ઓરી-રુબેલાની રસી બાળકને અપાવવી છે અનિવાર્ય
પ્રતીકાત્મક તસવીર
જિગીષા જૈન
મહારાષ્ટ્રની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા હાલમાં ઓરી અને રુબેલા એટલે કે નાની માતા માટેનું રસીકરણ મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે. નવ મહિનાથી લઈ ૧૫ વર્ષ સુધીનાં બાળકોને મફતમાં આ રસી આપવામાં આવી રહી છે. એવાં બાળકો જે પહેલાં આ રસી લઈ ચૂક્યાં છે તેમને પણ આ અભિયાન હેઠળ રસી આપવામાં આવશે. સરકારી હૉસ્પિટલો અને ડિસ્પેન્સરી પર જ નહીં, પરંતુ સ્કૂલે-સ્કૂલે જઈને સરકાર આ બાબતે જાગૃતિ ફેલાવી રહી છે અને રસીકરણ સ્કૂલોમાં પણ થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ૩.૩૮ કરોડ બાળકોને આવરી લેવામાં આવશે. ૨૦૧૬ના રિપોર્ટ મુજબ ૪૯,૦૦૦ બાળકો દર વર્ષે ઓરીના ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે જેમાંથી ૮૦૦૦થી ૧૦,૦૦૦ બાળકો મહારાષ્ટ્રનાં હોય છે. આજ સુધીમાં ૧૩.૨૦ કરોડ બાળકોને આ રસી અપાઈ ચૂકી છે જેમાંથી ૬૫૦ બાળકોને સાઇડ-ઇફેક્ટ થયાના રિપોર્ટ્સ મળે છે. ૬ અઠવાડિયાં ચાલનારું આ અભિયાન મહારાષ્ટ્રમાં શરૂ થઈ ગયું છે અને ઠેર-ઠેર રસીકરણ થઇ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને બીડું ઝડપેલું છે કે ૨૦૨૦ સુધીમાં ઓરી અને રુબેલા સમગ્ર રીતે દૂર થઈ શકે અને કોઈ પણ બાળક એને કારણે મૃત્યુ પામે નહીં. ભારતમાં ૨૦૧૪ સુધી ૬૫ ટકા બાળકોને સંપૂર્ણ રસીકરણ ઉપલબ્ધ થયું હતું. ડિસેમ્બર-૨૦૧૪માં ભારતે મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કર્યું જે અંતર્ગત નજીકના ભવિષ્યમાં ૯૦ ટકા બાળકોને રસીકરણની સુવિધા પ્રાપ્ïત થાય એવો એક હેતુ પાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મિશનમાં હાલમાં નવી ચાર રસીઓ ઉમેરવામાં આવી છે જેમાંથી ઓરી અને રુબેલાની રસી એક છે. આ બાબતે એક સામાન્ય નાગરિક તરીકે આપણે એટલું કરી શકીએ કે આપણાં કે આપણી આજુબાજુનાં જેટલાં બાળકો છે તેમને આ રસી મળે એનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ પોલિયોને આપણે જડથી દૂર કર્યો એમ ઓરી અને રુબેલાને પણ આપણે જડથી દૂર કરી શકીએ તો સારું ગણાશે.
ADVERTISEMENT
રોગ
મીઝલ્સ એટલે ઓરી અને રુબેલા એટલે નાની માતા. પહેલાં બાળકને નવમે મહિને ઓરીની રસી અપાતી અને પછી પંદરમે મહિને મીઝલ્સ, મમ્પ્સ ઍન્ડ રુબેલા (MMR)ની રસી અપાતી જે ઓરી, ગાલપચોળિયાં અને રુબેલા માટેની રસી છે. પછી આ જ રસીનું બૂસ્ટર પાંચ વર્ષની ઉંમરે ફરી એક વાર આપવામાં આવે છે. આ રસી બાબતે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ભારતમાં ઓરી બાળકો માટે જીવલેણ સાબિત થતો રોગ હતો, કારણ કે ઓરી થયા પછી એની અસર ફેફસાં પર થતી અને રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી પડી જતી કે ન્યુમોનિયા થયા પછી બાળકને બચાવવું અઘરું થઈ પડતું. આ રસી આવી ગંભીર પરિસ્થિતિને ટાળી શકે છે. હવે નવમે મહિને ફક્ત ઓરીની રસી આપવાને બદલે MMR જ આપવાની શરૂ થઈ ગઈ છે. રુબેલાની રસી પણ એટલે જરૂરી છે, કારણ કે જો ગર્ભવતી માને રુબેલા થાય તો તેનું બાળક ખોડખાંપણવાળું જન્મે છે માટે રુબેલાથી પણ બચવું જરૂરી છે.’
અમુક પેરન્ટ્સ ગભરાઈ રહ્યા છે
સરકારનું આ અભિયાન દરેક બાળક સુધી પહોંચે એ માટે સ્કૂલોની મદદ લેવાય રહી છે. સરકારી સ્કૂલોમાં પેરેન્ટ્સની પરવાનગી મોટા ભાગે લેવામાં નથી આવતી હોતી, પરંતુ ખાનગી સ્કૂલોમાં આ રસીકરણ ફરજિયાત હોવા છતાં પેરન્ટ્સની પરવાનગી લેવી જરૂરી બને છે. દુખની વાત એ છે કે ભણેલા-ગણેલા સમાજમાં પણ રસીકરણ બાબતે અજ્ઞાન પ્રવર્તે છે. જોકે પેરેન્ટ્સમાં જાગૃતિ આવે એટલે સ્કૂલોમાં ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી અને ડૉક્ટરો દ્વારા પેરન્ટ્સને સ્પેશ્યલ બોલાવીને માહિતી અપાઈ રહી હોવા છતાં ઘણા પેરેન્ટ્સ આ રસીકરણ આપવું કે નહીં એ બાબતે મૂંઝાઈ રહ્યા છે. ગુડગાંવમાં પણ એપ્રિલ મહિનામાં આ પ્રકારનું રસીકરણ ચાલુ થયું હતું જે સમયે આ મુદ્દો મીડિયા દ્વારા સામે લાવવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ સ્કુલોના અમુક પેરન્ટ્સ બાળકને રસીકરણ આપવું જોઈએ એવી સહમતી નથી આપી રહ્યા, પરંતુ આ વાતની સ્પક્ટતા કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુ અને મધરકૅર હૉસ્પિટલ-અંધેરીના પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘જે પેરન્ટ્સ સહમતી નથી આપી રહ્યા એ ધ્યાન રાખે કે તમારાં ફૉર્મ ભેગાં થઇ રહ્યાં છે અને છેલ્લે સરકાર પાસે કોઈ ચારો નહીં બચે ત્યારે એ તમારા ઘરે આવીને પણ તમારા બાળકને રસી ફરજિયાત આપી જશે. કારણ કે આ ચેપી રોગો છે. થોડાંક બાળકો પણ રસીકરણ વગર રહી જાય તો આ અભિયાનનો કોઈ અર્થ નહીં સરે. માટે જરૂરી છે કે તમે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, સરકાર અને દેશનો સાથ આપો. આ તમારા બાળકની ભલાઈ માટે જ છે.’
એક વાર લીધી હોય તો પણ ફરી લેવાની?
શા માટે અમુક પેરન્ટ્સ રસીકરણ માટે મૂંઝાતા હોય છે? ઘણી વાર તેમને પૂરી માહિતી નથી હોતી અને સ્કૂલ કે સરકાર પર ભરોસો નથી હોતો એટલે એ ના પાડી દેતા હોય છે. ઘણા પેરન્ટ્સને એવું હોય છે કે અમે તો અમારા બાળકને રસી આપી દીધી છે એટલે હવે અમને જરૂર નથી. આ બાબતે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એવું છે નહીં. જો તમારા બાળકે રસી લઈ પણ લીધી હોય તો તેને ફરી આપવામાં કોઈ નુકસાન છે નહીં. ઊલટું તમે તેને ફરીથી રસી આપશો તો એ વધુ સલામત બનશે. ઓરી એક જીવલેણ રોગ છે એની સામે રસીકરણ અનિવાર્ય છે.’
સેફ છે?
અમુક પેરન્ટ્સ એવા પણ છે જેમને લાગે છે કે સ્કૂલમાં તેમના વગર રસીકરણ મુકાય એ યોગ્ય નથી તો તેમને સ્કૂલમાં બાળક સાથે જવાની પણ છૂટ આપવામાં આવી છે. વળી પરન્ટ્સને લાગતું હોય છે કે અમે સ્કૂલમાં કે સરકારી જગ્યાઓએ રસી નહીં અપાવીએ. અમે અમારા ડૉક્ટર પાસે જ રસી મુકાવડાવીશું તો આ વાત બરાબર નથી. જે વિશે વાત કરતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘જ્યાં એકસાથે રસીકરણ થતું હોય છે ત્યાં પણ સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવે જ છે. જે આપવામાં આવી રહી છે એ મીઝલ્સ રુબેલા (MR) વૅક્સિન છે જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ જ રસી દરેક પીડિયાટ્રિક ડોક્ટર પાસે મળે છે. આમ એ સેફ છે. આ રસીકરણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે જનતા તરીકે આપણે સહકાર આપવો જરૂરી છે. ટૂંકમાં રસીકરણથી ન ગભરાવ. તમારા બાળકના રોગમુક્ત જીવન માટે એ અનિવાર્ય છે.’
આડઅસર
હાલમાં એક વિડિયો બહાર પડેલો કે MR વૅક્સિન લઈને એક બાળકનું મૃત્યુ થયું હતું. આ એક ફેક વિડિયો હતો. આ રસીની કોઈ આડઅસર નથી જે વિશે વાત કરતા ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ એક લાઇવ વૅક્સિન છે એટલે કે આ રસીમાં જંતુ જીવંત હોય છે પરંતુ એટલી હદે સક્રિય નથી હોતાં કે એ રોગ જન્માવી શકે. બીજું એ કે કોઈ પણ રસીમાં જે ભાગ્યે જ થતી આડઅસરની શક્યતા હોય છે એટલી જ શક્યતા આમાં પણ છે. કદાચ સ્કિન થોડી જાડી થઈ જાય કે દુખાવો થાય થોડો કે પછી બાળક રસીના નામે જે એકદમ ડરી જાય છે એવું કઈ થઇ શકે છે. બાકી એની કોઈ ખાસ આડઅસર નથી.’


