જે લોકો ટીબીના દરદી છે, કૅન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, જેમને HIV થયું છે એવા બીમાર લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગયેલી હોય છે
પ્રતીકાત્મક તસવીર
કોરોના આવ્યો ત્યારે આપણે બધાએ રસી લીધી હતી એટલે એ તો સૌને ખબર છે કે વયસ્ક ઉંમરે અમુક પ્રકારના રોગો માટે રસી લેવી પડે છે. નવો રોગ ફાટી નીકળે તો રસી ઉપયોગી છે. વયસ્ક ઉંમરે જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો એને સશક્ત બનાવવા માટે અને એ ઉંમરે રોગોથી બચવા પણ અમુક પ્રકારની રસી જરૂરી છે. વયસ્ક વયે રસી લેવાનું મહત્ત્વ જુદું છે. મોટા ભાગે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ૬૫ વર્ષે નબળી પડી ગઈ હોય છે એટલે ઇન્ફેક્શનનું રિસ્ક વધી જાય છે. ખાસ કરીને ચેસ્ટ ઇન્ફેક્શનનું રિસ્ક આ ઉંમરના દરદીઓમાં ઘણું વધારે હોય છે. આ ઉંમરે એક વાતનું એ પણ ધ્યાન રાખવું પડે છે કે કોઈ પણ રસી તેમને ન આપી શકાય. જેમ કે અમુક રસીઓ લાઇવ હોય છે. એટલે કે એ રસીમાં જંતુ જીવિત હોય છે. આ ઉંમરે ક્યારેક આ પ્રકારની રસીઓ જ રોગનું કારણ બની જતી હોય છે. એટલે ડૉક્ટરની સલાહ મુજબ જ રસી મુકાવાય. ન્યુમોનિયા માટેની રસી અને ફ્લુ માટેની રસી આ ઉંમરના લોકોએ ખાસ લગાવવી જોઈએ. ન્યુમોનિયા માટે ન્યુમોકોકલ વૅક્સિન અને ફ્લુ માટેની ઇન્ફ્લુએન્ઝા વૅક્સિન આવે છે એ દરેક ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિએ લગાવવી.
જે લોકો ટીબીના દરદી છે, કૅન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, જેમને HIV થયું છે એવા બીમાર લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગયેલી હોય છે. આ સિવાય જેમને અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે શ્વાસની કોઈ મોટી તકલીફ છે તેમને પણ ઇન્ફેક્શન લાગવાની અને ફેલાવાની શક્યતા વધુ રહે છે. એટલે આવા લોકોએ પણ ન્યુમોનિયા અને ફ્લુની રસી લઈ લેવી જોઈએ. આ સિવાય હર્પીસ, મેનિન્જાઇટિસ જેવા રોગોનું રિસ્ક આ લોકો પર વધુ રહે છે એટલે ડૉક્ટરની સલાહ મુજબ એની રસી પણ આ લોકોએ ચોક્કસ લઈ લેવી.
ADVERTISEMENT
મોટા ભાગે નાનાં બાળકોને અને ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને ફ્લુની રસી આપવાનું વિચારી શકાય, પરંતુ અત્યારે સ્વાઇન ફ્લુ ફેલાઈ ગયો છે એટલે અત્યારે બધાએ જ રસી લઈ લેવાની જરૂર હોતી નથી. વળી એક વાર રસી લઈએ તો એ રસી તમને બે અઠવાડિયાં પછી પ્રોટેક્શન આપે. એટલા સમયને ધ્યાનમાં લઈને જ રસી મુકાવવી. લોકોને એમ લાગે કે રસી મુકાવી એટલે તરત જ સેફ થઈ ગયા, પરંતુ રસીને કામ કરવાનો સમય તો આપવો જ પડેને. એક તો એ સમજાવવાનું કે દરેક પ્રકારની રસીની અસર જીવનભર રહેતી નથી. જેમ કે ફ્લુની રસી ૧ જ વર્ષ માટે અસરકારક છે. કૅન્સરગ્રસ્ત લોકો, HIV કે ટીબીના દરદીઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને દર વર્ષે આ રસીની ખાસ જરૂર છે.
- ડૉ. સુશીલ શાહ
(ડૉ. સુશીલ શાહ અનુભવી ફૅમિલી ફિઝિશ્યન છે.)

