Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

તમારી જીભ શું કહે છે?

Published : 12 November, 2015 06:07 AM | IST |

તમારી જીભ શું કહે છે?

તમારી જીભ શું કહે છે?



tounge



હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન


આજથી ૧૦ વર્ષ પહેલાંની વાત કરીએ તો જ્યારે કંઈ પણ થાય અને ડૉક્ટર પાસે જવાનો વારો આવે ત્યારે જેવા ડૉક્ટર પાસે બેસીએ કે તરત ડૉક્ટર કહેશે કે જીભ બતાઓ. મોઢું ફાડીને આ.....નો અવાજ કાઢીને આપણે જીભ બતાવીએ ત્યારે ડૉક્ટર તેની નાની ટૉર્ચ સાથે જીભનું નિરીક્ષણ કરતા હોય છે. આજના જમાનામાં જ્યાં દરેક વસ્તુની સ્પેસિફિક ટેસ્ટ આવી ગઈ છે ત્યારે પણ જીભ જોઈને માણસના રોગને પારખવાની ક્લિનિકલ ચેકઅપની રીતને હજી પણ ઘણા ડૉક્ટરો અનુસરે છે. જીભ જોઈને ડૉક્ટરોને શું ખબર પડી જતી હશે એ પ્રfન ઘણા જિજ્ઞાસુ માણસોને થતો જ હશે. હકીકતમાં જીભની જે કન્ડિશન હોય છે એ જોઈને શરીરના ઘણા અજ્ઞાત રોગો વિશે જાણકારી મળી શકે છે. જીભમાં ડૉક્ટર શું જુએ છે અને કેવા સંકેતથી રોગો વિશે જાણકારી મળી શકે એ વિશે આજે જાણીએ વિસ્તારથી.

જીભના જુદા-જુદા રંગો અલગ-અલગ સંકેત આપે છે. સામાન્ય રીતે આપણે હેલ્ધી હોઈએ તો જીભ આછા ગુલાબી રંગની હોય છે, જેમાં સફેદ રંગના બારીક ટેકરા હોય છે જેને ટેસ્ટ-બડ્સ કહે છે. આ ટેકરાઓ વચ્ચે ખાંચા હોય એવો ભાસ થાય છે. જીભ ક્યારેય સપાટ સપાટી ધરાવતી નથી. એ થોડી રફ એટલે કે ખરબચડી પણ હોય છે. આ પ્રકારની જીભ હોય ત્યારે સમજવું કે વ્યક્તિ એકદમ હેલ્ધી છે, પરંતુ જીભનો રંગ ફેરવાય તો એ સંકેત છે કે કોઈક પ્રૉબ્લેમ ચોક્કસ થયો છે.

લાલ રંગ

જો જીભનો રંગ ગુલાબીમાંથી લાલમાં બદલાઈ જાય તો શું હોઈ શકે એ સમજાવતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો જીભ લાલ હોય, સૂજેલી લાગે તો એને ગ્લોસાઇટિસ કહે છે. જેમાં જીભમાં કોઈક કારણસર સોજો આવે અને લોહીની સપ્લાય વધી જાય અથવા પાછલાં ઘણાં જુદાં-જુદાં કારણ હોઈ શકે છે. પેટમાં ખૂબ ગરમી વધી ગઈ હોય, હૉર્મોન્સનો કોઈ બદલાવ થયો હોય, તાવ આવવાની શરૂઆત થઈ હોય ત્યારે આવું થાય. એ ઉપરાંત શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો મોટા ભાગે એ પહેલાં જીભ પર અસર દેખાડે છે જેને કારણે જીભ લાલ થઈ જાય.’ સફેદ કે કાળો રંગ

જીભ એ પેટની આરસી છે. પેટમાં કોઈ ગરબડ હોય તો એ જીભ દ્વારા છતી થાય છે. ઘણી વખત જીભ પર સફેદ છારી બાઝી જાય છે જેને ઉલિયાથી સાફ કર્યા છતાં નીકળતી નથી ત્યારે સમજવું કે નક્કી પેટમાં ગરબડ છે. કાં તો મોશન ગરબડ છે, કબજિયાત થઈ ગઈ છે અથવા પેટમાં કોઈ ઇન્ફેક્શન પણ હોઈ શકે છે. એ સિવાય ઘણી વખત જીભ પર સફેદ પૅચ દેખાતા હોય છે. એ સિવાય જો જીભ પર છાલા જોવા મળે તો પણ સમજવું કે એ પેટની જ કોઈ તકલીફ હોઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જે રીતે શરીરના બીજા ભાગોમાં ધાધર થતી હોય છે જેને ફંગલ-ઇન્ફેક્શન કહે છે એવા રાઉન્ડ સફેદ પૅચ જીભ પર પણ થાય છે. આ પૅચ જીભ સિવાય ગલોફાં કે તાળવામાં પણ હોઈ શકે છે. જીભ પર દેખાતું ફંગલ-ઇન્ફેક્શન ઘણી વખત આંતરડા સુધી ફેલાયેલું પણ હોઈ શકે છે. ઘણી વાર જીભ એકદમ કાળી પડી જતી હોય છે એ પણ ફંગલ-ઇન્ફેક્શનનો જ એક ભાગ છે.’

બ્રાઉન રંગ


ઘણા લોકોની આખી જીભ બ્રાઉન એટલે કે ભૂખરા રંગની હોય છે. આ પ્રકારની જીભ કોઈ ખાસ નુકસાન દર્શાવતી નથી. એ દેખાવમાં જુદી લાગે છે. એના રંગ પાછળનું મહત્વનું કારણ વધુપડતું ચા કે કૉફીનું સેવન અથવા સ્મોકિંગ હોઈ શકે છે. આવી આદતોને કારણે જીભની ત્વચાનું પિગમેન્ટેશન થઈ જતું હોય છે અને એનો રંગ બદલાઈ જાય છે. આ વાતમાં બીજી માહિતી ઉમેરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એ સિવાય ઘણી વખત કાળા અને બ્રાઉન બન્ને રંગનું મિશ્રણ જોવા મળે છે જેની પાછળ બૅક્ટેરિયાના ઇન્ફ્ેક્શનને જવાબદાર માની શકાય. જે ઇન્ફેક્શનમાં જીભમાં દુખાવો થાય, સોજો આવે કે ગાંઠ જેવું પણ લાગી શકે છે.’

ફિક્કી અને સૂકી જીભ

જે વ્યક્તિની જીભ સાવ ફિક્કી હોય એને જોઈને જ ડૉક્ટરો કહી દે છે કે તેને એનીમિયાની તકલીફ હોઈ શકે છે, કારણ કે જો હિમોગ્લોબિન ઓછું હોય તો જીભ દ્વારા તરત જ ખબર પડે છે. એ સિવાય જો વ્યક્તિની જીભ સૂકી લાગે એટલે કે જીભમાં લાળ કે પાણીની કમી દેખાય તો એ ખાસ કરીને નાનાં બાળકોમાં આ ખતરાનું ચિહ્ન જણાય છે, કારણ કે આ ચિહ્ન જણાવે છે કે વ્યક્તિ ડીહાઇડ્રેટ થઈ ગઈ છે. ઘણી વખત જ્યારે જીભ ડ્રાય થઈ ગઈ હોય ત્યારે એ પ્રમાણમાં નાની પણ લાગવા માંડે છે એટલે એવું લાગે કે એની સાઇઝ ઓછી થઈ ગઈ છે.

જાડી જીભ

ઘણી વખત જીભ એકદમ ફુલાઈ જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ઘણી વખત મોઢું જાણે કે જીભથી જ ભરાઈ ગયું હોય એમ લાગે છે, જેને મેક્રોગ્લોસિયા કહે છે. આ થવા પાછળનું કારણ હાઇપોથાઇરોડીઝમ હોઈ શકે છે. આ રોગમાં શરીરનું વજન વધે છે, કારણ કે શરીરના ટિશ્યુ ફૂલે છે અને એ જ અસર જીભ પર પણ થાય છે.’

લીસી જીભ


ઘણી વખત આપણી સહજ રીતે ખરબચડી જીભ અચાનક લીસી થઈ જાય છે. એનું કારણ મોટા ભાગે વિટામિન ગ્ કૉમ્પ્લેક્સની કમી હોય છે. આજકાલ વિટામિન ગ્ ૧૨ની કમી વધુ જોવા મળી રહી છે. આવા દરદીઓમાં તેમની જીભ લીસી સપાટીની બની જતી હોય છે. એ સિવાય જો લિવરને લગતો કોઈ પ્રૉબ્લેમ હોય તો પણ જીભ લીસી બની જાય છે.

કૅન્સર

ઘણી વાર જીભમાં સફેદ રંગના પૅચ હોય છે જે એકદમ ઊજળા કે ચળકતા દેખાય છે. આ પૅચ વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘સામાન્ય લોકોનું મોઢું ત્રણ આંગળાં અંદર સીધાં ઘૂસી શકે એટલું ખૂલે છે, પરંતુ જે લોકો તમાકુ ખાતા હોય કે સ્મોકિંગ કરતા હોય તેમનું મોઢું ખૂબ ઓછું ખૂલે છે, કારણ કે તેમનું જડબું ટાઇટ થઈ જાય છે જેને સબમ્યુક્સ ફાઇબ્રોસિસ કહે છે. આ કન્ડિશનમાં માણસની જીભ પર સફેદ રંગના થોડા ચળકતા કે ઊજળા પૅચ દેખાય છે જેને પ્રીકૅન્સેરિયસ ચિહ્નો કહેવાય છે. આ એક એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ધ્યાન આપે તો એ ભવિષ્યમાં આવનારા કૅન્સરથી બચી શકે છે. કૅન્સરની આગાહી કરતાં આ ચિહ્નનું મહત્વ એ માટે પણ વધારે છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2015 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK