ડ્રાય આઇનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી અને એક વખત આ રોગ થયા પછી તકલીફ સતત વધતી જાય છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૩૫ વર્ષનો છું. મારી નોકરી એવી છે કે હું દિવસના ૧૦ કલાક ઑફિસમાં લૅપટૉપ પર હોઉં છું અને ઘરે ફોન પર ૩-૪ કલાક સ્ક્રીન સામે જ હોઉં છું. છેલ્લા ૬ મહિનાથી મને ડ્રાય આઇઝની તકલીફ છે. ડૉક્ટર કહે છે કે આંખનાં આંસુ સુકાતાં જાય છે અને એ માટે હું શું કરું એ મને સમજાતું નથી. કારણ કે ડ્રૉપ્સ નાખું છું ત્યારે ઠીક રહે છે, પરંતુ ડ્રૉપ્સ જેવાં બંધ કરું એટલે તકલીફ વધી જાય છે. આ બાબતે બીજું શું ધ્યાન રાખવું?
સ્ક્રીન્સનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિને ડ્રાય આઇ તરફ ધકેલે છે. આ દેખીતી રીતે નાનો પ્રૉબ્લેમ એક રીતે ઘણો તકલીફદાયક પણ છે. ડ્રાય આઇનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી અને એક વખત આ રોગ થયા પછી તકલીફ સતત વધતી જાય છે. અત્યારે ઘણી સારી ટેસ્ટ થાય છે જેના દ્વારા ડ્રાય આઇની ગંભીરતા સમજી શકાય છે અને એ પ્રમાણે ઇલાજ નક્કી થાય છે, પણ એ વાત સાચી છે કે દવા દ્વારા ફક્ત એનાં લક્ષણ કાબૂમાં લઈ શકાય છે. માટે આ રોગ જેટલો મોડો આવે એટલું વધુ સારું. એ માટે તમે ટીવી, ટૅબ્લેટ, સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે વાપરો તો સારું. જોકે ઘણા લોકોની જેમ તમારી પણ એ પરિસ્થિતિ છે કે એ તમે ટાળી શકતા નથી. ઑફિસમાં જો તમારે કમ્પ્યુટર સામે રહેવું જ પડે તો ઘરે થોડું એક્સપોઝર ઓછું કરો, એ જરૂરી છે. બીજું એ કે સેન્ટ્રલી ઍરકન્ડિશનમાં રહેવાનું છોડો. જો ઑફિસમાં ફરજિયાત રહેવું પડતું હોય તો ઘરે ખુલ્લા વાતાવરણમાં રહો. બૅલૅન્સ જાળવો. ઑફિસમાં પણ આ બદલાવ લાવવો જરૂરી છે કે બધી ઑફિસ સેન્ટ્રલી ઍરકન્ડિશનવાળી ન હોવી જોઈએ, કારણ કે કામ કરવા માટે તમે કમ્પ્યુટરનો ઉપયોગ ટાળી શકો નહીં તો ઍટ લીસ્ટ ઍરકન્ડિશનનો ઉપયોગ થોડા સમય માટે તો ટાળી જ શકાય. જે લોકો સતત ૧૨થી ૧૮ કલાક કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે તેઓએ જાતે આંખ પટપટાવવાની કોશિશ કરવી. ૧ મિનિટમાં ૩-૪ વાર પલકારા મારી શકાય એની કાળજી રાખવી.
ADVERTISEMENT
એવું પણ હોઈ શકે કે કોઈ દવાને કારણે આંખ ડ્રાય થઈ હોય તો એ ડૉક્ટર્સ જ સમજી શકે છે માટે આંખ ડ્રાય થતી હોય એવું લાગે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો અને તેમની સલાહ મુજબ કરવું. કેમિસ્ટ પાસેથી વગર પ્રિસ્ક્રિપ્શનનાં ડ્રૉપ્સ લેવાં હાનિકારક સાબિત થઈ શકે છે. મોટા ભાગે લાંબા સમય સુધી ડ્રાય આઇ માટે ડ્રૉપ્સ વાપરવાં પડતાં હોય છે.