ચોમાસા દરમ્યાન પરવળ ખાવાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડતું હોવાથી હળવો અને પચવામાં સરળ ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં પરવળ એક ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે
ભરેલાં પરવળનું શાક અને પરવળનું શાક
પરવળ એવા શાકની યાદીમાં આવે છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ નથી કરતા, પણ એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ગુણકારી છે. એટલે જ પરવળને વેલાવાળા શાકભાજીની દુનિયાનો રાજા કહેવામાં આવે છે. અન્ય શાકભાજીની સરખામણીમાં એ પચવામાં ખૂબ હળવાં અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ચોમાસામાં પરવળનું સેવન કરવાના વિશેષ ફાયદા છે ત્યારે આપણે આ વિશે ઝિલ વેલનેસ ક્લિનિકના ડાયટિશ્યન સકીના પાત્રાવાલા પાસેથી એના ફાયદા જાણી લઈએ.
ચોમાસામાં પરવળ ખાવાના ફાયદા
ADVERTISEMENT
પાચન સુધારે : ચોમાસામાં અનેક કારણોસર પાચનશક્તિ નબળી પડતી હોય છે. જેમ કે હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે શરીરમાં પાચક રસો યોગ્ય રીતે ઉત્પન્ન થતા નથી અને ખોરાક પચવામાં વાર લાગે છે. વાદળછાયા વાતાવરણને કારણે પૂરતો તડકો મળતો નથી જેની સીધી અસર શરીરના ચયાપચય પર પડે છે. આ ઋતુમાં હવામાં અને પાણીમાં બૅક્ટેરિયા વધુ સક્રિય હોય છે જે પેટમાં ઇન્ફેક્શન કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. એનાં બી પેટ સાફ રાખવામાં અને કબજિયાત, ગૅસ તેમ જ અપચા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે : ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવાથી બૅક્ટેરિયા અને વાઇરસ ઝડપથી ફેલાય છે. શરદી-ખાંસી, વાઇરલ તાવની સમસ્યા છાશવારે થતી હોય છે. એવામાં મજબૂત ઇમ્યુનિટી તમને ફ્લુ અને ઇન્ફેક્શનથી બચાવી શકે છે. પરવળમાં રહેલાં વિટામિન A, વિટામિન C, કૅલ્શિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ જેવાં વિટામિન્સ અને મિનરલ્સ તેમ જ
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક: ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે ત્વચા પર બૅક્ટેરિયા જમા થાય છે. એનાથી ખીલ, ખંજવાળ, ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. પરવળ લોહીમાં રહેલાં હાનિકારક ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે. લોહી શુદ્ધ થવાથી ત્વચા અંદરથી સાફ થાય છે અને ચોમાસામાં થતી ત્વચાની સમસ્યાઓ
ઓછી થાય છે.
ટિપ હંમેશાં તાજાં, નાનાં, પાતળી છાલવાળાં અને લીલા રંગનાં પરવળ ખરીદવાં જોઈએ. આ પ્રકારનાં પરવળ સરળતાથી પચી જાય છે અને એમાંથી મહત્તમ પોષક તત્ત્વો મળે છે.
બીજા ફાયદાઓ પણ જાણી લો
વેઇટ મૅનેજમેન્ટમાં મદદ કરે: પરવળ વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. એમાં કૅલરીનું પ્રમાણ સાવ ઓછું હોય છે. ૧૦૦ ગ્રામ પરવળમાં માત્ર ૨૦થી ૨૪ કૅલરી હોય છે. એટલે એ વજન ઘટાડવા માટે એક આદર્શ શાકભાજી છે. એમાં રહેલું ડાયટરી ફાઇબર ખોરાકને ધીમે પચાવે છે જેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને અનિચ્છનીય ક્રેવિંગ્સ અટકે છે.
ડાયાબિટીઝના દરદીઓ માટે સારું : પરવળ ડાયાબિટીઝના દરદીઓ માટે અત્યંત લાભદાયક છે. એ લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ (GI) શાકભાજી છે, જેનો અર્થ એ છે કે એ લોહીમાં શુગરના સ્તરને ઝડપથી વધવા દેતું નથી. પરવળમાં ફાઇબરનું પ્રમાણ ઘણું હોવાથી એ બ્લડ-શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડે : કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ પરવળ મદદરૂપ થાય છે. એમાં રહેલું ફાઇબર શરીરમાં LDL (ખરાબ) કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. નિયમિત રીતે પરવળનું સેવન કરવાથી રક્તવાહિનીઓમાં ચરબી જમા થવાનું જોખમ ઘટી શકે છે, જેને કારણે હૃદયરોગ અને હાઈ બ્લડ-પ્રેશર જેવી સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે.
શરીરને હાઇડ્રેટ રાખે : પરવળ હાઇડ્રેટિંગ શાકભાજી છે. એમાં પાણીનું પ્રમાણ સારું હોય છે જેને કારણે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં પરવળ જેવાં પાણીથી ભરપૂર શાકભાજી શરીરને હાઇડ્રેટ રાખવામાં સહાયક બની શકે છે.
બ્લડ-પ્રેશરને મૅનેજ કરે : પરવળ હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. પરવળમાં પોટૅશિયમ સારી માત્રામાં હોય છે. શરીરમાં સોડિયમ (મીઠું) વધવાથી બ્લડ-પ્રેશર વધે છે, જ્યારે પોટૅશિયમ સોડિયમની આ આડઅસરને ઓછી કરીને બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે. એ લોહીની નળીઓની દીવાલોને રિલૅક્સ કરે છે, જેથી બ્લડ-સર્ક્યુલેશન સરળ બને છે અને હૃદય પર દબાણ ઘટતું જોવા મળે છે.
ઍન્ટી-ઑક્સિડન્ટ્સથી ભરપૂર : પરવળમાં રહેલાં વિટામિન A, C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરમાં થતા ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ થાય છે. એ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપીને કોષોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને લાંબા ગાળે સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
પરવળને ડાયટમાં કેવી રીતે સામેલ કરશો?
ઘણા લોકો પરવળના નામથી જ મોઢું બગાડે છે, પરંતુ એના સ્વાસ્થ્યલાભને ધ્યાનમાં રાખીને એને અલગ-અલગ રીતે આહારમાં સામેલ કરી શકાય છે. સૌથી સરળ રીત તો ઓછા તેલ-મસાલાવાળું પરવળનું શાક છે જે ચોમાસામાં પચવામાં પણ હળવું રહે છે. આ ઉપરાંત પરવળને હળવાં સાંતળીને એમાં કાકડી, ટમેટાં, ડુંગળી અને લીંબુનો રસ ઉમેરીને સૅલડ તરીકે પણ ખાઈ શકાય છે. બિહાર અને બંગાળમાં લોકપ્રિય પરવળના ભાજા પણ સારો વિકલ્પ છે. એમાં પરવળને પાતળાં કાપીને હળવા મસાલા સાથે શેકવામાં આવે છે. પરવળને વચ્ચેથી ચીરી એમાં મસાલો ભરીને બનાવવામાં આવતાં સ્ટફ્ડ પરવળ પણ ઘણા લોકોને પસંદ આવે છે. તુવેરની દાળ, મગની દાળ અથવા મિક્સ વેજિટેબલ શાકમાં પરવળ ઉમેરીને પણ એનો ઉપયોગ કરી શકાય છે, જેનાથી વાનગીનું પોષણમૂલ્ય વધે છે. ચોમાસામાં વધુ તેલ અને ભારે મસાલા ટાળીને પરવળનું સેવન કરવાથી એનાં પોષક તત્ત્વોનો વધુ લાભ મળી શકે છે.
આયુર્વેદ શું કહે છે?
પરવળના ગુણો વિશે વાત કરતાં આયુર્વેદિક એક્સપર્ટ દિનેશ હિંગુ કહે છે, ‘પરવળનું શાક ઓછા મસાલા સાથે ખાવાથી અથવા એના પાનનો રસ પીવાથી પેટમાં ઉત્પન્ન થતો ઍક્સેસિવ ઍસિડ (હાઇડ્રોક્લોરિક ઍસિડ) શાંત થાય છે. એ પેટની બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા મટાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે. પરવળનાં પાનનો રસ મોઢાનાં ચાંદાં, હાઈ બ્લડ-પ્રેશર અને શરીરમાંથી થતા અસામાન્ય રક્તસ્રાવને રોકે છે. એ શરીરમાં રહેલી વધારાની ગરમીને શોષી લે છે, જેનાથી ગડ-ગૂમડ અને ચામડીની ખંજવાળ જેવી તકલીફોમાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે. પરવળનાં પાનનો રસ અથવા એના ચૂર્ણનો લેપ માથાની ત્વચા પર લગાવવાથી નવા વાળ ઊગે છે. એ બંધ થઈ ગયેલાં રોમછિદ્રોને ફરી ખોલે છે અને ઉંદરી મટાડવામાં અસરકારક સાબિત થાય છે. કોઈ પણ આયુર્વેદિક ઉપાય વ્યક્તિની પ્રકૃતિ મુજબ અલગ-અલગ અસર કરી શકે છે. જો કોઈ લાંબા ગાળાની સમસ્યા હોય તો કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર શરૂ કરતાં પહેલાં આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.’
સાવચેતી
પરવળ ચોક્કસપણે એક પૌષ્ટિક અને ગુણકારી શાકભાજી છે જેને સંતુલિત આહારનો હિસ્સો બનાવી શકાય છે. જોકે કોઈ પણ વસ્તુનું જરૂર કરતાં વધારે સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. પરવળ ઠંડી પ્રકૃતિનું શાકભાજી ગણાય છે એટલે જેમને વારંવાર શરદી-ખાંસી કે કફની સમસ્યા રહેતી હોય તેમણે એનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. અમુક લોકોને કોઈ ખાસ પ્રકારના વેલાવાળા શાકભાજીથી ઍલર્જી હોઈ શકે છે. જો પરવળ ખાધા પછી શરીરમાં ખંજવાળ, ચામડી પર ફોલ્લીઓ કે અસ્વસ્થતા અનુભવાય તો એનું સેવન બંધ કરવું જોઈએ. પરવળમાં પોટૅશિયમનું પ્રમાણ હોવાથી જે દરદીઓએ પોટૅશિયમ પર નિયંત્રણ રાખવાનું હોય, જેમ કે કિડનીના દરદીઓ તો તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ એનું સેવન કરવું જોઈએ.
