આ કૉમન કૉમ્પ્લીકેશન છે ભગંદરની સર્જરીનું
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૫૩ વર્ષ છે. પંદર વર્ષ પહેલાં મને ભગંદરની તકલીફ થયેલી. એક-બે વાર રસી ડ્રેઇન કરી પણ આખરે સર્જરી કરવી પડી. એ પછી મળ રોકવામાં મુશ્કેલી થાય છે. પ્રેશર આવ્યું હોય ત્યારે મળ રોકી શકવાનું અઘરું થઈ પડે છે. મેં જોયું છે કે સર્જરી પછી રૅક્ટમમાં સુકાયેલો મળ વધુ ભરાઈ રહે છે. આમ પ્રેશર આવતું હોય પણ સુકાયેલા મળને કારણે બરાબર સારણ ન થાય. હું ઇંગ્લિશ ટૉઇલેટ વાપરું છું અને પ્રેશર બરાબર આવે એ માટે પગ નીચે એક પગથિયાં જેવું પણ રાખું છું. એનાથી બરાબર પ્રેશર આવે છે. જોકે હમણાંથી સુકાયેલો મળ કાઢવા આંગળી વાપરવી પડે છે. સાંભળ્યું છે કે આંગળી વાપરવાથી ફરી ભગંદર થઈ શકે છે. તો શું કરવું?
આ કૉમન કૉમ્પ્લીકેશન છે ભગંદરની સર્જરીનું. સર્જરીને કારણે ઍનલ સ્ફિંક્ટર કટ થઈ જાય છે અને એટલે જ લોકો બને ત્યાં સુધી ભગંદરની સર્જરી કરાવતાં પહેલાં બીજાં વિકલ્પો ટ્રાય કરવાનું પ્રીફર કરે છે. ઍનલ સ્ફિંક્ટર પર પડેલા કટને કારણે એની ઇલૅસ્ટિસિટી ઘટી જાય છે અને મળને રોકવાનું અઘરું થઈ જાય છે. આનો ઇલાજ તમે પૂછ્યો નથી, છતાં કહું. જાત્યાદિ તેલમાં બોળેલું રૂ ગુદામાર્ગમાં રાખવાનું શરૂ કરો. એનાથી ઍનલ સ્ફિંક્ટરનો કટ હીલ થવા લાગશે અને ઇલૅસ્ટિસિટીમાં પણ સુધારો જોવા મળશે. હા, આ પ્રયોગ લાંબો સમય ચાલુ રાખવો પડશે.
ADVERTISEMENT
બીજું, મળ કડક થઈ જાય છે એ માટે તમને આંગળી વાપરવી પડે છે. આંગળી વાપરવાથી ભગંદર થાય છે એવું નથી હોતું, પરંતુ મળ સારણ માટે જે આંગળીથી જોર કરવું પડે છે અથવા તો પ્રેશર કરીને મળદ્વારના સ્નાયુઓને તંગ કરવા પડે છે એનાથી ચોક્કસ ફરીથી ભગંદર થઈ શકે છે. મળ નરમ થાય એ માટે રોજ સવારે એક ચમચી હરડે અને ગોળ લો અને રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે, અડધી ચમચી કુટકી અને અમલતાસનું ચૂર્ણ લો. એનાથી મળ નરમ બનશે અને સારણનું કામ સરળ થશે. બજારમાં રેડીમેડ પંચસકાર ચૂર્ણ મળે છે એ પણ લઈ શકાય. તેલનું પીચું ગુદાદ્વારમાં રાખવાથી નીચેના ભાગનો મળ સુકાઈ જતો અટકશે. એ ઉપરાંત રાતે સૂતાં પહેલાં નાભિમાં દિવેલ અથવા તો ઘીનું પૂરણ કરવાનું રાખો.
એટલું યાદ રાખજો કે મળ કાઢવા માટે જેટલું જોર કરશો એટલું ભગંદર થવાની સંભાવના વધુ છે એટલે મળ ઢીલો બને એ જરૂરી છે.

