જાણીએ થોડાંક જોખમો હોવા છતાં આ કુદરતી ડિલિવરીનાં વિવિધ પાસાંઓને
સ્નેહા ભંડારી
મેડિકલ ઍડવાન્સમેન્ટ્સના જમાના છતાં ફરી એક વાર બાળકના જન્મની પ્રક્રિયાને બને એટલી વધુ નૉર્મલ અને નૅચરલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બૉલીવુડ ઍક્ટ્રેસ કલ્કિ કોચલિને પોતાના અનુભવથી કહ્યું હતું કે વૉટર બર્થથી લેબર સુખદ અનુભૂતિમાં ફેરવાઈ જાય છે. એવા સમયે જાણીએ થોડાંક જોખમો હોવા છતાં આ કુદરતી ડિલિવરીનાં વિવિધ પાસાંઓને
વૉટર બર્થનો સૌથી મોટો મિરૅકલ એ છે કે ગર્ભમાં ઍમ્નિઓટિક ફ્લુઇડમાં ઊછરતું બાળક જન્મ પછી તરત બીજા ફ્લુઇડમાં ટ્રાન્સફર થાય છે, જે એનું કમ્ફર્ટ લેવલ બનાવી રાખે છે અને મા માટે પણ લેબરપેઇન એક સુખદ અનુભૂતિમાં ફેરવાઈ જાય છે. ‘વૉટર બર્થ’ માત્ર એક પ્રસૂતિ ટેક્નિક જ નહીં, એક આખો અનુભવ છે.
ADVERTISEMENT
વૉટર બર્થના પોતાના અનુભવ વિશે વાત કરતાં ૨૮ વર્ષની સ્નેહા ભંડારી કહે છે, ‘હું તો મારો એ અનુભવ ભૂલી શકું એમ નથી. ડિલિવરી બાબતે મને એક ડર હતો કે ડૉક્ટર્સ નૉર્મલ ડિલિવરી માટે વેઇટ નથી કરતા અને સીધું જ સી-સેક્શન સજેસ્ટ કરે છે. મારે નૉર્મલ ડિલિવરી જોઈતી હતી. મારી ડિલિવરીનો સમય નજીક હતો એટલે અમે હૉસ્પિટલ શોધી રહ્યાં હતાં. એવામાં અમને વૉટર બર્થ દ્વારા નૅચરલ ડિલિવરી વિશે જાણવા મળ્યું. બાળક નૅચરલી જ નેચર સાથે કનેક્ટ થઈને આ દુનિયામાં આવે એનાથી મોટી વાત શું હોઈ શકે? હા, એ માટે તમે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રૉન્ગ હોવા જોઈએ અને નૅચરલ ડિલિવરી થઈ શકે એમ હોવું જોઈએ, જે તમારા ડૉક્ટર ટેસ્ટ કરીને કહે છે. સૌથી મોટી વાત તો એ કે મને કોઈ જ ઇન્જેક્શન કે પેઇનકિલર દવાઓ નહોતી દેવામાં આવી. આઠમા મહિનાથી હું તેમને કન્સલ્ટ કરતી હતી અને વાઇટલ્સ સિવાય કોઈ પણ દવા વગર મારા ઘરે બાળક આવ્યું. એ વખત ભુલાય એમ નથી. ટબના હૉટ વૉટરમાં હું કમ્ફર્ટેબલ અને કૉન્શિયસ હતી. હું જાતે જ મંત્રોચ્ચાર કરતી હતી. મારું ઊંડા શ્વાસ લેવાનું ચાલુ જ હતું. અને તમે માનશો નહીં કે એક પણ ટેર વગર મારી દીકરી જન્મી. એ આવી ત્યારે આંખો પહોળી કરી બધું જ વિસ્મયથી જોતી હતી એ હું ભૂલી શકું એમ નથી. જ્યારે મમ્મીઓ કહે છે કે એ ડિલિવરી પછી બેસી નથી શકતી તો હું એ રિલેટ જ નથી કરી શકતી. હું તો કહીશ કે દરેક ન્યુ બૉર્ન મધરે પહેલી ડિલિવરીનો આવો એક્સ્પીરિયન્સ એક વાર તો લેવો જ જોઈએ.’
ડિલિવરી સ્ત્રીના જીવનનો સૌથી મોટો ઉત્સવ હોય છે, એ સાથોસાથ એના જીવસટોસટનો ખેલ પણ હોય છે. એટલે જ આ અનુભવ વધુને વધુ આરામદાયક અને સુખી બની રહે એ બહુ જ મહત્ત્વનું છે. જે માતાઓ નૉર્મલ અને નૅચરલ ડિલિવરીની શોધમાં હોય છે, ત્યારે એમના માટે વૉટર બર્થ ડિલિવરી એક બેસ્ટ ઑપ્શન સાબિત થાય છે. વિદેશોમાં તો રીતસરની દાઈમા બનવાની ટ્રેઇનિંગ દેવામાં આવે છે જેમાં એ લોકો ઘરે આવીને જ વિધિવત્ રીતે હૉટ વૉટર ટબમાં બેબી બર્થ કરાવે છે પણ ભારતમાં આ માટે અમુક હૉસ્પિટલમાં ખાસ ગાઇનેક દ્વારા આ ડિલિવરી થાય છે.
વૉટર બર્થ કરાવતા વિશે વધુ માહિતી આપતાં વૉટર બર્થ પ્રૅક્ટિશનર ડૉ. મંજરી કાવડે કહે છે, ‘જે મહિલાઓને કૉમ્પ્લીકેશન નથી હોતાં, જે વજાઇનલ બર્થ માટે એલિજિબલ છે, એને જ વૉટર બર્થ સજેસ્ટ કરી શકાય. પહેલાંના જમાનામાં દાઈમા જેમ ઘરે પ્રસૂતિ કરાવતાં એ જ રીતે આ ડિલિવરી થાય છે. ફેર એટલો છે કે હૉસ્પિટલમાં બધી જ ફૅસિલિટી અવેલેબલ
રાખવામાં આવે છે. ક્યારેક એન્ડ મોમેન્ટ કોઈ રિસ્ક ઊભું થાય, બેબી ડિસ્ટ્રેસ થતું હોય તો એનો ઉકેલ શોધવા માટે હૉસ્પિટલનું પ્રિમાઇસ અને ટ્રેઇન્ડ સ્ટાફ મદદ માટે હાજર જ હોય છે. આને લીધે બાળકનો માઇલસ્ટોન પણ ઇન્ક્રીઝ થાય છે. અમારો અનુભવ કહે છે કે વૉટર બર્થથી પેદા થતાં બાળકો શાંત અને સૅટિસ્ફાઇડ નેચરના હોય છે.’
કઈ રીતે થાય વૉટર બર્થ?
એક વાર લેબર એસ્ટાબ્લિશ થાય એટલે કે ત્રણથી ચાર સેમી ડાઇલેટેશન થાય પછી મધરને ગરમ પાણીના બર્થિંગ પૂલમાં ખસેડવામાં આવે છે એમ જણાવતાં ડૉ. મંજરી કહે છે, ‘આ જર્નીને કમ્ફર્ટેબલ બનાવવા નર્સ, ડૉક્ટર અને ઘરની એક વ્યક્તિ કે જે બર્થ અટેન્ડન્ટ હોય છે એ મધર્સને મૉરલ સપોર્ટ આપતા રહે છે. વૉર્મ વૉટરમાં મમ્મીને બેસાડવામાં આવે છે. પાણીના ટેમ્પરેચરને લીધે ડિલિવરીના પેઇન ટૅન્ટ્રમ્સ નથી આવતાં.
સ્કિન પણ હાઇડ્રેટેડ રહે છે અને ઓછામાં ઓછી ફાટે છે. આને લીધે બૅક પેઇન પણ ઓછું થાય છે.
આવી મધર્સના પોસ્ટપાર્ટમ ઇશ્યુઝ કમ્પૅરેટિવલી ઓછા હોય છે. ડિલિવરી બાદ પ્લેસેન્ટા કુદરતી રીતે અલગ થઈને બાળક પૂલમાં બહાર આવે ત્યારે બાળક અને મા બંનેને પૂલમાંથી બહાર ખસેડવામાં આવે છે.’
વૉટર બર્થ ટેક્નિક મધર્સ પોતાની મરજીથી જ ચૂઝ કરી શકે છે. આફ્ટર બર્થ પેઇનકિલર વગરની ડિલિવરી જોઈતી હોય તો માનસિક રીતે બહુ જ સજ્જ થવું પડે છે પણ આના ફાયદાઓ પણ અનેક છે. અન્ય ડિલિવરી ટેક્નિકની જેમ જ વૉટર બર્થ સાથે પણ અમુક શક્યતાઓ જોડાયેલી છે. વૉટર બર્થમાં ઇન્ફેક્શન, ન્યુમોનિયા, હાઈ મ્યુકોનિયમ, ડ્રાઉનિંગ અને ગર્ભનાળ ફાટવાના ચાન્સિસ જોવા મળે છે એટલે આ વિશે ડૉક્ટર સાથે ચર્ચા કરીને જ નિર્ણય લેવો જોઈએ.
મધર્સ માટે ફાયદા
- હૉટ વૉટર ટબમાં નોંધનીય રીતે પેઇનમાં રાહત મળે છે.
- પેટનું પાણીમાં ફ્લોટ થવાથી લેબરમાં સપોર્ટ મળે છે.
- પ્રસૂતિ દરમિયાન વારંવારના કૉન્ટ્રૅક્શન (સંકોચન) અને રિલૅક્સેશનને લીધે બૅક અને થાઇ મસલ્સને થાક લાગે છે. આ થાક કમ્પૅરેટિવલી બર્થિંગ પૂલમાં ઓછો લાગે છે.
- પાણીની બાઉન્સિંગ મૂવમેન્ટ બાળકને સારી રીતે નીચે ધકેલવામાં મદદ કરે છે.
- બાળકના અવતરણની ઘડી એની મા જોઈ અને સમજી શકે છે. ક્યારેક અરીસો બતાવીને પણ માને બાળકની પોઝિશન બતાવવામાં આવે છે.
- ઇન્જેક્શન અને દવાઓની જરૂર નથી પડતી.
- લેબર ડ્યુરેશન (પ્રસૂતિનો સમય) ઘટે છે.
- આ રીતે માતા વધુ સહકારપૂર્વક બાળકને જન્મ આપે છે એટલે પેરીનિયલ ટિયર્સની શક્યતાઓ ઘટી જાય છે.
- આ રીતની ડિલિવરી ઓછી ખર્ચાળ હોય છે.
બાળક માટે ફાયદા
- બાળક માટે એક ફ્લુઇડમાંથી બીજા ફ્લુઇડમાં સરકવું આસાન બની જાય છે.
- જન્મ બાદ તરત જ બાળકને મધરની છાતી પર મૂકવામાં આવે છે, જે વૉર્મ ઇન્ક્યુબેટર તરીકે કામ કરે છે અને સ્કિન ટુ સ્કિન ટચના ફાયદા પણ આપે છે.
- બાળક માના હૃદયના ધબકારા સાંભળી હજી પણ નાળ અને પ્લેસેન્ટા સાથે જોડાયેલું રહે છે.
- સ્ટ્રેસલેસ ડિલિવરીની આ ટેક્નિકથી બાળકમાં બેટર માઇલસ્ટોન અને હેલ્ધી માઇન્ડસેટ જોવા મળે છે.
કોના માટે વૉટર બર્થ નથી?
- હાઈ રિસ્ક પ્રેગ્નન્સી
- હાઈ બ્લડ-પ્રેશર
- અર્લી ડિલિવરી
- બાળક પેટમાં અપેક્ષિત કરતાં ઊલટી દિશામાં હોય ત્યારે
- માની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોય ત્યારે
- એક કરતાં વધુ બાળક હોય ત્યારે આ સુટેબલ ઑપ્શન નથી.
બેબી ડાઇવ રિફ્લેક્સ
નવજાતમાં ઑટોમૅટિક ‘ડાઇવ રિફ્લેક્સ’ હોય છે એટલે જ બાળક જન્મ સમયે નવા વાતાવરણમાં ચોંકી જાય છે અને બ્રીધ કરવા માંડે છે. વૉટર બર્થમાં માથાને શરીરના બાકીના ભાગ કરતાં પહેલાં જ સપાટી પર લાવી આ ડાઇવ રિફ્લેક્સને ઓવરરાઇડ કરવામાં આવે છે.


