જો તમને જિનેટિક ટેસ્ટ ન પણ કરાવવી હોય તો દર વર્ષે આય ચેક-અપ કરાવવી જ, જેનાથી જો તમને રોગ હોય તો સમયસર એનું નિદાન થઈ જાય.
પ્રતીકાત્મક તસવીર
હું અત્યારે ૭૦ વર્ષનો છું. હમણાં એક જિનેટિક ટેસ્ટિંગ કરાવવાની વાત મેં સાંભળી. એમાં માતા-પિતાને જે રોગો હોય એ થવાની તમને કેટલી શક્યતા છે, એ જાણી શકાય છે. હવે ખબર પડી કે મને નખમાંય રોગ નથી એનું કારણ એ પણ હતું કે મારાં માતા-પિતા એકદમ સ્વસ્થ હતાં. એ ઘણું લાંબું પણ જીવ્યાં, પરંતુ પપ્પાને ૮૦ વર્ષે આંખની તકલીફ આવી હતી, જેનું નિદાન મોડું થયું હતું એટલે ઇલાજ પણ કરી નહોતા શક્યા. જે બીમારી હતી મૅક્યુલર ડીજનરેશન. મોટી ઉંમરે અંધાપાવાળી બીમારી મને તો નહીં થાય? એનું નિદાન જલદી થાય એ માટે શું કરી શકાય?
આ રોગ થવાનું મુખ્ય કારણ ઉંમર છે. ઉંમર વધે એટલે આ રોગ આવી શકે છે, પણ એ પણ સમજવાનું છે કે દરેક વ્યક્તિની ઉંમર વધે એટલે તેને આ રોગ આવશે જ એવું પણ નથી. ઉંમર સાથે અસર કરતાં બીજાં પરિબળો પણ ઘણાં છે, જેમાં પહેલું પરિબળ છે જિનેટિક. ઘરમાં કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનો રોગ હોય તો વંશાનુગત આ રોગ વ્યક્તિને આવી શકે છે, જે માટે ભારતમાં અત્યારે જિનેટિક ટેસ્ટિંગ પણ થાય છે, જેના દ્વારા ખબર પડી શકે છે કે વ્યક્તિ પર આ રોગ થવાનું રિસ્ક કેટલું વધારે છે અને એ જાણ્યા બાદ વધુ જાગ્રત રહી શકાય છે. જો તમને પણ એ ટેસ્ટ કરાવવી હોય તો કરીને તમે શ્યૉર થઈ શકો છો. આ ટેસ્ટથી ખબર પડશે કે તમારા પપ્પાને જે રોગ હતો એ તમને થવાની શક્યતા કેટલી છે.
બીજું કારણ છે ઓબેસિટી અને બેઠાડુ જીવન. ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જે વ્યક્તિને મૅક્યુલર ડીજનરેશન છે અને એ ઓબીસ છે તો તેનું મૅક્યુલર ડીજનરેશન ઍડ્વાન્સ સ્ટેજમાં પહોંચવાની શક્યતા ખૂબ વધારે રહે છે. આ સિવાય હાઇપરટેન્શન પણ એક મહત્ત્વનું કારણ છે. એક કારણ સ્મોકિંગ પણ છે. જે લોકોને આ રોગ છે તે લોકો સ્મોકિંગ કરતા હોય તો આ રોગ ઍડ્વાન્સ થઈને તેમને અંધાપો આવવાની શક્યતા ખૂબ વધી જાય છે.
ADVERTISEMENT
જો તમને જિનેટિક ટેસ્ટ ન પણ કરાવવી હોય તો દર વર્ષે આય ચેક-અપ કરાવવી જ, જેનાથી જો તમને રોગ હોય તો સમયસર એનું નિદાન થઈ જાય. બાકી જે રિસ્ક ફૅક્ટર કહ્યાં છે એનાથી તો દૂર જ રહેવું. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવવી, કારણ કે આ ઉંમરે આ પ્રકારનાં રિસ્ક ફૅક્ટર આંખની જ નહીં, બીજી તકલીફોને પણ તાણી લાવે છે.


