ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે તમાકુનું સેવન કરતી હોય અને તેણે એનાથી છૂટવાના પ્રયત્નો ન કર્યા હોય.
પ્રતીકાત્મક તસવીર
ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે તમાકુનું સેવન કરતી હોય અને તેણે એનાથી છૂટવાના પ્રયત્નો ન કર્યા હોય. તમાકુથી નિજાત પામવાની પદ્ધતિને ટબૅકો સેશેશન કહેવાય છે. આમ તો તમાકુ છોડવા માટે સ્ટ્રૉન્ગ ઇચ્છાશક્તિની જરૂર રહે છે એવું કહેતા તમે લોકોને સાંભળ્યા હશે. પરંતુ ઇચ્છાશક્તિ હોવા છતાં અમુક બાબતો છે જે તમાકુ છોડતાં તમને રોકી શકે છે.
આપણા દેશમાં તમાકુ કોઈ આદત નથી, એ એક કલ્ચર છે. વર્ષોથી લોકોએ પોતાના જીવનમાં એને એવું સમાવી લીધું છે. પ્રયાસ ફક્ત આદત છોડવાનો નહીં, કલ્ચર તોડવાનો થવો જોઈએ. જે લોકો વર્ષોથી તમાકુ સાથે જોડાયેલા છે એ લોકોએ પોતાના મનને અમુક કારણો આપ્યાં છે કે આ કારણસર મને તમાકુની જરૂર છે. હકીકતમાં માનસિક રીતે તેમણે તમાકુને પોતાના રૂટીન સાથે જોડી દેવા માટે આવાં કારણો ઘડ્યાં છે. વ્યક્તિ તમાકુ ત્યારે લે છે જ્યારે તેનું મગજ સિગ્નલ આપે છે કે તેને નિકોટીનની જરૂર છે. પરંતુ એ સિગ્નલને આપણી રૂટીન બાબતો સાથે સાંકળી લઈએ છીએ. જેમ કે કોઈ ક્રીએટિવ વ્યક્તિ માનતી થઈ જાય છે કે તે સિગારેટ પીએ તો જ એને ક્રીએટિવ આઇડિયા આવે છે. હવે એ વ્યક્તિ તમાકુ છોડવા ઇચ્છે તો પણ તેને એ ડર સતાવે છે કે જો તે તમાકુ છોડી દેશે તો તેની ક્રીએટિવિટીનું શું થશે? તમાકુ છોડવા માટે પહેલાં તો વ્યક્તિએ આ પ્રકારનાં કારણોનું તમાકુ જોડેનું રિલેશન તોડવું જરૂરી છે.
ADVERTISEMENT
તમાકુ સાથેનાં અસોસિએશન ત્રણેક પ્રકારનાં હોય છે. એક ફિઝિકલ, જેમાં વ્યક્તિને તમાકુ વગર માથું દુખે કે પેટ સાફ ન આવે કે હાથ-પગ કામ ન કરતા હોય એમ લાગે. આ સિવાય સાઇકોલૉજિકલ જેમ કે તમાકુ ન લે તો વ્યક્તિ સ્ટ્રેસમાં જ રહે કે કામ કરવાનો મૂડ ન આવે અથવા વર્તન સંબંધિત અસોસિએશન જેમ કે તમાકુ ન લે તો મિત્રો સાથે મજા ન આવે કે રિલેશનશિપ પર અસર પડે, ગુસ્સો વધી જાય, ઝઘડા કરે. આ પ્રકારનાં અસોસિએશન તમાકુની આદતને વધુ ગહેરી બનાવે છે. જે વ્યક્તિ તમાકુ છોડવા ઇચ્છે છે તેમણે પહેલાં આ અસોસિએશન્સને છોડવાં પડે છે. એ ધીમે-ધીમે શક્ય બને છે. સિગારેટ લાંબા ગાળે હંમેશાં સ્ટ્રેસને વધારવાનું કામ કરી શકે છે, ઘટાડવાનું નહીં. થાય છે એવું કે નિશ્ચિત સમયે નિકોટીનની જરૂરત માટે બ્રેઇન સિગ્નલ મોકલે છે. એક ભ્રમ ઊભો થાય છે કે સ્ટ્રેસમાં સિગારેટથી શાંતિ મળે છે, પણ હકીકતે એવું નથી થતું. આવા લોકોને સ્ટ્રેસ દૂર કરવા માટેની બીજી ટેક્નિક જેમ કે પ્રાણાયામ કે ધ્યાન શીખવવાથી ફાયદો થાય છે.


