રશિયાએ યુક્રેનની આર્થિક, ઔદ્યોગિક અને સામાન્ય જિંદગીની કમર તોડી નાખી છે, પણ યુક્રેનિયન્સનો સ્પિરિટ તોડી નથી શક્યું
યુક્રેનિયન સૈનિકોનો આ છે ખરો સ્પિરિટ
યુદ્ધમાં હાથ-પગ ગુમાવી ચૂકેલા સૈનિકો અને આમ આદમીઓએ નિરાશાજનક જિંદગીમાં એક નવો આયામ ઉમેરવા ફુટબૉલ ટીમ તૈયાર કરી છે. દેશ માટે લડી ચૂકેલા ઇન્જર્ડ સૈનિકોએ હતાશાનાં વમળોમાંથી બહાર નીકળવા માટે અને જેટલું જીવન છે એને મન ભરીને જીવી લેવા માટે ફુટબૉલ તરફ મન વાળ્યું છે
લગભગ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ટચૂકડું એવું યુક્રેન આર્થિક રીતે ખુવાર થઈ ચૂક્યું છે, જીવનજરૂરિયાતની બેઝિક ચીજોની જબરદસ્ત અછત છે અને સામાજિક જીવન તો સાવ જ ખોરંભે ચડી ચૂક્યું છે છતાં જીવન જીવવા માટે જે ઝિંદાદિલી જોઈએ એ હજીયે બરકરાર છે. લાખો લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. ૪૨,૦૦૦થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો ઘાયલ થયા છે. યુક્રેનમાં કદાચ એવું એકેય ઘર નહીં હોય જેનું જીવન યુદ્ધ પછી સાવ ધરમૂળથી બદલાઈ ગયું ન હોય.
ADVERTISEMENT
સુરક્ષાના હેતુસર ભલે લાખો યુક્રેનિયન્સે આસપાસના દેશોમાં શરણ સ્વીકારી લીધું છે, પરંતુ હજીયે અનેક નાગરિકોએ યુક્રેનમાં જ રહેવાનું પસંદ કર્યું છે. યુદ્ધને કારણે બરબાદ થઈ ચૂકેલાં અનેક શહેરો ખાલી થઈને બીજે સ્થળાંતરિત થઈ ચૂક્યાં છે. ચોતરફ જ્યાં નજર કરો ત્યાં ભીષણ યુદ્ધના અવશેષો, સ્વજનોની વિદાયનું દુઃખ, જર્જરિત થયેલી ઇમારતો અને આજેય ગમે ત્યારે કંઈ પણ થઈ શકે એની સતત માથે તોળાતી અસલામતી વચ્ચે પણ યુક્રેનના લોકો બને એટલું સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
એવું જોવા મળ્યું હતું કે યુદ્ધમાં હાથ-પગ ગુમાવનારા અને ઇન્જર્ડ સૈનિકો ભાવનાત્મક રીતે ખૂબ જ તૂટી ચૂક્યા હતા. સોશ્યલ લાઇફ જેવું કંઈ રહ્યું ન હોવાથી ઘરની ચાર દીવાલો વચ્ચે જાતને બંધ કરીને જીવનના અંતની જાણે રાહ જોઈ રહ્યા હોય એવા સૈનિકોના જીવનમાં નવેસરથી પ્રાણ પૂરવાનું કામ કર્યું છે ખારકીવની નેજલમની નામની એક ફુટબૉલ ક્લબે. હજી પહેલી એપ્રિલે જ આ ક્લબની સ્થાપના થઈ છે અને એમાં ડિપ્રેશનમાં સરી પડેલા ફિઝિકલી ચૅલેન્જ્ડ સૈનિકો તેમ જ આમ માણસોને ફુટબૉલની તાલીમ આપવાનું શરૂ થયું છે. કાખઘોડી કે કૃત્રિમ પગ સાથેના ફુટબૉલર્સ માટેની આ ક્લબના સંસ્થાપક છે વૉલિદિમીર લ્યાખ.
આ ફુટબૉલ ક્લબનો હેતુ એ છે કે યુદ્ધ તો એની જગ્યાએ ચાલતું રહેશે, પરંતુ એને કારણે માણસોનું જીવન જીવવાનું અને માણવાનું પરિબળ પણ મટી જાય એવું ન થવું જોઈએ. એમાં અનેક એવા સૈનિકો છે જેઓ દેશની સેવા કરતાં-કરતાં ઇન્જર્ડ થયા છે. ૨૦૨૩માં એક મોર્ટારના હુમલામાં પોતાનો એક પગ ગુમાવી દેનારા યુક્રેનની ૧૨૮મી બ્રિગેડના ઑલેક્ઝાન્ડ્ર લુબ્સ્કી આ ક્લબમાં જોડાયા છે. તેઓ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘ઇન્જરી પછી એક વર્ષ તો રીહૅબિલિટેશનમાં ગયું, પરંતુ એ પછી જીવન સાવ જ નિષ્ક્રિય થઈ ગયું. બારીની બહાર ખુવારીનો નઝારો જોતા બેસી રહેવાનું બહુ કપરું હતું. બેઠાં-બેઠાં વજન વધી રહ્યું હતું અને જીવન જીવવાની ઇચ્છા મરી રહી હતી. માનસિક અસ્વસ્થતા જીવન પર હાવી થઈ રહી હતી ત્યારે મારી બહેને મને ઢંઢોળ્યો. તેણે મને ખારકીવ બોલાવી લીધો. તમે ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે તૂટી જાઓ એવું સ્વાભાવિક છે, પણ એ જાણ્યા પછીયે એમ જ બેસી રહેવાનો શું મતલબ? જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાંથી આગળ હવે શું એનો જવાબ દરેકે મેળવવો જ રહ્યો. લોકો સાથે હળવામળવાનું શરૂ થાય અને જીવનમાં જસ્ટ શ્વાસ લેતા રહેવાની સાથે બીજું પણ કોઈ ધ્યેય હોય એ જરૂરી છે.’
આ મનોમંથન ચાલતું હતું ત્યારે જ ઑલેક્ઝાન્ડ્ર લુબ્સ્કીનો મેળાપ ખારકીવની ‘અનબ્રેકેબલ’ ફુટબૉલ ટીમના કોચ ઑલેક્ઝાન્ડ્ર ટેબૅન્કો સાથે થઈ. ટેબૅન્કો નૅશનલ ગાર્ડમાં કમાન્ડર રહી ચૂક્યા છે અને એક ઍન્ટિ-ટૅન્ક માઇન સાથે ટકરાવાથી તેમણે બન્ને પગ ખોઈ નાખ્યા હતા. ટેબૅન્કો અચ્છા ફુટબૉલ-પ્લેયર પણ રહી ચૂક્યા હોવાથી હવે તેઓ ટ્રેઇનિંગ આપવાનું કામ કરે છે.
આ ફુટબૉલ ક્લબમાં જીવ ત્યારે પુરાયો જ્યારે તેમને ખારકીવના જ એક જાણીતા ગૉલકીપર ઑલેક્ઝાન્ડ્ર હોરયાઇનોવનો સાથ મળ્યો. હોરયાઇનોવભાઈ શારીરિક રીતે સ્વસ્થ છે. તેમનું કહેવું છે કે ‘ફુટબૉલ રમવું એ કોઈ સ્પોર્ટ માત્ર નથી, એ એક પ્રકારનો આધ્યાત્મિક મુક્તિનો અહેસાસ આપે છે. યુદ્ધમાં લડી ચૂકેલા અને માનસિક રીતે ભાંગી ચૂકેલા સૈનિકો માટે આ ટ્રેઇનિંગ નવજીવન બક્ષવાનું કામ કરશે.’
નવી એકત્ર થયેલી ‘અનબ્રેકેબલ’ ફુટબૉલ ટીમમાં રિટાયર્ડ અને શારીરિક રીતે દિવ્યાંગ થઈ ચૂકેલા સૈનિકો જ છે જેઓ પહેલેથી જ શારીરિક રીતે કસાવદાર જીવનશૈલી ધરાવતા હતા તેમને માટે ફુટબૉલની ટ્રેઇનિંગ જીવંતતા બક્ષનારી હશે.
અનબ્રેકેબલ ટીમમાં અત્યારે તો ટ્રેઇનિંગ અને હળવી ઇન્ટર્નલ મૅચ રમવાનું જ થાય છે, પરંતુ તેઓ મોટી ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકે એનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
યુક્રેનમાં અત્યારે ડિસેબલ્સ લોકો માટે ફુટબૉલને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું છે. આખા દેશમાં મળીને આવાં ૧૨ કેન્દ્રો ચાલી રહ્યાં છે અને આ વર્ષના અંત સુધીમાં એક નૅશનલ ચૅમ્પિયનશિપ ગોઠવવાની યોજના છે. દિવ્યાંગ લોકોને સક્રિય જીવનમાં પાછા લાવવાનો આ અનોખો પ્રયાસ છે.


