જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમારું પેટ બહારની તરફ આવવું જોઈએ અને શ્વાસ છોડો ત્યારે પેટ અંદર જવું જોઈએ. આને ડીપ બ્રીધિંગ કહેવાય છે. આ રીતે શ્વાસ લેવાથી મગજ અને નર્વસ સિસ્ટમ ઇન્સ્ટન્ટ્લી શાંત થાય છે.
કરિશ્મા મોમાયા, યોગ-એજ્યુકેટર
આખો દિવસ ઑફિસ કે ઘરના કામકાજમાં વ્યસ્ત રહ્યા પછી પણ જ્યારે તમે રાત્રે સૂવા જાઓ છો ત્યારે મગજમાં વિચારોનો ઘોંઘાટ ચાલુ જ હોય છે. આપણે બહારથી તો શાંત દેખાઈએ છીએ, પણ અંદર વિચારોનું યુદ્ધ ચાલતું હોય ત્યારે એને શાંત કરવું અત્યંત જરૂરી છે. એ કેવી રીતે કરવું એ અહીં જાણી લેજો
આજના ડિજિટલ યુગમાં આપણી પાસે બધું જ છે પણ એક વસ્તુની સૌથી વધુ અછત છે અને એ છે શાંતિ. આપણે સતત સ્માર્ટફોન, લૅપટૉપ અને કામના વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. પરિણામે સ્ટ્રેસ અને હૉર્મોનલ ઇશ્યુઝ આપણને નાની ઉંમરે ઘેરી વળે છે. આવી સ્થિતિમાં સાયલન્સ તમારા શરીરની હીલિંગ પ્રોસેસને વેગ આપે છે. જો તમને પણ એક જગ્યાએ શાંત બેસવું અઘરું લાગતું હોય તો આ લેખ તમારા માટે છે.
ADVERTISEMENT
સાયલન્સ એટલે?
મુલુંડના કાયા યોગ સેન્ટરનાં ફાઉન્ડર અને યોગ એજ્યુકેટર કરિશ્મા મોમાયા ફિઝિકલ વેલનેસમાં સાયલન્સના મહત્ત્વ વિશે સમજાવતાં જણાવે છે, ‘જ્યારે તમારાં બૉડી અને માઇન્ડ એક એવી સ્થિરતાનો અનુભવ કરે જ્યાં હલચલ અટકી જાય ત્યારે સાચા અર્થમાં સાયલન્સ ફીલ થાય છે. આપણે જેને શાંતિ કહીએ છીએ એ માત્ર અવાજની ગેરહાજરી નથી પણ એક ઊંડો અનુભવ છે. આ આખું યુનિવર્સ મૂળભૂત રીતે સ્થિર છે. યોગવિજ્ઞાનમાં બે પ્રકારના અવાજનું વર્ણન થયેલું છે. આહત નાદ અને અનાહત નાદ. આહત નાદ એટલે એવો અવાજ જે અથડામણથી પેદા થાય છે. તમે તાળી પાડો, બોલો કે મ્યુઝિક વગાડો; આ બધું જ એક વાઇબ્રેશન દ્વારા તમે ક્રીએટ કરી શકો છો. આપણું મન આખો દિવસ વિચારોના આહત નાદમાં અટવાયેલું રહે છે. બીજો છે અનાહત નાદ. એટલે યુનિવર્સનો સાઉન્ડ, જ્યાં કોઈ અવાજ નથી. પણ તોય એક વાઇબ્રેશન ફીલ થાય છે. જ્યારે બહારના બધા અવાજો અને અંદરના વિચારો શમી જાય ત્યારે જે સંભળાય એને અનાહત નાદ કહેવાય. જ્યારે આપણે આસન કરીએ છીએ ત્યારે આપણો સાચો ગોલ બૉડી અને માઇન્ડને એકબીજા સાથે કનેક્ટ કરવાનો છે. તમે જોયું હશે કે જો મન અશાંત હોય તો તમારું શરીર પણ ધ્રૂજશે અથવા સ્થિર નહીં રહી શકે. એટલે જ આસન દ્વારા આપણે શરીરને સ્થિર કરીએ છીએ જેથી માઇન્ડ પણ એની મેળે સ્થિર થવા પ્રેરાય. જ્યારે આ બન્ને એક લયમાં આવે છે ત્યારે આહત વિચારોનો અવાજ બંધ થાય છે અને તમે અનાહત એટલે કે કુદરતી સાયલન્સના સંપર્કમાં આવો છો. એ જ ક્ષણથી તમારી સાચી હીલિંગ પ્રોસેસ શરૂ થાય છે.’
કેમ શાંત બેસવું અઘરું લાગે?
સતત વિચારતા લોકોને સાયલન્સ પસંદ નથી એમ કહેતાં શાંત રહેવું અને મનને સ્થિર રાખવું શા માટે અઘરું છે એનું કારણ જણાવતાં કરિશ્મા કહે છે, ‘તમે કોઈને કહો કે શાંત બેસો અને તમારા કામ વિશે વિચારતા નહીં, તો શું થશે? એ વ્યક્તિ સૌથી પહેલાં કામ વિશે જ વિચારશે. આપણું મન હંમેશાં ભટક્યા કરે છે. જો તમારે સાયલન્સને ફીલ કરવું હોય તો અમુક સ્ટેપ્સમાંથી પસાર થવું પડે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. આ યોગની એક એવી પદ્ધતિ છે જેમાં આઠ સ્ટેપ્સ છે. એનો હેતુ આપણને બહારની શિસ્તથી લઈને અંદરની શુદ્ધિ સુધી લઈ જવાનો છે. યમ એટલે સમાજમાં કેવી રીતે જીવવું એની શિસ્ત, નિયમ એટલે પોતાની લાઇફસ્ટાઇલ શુદ્ધ અને સંયમિત રાખવાની નિયમધારણાઓ, આસન એટલે શરીરને સ્થિર, મજબૂત અને નિયંત્રિત બનાવવા માટેની સ્થિતિઓ, પ્રાણાયામ એટલે શ્વાસનો સંયમ અને મનને સ્થિર કરવા માટેનો આધાર, ધારણા એટલે એક જ વસ્તુ પર મન સ્થિર રાખવાની ક્ષમતા, ધ્યાન એટલે એકાગ્રતા કરવી અને સમાધિ એટલે મન સંપૂર્ણ શાંત અને નિર્વિકાર બને એવી અવસ્થા. ઘણા લોકો સીધા જ ધ્યાન કે સમાધિના સ્ટેજ પર પહોંચવાની કોશિશ કરે છે, જે ખોટું છે. જો તમે સ્ટેપ-બાય-સ્ટેપ જશો તો જ સાયલન્સનું સાચું મહત્ત્વ સમજાશે. જ્યારે તમે પહેલી વાર સાયલન્સ ફીલ કરવાની ટ્રાય કરશો ત્યારે મનમાં સતત વિચારો આવશે. તમને કદાચ એવું લાગશે કે હું મારો સમય વેડફી રહ્યો છું અથવા અંદર બહુ ખાલીપણું લાગે છે. આ બધું જ સ્વાભાવિક છે. આ એ વાતનો પુરાવો છે કે તમારાં બૉડી અને માઇન્ડ લાંબા સમયથી બહુ જ સ્ટ્રેસ અને ઉત્તેજનામાં જીવી રહ્યાં હતાં. થોડા દિવસોની પ્રૅક્ટિસ પછી આ અસહજતા જતી રહેશે અને શાંતિ તમને નૅચરલ લાગવા માંડશે. જો તમને એક જગ્યાએ શાંત બેસી રહેવું ન ફાવતું હોય તો સૌથી બેસ્ટ ઉપાય છે સૂર્યનમસ્કાર. આનાથી તમારી આખી બૉડીની એક્સરસાઇઝ થશે. મસલ્સની સ્ટિફનેસ દૂર થશે અને ઇલૅસ્ટિસિટી વધશે. જ્યારે તમે ફિઝિકલ પ્રૅક્ટિસમાં વ્યસ્ત હો છો ત્યારે ઓવરથિન્કિંગ બંધ થઈ જાય છે, બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે અને અંતે તમારાં માઇન્ડ અને બૉડી રિલૅક્સ થઈ જાય છે. સાયલન્સ દુનિયાનો સૌથી સસ્તો, કુદરતી અને બેસ્ટ ઉપચાર છે. એમાં કોઈ ખર્ચ નથી, બસ થોડો સમય અને કન્સિસ્ટન્સી જોઈએ. તમારું શરીર જેટલું શાંત રહેશે એના રિપેર થવાની ગતિ એટલી જ વધશે.’
ડાયટ અને ટાઇમિંગ
સાયલન્સની સાથે લાઇફસ્ટાઇલમાં કેટલાક મૂળભૂત સુધારાની જરૂર છે એમ જણાવતાં કરિશ્મા કહે છે, ‘માત્ર શાંત બેસવાથી હીલિંગ નથી થતું, એની સાથે આપણે શરીરમાં શું નાખીએ છીએ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરની એક બાયોલૉજિકલ ક્લૉક હોય છે. જો તમે દરરોજ ફિક્સ સમયે જમો છો તો પાચનતંત્ર પર લોડ ઓછો પડે છે. યોગ્ય સમયે જમવાથી શરીરને ખબર હોય છે કે ક્યારે એનર્જી રિલીઝ કરવી અને ક્યારે હીલિંગ કરવું. જેવું અન્ન ખાઓ એવું તમારું મન બને છે. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે કાં તો બહુ ખાઈએ છીએ અથવા બિલકુલ નથી ખાતા. સાયલન્સ અને ડાયટનો મેળ બેસાડવાથી ફર્ટિલિટી ઇશ્યુઝ અને હૉર્મોનલ પ્રૉબ્લેમ્સમાં અદ્ભુત સુધારો જોવા મળે છે. પ્રોટીનયુક્ત આહાર લેવાથી શરીરમાં આળસ આવતી નથી અને સાયલન્સ ફીલ કરવામાં સરળતા રહે છે. ડેઇલી રૂટીનમાં સાયલન્સ કેવી રીતે લાવવું એવા સવાલ ઘણા લોકોને ઉદ્ભવે છે ત્યારે કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સ કામમાં આવી શકે છે. જો શાંત બેસી રહેવું ન ફાવે તો સૂર્યનમસ્કાર કરો. આનાથી મસલ્સની સ્ટિફનેસ દૂર થશે અને ઓવરથિન્કિંગ બંધ થશે. સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં મોબાઇલ-લૅપટૉપથી દૂર રહો. દિવસમાં અમુક સમય નોટિફિકેશન બંધ રાખો. રોજ પાંચ મિનિટથી શરૂઆત કરો. જેમ-જેમ તમે કન્સિસ્ટન્ટ રહેશો તેમ-તેમ શાંતિ તમારો નેચર બનતી જશે.’
હીલિંગ પ્રોસેસમાં સાયલન્સનો જાદુ
હીલિંગ પ્રોસેસ દરમિયાન સાયલન્સ અપનાવવાથી શરીરમાં ઘણા પૉઝિટિવ ચેન્જિસ આવે છે એમ જણાવતાં કરિશ્મા કહે છે, ‘આજે મોટા ભાગના લોકો સ્ટ્રેસ, નેગેટિવ થૉટ્સ, ઍન્ગ્ઝાયટી અને હૉર્મોનલ ઇશ્યુઝથી પરેશાન છે. આ બધી સમસ્યાઓનું સૉલ્યુશન સાયલન્સમાં છે. જ્યારે શરીરમાં તનાવ વધે છે ત્યારે અમુક ખરાબ રસાયણો બને છે, પણ જેવું તમે સાયલન્સ ફીલ કરો છો એ રસાયણોનું લેવલ તરત નીચે આવી જાય છે. માત્ર ૧૦થી ૧૫ મિનિટની એકાગ્ર શાંતિ પણ તમારા બ્લડપ્રેશરને નૉર્મલ કરી શકે છે અને હૃદયના ધબકારાને સ્થિર કરે છે. સાયલન્સમાં શરીરની એનર્જીનો વપરાશ ઓછો થાય છે, જેથી બૉડી પોતાની અંદરની નાની-નાની ઇન્જરીને હીલ કરવા પર ફોકસ કરી શકે છે. એ ફર્ટિલિટી અને રીપ્રોડક્ટિવ હેલ્થ સુધારવામાં પણ બહુ મદદરૂપ છે.’
બ્રીધિંગ-પૅટર્ન પાવરનો સોર્સ
આપણે શ્વાસ લઈએ તો છીએ, પણ મોટા ભાગના લોકોની બ્રીધિંગ-પૅટર્ન ખોટી હોય છે એમ જણાવતાં કરિશ્મા બ્રીધિંગની સાચી પૅટર્ન વિશે વાત કરતાં જણાવે છે, ‘આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે ટૂંકા અને ઝડપી શ્વાસ લઈએ છીએ, જે બૉડીને વધુ થકવે છે. ઍન્ગ્ઝાયટી કે ઓવરથિન્કિંગ ફીલ થાય ત્યારે ઘણી વાર શ્વાસ લેવાનું જ ભુલાઈ જાય છે, જે તમારી બૉડીને રેસ્ટલેસ ફીલ કરાવે છે. શ્વાસ મન અને શરીર વચ્ચેનો સેતુ છે. જો તમે તમારા શ્વાસને કન્ટ્રોલ કરી શકો તો તમે તમારા ગુસ્સા અને ટેન્શનને પણ કન્ટ્રોલ કરી શકો છો. સાયલન્સ ફીલ કરવા માટે ઊંડા અને સ્થિર શ્વાસ લેવા જોઈએ. જ્યારે શરીર શાંત થાય છે ત્યારે શ્વાસ આપોઆપ ઊંડા બને છે, જેનાથી મગજના વિચારો શમી જાય છે અને શરીરની એનર્જી સચવાય છે. પ્રાણાયામ શ્વાસનો સંયમ શીખવવાની બેસ્ટ પદ્ધતિ છે. સારી બ્રીધિંગ-પૅટર્નથી શરીરની અડધાથી વધુ બીમારીઓ દૂર થાય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.’


