Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કોને કસરતની વધુ જરૂર છે? મહિલાઓને કે પુરુષોને?

કોને કસરતની વધુ જરૂર છે? મહિલાઓને કે પુરુષોને?

Published : 23 May, 2025 12:50 PM | Modified : 24 May, 2025 07:17 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

આમ તો આ આખો પ્રશ્ન જીવનશૈલી અને તમે શું કરી રહ્યા છો એના પર આધાર રાખે છે, પણ છતાંય એક બાજનજરે આ વાતને પરખવી હોય તો સાચો જવાબ શું મળે? 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્ત્રી વિરુદ્ધ પુરુષોની ડિબેટ તો વર્ષોથી ચાલતી જ આવી છે. બન્ને જેન્ડર પોતપોતાની રીતે કોઈ ને કોઈ ક્ષેત્રમાં આગળ છે, સમાન છે અથવા તો અમુક ખાસ ખૂબીખામીઓ ધરાવે છે, પણ ક્યારેય પ્રશ્ન થાય કે બન્નેમાંથી ખાસમખાસ કસરતની જરૂર કોને વધારે છે? આમ તો આ આખો પ્રશ્ન જીવનશૈલી અને તમે શું કરી રહ્યા છો એના પર આધાર રાખે છે, પણ છતાંય એક બાજનજરે આ વાતને પરખવી હોય તો સાચો જવાબ શું મળે? 

આધુનિક જીવનશૈલીમાં કસરત કરવી દરેક માટે જરૂરી છે – સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ. પરંતુ સ્ત્રીઓના જીવનમાં આવનારા હૉર્મોનલ ફેરફારો, ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને સામાજિક જવાબદારીઓના કારણે, શારીરિક તંદુરસ્તી માટે કસરત સ્ત્રીઓ માટે વધુ અગત્યની જરૂરિયાત બની રહી છે. પુરુષો નિયમિત હૉર્મોનલ સ્તર અને સ્થિર દૈહિક રચનાના કારણે સતત ઊર્જાવાન રહે છે ત્યારે સ્ત્રીઓના શરીર અને મન પર માસિક ધર્મ, પ્રસૂતિ અને મેનોપૉઝ જેવા તબક્કાઓ વિશેષ અસર કરે છે, જેનાથી સ્ત્રી વિરુદ્ધ પુરુષના મુકાબલે સ્ત્રીઓને નિયમિત કસરત જરૂરી છે. ચાલો સમજીએ, કેમ સ્ત્રીઓ માટે કસરત મજબૂત જીવનશૈલીનું અનિવાર્ય તત્ત્વ છે.




હોલિસ્ટિક ફિટનેસ ઍન્ડ વેઇટલૉસના સર્ટિફાઇડ કોચ નિરંજન કુમાર સિંહ

ફિટનેસ સાથે જોડાયેલી અનેક વાતોથી આજની પેઢી પરિચિત છે જ. આજકાલ પુરુષો માટે જિમ જવું કોઈ નવી વાત નથી રહી. છતાંય ભારતમાં ફિટનેસ માટે હજી પણ એવી જ માન્યતા પ્રવર્તે છે કે ગ્લૅમર માટે અથવા જરૂર હોય તો જ ફિટનેસની પ્રૅક્ટિસ કરીએ. ૧૬ વર્ષથી ‘હેલ્ધીફાઇ મી’ નામના ઑનલાઇન પ્લૅટફૉર્મના હોલિસ્ટિક ફિટનેસ ઍન્ડ વેઇટલૉસના સર્ટિફાઇડ કોચ નિરંજન કુમાર સિંહ કહે છે, ‘અમુક લોકો તો એવું જ માને છે કે જો જરૂર નથી તો શું કામ કસરત કરવાની? જોકે કસરતની જરૂર તો મહિલા હોય કે પુરુષ, દરેકને એટલી જ રહે છે. ખાસ કરીને જો તમારી ઉંમર ૩૦ વર્ષથી ઉપરની છે તો કસરતને બિલકુલ અવગણવી ન જ જોઈએ. આપણા શરીરમાં ૩૦ વર્ષની ઉંમરથી જ ઘણાને ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારી શરૂ થતી જાય છે. હાડકાં નબળાં પડતાં હોય છે અને પછી સ્નાયુઓ ઢીલા પડે અને ચાલીસ આવતાં સુધી તો ઘરડા લાગવા માંડે. સાઠ-પાંસઠે નબળાઈ અને બૅલૅન્સના અભાવે પડી જવાનું વધુ બને. આપણે વારંવાર સાંભળીએ છીએ કે ઘરમાં પડી ગયા અને હાડકાં ડૅમેજ થયાં કે કોઈ તો ખાટલાવશ થઈ જાય. આવું ન થવા દેવું હોય તો કસરતની કાળજી મોડામાં મોડી ૩૦ વર્ષથી તો લેવી જ જોઈએ. આ બન્ને જેન્ડરને લાગુ પડે છે. ખાસ કરીને સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ તો બહુ જ જરૂરી છે. હવે જો સ્ત્રી-પુરુષ બન્નેમાંથી કોને વધુ જરૂરી છે એ પૂછો તો ખાસ કરીને સ્ત્રીઓને કસરત વધુ જોઈએ એવું હું ભારપૂર્વક કહીશ. સાદી કસરત, યોગ અને ચાલવા ઉપરાંત સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ બહુ જરૂરી છે. એનું એકમાત્ર કારણ કહું તો આખી જિંદગી મહિલાઓનું શરીર અનેક બદલાવોથી પસાર થતું રહે છે એટલે.’


સ્ત્રીઓને ઘરનાં કામ, બાળકો, નોકરી દરેક માટે સમય હોય છે; પણ પોતાના માટે નહીં... આવું જણાવતાં નિરંજનભાઈ કહે છે, ‘સમાજની વિમુખ પરિસ્થિતિમાં જવાબદારીઓને લીધે સ્ત્રીઓ પાછળ શું કામ રહે? મહિલાઓ ઘણી વાર પોતાના માટે કસરત કરવાનો સમય કાઢતી નથી. બીજી બાજુ, પુરુષો બાળપણથી જ રમતગમત અને કસરત તરફ વધુ વળેલા હોય છે. આ પારિવારિક અને સામાજિક માળખું સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્યથી દૂર રાખે છે, જેનાથી પુરુષોની સાપેક્ષે મહિલાઓ માટે કસરત કોઈ શોખ નહીં પણ જરૂરિયાત બની જાય છે. સ્ત્રીઓ માટે પણ સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ બહુ જ જરૂરી છે. પહેલાંના જમાનાની મહિલાઓ છેક વૃદ્ધ થાય ત્યાં સુધી કડેધડે રહે. કારણ એટલું કે પાણી ભરવું, ઘંટીમાં અનાજ દળવું કે વજન ઉઠાવવા જેવી અનેક વસ્તુઓ તેમના કામનો ભાગ રહેતી જે તેમને મજબૂત રાખતી. હાલ કોઈને વેઇટલિફ્ટિંગ માટે કે ડમ્બેલ્સ ઉઠાવવાનું કહીએ તો તેમને થાય કે આપણને ક્યાં પુરુષો જેવા મસલ્સ જોઈએ છે? પણ તમે જુઓ મસલ-ટ્રેઇનિંગ એના માટે નથી. શરીરમાં હાથ, પગ, છાતી અને પેટના સ્નાયુ મજબૂત હશે તો લાંબા સમય સુધી તમારા સ્નાયુ અને હાડકાં મજબૂત રહેશે અને મોટી ઉંમરે એના દુખાવા નહીં થાય. મહિલાઓનાં હૉર્મોન એ રીતે બન્યાં જ નથી કે પુરુષોની જેમ ગોટલા દેખાય. ઘરમાં પણ બે કિલોના ડમ્બેલ્સ ઉઠાવવાં કે ક્રન્ચિસ કરવા કે પ્લૅન્ક કરવા જોઈએ. થોડું તો થોડું, કરવું જોઈએ.’

મહિલાઓને અનેક કારણોસર કસરત જોઈએ છે, જેમાંનાં અમુક કારણો ગણાવતાં નિરંજનભાઈ આગળ કહે છે, ‘અમુક તબક્કા જોઈએ તો હૉર્મોનલ ફેરફારોમાં શાંતિ માટે કસરત : પુરુષોનાં હૉર્મોન્સ મોટા ભાગે સ્થિર હોય છે; જ્યારે સ્ત્રીઓ દર મહિને માસિક ચક્ર, ગર્ભાવસ્થા અને પછી મેનોપૉઝ જેવા તબક્કે હૉર્મોનલ પરિવર્તન અનુભવતી રહે છે. આ બદલાવના પરિણામે સ્ત્રીઓનાં મેટાબોલિઝમ, ચરબીનો સ્રોત, મૂડ અને ઊર્જાનાં સ્તરો સતત બદલાતાં રહે છે. માસિક ધર્મ માટે  કસરત : માસિકના દિવસોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનાં સ્તર બદલાતાં રહે છે; જેમાં મૂડ-સ્વિંગ્સ, થાક અને ચીડિયાપણું ઘટાડવામાં, પેટદર્દ અને બ્લોટિંગમાં રાહત મેળવવામાં, PCOS (પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ)નો ખતરો ઓછો કરવામાં, હૉર્મોનને સંતુલિત રાખવામાં એ મદદ કરે છે. વૉકિંગ કે યોગ જેવી સામાન્ય શારીરિક પ્રવૃત્તિ પણ શરીરને મજબૂત અને મનને શાંત રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન : ગર્ભાવસ્થા એક અનોખી અને અનમોલ યાત્રા છે પણ એમાં શરીર પર પડનારી અસર ઘણી ઊંડી હોય છે; જેમ કે વજનમાં વધારો, પીઠનો દુખાવો, મૂડ-સ્વિંગ, શારીરિક બદલાવ અને હૉર્મોનલ અસંતુલન. એવા સમયે બ્લડ-સર્ક્યુલેશન અને સ્ટૅમિના વધારવા, જેસ્ટેશનલ ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની શક્યતા ઘટાડવા, શરીરને સંતુલિત રાખવા અને ખાસ કરીને મજબૂત મનોબળ માટે પણ મહિલાઓને કસરતની બહુ જરૂર પડે છે. ટૂંકમાં કહીએ તો ગર્ભાવસ્થાની આરામદાયક યાત્રા માટે કસરત મિત્ર બની રહે છે. પ્રસૂતિ બાદ પુનઃશક્તિ માટેડિલિવરી બાદ સ્ત્રીનું શરીર પુનઃસ્થાપનની પ્રક્રિયામાં જાય છે. ત્યારે શારીરિક અને માનસિક બન્ને રીતે કામ લેવું પડે છે. એ શરીરનું કોર એટલે કે માળખું મજબૂત કરે છે. પેટની સ્કિન લચી પડી હોય એને ટાઇટ કરે છે. આ સિવાય પ્રસૂતિ બાદના ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે અને અંતે ઊર્જા અને આત્મવિશ્વાસ વધારે છે.’

અંતે હકીકત તો એ જ છે કે કસરત બન્ને માટે જરૂરી છે. કસરત ગ્લૅમર માટે નહીં; શાંતિ, શક્તિ અને જીવન ઊર્જા માટે છે. પણ સ્ત્રીઓ માટે કસરત કોઈ ફૅશન-ટ્રેન્ડ નથી, એ ઘણી વાર સ્વાસ્થ્ય બચાવવાનું એકમાત્ર હથિયાર બની રહે છે. સ્ત્રીઓનાં તન અને મન પર એની અસર ઘણી ઊંડી અને મજબૂત હોય છે. ખાસ કરીને એટલે કારણ કે મહિલાઓ હૉર્મોનલ રોલરકોસ્ટરમાંથી વારંવાર પસાર થતી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2025 07:17 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK