કેમ હવે યંગસ્ટર્સને રિલૅક્સ થવા માટે પથારીમાં પડ્યા રહેવું બહુ ગમે છે? આ ટ્રેન્ડ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો હિતકારક છે એ વિશે જાણીએ
પ્રતીકાત્મક તસવીર
રજાના દિવસે બહાર રખડપટ્ટી કરવાને બદલે આખો દિવસ રૂમમાં આડા પડી રહેવું આજની જનરેશન માટે નવું સેલ્ફ-કૅર બની ગયું છે. કેમ હવે યંગસ્ટર્સને રિલૅક્સ થવા માટે પથારીમાં પડ્યા રહેવું બહુ ગમે છે? આ ટ્રેન્ડ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો હિતકારક છે એ વિશે જાણીએ
એક સમય હતો જ્યારે જુવાનિયાઓ વીક-એન્ડમાં ફરવા જ નીકળી પડતા હતા. વેકેશન માટે ફરવા જાય ત્યારે પણ વધારેમાં વધારે સ્થળો ફરી લેવાનો અને આખો દિવસ બહાર પસાર કરવાનો ટ્રેન્ડ હતો, પરંતુ જેન-ઝીએ વેકેશનની વ્યાખ્યા જ બદલી નાખી છે. હવે ઘણા યુવાનો માટે હોટેલ કે પોતાની રૂમમાં આખો દિવસ આરામ કરવો પણ વેકેશનનો એક ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા પર એને રૂમ રૉટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટ્રાવેલિંગ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પણ ત્યાં જઈને જોવાલાયક સ્થળોનું લિસ્ટ પૂરું કરવાની દોડમાં પડતા નથી. તેઓ હોટેલ કે હોમ-સ્ટે થકી રૂમ બુક કરે છે અને ત્યાં જ રિલૅક્સ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો પોતાની જ રૂમમાં કે વેકેશન દરમ્યાન હોટેલના બેડમાં ઓઢી-પોઢીને આખો દિવસ પડ્યા રહેવું એટલે રૂમ રૉટિંગ. ફોન સ્ક્રોલ કરવો, વેબ-સિરીઝ જોવી, રૂમમાં જ ફૂડ ઑર્ડર કરીને ખાવું અને સૂરજ ક્યારે ઊગ્યો અને ક્યારે આથમ્યો એની પરવા કર્યા વગર બસ સ્લો-મોશનમાં જીવવું. જેન-ઝી માટે આ આળસ નથી, પણ પૈસા વસૂલ વેકેશન અને માનસિક શાંતિ મેળવવાનો આધુનિક રસ્તો છે. જોકે શું આ ટ્રેન્ડ ખરેખર આટલો કૂલ છે જેટલો સોશ્યલ મીડિયા પર દેખાય છે? આ ટ્રેન્ડ પાછળનાં પાસાંઓને અનુભવી કાઉન્સેલર સાઇકોલૉજિસ્ટ અને આર્ટ-થેરપી પ્રૅક્ટિશનર અવનિ નાગડા પાસેથી સમજીએ.
ADVERTISEMENT
માઇન્ડ રીચાર્જ થાય
અત્યારના યંગસ્ટર્સ ટેક્નૉલૉજી, સોશ્યલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડ સાથે વધુ કનેક્ટેડ છે. તેમના માટે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ અને મનોરંજન જીવનનો અભિન્ન ભાગ બની ગયાં છે. આ પેઢી સતત માહિતી, ગળાકાપ સ્પર્ધા, કરીઅરનું પ્રેશર, શૈક્ષણિક અપેક્ષાઓ અને સોશ્યલ મીડિયા પરની સરખામણીઓ વચ્ચે જીવી રહી છે. આખા અઠવાડિયાના થાક પછી મગજ અને શરીરને રીચાર્જ થવાની જરૂર પડે છે. એના માટે થોડો સમય પથારીમાં આરામ કરવો પણ એક પ્રકારનું હેલ્ધી સેલ્ફ-કૅર બની શકે છે. વ્યક્તિ જ્યારે બહારની દુનિયાની જવાબદારીઓમાંથી ભાગવા માટે આરામનો સહારો લે છે ત્યારે તે પલાયનવાદ એટલે કે અનહેલ્ધી એસ્કેપિઝમ બની જાય છે, પરંતુ જ્યારે આ આરામ માત્ર થાક ઉતારવાનું સાધન ન રહીને જીવનશૈલી બની જાય છે ત્યારે તેનાં માનસિક પાસાંઓને સમજવાની જરૂર પડે છે. ઘણા લોકો હસલ કલ્ચર અને પર્ફેક્ટ જીવનની દોડ વચ્ચે ફસાઈ જાય છે. સોશ્યલ મીડિયા પર સતત સફળતા, સુંદરતા, પ્રયાસ અને લક્ઝરી લાઇફસ્ટાઇલની સરખામણી થતી રહે છે. કોઈ યુવાન જ્યારે પોતાની વાસ્તવિકતા અને સોશ્યલ મીડિયા પર દેખાતી આભાસી દુનિયા વચ્ચે અંતર અનુભવે છે ત્યારે એક શાંત રૂમમાં પોતાની જાતને વધુ સેફ ફીલ કરે છે. તેના માટે એ રૂમ એવી સ્પેસ બની જાય છે જ્યાં બહારની અપેક્ષાઓનો બોજ હોતો નથી.
આ માનસિક પરિવર્તન પાછળ માત્ર આજનું સોશ્યલ મીડિયા જવાબદાર નથી. છેલ્લાં કેટલાંક વર્ષોની જીવનશૈલીમાં આવેલા બદલાવનો પણ એમાં મોટો ફાળો છે. એનાં મૂળ કોરોનાકાળ સાથે જોડાયેલાં છે. મહામારી અને લૉકડાઉન દરમ્યાન શિક્ષણ, કામ, મિત્રતા અને મનોરંજન બધું જ એક રૂમની ચાર દીવાલોમાં સીમિત થઈ ગયું હતું. ઘણા લોકો માટે એક રૂમ જ આખી દુનિયા બની ગયો હતો. મહામારી પછી પણ ઘણા લોકો માટે ફરીથી સામાજિક જીવનમાં સક્રિય થવું સરળ રહ્યું નથી. એ સમયની આદત હવે રૂમ રૉટિંગના ટ્રેન્ડ તરીકે બહાર આવી રહી છે.
પૈસા વસૂલની ફિલોસૉફી
વેકેશન અને વીક-એન્ડ પર ફરવાનો મતલબ હતો સવારે વહેલા ઊઠીને આખો દિવસ બકેટ લિસ્ટમાં ઍડ કરેલી જગ્યાને એક પછી એક પૂરી કરવી. જો કોઈ હોટેલની રૂમમાં રોકાતું તો તેને લોકો મૂર્ખ ગણતા. જોકે અત્યારના યંગસ્ટર્સે પૈસા વસૂલની ફિલોસૉફી બદલી નાખી છે. તેમની વિચારધારા બહુ સ્પષ્ટ અને પ્રૅક્ટિકલ છે. તેમનો તર્ક સરળ છે. કોઈ સરસ હોટેલ, લક્ઝુરિયસ રિસૉર્ટ કે હોમ-સ્ટે પ્રૉપર્ટી માટે હજારો રૂપિયા ચૂકવ્યા હોય તો બહાર રખડવાને બદલે ત્યાં રહીને એનો આનંદ કેમ ન માણવો? આથી હવે ટ્રાવેલિંગ કરતી વખતે પણ રૂમ રૉટિંગના મોડમાં જ રહે છે. આને રિસૉર્ટ રૉટિંગ અથવા બેડ રૉટિંગ પણ કહેવાય. બપોર સુધી
કિંગ સાઇઝ બેડમાં સૂતા રહેવું, સ્વિમિંગ-પૂલની બાજુમાં આડા પડીને ઑફિસથી આવતાં નોટિફિકેશન્સને અવગણવાં અને રૂમમાં ઑનલાઇન ફૂડ ઑર્ડર કરીને બેડ પર જમવું તેમના માટે લક્ઝરી અને અલ્ટિમેટ આરામની નવી વ્યાખ્યા છે.
ડિપ્રેશનની દસ્તક?
કેટલીક વાર રૂમમાં રહેવું માત્ર કામના અતિશય થાક અથવા બર્નઆઉટનું સામાન્ય પરિણામ હોઈ શકે છે. વ્યક્તિ જ્યારે લાંબા સમય સુધી બહાર જવાનું ટાળે, લોકો સાથે પ્રત્યક્ષ વાતચીત ઓછી કરે, પોતાની ગમતી પ્રવૃત્તિમાં રસ ગુમાવી દે અથવા રોજિંદી જરૂરી જવાબદારીઓથી દૂર ભાગવા લાગે એ આરામ કે રૂમ રૉટિંગ નથી. ડિપ્રેશન, સોશ્યલ ઍન્ગ્ઝાયટી અથવા અન્ય ગંભીર માનસિક પડકારોના શરૂઆતી સંકેત હોઈ શકે છે. આ સ્થિતિને વધુ જટિલ બનાવવામાં સોશ્યલ મીડિયાનો પણ મહત્ત્વનો ફાળો છે. સોશ્યલ મીડિયા પર બેડ રૉટિંગ, સ્ટે ઇન બેડ ડે જેવી ઍક્ટિવિટી બહુ કૉઝી, ક્યુટ અને રિલેટેબલ રીતે રજૂ કરવામાં આવે છે. સુંદર બ્લૅન્કેટ, હાથમાં કૉફીનો મગ અને બૅકગ્રાઉન્ડમાં ધીમું સ્લો મ્યુઝિક આ બધું જોઈને યુવાનો અંજાઈ જાય છે.
આ પ્રકારના કન્ટેન્ટથી યુવાનોને એવું લાગવા માંડે છે કે સતત એકાંતમાં રહેવું અથવા જવાબદારીઓથી દૂર ભાગવું એ નૉર્મલ બાબત છે. સોશ્યલ મીડિયાનું આ ગ્લોરિફિકેશન યુવા પેઢીમાં અનહેલ્ધી આઇસોલેશનને નૉર્મલાઇઝ કરી રહ્યું છે જે તેમને વાસ્તવિક દુનિયામાં જઈને કોઈની મદદ લેતાં રોકે છે. જો રૂમ રૉટિંગ ક્યારેક પૂરતું મર્યાદિત રહે તો એ નુકસાનકારક નથી, પરંતુ જ્યારે એ દૈનિક આદત બની જાય છે ત્યારે એનાં લાંબા ગાળાનાં પરિણામો સામે આવવા લાગે છે.
કમ્ફર્ટ ઝોન કેદખાનું ન બને
વ્યક્તિ જ્યારે પોતાનો મોટા ભાગનો સમય રૂમની ચાર દીવાલો વચ્ચે જ પસાર કરે છે ત્યારે ધીમે-ધીમે તેનો કમ્ફર્ટ ઝોન એટલો મજબૂત અને જિદ્દી બની જાય છે કે વ્યક્તિ બહાર આવવામાં અચકાય છે. લાંબા ગાળે આ વર્તન વ્યક્તિની સોશ્યલ સ્કિલ્સ, આત્મવિશ્વાસ અને અંગત સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડે છે. બહારની દુનિયા તેને વધુ પડકારજનક અને ડરામણી લાગવા માંડે છે. નવા લોકોને મળવું, જાહેર સ્થળે જવું અથવા વ્યાવસાયિક અને ઑફિસની જવાબદારીઓ નિભાવવી તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાય છે. આથી કમ્ફર્ટ ઝોન
કેદખાનું ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ ચક્રને તોડવા આટલું ધ્યાન રાખો
ધ ફાઇવ મિનિટ રૂલ : દિવસમાં માત્ર પાંચ મિનિટ માટે રૂમની બહાર બેસવું અથવા ગૅલરીમાં આવીને પ્રકૃતિને જોવી. એક વાર
તમે ઍક્શન લો છો એટલે મગજ જડતામાંથી બહાર આવે છે.
બિહેવિયરલ ઍક્ટિવેશન : ઇચ્છા થાય એની રાહ જોયા વગર નાની પ્રવૃત્તિ શરૂ કરી દો. જેમ કે સવારે ઊઠીને સૌથી પહેલાં પોતાની પથારી સરખી કરવી, થોડું ચાલવા જવું, મિત્રો સાથે ફોન પર
વાત કરવી. આ પદ્ધતિઓ વ્યક્તિને ધીમે-ધીમે દૈનિક જીવનમાં પાછા ફરવામાં
મદદ કરે છે.
વિચારોમાં પરિવર્તન : પોતાની અંદર ચાલતા નકારાત્મક વિચારો અને સરખામણીની ભાવનાને ઓળખીને એમાં સકારાત્મક ફેરફાર લાવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ડિજિટલ ડીટૉક્સ : સ્માર્ટફોનને પથારીથી દૂર મૂકી દેવો જેથી અનલિમિટેડ સ્ક્રોલિંગને કારણે પથારીમાં પડ્યા રહેવાની લૂપ તૂટી શકે.
