ડાયટમાં અપનાવાઈ રહેલી આ નવી મેથડ શું છે? માત્ર શરીર પર નહીં, તમારા માઇન્ડને પણ ટ્રેઇન કરવાનો દાવો આમાં થતો હોય છે. કઈ રીતે એ વિશે વિગતવાર જાણીએ
વજન ઘટાડ્યા પહેલાં કપિલ શર્મા
તાજેતરમાં કૉમેડિયન કપિલ શર્માના ટ્રેઇનરે તેને આપેલા આ ડાયટ-પ્લાનથી લગભગ ૧૪ કિલો વજન ઘટાડવાની વાત શૅર કરી હતી. ડાયટમાં અપનાવાઈ રહેલી આ નવી મેથડ શું છે? માત્ર શરીર પર નહીં, તમારા માઇન્ડને પણ ટ્રેઇન કરવાનો દાવો આમાં થતો હોય છે. કઈ રીતે એ વિશે વિગતવાર જાણીએ
શું કરવું અને શું નહીં એ મૂંઝવણમાં વધારો કરવા માટે દર બીજા દિવસે નવા-નવા ડાયટ-પ્લાનની વાતો આવતી રહે છે. ડાયટ વિશે વાંચવું અને હવેથી હું આમ જ કરીશ એવું વિચારવું જેટલું સરળ છે એટલું જ અઘરું છે ડાયટને અનુસરવું, કારણ કે કોઈ પણ ડાયટ-પ્લાન સૌથી પહેલાં આપણા મનને પડકારતો હોય છે. માઇન્ડ પર કન્ટ્રોલ આવે એ પછી જ સ્વાદ પર કન્ટ્રોલ લાવવો સંભવ છે. પોતાના રૂટીનને જડમૂળથી બદલવાની વાત કોઈ જંગ લડવા જેટલી સરળ નથી હોતી. વર્ષોથી કોઈક એક ડાયટને ફૉલો કરતા હો, વર્ષોથી ધારો કે કોઈક નિશ્ચિત પ્રકારની જીવનશૈલી જીવતા હો તો રાતોરાત એને બદલવી સ્વાભાવિક રીતે અઘરું છે. બીજું, ધારો કે ઉત્સાહ-ઉત્સાહમાં શરૂઆતમાં ચાર દિવસ એ અનુસરી પણ લીધું, પણ પાંચમા દિવસે એ ધારા તૂટશે. તો હવે આનો ઇલાજ શું? આનો ઇલાજ છે ૨૧ : ૨૧ : ૨૧ પદ્ધતિ. ૨૧ દિવસની ત્રણ સાઇકલમાં એક પછી એક તબક્કા પાર કરીને શરીર માટે જરૂરી વાતાવરણ બનાવી દેવાનું. તાજેતરમાં કૉમેડિયન કપિલ શર્માએ આ જ ફન્ડા ફૉલો કરીને ૧૪ કિલો વજન ઘટાડ્યું છે. કપિલ શર્મા, સોનુ સૂદ, ફારાહ ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝને ટ્રેઇન કરી ચૂકેલા યોગેશ ભતેજાએ એક ઇન્ટરવ્યુમાં ત્રણ રાઉન્ડમાં વિભાજિત થયેલી ૨૧-૨૧ દિવસની આ ટેક્નિક શું છે અને કઈ રીતે કામ કરે છે એ વિશે માહિતી આપી હતી. આજે આપણે આ પદ્ધતિને સમજીએ અને સાથે ડાયટિશ્યન સાથે વાત કરીને એ પણ જાણીએ કે શું કામ ૨૧ મલ્ટિપ્લાય ત્રણની આ મેથડ લાંબા ગાળાનું પરિણામ આપી શકે છે.
ADVERTISEMENT
ન્યુટ્રિશનિસ્ટ ટ્વિન્કલ હરિયા
૬૩ દિવસમાં ટ્રાન્સફૉર્મેશન
આગળ કહ્યું એમ ફિટનેસ એ રાતોરાત મળતી બાબત નથી. યોગેશ ભતેજા આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ ટેક્નિક પર ભાર મૂકે છે. લાઇફસ્ટાઇલ બદલવાની પ્રોસેસમાં ઝડપ દેખાડવાના અને રાતોરાત બધું જ બદલી દેવાના પ્રયાસો કરીશું તો એમાં સફળતા જલદી નહીં મળે. પહેલું પગથિયું સભાનતા લાવવાનું છે અને જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો બદલાવ કન્ટિન્યુ રહેવાના ચાન્સ વધી જાય છે. ૨૧ દિવસના ત્રણ રાઉન્ડ એટલે ફિટનેસ તરફ આગળ વધવાનાં ત્રણ સ્ટેપ છે અથવા ટ્રાન્સફૉર્મેશનના ત્રણ તબક્કા છે જે તમને માત્ર શારીરિક રીતે જ નહીં, માનસિક અને ભાવનાત્મક રીતે પણ સ્વસ્થ બનાવે છે. એનાથી તમારો વિલપાવર અને તમે જે કરી રહ્યા છો એના પ્રત્યેનો તમારો વિશ્વાસ વધે છે.
કરવાનું શું હોય?
૨૧-૨૧ દિવસના ત્રણ તબક્કામાંથી પહેલા તબક્કામાં તમારે માત્ર માઇલ્ડ મૂવમેન્ટ કરવાની. બેઝિક સ્ટ્રેચિંગ, સામાન્ય વૉકિંગ, ઘેરબેઠાં થોડુંક શારીરિક હલનચલન કરવાનું હોય. જેમ સ્કૂલમાં પી.ટી.ના ક્લાસ યોજાતા હતા અને જે થોડાઘણા હાથ ઉપર કરવા, નીચા કરવા, અંગૂઠાને હાથ લગાડવો જેવા અભ્યાસ કરતા હતા એવો જ અભ્યાસ કરવાનો છે. જિમમાં જઈને વજન ઉપાડો કે બૉડીવેઇટ કરો જેવું કંઈ જ નહીં; પરંતુ હા, ઘરમાં કમસે કમ એક કલાક કોઈક ફિઝિકલ એક્સરસાઇઝને આપો. એ દરમ્યાન તમારે ડાયટિંગ વગેરે નથી કરવાનું.
બીજા તબક્કાના ૨૧ દિવસમાં હવે એક્સરસાઇઝ ઉપરાંત થોડો-થોડો ડાયટમાં બદલાવ લાવવાનો. એ પણ કંઈ બહુ ડ્રાસ્ટિક નહીં. બદલાવ ન કરો અને માત્ર થોડાક સભાન થાઓ કે તમે શું ખાઈ રહ્યા છો અને જે ખાઈ રહ્યા છો એ ખાવાયોગ્ય છે કે નહીં એટલું જ. ખોટી આદતો હોય તો એને ચેક કરો, થોડાક બદલાવ લાવો. જેમ કે ગૅસ, ઍસિડિટી થતાં હોય તો રાતે દૂધ પીવાનું બંધ કરો, જમ્યા પછી મીઠાઈ ખાતા હો તો એની ક્વૉન્ટિટી ઘટાડો, ચા સંપૂર્ણ છોડી દેવાને બદલે એની માત્રા ઘટાડો. આ નાના-નાના બદલાવોની પણ તમને અસર દેખાવી શરૂ થશે.
ત્રીજા તબક્કાના ૨૧ દિવસમાં ચા, કૉફી, સ્મોકિંગ, દારૂ જેવી બાબતો પરની તમારી ડિપેન્ડન્સી ઘટાડવાનો ટાર્ગેટ બનાવો. પહેલા બે તબક્કામાં તમે માનસિક રીતે વધુ સ્ટ્રૉન્ગ બની ગયા હો એટલે છેલ્લા તબક્કામાં વ્યસનો પરની નિર્ભરતા ઘટાડવાનું સરળ પણ બનશે.
વજન ઘટાડ્યા પછી કપિલ શર્મા
સૌથી વધુ સાયન્ટિફિક
આ સંદર્ભે ૧૫ વર્ષથી મુલુંડમાં પ્રૅક્ટિસ કરતાં ન્યુટ્રિશનિસ્ટ ટ્વિન્કલ હરિયા કહે છે, ‘આ ખરેખર ખૂબ જ ઇફેક્ટિવ વેલનેસ પ્લાન છે, જેમાં તમે ત્રણ તબક્કાના ૬૩ દિવસ પછી બહુ સ્ટ્રગલ વિના સહજ રીતે હેલ્ધી લાઇફસ્ટાઇલમાં શિફ્ટ થઈ શકશો. એક સમયે એક જ બાબત પર ભાર મૂકી રહ્યા છો જે ૨૧ દિવસમાં અનાયાસ જ તમારી લાઇફનો હિસ્સો બની જતો હોય છે. તમારું મન, શરીર, બુદ્ધિ, ઇમોશન્સ ખૂબ જ સહજતાથી પાછલા દરવાજે આવી રહેલા આ બદલાવોને સ્વીકારી લે છે. અફકોર્સ, ધારો કે કોઈના માઇન્ડ-બૉડીમાં આ રૂટીન સેટ ન થયું હોય અને ૬૩ દિવસ પછી પાછા હતા એના એ જ થઈ જાય તો આનાથી કોઈ ફાયદો ન થાય. આ રૂટીનમાં કન્સિસ્ટન્સી મહત્ત્વની છે. શરૂઆતમાં એને અચીવ કરવી ઈઝી પણ છે. એક વાર આદતમાં સેટ થઈ ગઈ એટલે પછી તમે રાજા.’
સૌથી બેસ્ટ ફાયદો જણાવતાં ટ્વિન્કલ હરિયા કહે છે, ‘આનો સૌથી પ્લસ પૉઇન્ટ એ છે કે જે થાય છે એ ધીમે-ધીમે થાય છે. અચાનક બધું છોડી દો તો ક્રેવિંગ વધે. અહીં એવી અર્જ તમારામાં જાગશે નહીં એટલે એ લાંબો સમય ટકશે. હકીકતમાં બધા જ બદલાવનો આ જ સાચો અને સાયન્ટિફિક રસ્તો છે. આમાં તમે કૅલરી-ડેફિસિટમાં જતા હોવા છતાં ન્યુટ્રિશન્સના લેવલ પર કોઈ બાંધછોડ નથી કરી રહ્યા. આનાથી ઓવરઑલ હેલ્થ વધે એમાં કોઈ શંકા નથી.’

