અત્યારે બજાર દાડમથી ઊભરાઈ રહી છે એનો લાભ લેવાનું ભૂલતા નહીં, કેમ કે નિષ્ણાતોનું કહેવું છે કે આ ફળમાં ખાસ કેમિકલ્સ છે જે મગજમાં એજિંગને કારણે સોજો આવ્યો હોય તો એ મટાડીને યાદશક્તિને ક્ષીણ થતી અટકાવે છે
પ્રતીકાત્મક તસવીર
કોઈ વાત, વસ્તુ કે વ્યક્તિ ક્યારેક યાદ ન રહે
અઘરાં કાર્યો કરવાં મુશ્કેલ બની જાય
ADVERTISEMENT
જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવામાં તકલીફ પડે
કોઈ સમસ્યા કે મૂંઝવણના ઉકેલમાં તકલીફ પડે
કોઈ યોજના ઘડવામાં કે એના મૅનેજમેન્ટમાં અક્ષમ
રૂટીન કાર્યો કરવામાં જરૂર કરતાં વધુ સમય લાગે
જો સાઠ વર્ષની વય પછી આવાં લક્ષણો દેખાતાં હોય તો સમજવું કે મગજની કાર્યક્ષમતા ઘટી રહી છે અને ઑલ્ઝાઇમર્સ ડિસીઝની શરૂઆત થઈ છે કે કેમ એની ચકાસણી કરાવવી જરૂરી છે. ઑલ્ઝાઇમર્સ એક એવી બીમારી છે જે મગજની યાદશકિત ને ધીરે-ધીરે ક્ષીણ બનાવી દે છે. ઉંમર વધવાની સાથે અમુક લોકોની વિચારવાની, સમજવાની અને વ્યવસ્થાપનની શક્તિ ધીરે-ધીરે કુંઠિત થતી જાય છે. ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓમાંથી હાલ અઢી કરોડ લોકોને આ બીમારી લાગુ પડી છે. નિષ્ણાતો કહે છે કે ઑલ્ઝાઇમર્સનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય એનાં દસ વર્ષ પહેલાં જ આ બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આ સમસ્યાનો અકસીર ઇલાજ કોઈ જ નથી. હા, તમે આ રોગ આગળ ધપવાની સમસ્યાને ધીમી પાડી શકો કે અટકાવી શકો છો. આવા રોગમાં એક અસરકારક સંશોધન થયું છે. આ સંશોધનોના તારણને સાચું માનીએ તો રોજનું એક દાડમ ખાવાથી મગજની ક્ષમતાઓને ઓસરતી કે બગડતી અટકાવી શકાય એવી આશા જાગી છે.
દાડમ આમ તો બારેમાસ મળતાં હોય છે, પણ હાલમાં એની સીઝન સારી છે. આ લાલચટક ફળના ગુણોને બહુ ગણકારવામાં નથી આવ્યાં, પરંતુ હવે એમાં રહેલાં ખાસ કેમિકલ કમ્પાઉન્ડ કેટલો ચમત્કાર સરજી શકે છે એ વિશે વિદેશોમાં સંશોધનો થયાં છે. તાજેતરમાં થયેલા સંશોધનનો દાવો છે કે દાડમ આપણા દિમાગને સતેજ રાખવાનું કામ કરે છે અને ઑલ્ઝાઇમર્સ જેવા યાદશક્તિ ક્ષીણ કરતા રોગના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક છે. ચાલો તો આજે જાણીએ એ અભ્યાસમાં શું કહેવાયું છે એની વિગતો વિશે અને એના બીજા પણ કેટલા ફાયદાઓ થઈ શકે છે એ વિશે.
જોકે આજે આપણે દાડમ વિશે હાલમાં જ નવું સંશોધન થયું છે એના વિશે વાત કરીએ તો દાડમ મગજને પણ માલામાલ કરી શકે છે એવા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી ઑફ કોપનહેગન અને US નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગના સંશોધકોનું કહેવું છે કે દાડમના સેવનથી યાદશક્તિ સુધરે છે. ઑલ્ઝાઇમર્સ ધરાવતા લોકોમાં દાડમ લાભકારક સાબિત થયું છે. દાડમમાં યુરોલિથિન A નામનું નૅચરલ કમ્પાઉન્ડ હોય છે, જે યાદશક્તિ અને શરીર-મગજના કમ્યુનિકેશનના કૉગ્નિટિવ ફંક્શનમાં મદદ કરે છે. આ કેમિકલનું કામ છે મગજના કોષોમાં ક્યાંય પણ સોજો કે અસામાન્યતા આવ્યા હોય તો એને ઘટાડવાનું. ઉંદરો પર યુરોલિથિન કમ્પાઉન્ડની થેરપ્યુટિક પ્રૉપર્ટીનો પ્રયોગ કરીને ઑલ્ઝાઇમર્સની સારવાર કરવામાં ફાયદો થતો હોવાનું સંશોધકોએ નોંધ્યું છે. દાડમમાં રહેલાં કેટલાંક પૉલિફીનૉલ્સ પ્રકારનાં કેમિકલ્સથી આંતરડાંમાં ગટ બૅક્ટેરિયા દ્વારા યુરોલિથિન A કેમિકલનો સ્રાવ વધે છે.
આ સંશોધન કેટલે અંશે સાચું અને અસરકારક હોઈ શકે એ વિશે બોરીવલીનાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ સ્મૃતિ મહેતા કહે છે, ‘હા, દાડમમાં રહેલાં ખાસ કેમિકલ્સથી મગજની ક્ષમતાઓ સુધરી શકે છે. લાલ રંગ ધરાવતું દાડમ વિપુલ પ્રમાણમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ધરાવે છે. મતલબ કે આ કેમિકલ્સ શરીરમાં ઉદ્ભવતાં હાનિકારક ફ્રી રૅડિકલ્સનો નાશ કરીને એમને નિયંત્રણમાં રાખે છે. દાડમમાં એલેજીટેનિન્સ અને એલેજિક ઍસિડ નામનાં પૉલિફીનૉલ્સ કુદરતી સ્વરૂપમાં હોય છે. આ કેમિકલ્સ શરીરમાં જાય એટલે પ્રક્રિયા પામીને યુરોલિથિન A માં ફેરવાઈ જાય છે જે વ્યક્તિની યાદશક્તિની સમસ્યા તેમ જ ડિમેન્શિયાની બીમારી પણ દૂર કરી શકે છે.’
ઑલ્ઝાઇમર્સ સામે કેવી રીતે કામ કરે?
આ માટે ઑલ્ઝાઇમર્સ શું છે એ જરા સમજીએ. મગજના કોષોની કાર્યક્ષમતા ઘટવાને કારણે એની ચીજો યાદ રાખવાની અને યાદ રાખેલી ચીજો જરૂર પડ્યે રીકૉલ કરવાની ક્ષમતા ખોરવાય છે. આ બહુ ધીમે-ધીમે આગળ વધતી સમસ્યા છે. મગજના કોષોનું ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધવાથી કેટલાક લોકોનું મગજ જલદી ઘરડું થઈ જાય છે. જ્યારે મગજના કોષો ઘરડા થાય એટલે એની પર મિટોકોન્ડ્રિયા નામનું પાતળું મેમ્બ્રેન (આવરણ) વિકસે છે, જે મગજની કાર્યક્ષમતાને નબળી પાડી દે છે. આ વિશે વધુ પ્રકાશ પાડતાં સ્મૃતિ મહેતા કહે છે, ‘દાડમ ખાવાથી શરીરમાં બનતું યુરોલિથિન A કેમિકલ મગજ પર જામેલા પાતળા આવરણને ભેદીને મગજને ફરીથી ચુસ્ત અને સક્ષમ બનાવે છે. સ્મરણશક્તિ અને સમજશક્તિ પુનઃ વિકસિત થવા લાગે છે. દાડમમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઑમેગા-૩ મગજના કોષોને સ્ટ્રેસથી દૂર રાખે છે. સાથે એવા સોજાથી પણ દૂર રાખે છે જેને કારણે મગજની સમસ્યા વકરી શકે. દાડમનો જૂસ પીવાથી માણસનો કૉગ્નિટિવ પાવર (શીખવાની, સમજવાની અને યાદ રાખવાની શક્તિ) વધે છે. જોકે દાડમના રસ કરતાં દાડમના દાણા ચાવીને ખાવાથી વધુ ફાયદો થાય છે. દાડમને ખાવાથી એમાં રહેલા ફાઇબર્સનો શરીરને ઘણો લાભ મળે છે.’
આજે માણસ વધુ સ્ટ્રેસમાં જીવતો થઈ ગયો. અનેક નવાં ઉપકરણોની શોધને પ્રતાપે શારીરિક શ્રમ તો ઓછો થયો છે પણ મગજનું કામકાજ વધી ગયું છે. વધતા જતા સ્પર્ધાના યુગમાં મગજને વધુ તાણ પડે છે. આવા સંજેગોમાં દાડમ આગામી સમયમાં શ્રેષ્ઠ બ્રેઇન ફૂડ બની શકે એમ છે એમ યુનિવર્સિટી ઑફ કોપન હેગન અને અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગના સંશોધકોનું માનવું છે. આ યુનિવર્સિટીના મૉલેક્યુલર મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર વિલ્હેમ બોહરના જણાવ્યા મુજબ ‘દાડમમાંથી મળી આવતું યુરોલિથિન A આવી બીમારીને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ યુરોલિથિન Aમાંથી ટૅબ્લેટ્સ બનાવવાના પ્રયોગો પણ થઈ રહ્યા છે.’
પોષણશાસ્ત્રીઓ કહે છે કે આવી ટૅબ્લેટ્સથી આડઅસરનો ભય હોય છે. એની સામે દાડમ ખાવાથી મગજ ઉપરાંત શરીરનાં બીજાં અંગોને પણ ફાયદો પહોંચે છે અને કોઈ આડઅસર નથી થતી. ઑલ્ઝાઇમર્સથી પીડિત વ્યક્તિને રોજનું લગભગ એક દાડમ ખવડાવવું જોઈએ. જોકે આ બીમારી કેટલી ફેલાઈ છે એનું નિદાન કરાવી ડૉક્ટર્સ અને ન્યુટ્રિશનિસ્ટની સલાહ પ્રમાણે વર્તવું વધુ હિતાવહ છે.

