ઊંઘ જો ઓછી થાય, અપૂરતી થાય કે એની ક્વૉલિટી સારી ન હોય એટલે કે ગાઢ ઊંઘ ન હોય તો વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બાળક જન્મે ત્યારે તે ૧૮-૨૦ કલાક ઊંઘતું હોય છે. ધીમે-ધીમે તે મોટું થતું જાય એમ તેનો આ સમય ઘટતો જાય છે. મોટી ઉંમરે તો ઊંઘ ઘણી ઘટી જાય છે. એક ૫૦-૬૦ વર્ષની વ્યક્તિને ૬-૭ કલાકની ઊંઘ જરૂરી રહે છે. ૬૦-૭૦ વર્ષની વ્યક્તિને ૫-૬ કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ ૭૦-૮૦-૯૦ વર્ષની વ્યક્તિ ૪-૫ કલાક માંડ સૂવે છે. આ કુદરતી છે, સહજ છે. પરંતુ વધતી ઉંમરનો સ્વીકાર અને એની સાથેના ઍડ્જસ્ટમેન્ટ અઘરાં છે. એટલે જ તકલીફો આવે છે.
ઊંઘ જો ઓછી થાય, અપૂરતી થાય કે એની ક્વૉલિટી સારી ન હોય એટલે કે ગાઢ ઊંઘ ન હોય તો વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી. થાય છે એવું કે ઉંમરને કારણે વ્યક્તિને અમુક રોગો થાય છે જેમ કે ડાયાબિટીઝ, યુરિનરી પ્રૉબ્લેમ્સ અથવા પ્રોસ્ટેટ પ્રૉબ્લેમ, જેને કારણે રાત્રે બાથરૂમ માટે વારંવાર ઊઠવું પડે છે જેને કારણે ઊંઘની ક્વૉલિટી બગડે છે, ગાઢ ઊંઘ લઈ શકાતી નથી. આથી સ્વાસ્થ્ય બગડે છે અને એને લીધે એ રોગો વધુ ગંભીર બને છે. આમ આ એક સાઇકલ છે. જેમ કે ડાયાબિટીઝ છે એટલે રાત્રે યુરિન માટે ૪ વાર ઊઠવું પડે છે, જેને લીધે ઊંઘ સારી થતી નથી અને ઊંઘ સારી નથી થતી એટલે ડાયાબિટીઝ વકરે છે. આમ સ્વાસ્થ્ય પર એની ગંભીર અસર પડે છે.
ADVERTISEMENT
ઊંઘની જે તકલીફો છે એ નૅચરલી ઊભી થઈ છે કે કોઈ રોગને કારણે ઊભી થઈ છે એ કઈ રીતે જાણી શકાય એ સમજવું જરૂરી છે. તમે જો ૭૦ વર્ષના છો અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે રાતની ૫-૬ કલાકની ઊંઘ લો છો, સવારે સ્વસ્થ ઊઠો છો, આખો દિવસ એનર્જીમાં રહો છો તો તમને કોઈ તકલીફ નથી. પરંતુ જો એવું થતું નથી, તમને ઊઠીને આળસ જ આવ્યા કરે છે, દિવસના સમયે તમે વધુ સૂઈ રહો છો અને આખો દિવસ કંટાળો ભરાયેલો રહે છે મતલબ તમારી ઊંઘ પૂરી થઈ નથી. આ પરિસ્થિતિમાં તમારા હાર્ટ પર, લોહીની નળીઓ પર, તમારા મગજ પર અને સાઇકોલૉજીની દૃષ્ટિએ પણ તમારા સ્વાથ્ય પર એ અસર દેખાશે. એનાથી તમારી ચયાપચયની ક્રિયા પર પણ અસર દેખાશે. પાચન નબળું પડશે. તમારી ઊંઘ બરાબર થઈ છે કે નહીં એ તમે જ કહી શકશો, બીજું કોઈ નહીં. મોટી ઉંમરે ગાઢ ઊંઘ આવતી નથી એટલે પણ ઘણા લોકોને એ ફરિયાદ રહે છે કે તેમની ઊંઘ પૂરી થઈ નથી. તમારી ઊંઘની તકલીફ પાછળ બની શકે કે કોઈ સાઇકોલૉજિકલ ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી હોય તો એના ઇલાજની જરૂર છે.


