ્યા, મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ વધી રહી છે.

દાળિયા, ગોળ, ચણા

દાળિયા, ગોળ, ચણા


આજકાલ છોકરીઓમાં નાની ઉંમરથી પિરિયડ્સ આવવાની સમસ્યા, મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. એવામાં જો દાળિયા, ગોળ અને ઘીનો સમાવેશ ડેઇલી ડાયટમાં કરવામાં આવે તો મહિલાઓને પિરિયડ્સમાં, પ્રેગ્નન્સી સમયે ખૂબ ફાયદો થાય છે


જાણીતાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ તેમના અનેક પૉડકાસ્ટમાં મહિલાઓને દાળિયા, ગોળ અને ઘી આ ત્રણ વસ્તુનું સેવન કરવાની સલાહ આપી ચૂક્યાં છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરથી જ પિરિયડ્સ આવવાની શરૂઆત થઈ જાય છે. આનું એક મોટું કારણ જન્ક ફૂડ પણ છે. એને કારણે તેમનામાં વધતી જતી સ્થૂળતા અને હૉર્મોનલ અસંતુલનને કારણે નાની ઉંમરથી પિરિયડ્સ આવવાના શરૂ થઈ ગયા છે. મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધવાનું એક પ્રમુખ કારણ આધુનિક જીવનશૈલીમાં અસંતુલિત આહાર, પોષણની કમી અને વધુપડતા પ્રોસેસ્ડ ફૂડનું સેવન છે, જે હૉર્મોનલ સંતુલન અને પ્રજનન-સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ નાખે છે. એટલે રોજિંદા જીવનમાં પોષણયુક્ત ખોરાક પર ધ્યાન આપવું અને જન્ક ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. એવામાં શ્વેતા શાહે દાળિયા, ગોળ અને ઘી મિક્સ કરીને ખાવાનો જે આઇડિયા આપ્યો છે એને તમારા રોજિંદા જીવનમાં હેલ્ધી સ્નૅક આઇટમ તરીકે ઍડ કરી શકો. એ ખાવામાં સ્વાદિષ્ટ, શરીર માટે પૌષ્ટિક અને મહિલાઓની રીપ્રોક્ટિવ હેલ્થ માટે તો ખૂબ જ લાભદાયક છે. જો કિશોરાવસ્થાથી જ આ ત્રણ વસ્તુનો સમાવેશ ડેઇલી ડાયટમાં કરવામાં આવે તો આગળ જતાં એનો ઘણો ફાયદો થાય છે. એ કેવી રીતે એનો જવાબ ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી પાસેથી જાણી લઈએ.



હૉર્મોનલ બૅલૅન્સ


શરીરમાં હૉર્મોનનું બૅલૅન્સ જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવાં હૉર્મોન પિરિયડ્સને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. આ હૉર્મોનના અસંતુલનથી અનિયમિત પિરિયડ્સ, ઇન્ફર્ટિલિટી વગેરેની સમસ્યા થાય છે. મેનોપૉઝમાં આ હૉર્મોનનું ઉત્પાદન ઘટી જાય છે એટલે જ હૉટ ફ્લશિસ, ઊંઘવામાં સમસ્યા, મૂડ-સ્વિંગ્સ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. દાળિયા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે શરીરમાં હૉર્મોનના નિર્માણ અને સંતુલનમાં મદદ કરે છે. ગોળમાં આયર્ન સારા પ્રમાણમાં હોય છે, જે હેલ્ધી હૉર્મોન પ્રોડક્શન માટે જરૂરી છે. એ‍વી જ રીતે ઘીમાં હેલ્થી ફૅટ્સ હોય છે, જે હૉર્મોનના ઉત્પાદનમાં મદદરૂપ બને છે.

પિરિયડ્સમાં રાહત


ગોળ આયર્નથી ભરપૂર હોવાથી હીમોગ્લોબિનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે પિરિયડ્સ દરમિયાન લોહીની કમીની કારણે થાક, કમજોરી ઓછી કરવામાં મદદ કરે છે. ગોળમાં મૅગ્નેશિયમ, પોટૅશિયમ જેવાં મિનરલ્સ હોય છે જે માંસપેશીઓને આરામ પહોંચાડીને પિરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં આરામ આપવાનું કામ કરે છે. એવી જ રીતે દાળિયામાં રહેલું પ્રોટીન પિરિયડ્સ દરમિયાન નબળાઈ ઓછી કરીને શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. ઘણી મહિલાઓને પિરિયડ્સ દરમિયાન અપચો, ગૅસની સમસ્યા થઈ જતી હોય છે તો એવા વખતે ચણા ખાવાથી એમાં રહેલું ફાઇબર પાચનમાં મદદ કરે છે. ઘીમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણો હોય છે જે પિરિયડ પેઇનમાંથી રાહત આપે છે તેમ જ હૉર્મોનને બૅલૅન્સ કરીને પિરિયડ્સને નિયમિત કરવાનું કામ કરે છે.

ગર્ભધારણમાં મદદરૂપ

ગર્ભધારણ માટે ગર્ભાશયની અંદરનું પડ એટલે કે એન્ડોમેટ્રિયમ લાઇનિંગ પૂરતા પ્રમાણમાં જાડી હોવી જરૂરી છે, નહીંતર ગર્ભધારણમાં સમસ્યા થાય છે. એન્ડોમેટ્રિયમ લાઇનિંગમાં જ ફર્ટિલાઇઝ્ડ એગ સ્થાપિત થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. દાળિયા, ગોળ અને ઘી આ ત્રણેય વસ્તુમાં આયર્ન, ઝિન્ક, હેલ્ધી ફૅટ્સ, ફોલિક ઍસિડ જેવાં પોષક તત્ત્વો હોય છે જે હલ્ધી એન્ડોમેટ્રિયમ લાઇનિંગને સપોર્ટ કરવાનું કામ કરે છે.

ગર્ભવતીઓ માટે સારું

ગર્ભવતી મહિલાઓ દાળિયા, ગોળ અને ઘીના મિશ્રણનું સેવન કરે તો તેમના શરીરને અનેક આવશ્યક પોષક તત્ત્વો મ‍ળી રહે છે જે બાળકના વિકાસ માટે જરૂરી છે. ગોળમાં રહેલું આયર્ન પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખીને એનીમિયા થતો રોકે છે. ચણા ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત છે, જેનું સેવન હેલ્ધી પ્રેગ્નન્સી માટે ખૂબ જરૂરી છે. એવી જ રીતે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ આનું સેવન લાભદાયક છે. એનાથી દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ મળી શકે છે. એનાથી શરીરને ઊર્જા પણ મળે જેથી થાક પણ ઓછો લાગે.

પુરુષો માટે પણ સારું

દાળિયા, ગોળ અને ઘીનું મિશ્રણ ખાવાથી ફક્ત સ્ત્રીઓને ફાયદો થાય છે એવું નથી, એનાથી પુરુષોની રીપ્રોડક્ટિવ હેલ્થ પણ સારી થાય છે. દાળિયામાં રહેલું ઝિન્ક સ્પર્મના ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં સુધાર કરવામાં મદદ કરે છે, જ્યારે ​આયર્ન ટેસ્ટોસ્ટેરોનના પ્રોડક્શનમાં મદદ કરે છે. ગોળમાં ઝિન્ક અને સેલેનિયમ જેવાં મિનરલ્સ હોય છે જે સ્પર્મ મોટિલિટી એટલે કે શુક્રાણુની ગતિશીલતા અને ઓવરઑલ ફર્ટિલિટી માટે જરૂરી છે. ઘીની વાત કરીએ તો એમાં હેલ્ધી ફૅટ્સ ઓવરઑલ રીપ્રોડક્ટિવ હેલ્થને સારી રાખવામાં મદદરૂપ બને છે.

કઈ રીતે બનાવશો?

દાળિયા, ગોળ અને ઘીનો રેગ્યુલર ડાયટમાં સમાવેશ કરવા માટે તમે એની ચિક્કી કે લાડુ બનાવીને ખાઈ શકો. એમાં તમે ઇચ્છો તો તલ પણ ઍડ કરી શકો. તલ નાખવાથી એ વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનશે. એ માટે તમે એક કપ દાળિયા લો, અડધો કપ ગોળ લો, એક ટેબલસ્પૂન ઘી લો અને બે ટેબલસ્પૂન તલ લો. સૌથી પહેલાં એક પૅનમાં તલને હલકા બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકી લો. એ પછી તલને એક બાઉલમાં કાઢીને સાઇડમાં મૂકી દો. હવે પૅનમાં ઘી અને ગોળ નાખો. ગોળ પીગળી જાય એટલે એમાં દાળિયા અને તલ નાખી દો. બધાને સરખી રીતે મિક્સ કરી દો. આ મિશ્રણને એક થાળીમાં કાઢીને એને સરખી રીતે ફેલાવી દો. એ ઠંડુ થઈ જાય એટલે એના નાના-નાના ટુકડા કરીને એક ટાઇટ જારમાં ભરી લો. આ સ્નૅકને તમે દરરોજ એન્જૉય કરી શકો છો.

બીજા પણ ઘણા ફાયદા છે

પાચન સુધારે - દાળિયામાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે. ફાઇબર આપણા ગટમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે છે, જે પાચન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મદદરૂપ બને છે. એ‍વી જ રીતે ગોળમાં લૅક્સેટિવ પ્રૉપર્ટીઝ હોય છે જે પેટ સાફ કરવામાં મદદરૂપ બને છે, જ્યારે ઘી આંતરડાને લુબ્રિકેશન પૂરું પાડીને આંતરડામાંથી ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.

વેઇટ-મૅનેજમેન્ટ - દાળિયા, ગોળ અને ઘીનું મિશ્રણ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખીને વાંરવાર કંઈ ને કંઈ ખાવાની જે ઇચ્છા થાય એને નિયંત્રણમાં રાખે છે. ગોળની ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, જ્યારે દાળિયા અને ઘી એને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. આ સેવનથી પાચન સુધરે છે, જેથી પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન સારું થાય છે અને વેઇટ-મૅનેજમેન્ટમાં મદદ મળે છે.

ઇમ્યુનિટી સુધારે - ગોળમાં રહેલું આયર્ન રેડ બ્લડ-સેલ્સના પ્રોડક્શન માટે જરૂરી છે, જે ઇમ્યુન સિસ્ટમ માટે આવશ્યક છે. દાળિયામાં પણ આયર્નની સાથે ઝિન્ક હોય છે, જે ઇમ્યુન ફંક્શન માટે જરૂરી છે. એવી જ રીતે ઘી પાચનક્રિયાને સુધારે છે, જેથી પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન સારું થાય છે અને ઇમ્યુન સિસ્ટમ સુધરે છે.

એનર્જી બૂસ્ટ કરે - ગોળમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ, દાળિયામાં રહેલું પ્રોટીન અને ફાઇબર શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુને ઘી સાથે લેવાથી શરીરમાં ન્યુટ્રિઅન્ટ્સનું ઍબ્સૉર્પ્શન સારી રીતે થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2025 12:38 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK