Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કૅન્સરને માત આપવા વિલપાવર જ નહીં, સ્વજનોનો પ્રેમ પણ છે બહુમૂલ્ય

કૅન્સરને માત આપવા વિલપાવર જ નહીં, સ્વજનોનો પ્રેમ પણ છે બહુમૂલ્ય

Published : 04 February, 2025 02:56 PM | IST | Mumbai
Darshini Vashi

હિના ખાને એક પૉડકાસ્ટમાં પોતાની કૅન્સર સામેની જર્નીમાં બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલનો સાથ અને હૂંફ ખૂબ મળ્યાં

હિના ખાન અને બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ

વર્લ્ડ કૅન્સર ડે

હિના ખાન અને બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ


હિના ખાને એક પૉડકાસ્ટમાં પોતાની કૅન્સર સામેની જર્નીમાં બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલનો સાથ અને હૂંફ ખૂબ મળ્યાં જેને કારણે કઠિન જર્ની સામે લડવાની તાકાત મળી હોવાની વાત કરી હતી. કૅન્સર સાથે આવતી તકલીફો, દર્દ અને માનસિક હતાશા માણસને બીમારી કરતાં વધુ પરેશાન કરી મૂકે છે, એવામાં સ્વજન, સગાંસંબંધીઓ કે મિત્રોનો સાથ-સહકાર અને હૂંફ મળે તો દરદી અડધો જંગ જીતી જાય છે. મળીએ એવાં કૅન્સર-સર્વાઇવર્સને જેઓ પોતાની કૅન્સર-જર્નીમાં સાથ આપનારા સ્નેહીઓના બેમિસાલ પ્રેમ અને અમૂલ્ય સહકારને કારણે જીવલેણ બીમારીનો જંગ જીતી ગયાં છે


સાચાં સગાં પાડોશી કહેવાય એ કૅન્સરની સારવાર દરમ્યાન સમજાયું




આપણામાં કહેવત છે સાચાં સગાં પાડોશી. એનું કારણ છે કે કોઈ પણ અચાનક આવી પડેલી આપત્તિ કે મુસીબતમાં સગાને આવતાં વાર લાગે, પણ પાડોશી સૌથી પહેલાં મદદે આવી પહોંચે છે. એટલું જ નહીં, ઘણી વખત પાડોશીઓ સાથે વાતચીત અને તેમનો સધિયારો દવાનું કામ પણ કરે છે. મીરા રોડમાં રહેતાં ૪૨ વર્ષનાં રિદ્ધિ ભરાણિયા કહે છે, ‘મને બ્રેસ્ટ-કૅન્સર આવ્યું હતું. મારા હસબન્ડનો તો મને રૉક સૉલિડ સપોર્ટ હતો જ, સાથે મારાં સાસુ પણ ગામડેથી મુંબઈ સુધી દોડી આવ્યાં હતાં અને જ્યાં સુધી મને સારું ન થયું ત્યાં સુધી તેઓ અમારી સાથે જ રહ્યાં હતાં જેને લીધે ઘર અને છોકરાંઓ પણ સચવાઈ ગયાં હતાં. જોકે એ ઉપરાંત મને કૅન્સરની ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટ દરમ્યાન પાડોશીઓનો સપોર્ટ ખૂબ મળ્યો હતો. ઘણી વખત માંદગીમાં માણસ ડિપ્રેશનમાં આવી જાય છે. ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી મને ઘરનું કોઈ કામ કરવા દેવાતું નહીં. આખો દિવસ એમ જ બેસી રહેવાથી મગજ વિચારે ચડી જતું અને ‘કેમ મને કેમ કૅન્સર થયું હશે, હવે શું થશે’ જેવા વિચારો આવતા હતા, પણ એવા સમયે મને મારા પાડોશીઓ બહુ મદદે આવ્યા હતા. અમારા બિલ્ડિંગમાં આખો દિવસ લગભગ દરેકના દરવાજા ખુલ્લા જ રહેતા. માત્ર સેફ્ટી ડોર બંધ હોય એટલે હાલતાં-ચાલતાં બધા એકબીજાના ખબરઅંતર પૂછતા જાય. હું બીમાર પડી ત્યારથી મને મેન્ટલી ટેકો આપવા માટે દરરોજ મારા પાડોશીઓ એક-દોઢ કલાક મારા ઘરે આવતા, વાતો કરતા, હસાવતા અને પૉઝિટિવ વાતો કરીને મને ખુશ રાખતા. જરા પણ મારા મોઢા પર નિરાશા દેખાય કે તરત મારા વિચારને વાળી લેતા. ઘરમાં કોઈ કામકાજ છે કે નહીં એની પણ સતત પૂછપરછ કરતા. એ સિવાય અમારી સામે રેન્ટ પર એક પાડોશી આવ્યા છે તેઓ એ સમયે નવા હોવા છતાં અમારા ઘરે દરરોજ બેસતા અને વાતો કરીને મારું મન હળવું રાખતા, એટલું જ નહીં અમારા જૂના ઘરના પાડોશીઓ પણ વચ્ચે-વચ્ચે ઘરે મળવા આવતા જેથી મને ઘણું સારું લાગતું. મારી ફ્રેન્ડ પણ થોડા-થોડા દિવસે આવીને મારી પાસે બેસતી એટલે મારી ટ્રીટમેન્ટ ક્યાં પૂરી થઈ ગઈ એની ખબર જ ન પડી. આજે હું એકદમ ઓકે છું જેને માટે મારા ઘરના સભ્યો સાથે મારા પાડોશીઓ અને મિત્રોની પણ એટલી જ આભારી છું જેઓએ મને મેન્ટલ ટેકો આપ્યો, જે કૅન્સરની સામે લડવા માટે સૌથી મહત્ત્વની દવા છે.’

કૅન્સરે તો પતિના ગુસ્સાવાળા સ્વભાવમાં પરિવર્તન કરી દીધું


મારી એક ફ્રેન્ડને કૅન્સર આવ્યું હતું જેને લીધે તેના હસબન્ડે તેને છોડી દીધી હતી. જ્યારે મને બ્રેસ્ટ-કૅન્સર આવ્યું તો હું એકદમ પડી ભાંગી અને થયું કે મને પણ મારા હસબન્ડ છોડી દેશે તો? પણ એવું ન થયું. એને બદલે એકદમ વિપરીત બન્યું એમ જણાવતાં કાંદિવલી રહેતાં ૪૫ વર્ષનાં સુરભિ મહેરા કહે છે, ‘મારા હસબન્ડ મનીષ મહેરાને પહેલાં નાની વાતોમાં પણ બહુ ગુસ્સો આવી જતો. એકદમ શૉર્ટ-ટેમ્પર હતા. બહુ જલદી ગરમ થઈ જતા એટલે જ્યારે મેં મારી ફ્રેન્ડના કૅન્સર વિશે સાંભળ્યું અને ત્યાર બાદ તેની સાથે તેના હસબન્ડે જે કર્યું એનાથી હું ઘણી ભયભીત હતી. ૨૦૨૨માં મને જ્યારે કૅન્સર આવ્યું ત્યારે મને થયું કે મારા હસબન્ડ તો ખૂબ ગરમ મગજના છે તેઓ શું રીઍક્ટ કરશે એ ચિંતામાં ને ચિંતામાં હું સાવ પડી ભાંગી હતી. બીજું એ કે અમારાં લવ-મૅરેજ છે. હું ગુજરાતી છું અને મારા હસબન્ડ પંજાબી છે એટલે મને થયું કે હવે લગ્ન પણ તૂટી જશે. પરંતુ જ્યારે મારા હસબન્ડને મેં બ્રેસ્ટ-કૅન્સર વિશે જણાવ્યું ત્યારે તેમનું રીઍક્શન જોઈને હું સાવ નવાઈ પામી ગઈ. તેઓ એકદમ ઇમોશનલ બની ગયા. તેમનો નેચર એકદમ પલટાઈ ગયો હતો. એકદમ શાંત થઈ ગયા હતા. પછી તો ઘણી વખત હું બીમારી અને કીમો થેરપીને લીધે ગરમ થઈ જતી તો તેઓ મને શાંત પાડતા. ગમે એવી પરિસ્થિતિ સામે આવી જતી તો પણ તેઓ ગરમ થતા નહીં. જે વ્યક્તિએ આ પહેલાં ઘરનું કોઈ કામ કર્યું નહોતું તેણે મારા માટે દરેકેદરેક કામ જાતે કર્યાં. મારી વધારે પડતી સંભાળ લેતા થયા. તેમના બદલાઈ ગયેલા સ્વભાવે મને બીમારી સામે લડવાની તાકાત આપી. હું જે હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહી હતી એ મારાં મમ્મી-પપ્પાના ઘરની બાજુમાં હતી એટલે હું ટ્રીટમેન્ટ દરમ્યાન પિયરમાં જ રહી હતી. મારા પેરન્સ્ટ્સ સાથે હતા છતાં મારા હસબન્ડ પણ મારી સાથે મારાં મમ્મી-પપ્પાના ઘરે રોકાવા આવી ગયા હતા. મારું તો ધ્યાન રાખતા અને સાથે મારાં મમ્મી-પપ્પાનું પણ એટલું જ ધ્યાન રાખતા. તેઓ હતાશ ન થાય એ માટે બનતું બધું કરી છૂટતા. મારી ૯ મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી એ દરમ્યાન મને તેમણે જરાસરખીય એકલી પડવા નહોતી દીધી. મારા હસબન્ડે તો કર્યું જ, પણ મારાં ભાઈ-ભાભી અને મારાં સાસરિયાંએ પણ મને ખૂબ સપોર્ટ અને પ્રેમ આપ્યો હતો. મારાં સાસુએ તો મારું એટલું ધ્યાન રાખ્યું હતું કે કોઈ પોતાની દીકરીનું પણ ન રાખે. આટલા બધા પ્રેમ અને સંભાળને લીધે આખરે હું કૅન્સરની લડાઈ જીતી ગઈ.’

ભાઈની દીકરી બની સવાઈ દીકરી

ગળાના કૅન્સરમાંથી સ્વસ્થ થઈને બહાર આવેલા અને બોરીવલી રહેતા ૭૮ વર્ષના હસમુખ પુરોહિત કહે છે, ‘મને ૨૦૧૮માં ગળાનું કૅન્સર થયું હતું. સૌથી પહેલાં તો કૅન્સર નામ સાંભળીને જ પગ નીચેથી જમીન સરકી ગઈ. એમાં પણ ગળાનું કૅન્સર એટલે ડર વધુ લાગ્યો. જેવું કૅન્સરનું નામ પડ્યું એટલે ઘરના બધા રડવા માંડ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ હતું કીમો થેરપી અને ડૉક્ટર સાથે સતત સંપર્કમાં રહેવાનું જેમાં સૌથી વધારે સમય તો જાય, સાથે બધી રીતે ઘસાઈ પણ જવાઈ. મારે દીકરો નથી. દીકરી છે એટલે હું તેની સાથે રહું છું, પણ તેના સંજોગ એવા હતા કે નોકરીમાંથી રજા લઈ શકે એમ નહોતી અને માથે જવાબદારીઓ પણ એટલી જ હતી. પણ કહેવાય છેને ભગવાન તમને ગમે ત્યાંથી મદદ મોકલી જ દે. મારી સાથે એવું જ થયું. મારા ભાઈનાં છોકરા-છોકરી બન્નેએ મને દરેક રીતે એટલો બધો ટેકો આપ્યો કે તેમને લીધે આજે હું સ્વસ્થ થઈ ગયો છું. મારા ભાઈના દીકરાઓએ મને ફાઇનૅન્શિયલી ઘણી હેલ્પ કરી. કૅન્સરની સારવારમાં લાખો રૂપિયા પાણીની જેમ વહી જાય છે. તેઓ મારે માટે લાખો રૂપિયા ભેગા કરી લાવ્યા હતા. એટલું જ નહીં, મારા ભાઈની દીકરી મારા માટે સવાઈ દીકરી બની હતી. મારે લગભગ ૩૫ દિવસ સુધી સતત હૉસ્પિટલમાં રેડિયેશન માટે જવાનું થતું. તે રોજ મને લઈ જતી હતી અને ટ્રીટમેન્ટ દરમ્યાન પણ મારી સાથે જ રહેતી અને પછી ઘરે મૂકી જતી. એવું નહોતું કે તે ફ્રી હતી, તે પણ વ્યવસાય સાથે સંકળાયેલી છે અને પરણેલી છે છતાં તે એમાંથી ટાઇમ કાઢીને મને સારવાર માટે લઈ જતી. ઘણી વખત ૧૦ વાગ્યાની અપૉઇન્ટમેન્ટ મળી હોય તો પણ બે વાગ્યે નંબર આવતો છતાં તે મારી સાથે તેનું કામ મૂકીને બેસી રહેતી. તે દરરોજ તેના અંધેરીના ઘરેથી બોરીવલી આવતી. એક દિવસ તો એવો આવ્યો કે તેના હસબન્ડના પગમાંથી સળિયો કાઢવાનું ઑપરેશન ચાલતું હતું, પણ મારે એ દિવસે અચાનક ટ્રીટમેન્ટ માટે જવાનું થયું તો તે તેના હસબન્ડનું ઑપરેશન છોડીને મને પહેલાં સારવાર માટે લઈ ગઈ અને પછી આવીને હસબન્ડના ઑપરેશન માટે ગઈ. આજે આવું કોણ કરે? આજે આટલું ધ્યાન કયો સગો રાખતો હશે? આજે હું એકદમ સ્વસ્થ છું જેને માટે હું મારા ભાઈનાં છોકરા-છોકરીઓનો ખૂબ આભારી છું.’

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 02:56 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK