Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્યુબર્ટી અને મેનોપૉઝ બન્ને બહેનો જેવી છે એકદમ સરખી

પ્યુબર્ટી અને મેનોપૉઝ બન્ને બહેનો જેવી છે એકદમ સરખી

Published : 02 June, 2025 01:04 PM | Modified : 03 June, 2025 06:56 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સ્ત્રીઓના જીવનના આ બન્ને અતિ મહત્ત્વના પડાવ કઈ રીતે એકસરખા છે અને કઈ રીતે એને મૅનેજ કરી શકાય એ વિશે આજે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાના વિડિયોમાં એક ખૂબ જ સાચી વાત અત્યંત હળવા અંદાજમાં લોકો સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું હતું કે ૧૪ વર્ષની ઉંમરે બૅડ બૉય્ઝ ખૂબ સારા લાગે અને ૪૦ વર્ષે ગુડ બૉય્ઝ (એટલે કે પતિ) ખૂબ ખરાબ લાગતા હોય છે એ બન્ને પાછળનું કારણ અનુક્રમે પ્યુબર્ટી અને મેનોપૉઝ છે. સ્ત્રીઓના જીવનના આ બન્ને અતિ મહત્ત્વના પડાવ કઈ રીતે એકસરખા છે અને કઈ રીતે એને મૅનેજ કરી શકાય એ વિશે આજે વાત કરીએ

હાલમાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દીવેકરે એક વિડિયોમાં સ્ત્રીઓના જીવનના બે મહત્ત્વના પડાવની વાત રમૂજ સાથે મૂકી હતી. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓને ૧૪ વર્ષની ઉંમરે બૅડ બૉય્ઝ ખૂબ સારા લાગે અને ૪૦ વર્ષે ગુડ બૉય્ઝ (એટલે કે પતિ) ખૂબ ખરાબ લાગતા હોય છે એ બન્ને પાછળનું કારણ અનુક્રમે પ્યુબર્ટી અને મેનોપૉઝ હોય છે. સ્ત્રીઓના જીવનના આ અતિ મહત્ત્વના પડાવ છે, જ્યારે તેમની સમજશક્તિ કહો કે લૉજિક કહો એ ખાસ કામ કરતું નથી. આ બન્ને સમયે અકારણ ઘણાં ઇમોશન્સ તેમની અંદર આમથી તેમ ઝૂલતાં હોય છે. પ્યુબર્ટીમાં તેમને કોઈ છોકરો શા માટે ગમે છે એનાં તેમની પાસે કોઈ કારણો હોતાં નથી. ઊલટાનું ખરાબ છોકરાઓ તોફાની અને બદમાશ હોય તો તે તેમને વધુ ગમતા હોય એવું બને. સીધોસાદો છોકરો તેમને આ ઉંમરે આકર્ષતો નથી અને ૪૦ પછી તેમને તેમના પતિમાં કોઈ ને કોઈ તકલીફ દેખાય, વગર કારણે ઝઘડવાની ઇચ્છા થયા કરે. આમ બુદ્ધિશાળી સ્ત્રીઓની પણ આ સમયે બુદ્ધિ કે લૉજિક એટલે કે તર્ક બહેર મારી જાય છે. આજે સમજીએ કે પ્યુબર્ટી અને મેનોપૉઝ એ બન્નેમાં કઈ-કઈ બાબતો સરખી છે અને બન્નેને કઈ રીતે મૅનેજ કરી શકાય.



સમાનતા


જે ઉંમરે છોકરીનું માસિક ચાલુ થાય એ શરૂઆતનાં વર્ષોને પ્યુબર્ટી કહેવાય છે અને જ્યારે સ્ત્રીઓનું માસિક બંધ થાય એ અવસ્થાને મેનોપૉઝ કહેવાય છે. બન્નેમાં માસિક મુખ્ય છે. એકમાં શરૂ થાય છે અને બીજામાં બંધ થાય છે. એટલે અવસ્થાઓમાં સમાનતા હોવાની ઘણી શક્યતા હોય એ સમજી શકાય. એ વિશે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મનન જયેશ શેઠ કહે છે, ‘પ્યુબર્ટી અને મેનોપૉઝમાં ઘણી સમાનતાઓ છે. પહેલી સમાનતા તો એ કે બન્ને ખૂબ જ અનિશ્ચિત રહે છે. પ્યુબર્ટીની ઉંમર આમ તો ૯-૧૧ વર્ષની હોય છે, પણ આજકાલ ઘણી છોકરીઓમાં માસિક ૭-૮ વર્ષની નાની ઉંમરથી પણ શરૂ થઈ જતું જોવા મળે છે. એવું જ મેનોપૉઝનું છે. અમુક સ્ત્રીઓ એવી છે જેમને ૫૫-૬૦ વર્ષે મેનોપૉઝ આવે છે, પરંતુ અમુક સ્ત્રીઓને ૪૦-૪૫ની ઉંમરે પણ આવી જાય છે. આમ બન્ને અવસ્થા એકદમ અનિશ્ચિત રહે છે અને બન્ને વખતે સ્ત્રીઓ ક્યારેય પ્રિપેર નથી હોતી. છોકરીઓને પ્યુબર્ટી વિશે ભાગ્યે જ કંઈ સમજાવવામાં આવે છે. સમજાવાય તો પણ જ્યાં સુધી માસિક ચાલુ ન થાય તે માનસિક કે શારીરિક કોઈ પણ રીતે પ્રિપેર હોતી નથી. એવું જ મેનોપૉઝનું છે. એ આવશે એ બધાને ખબર હોય, પણ ક્યારે અને કઈ રીતે એ માટે કોઈ રેડી હોતું નથી. અચાનક આવી જતી આ પરિસ્થિતિ લગભગ દરેક સ્ત્રી માટે કઠિન બને છે. એનાથી ડિસ્ટ્રેસ ઊભું થાય છે જે બન્ને પરિસ્થિતિમાં માનસિક રીતે પણ અસર કરે છે.’

હૉર્મોન્સનો રોલ


પ્યુબર્ટીમાં હૉર્મોન્સ ​સિક્રીશન શરૂ થાય છે અને મેનોપૉઝમાં એ બંધ થઈ રહ્યું હોય છે. આ બન્ને અવસ્થામાં કેટલીક સ્ત્રીઓનાં હૉર્મોન ઇમ્બૅલૅન્સ થાય છે. હૉર્મોન્સ ​િસક્રીશન ચાલુ થાય કે બંધ, બન્ને વખતે નાની-નાની તકલીફો આવતી હોય છે. જોકે જે સ્ત્રીઓનાં હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સ થાય છે તેમને વધુ તકલીફો આવે છે. તમારી પ્યુબર્ટી કે મેનોપૉઝ તમને થોડા-ઘણા તો હેરાન કરશે, પરંતુ વધુ હેરાનગતિ ન થાય એના ઉપાયો કરી શકાય. એ વાત સમજાવતાં ડૉ. મનન જયેશ શેઠ કહે છે, ‘પ્યુબર્ટી હોય કે મેનોપૉઝ - આ બન્ને અવસ્થામાં સ્ત્રીએ સમજીને એકદમ ઍક્ટિવ લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ. એને કારણે માસિક માટે જરૂરી હૉર્મોન્સ જેમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન (જે પુરુષ હૉર્મોન હોવા છતાં અમુક માત્રામાં એની સ્ત્રીઓને પણ જરૂર છે જ)ની ઊથલપાથલ થાય તો પણ ઍક્ટિવિટીને કારણે હૅપી હૉર્મોન્સ એટલે કે ડોપમાઇન, સેરોટોનિન, એન્ડૉર્ફિન્સ અને ઑક્સિટોસિન રિલીઝ થાય છે જે આ ઊથલપાથલથી ઊભા થતા સ્ટ્રેસને નહીંવત્ કરવાની ક્ષમતા ધરાવે છે. વળી લાઇફસ્ટાઇલ ઠીક રાખવામાં આવે એટલે કે પૌષ્ટિક ખોરાક, રાતની ૮ કલાકની ઊંઘ, નિયમિત એક્સરસાઇઝ, દરરોજ ધ્યાન જેવી બાબતોને અપનાવવામાં આવે તો આ કઠિન અવસ્થાઓ સરળ રીતે પસાર થઈ શકે છે.’

ડાયટમાં શું ધ્યાન રાખવું?

એવું માનવામાં આવે છે કે પ્યુબર્ટી અને મેનોપૉઝ બન્ને સમયે ડાયટ સ્ત્રીના જીવનમાં ઘણું મહત્ત્વ રાખે છે. આ બન્ને સમયે અનુકૂળ પૌષ્ટિક ડાયટ લેવામાં આવે તો આ બન્ને અવસ્થાઓ ઘણી સારી રીતે પસાર થઈ શકે છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘પ્યુબર્ટી સમયે શરીરમાં અઢળક હીટ જન્મતી હોય છે. એટલે જ આ છોકરીઓને ઍક્ને થાય, વાળ ખરે, સ્કિન ખરાબ થઈ જાય, ભૂખ ખૂબ લાગે અને જાત-જાતનાં ક્રેવિંગ્સ થાય. મેનોપૉઝ સમયે એવું હોતું નથી. એટલે પ્યુબર્ટીમાં આલ્કલાઇન ફૂડ વધુ ખાવાની અને એ પ્રકારની રેમેડી કરવાની જરૂર પડે. એવું ફૂડ જે ટાઢક આપે એ હિતકારી છે. મેનોપૉઝ વખતે એવો ખોરાક ખાવો જેમાં ફાઇબર ખૂબ હોય પણ કૅલરી ઓછી હોય. આ સમયે કાર્બોહાઇડ્રેટ્સ ખોરાકમાં સમજીને ઓછા કરી લેવા. મુખ્યત્વે મેનોપૉઝ સમયે એ ખાસ ધ્યાન રાખવું કે તમારું વજન ન વધે. જો વજન વધશે કે પહેલેથી જ વધુ હશે તો ચોક્કસ તકલીફો ઘણી રહેશે. એટલે જો ડાયટ અને એક્સરસાઇઝથી વજન કન્ટ્રોલમાં રાખી શક્યા તો વાંધો નહીં આવે. વજન તો પ્યુબર્ટી વખતે પણ છોકરીઓનું વધે છે એટલે એ સમયે એ ખાસ ધ્યાન રાખવાનું કે તેમને ઍક્ટિવ જ રહેવા દેવાની. કોઈ સ્પોર્ટ્સ રમતી હોય તો બેસ્ટ. એ છોડાવશો નહીં. જે છોકરીઓ પ્યુબર્ટી વખતે ઓછી ઍક્ટિવ બની જાય છે તેમને વજન વધી જવાને લીધે તકલીફ પડે છે.’ 

ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કેટલીક ખાસ રેમેડીઝ

પ્યુબર્ટી સમયે ફાયદો કરે એવી રેમેડી

ગુલકંદ : જમ્યા પછી એક ચમચી ગુલકંદ ખાવું.

જીરાપાણી : અડધી ચમચી જીરું રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું અને સવારે ઊઠીને તરત પી લેવાનું.

બાફેલું સફરજન : દિવસમાં એક વાર

આમળાંનો જૂસ : દિવસમાં એક વાર

મેનોપૉઝ સમયે ફાયદો કરે એવી રેમેડી

આમન્ડ બટરમાં તજનો પાઉડર ભેળવીને દિવસમાં બે વાર લઈ શકાય.

૧ ચમચો ધાણા રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે ઊઠતાંની સાથે પી જવાનું.

ગરમ પાણી અને ગરમ સૂપ આખા દિવસ દરમ્યાન પીતા રહેવું.

ફણગાવેલાં કઠોળને બાફીને આદું અને ગાજર સાથે મિક્સ કરીને લઈ શકાય. 

પ્યુબર્ટી અને મેનોપૉઝ વચ્ચે સામ્ય

પ્યુબર્ટી અને મેનોપૉઝ વચ્ચે અમુક પ્રકારનો ભેદ છે. એ બરાબર કે બન્ને જુદા-જુદા સમયે સ્ત્રીના જીવનમાં આવે છે. પ્યુબર્ટી સ્ત્રીને રીપ્રોડક્શન તરફ દોરી જાય છે અને મેનોપૉઝ આ પ્રક્રિયાનો અંત છે. જોકે એ બન્ને વચ્ચે ઘણું સામ્ય છે જેમ કે...

હૉર્મોન્સમાં બદલાવ : ખાસ કરીને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બન્ને હૉર્મોન્સમાં મુખ્ય બદલાવ આવે છે.

શારીરિક બદલાવ : શારીરિક રીતે સ્ત્રીનું આખું ટ્રાન્સફૉર્મેશન થાય છે. શરીરના શેપથી લઈને હેર ગ્રોથ અને રીપ્રોડક્ટિવ ફંક્શન.

સાઇકોસોમેટિક બદલાવ : મૂડ પર અસર થાય, ઇમોશન્સ અને એને કારણે માનસિક સ્વાસ્થ્ય થોડું ઉપર-નીચે થાય જેને કારણે ખુદ માટેની સમજણ અને જાત સાથેનો સંબંધ પણ અસરગ્રસ્ત થઈ શકે છે.  

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:56 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK