તમારા દીકરાને આંચકીને કારણે આંખો ખેંચાઈ ગઈ છે એવું ન માનતા
પ્રતીકાત્મક તસવીર
મારો દીકરો સાત વર્ષનો છે. અઢી વરસનો હતો ત્યારે તેને પહેલી વાર આંચકી આવેલી. એ પછી બે વાર આંચકી આવી. એ વખતે તેની આંખો ઉપર ચડી ગયેલી. એને કારણે તેની બેઉ આંખોની કીકી સમાંતરે નથી રહેતી. જ્યારથી પ્લેસ્કૂલમાં જવાનું શરૂ કર્યું ત્યારથી તેને જમણી આંખમાં તકલીફ હોય એવું લાગે છે. તે સામે જોતો હોય તો તેની નજર ક્યાં ઠરેલી છે એ ખબર નથી પડતી. આંચકીની દવા ચાલે છે, પણ એનાથી આંખમાં કોઈ ફરક નથી પડ્યો. ત્રાંસી આંખો માટે સર્જરી સિવાય કોઈ ઇલાજ ખરો?
બાળપણમાં શરૂ થયેલી અને વર્ષોથી જે તકલીફ હતી એ હવે વધી રહી છે એટલે અર્જન્ટ અટેન્શન આપવું જરૂરી છે. તેની ઉંમર સાત વર્ષની છે અને આ તકલીફનો ઇલાજ દસ વર્ષની ઉંમર સુધી જ શક્ય છે. જો યોગ્ય ટ્રીટમેન્ટ નહીં થાય તો જીવનભર ત્રાંસી આંખો સાથે જીવવું પડે એવું બને.
તમારા દીકરાને આંચકીને કારણે આંખો ખેંચાઈ ગઈ છે એવું ન માનતા. આંચકી તો એક નિમિત્ત બની છે. તેને નાનપણથી જ ચશ્માંના નંબર હશે જેનું યોગ્ય નિદાન નથી થઈ શક્યું એ મૂળ સમસ્યા છે. એમાંય તેની બેમાંથી એક આંખમાં બીજી કરતાં વધુ નંબર હોવા જોઈએ. આંચકીને કારણે આંખ ત્રાંસી નથી થઈ તો એની દવાથી આંખમાં ફરક ન પડે એ સ્વાભાવિક છે. હવે તેની આંખો ત્રાંસી થવા લાગી છે એ બતાવે છે કે તે લેઝી આઇ થઈ ગઈ છે. જ્યારે બે આંખોમાં એકસરખા નંબર હોય તો બન્ને આંખો ખેંચાય છે, પરંતુ એક જ આંખમાં તકલીફ હોવાથી કોઈ પણ દૃશ્યને ચોખ્ખું જોવા માટે નબળી આંખના સ્નાયુઓએ વધુ જોર કરવું પડે છે. આને કારણે તમે જેટલો સમય એમ ને એમ જવા દેશો એટલું તેની આંખોના વિઝન તેમ જ સ્ક્વિન્ટ બન્ને માટે નુકસાનકારક છે.
ADVERTISEMENT
આંખો સ્ક્વિન્ટ થવાની આ પરિસ્થિતિને એમ્બાયોપિયા કહે છે. હજી તેની આંખોને સુધરવા માટે બેથી ત્રણ વર્ષનો ગાળો મળી રહેશે. એટલે તરત જ આંખોના કોઈક સારા નિષ્ણાતને કન્સલ્ટ કરો. યોગ્ય નંબરનાં ચશ્માં પહેરાવવાનું ચાલુ કરો. આ પરિસ્થિતિ પાંચ-સાત વર્ષથી ચાલી આવે છે એને કારણે એને ઇમ્પ્રૂવ થતાં પણ બેએક વર્ષ લાગશે. હું ખાસ ભાર દઈને કહું છું કે જેટલું બને એટલું જલદી કરશો. મોડું કરશો તો જીવનભર માટે તેની જમણી આંખ નાઇલાજ થઈ જઈ શકે છે.

