Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સતત બેઠાડુ કામ કરતા લોકોએ શું કરવું યોગમાં?

સતત બેઠાડુ કામ કરતા લોકોએ શું કરવું યોગમાં?

03 April, 2024 07:58 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નિષ્ણાતો માને છે કે ઑફિસમાં લાંબા કલાકો કામ કરનારાઓ લોકોએ દર ત્રીસ મિનિટે ઊભા થવું કમ્પલ્સરી છે.

તાડાસનની તસવીર

રોજેરોજ યોગ

તાડાસનની તસવીર


‘સિટિંગ ઇઝ ન્યુ સ્મોકિંગ’ એ ઉક્તિ હવે જગજાહેર છે. બેઠાડુ જીવન ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૅન્સર જેવા રોગોનું કારણ બની શકે એવું નિષ્ણાતો કહે છે. આજે સરળ અને સહજ રીતે થઈ શકે એવા યોગના અભ્યાસ પર નજર કરીને અને બહાનાબાજી છોડીને રોજબરોજના જીવનમાં અપનાવી લો

એવાં અઢળક સર્વેક્ષણો થયાં છે જેમાં જાણવા મળ્યું છે કે લાંબા કલાકો સુધી બેસી રહેવાની આદત અનેક બીમારીઓને નોતરી શકે છે. મોટાપાથી શરૂ થતો આ સિલસિલો બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને કૅન્સરમાં પરિણમે શકે છે. આજે વર્ક કલ્ચરમાં સતત કમ્પ્યુટર સામે બેસીને કામ કરવાનું સામાન્ય બનતું જાય છે અથવા તમે ‘ઘરથી ગાડીમાં ઑફિસ અને ઑફિસથી ગાડીમાં ઘર’વાળી જીવનશૈલી પણ જીવતા હો તો સાવધાન થવાનો સમય છે. એવા લગભગ તેર અભ્યાસો થયા છે જેનું સરવૈયું કહે છે કે આઠ કલાક કરતાં વધુ સમય આખા દિવસમાં જે લોકો બેસતા હોય છે અને કોઈ પણ જાતની ફિઝિકલ ઍક્ટિવિટી જો તેમની જીવનશૈલીનો હિસ્સો ન હોય એવા લોકો જલદીથી ગંભીર બીમારીના શિકાર બનીને મૃત્યુને ભેટી શકે છે. એટલે જ પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલેવાળી લાઇફસ્ટાઇલ ગંભીર બીમારીઓના ચુંગલમાં ફસાવે એ પહેલાં બીજું કંઈ નહીં તો થોડુંક વૉકિંગ અને અમુક યોગ અને પ્રાણાયામના અભ્યાસને અમલમાં મૂકી દો.

નિષ્ણાતો માને છે કે ઑફિસમાં લાંબા કલાકો કામ કરનારાઓ લોકોએ દર ત્રીસ મિનિટે ઊભા થવું કમ્પલ્સરી છે. ફોન પર વાત કરવાની હોય ત્યારે ઊભા થઈને ચાલતાં-ચાલતાં વાત કરવાની આદત કેળવો. ઊભા-ઊભા અમુક મિનિટ કામ કરી શકાય એવી વ્યવસ્થા કરો. બેઠા-બેઠા જ થોડુંક સ્ટ્રેચિંગ કરીને કરોડરજ્જુને આરામ આપી દો. વૉશરૂમ માટે ઊઠો ત્યારે એક મિનિટ માટે ઊભા-ઊભા હાથને ઉપર ખેંચીને કરોડરજ્જુને હળવી કરી દો તો એ બૅક અને ગરદન પર આવેલા સ્ટ્રેઇનને હળવું કરી દેશે. આ સિમ્પલ ટિપ્સ ઉપરાંત નિયમિતપણે પંદર-વીસ મિનિટ કાઢીને યોગમાં કયાં આસનો કરવાં એ પણ જોઈ લો. ટ્રાય કરો તાડાસન
તાડાસન એ સિમ્પલ અને સરળ આસન હોવા છતાં બેઠાડુ જીવન જીવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવાં આસનોમાંનુ એક અતિમહત્ત્વનું આસન છે. બીજાં આસનોનાં નામ આપણે ડિસ્કસ કરીશું, પરંતુ તાડાસન કરવાની રીત અને લાભને થોડાં વિગતવાર જાણીએ. 


કરવાનું શું? સૌથી પહેલાં તો સીધા ઊભા રહો, જેમાં બન્ને પગની એડી તથા પગના અંગૂઠા એકબીજાને અડેલા હોય એમ નજીકમાં બન્ને પગ રાખીને સમસ્થિતિમાં ઊભા રહો અને બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ઇન્ટરલૉક કરીને ઉપરની તરફ ખેંચતા જાઓ અને સાથે બન્ને પગની એડીને પણ ઉપર ખેંચતા જાઓ. પગના બન્ને પંજા પર શરીરનું વજન સરખે ભાગે વહેંચાઈ ગયેલું હોવું જોઈએ અને સાથે જ હાથ જ્યારે ઉપર ખેંચાતા હોય ત્યારે એનું ખેંચાણ કમર સુધી અનુભવાય એવા પ્રયાસ કરો. હાથ ઉપર જાય ત્યારે શ્વાસ અંદર ભરો અને પછી થોડીક ક્ષણ એ જ સ્થિતિમાં શ્વાસને રોકી રાખો અને ફરી જ્યારે હાથ નીચે આવે ત્યારે શ્વાસને ધીમે-ધીમે છોડતા જાઓ. 

શું કામ બેસ્ટ છે આ આસન? તમારા પૉશ્ચરને સુધારવા, બૅલૅન્સ વધારવા અને આખા શરીરમાં એકસાથે ખેંચાણ લાવી બ્લડ-સર્ક્યુલેશન વધારવા આનાથી ઉત્તમ કોઈ આસન નથી એમ સમજજો. યોગનાં તમામ આસનોમાં આ આસન પાયાનું આસન છે. કમરનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય તેમને પણ લાભ થશે. માઇન્ડ અને બૉડી વચ્ચે સિન્ક્રનાઇઝેશન લાવવું હોય તેઓ પણ આ આસન કરી શકે. જેમને બૅલૅન્સિંગનો પ્રૉબ્લેમ હોય તેમણે દીવાલના સપોર્ટ સાથે આ આસન કરવું. શરીરમાં ક્યાંય પણ સર્જરી થઈ હોય, ઘૂંટણ કે એડીમાં દુખાવો હોય તેમણે આ આસન અવૉઇડ કરવું. 


તાડાસન ઉપરાંત તમે ત્રિકોણાસન, વીરભદ્રાસન, માર્જરાસન, પશ્ચિમોત્તાનાસન, પવનમુક્તાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન જેવાં આસનો કરવાં જોઈએ જેનું સીધું જ કનેક્શન તમારી કરોડરજ્જુ સાથે છે. આ દરેક આસન શ્વાસોચ્છ્વાસની સભાનતા સાથે કરશો તો એનો લાભ અનેકગણો વધી જશે. પ્લસ બેઠાં-બેઠાં જ ડીપ બ્રીધિંગ, મનમાં જ હમમમમમ... નું ઉચ્ચારણ કરવા જેવા અભ્યાસો તો તમે ક્યાંય પણ અને ક્યારેય પણ કરી શકો છો જે તમને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદરૂપ થશે. 

એટલે જરૂરી છે યોગાભ્યાસ... 
 તમને ખબર છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારી કમરની નીચેનો ભાગ, સાથળ, નિતંબના સ્નાયુઓ નબળા પડે છે. ચાલવામાં અને શરીરનું બૅલૅન્સ રાખવામાં લાર્જ મસલ્સ કૅટેગરીમાં આવતા આ સ્નાયુઓ મહત્ત્વના છે. એ જો નબળા પડે તો લાંબા ગાળે બૅલૅન્સ ચૂકવું, કમરનો દુખાવો થવો, પગમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે એટલે જરૂરી છે કે યોગાભ્યાસ દ્વારા તમે આ સ્નાયુઓનું લચીલાપણું અને ક્ષમતા બરકરાર રાખો. 
 
તમને ખબર છે કે તમે જ્યારે ફિઝિકલ ઍક્ટિવિટી કરો છો તો એની અસર તમારા શરીરના સ્નાયુઓ પર પડે છે અને એ તમારા પાચનને સુધારે છે અને શુગર-લેવલને મેઇન્ટેન રાખે છે. હવે એકધારું બેસી રહો તો પાચન નબળું થશે, શુગરનો ઉપયોગ નહીં થાય અને લાંબા ગાળે ડાયાબિટીઝ ન થાય તો બીજું શું થાય? એટલે જરૂરી છે નિયિમત યોગઅભ્યાસ, કારણ કે નિષ્ણાતોના મતે ૬૦થી ૭૫ મિનિટ એક્સરસાઇઝ કરનારા બેઠાડુ જીવનને કારણે થતા નુકસાનથી બચી શકે છે.

તમને ખબર છે કે નિતંબ અને પગના સ્નાયુઓ નબળા પડવાની સાથે લાંબા સમય સુધી ખુરશી પર બેસનારા લોકોને ખોટા પૉશ્ચરને કારણે કમર અને ગરદનની સમસ્યાઓમાં વધારો થાય છે. કરોડરજ્જુના મણકામાં સમય પહેલાં જ ડીજનરેશન થવાનું શરૂ થાય અને દુખાવો શરૂ થઈ શકે છે. એટલે જરૂરી છે કે તમે નિયમિત યોગ કરો અને કરોડરજ્જુના મણકાઓનું ધ્યાન રાખો અને સાથે જ જાગૃતિપૂર્ણ યોગનો અભ્યાસ તમારા ખોટા પૉશ્ચરમાં પણ ધીમે-ધીમે સુધારો લાવવામાં મદદ કરશે.  

તમને ખબર છે કે જે લોકો લાંબા સમય સુધી બેઠાડુ જીવન જીવતા હોય એ લોકોમાં ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, પૅનિકનેસ જેવી સમસ્યાનું પ્રમાણ વધુ હોય છે. બહુ જ સીધો હિસાબ છે કે જો તમે શારીરિક રીતે સક્રિય ન હો એટલે શરીરની બધી જ ઍક્ટિવિટી પર માઠી અસર પડે, જેની સીધી અસર તમારી મેન્ટલ સ્ટેટ પર પણ પડે જ. એટલે જ જરૂરી છે કે તમે યોગ કરો, પ્રાણાયામ કરો અને શરીર તથા મન બન્નેને સ્વસ્થ રાખો. પ્રાણાયામ દ્વારા શ્વાસનું મૅનેજમેન્ટ તમારા માઇન્ડ મૅનેજમેન્ટમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સતત તમે ઊંડા શ્વાસ લો એ મહત્ત્વનું છે. તમને ખબર છે કે એવા અભ્યાસો પણ થયા છે જે મુજબ લાંબા સમય સુધી બેસતા લોકોમાં લંગ્સ અને કોલોન કૅન્સરનું રિસ્ક વધે છે. એની પાછળનાં નક્કર કારણો હજી જાણી નથી શકાયાં.એવી જ રીતે હાર્ટ માટે પણ બેઠાડુ જીવન જોખમી છે. ઇન ફૅક્ટ કેટલાક નિષ્ણાતો તો એવું માને છે કે લાંબા કલાકો સુધી શારીરિક ઍક્ટિવિટી નહીં કરનારા લોકોને હાર્ટ-અટૅક અથવા સ્ટ્રોક-અટૅક આવવાના ચાન્સ ૧૪૭ ટકા વધી જાય છે. 

તમને ખબર છે કે લાંબા કલાકો સુધી બેસનારા લોકોને વેરિકોઝ વેઇન્સની સમસ્યા થવી સામાન્ય છે. એમાં તમારા પગની નસોમાં રક્તપરિભ્રમણ અટકી જાય અને ત્યાં બ્લડ ક્લૉટ બનવાના શરૂ થાય. લાંબા ગાળે એમાં દુખાવો થતો હોય છે અને ડીપ વેઇન થ્રૉમ્બોસિસ પણ થઈ શકે છે, જેમાં આ બ્લડ ક્લૉટ શરીરના બીજા હિસ્સામાં ટ્રાવેલ 
કરીને મહત્ત્વના અવયવ સુધી પહોંચતાં બ્લડ- સપ્લાયને રોકી શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ 
શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 07:58 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK