બાળકને નજર ન લાગે એટલે કાળો ટીકો લગાવો છો? તેને પરસેવો ન વળે, ત્વચા મુલાયમ રહે એ માટે પાઉડરનો ઉપયોગ કરો છો? તમારી નાની દીકરીને લિપસ્ટિક, નેઇલપૉલિશ લગાવી ઢીંગલીની જેમ સજાવો છો? તો તમે તમારા બાળકને નુકસાન કરી રહ્યા છો
પ્રતીકાત્મક તસવીર
આપણા દેશમાં મોટા ભાગનાં ઘરોમાં તમે જોશો તો બાળકના જન્મ પછી તરત તેને નજર ન લાગે એટલે કપાળ પર સાઇડમાં કાળો ટીકો લગાડવામાં આવે છે જેથી તેને કોઈની નજર ન લાગે. એ સિવાય આંખો પર કાજલના થપેડા કરવામાં આવતા હોય છે. ઘણાના ઘરમાં એવી માન્યતા હોય કે કાજલ લગાવવાથી આંખો સાફ થાય અને એ સુંદર અને આકર્ષક દેખાય. એવી જ રીતે બાળકોને ભરી-ભરીને આખા શરીર પર પાઉડર લગાવવામાં આવતો હોય છે. બાળકને ગરમીમાં રૅશિસ ન થાય, બાળકને ફ્રેશ ફીલ થાય કે તેની ત્વચા સૉફ્ટ અને મુલાયમ રહે એ બધાં કારણોથી તેમને પાઉડરથી આખાં નવડાવી દેવામાં આવતાં હોય છે. એમાં પણ જો બેબી ગર્લ હોય અને તે થોડીક મોટી થાય એટલે મમ્મીઓ તેમને ઢીંગલીની જેમ શણગારવાના ઓરતા પૂરા કરવા માટે તેમને કૉમ્પૅક્ટ પાઉડર, લિપસ્ટિક, આઇલાઇનર, કાજલ, નેઇલ-પૉલિશ લગાવવાનું શરૂ કરી દે છે.
શું નુકસાન થાય?
ADVERTISEMENT
આ બધી વસ્તુ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી છે એ વિશે વાત કરતાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. હિમાની શાહ કહે છે, ‘પાઉડરમાં ટૅલ્ક હોય છે જે ભવિષ્યમાં કૅન્સરનું જોખમ વધારી શકે છે. ટૅલ્કનો ઉપયોગ પાઉડરને મુલાયમ બનાવવા અને પરસેવાને ઍબ્સૉર્બ કરી શકે એ માટે કરવામાં આવે છે. પાઉડર લગાવતી વખતે એની ડસ્ટ હવામાં ઊડે છે. બાળક જ્યારે શ્વાસ લે ત્યારે એ ફેફસાંમાં જાય છે. એને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એવી જ રીતે લાંબા સમય સુધી ટૅલ્કમ-બેઝ્ડ પાઉડરના એક્સપોઝરથી લાંબા ગાળે બાળકને કૅન્સર થવાનું પણ જોખમ હોય છે. ખાસ કરીને બાળકના જેનિટલ પાર્ટ્સમાં ટૅલ્કમ પાઉડર લગાવવામાં આવે ત્યારે એના માઇક્રો પાર્ટિકલ્સ શરીરની અંદર જઈ શકે છે. એને કારણે લાંબા ગાળે એની રીપ્રોડક્ટિવ ઑર્ગન્સ પર અસર પહોંચી શકે છે. બાળકોની ત્વચા વધુપડતી પાતળી અને મુલાયમ હોય છે અને પાઉડરને કારણે તેમને રૅશિસ થઈ શકે છે. એવી જ રીતે લોકલ માર્કેટમાં જે કાજલ મળે છે એમાં કાર્બન મૉનોક્સાઇડ, લેડ જેવાં કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ આંખોના માધ્યમથી શરીરમાં જલદીથી ઍબ્સૉર્બ થઈ જાય છે. લેડ એટલે કે સીસું તો એટલું ખતરનાક હોય કે એ બ્રેઇન, હૃદય, કિડની પર અસર પહોંચાડી શકે તેમ જ હૉર્મોનલ અસંતુલન પેદા કરી શકે છે. ઘણા પેરન્ટ્સનું એવું કહેવું હોય કે અમે તો ઘરે કાજલ બનાવીને એ લગાવીએ છીએ. કાજલ બનાવવા માટે સામાન્ય રીતે દીવાની વાટ, ઘી, કપૂર, બદામ તેલ વગેરે જલાવવામાં આવે છે. એ પ્રક્રિયામાં પણ થોડા તો થોડા પ્રમાણમાં કાર્બનમૉનોક્સાઇડ તો ઉત્પન્ન થાય જ છે. કાજલ લગાવ્યા બાદ ઘણાં બાળકોને આંખો ચોળવાની આદત હોય છે તો એને કારણે પણ આંખમાં ઇન્ફેક્શન, આંખો સૂજવી, આંખો લાલ થવી, આંખમાંથી પાણી આવવું વગેરે જેવી સમસ્યા થાય છે. એવી જ રીતે લિપસ્ટિક, આઇલાઇનર કે નેઇલ-પૉલિશ જેવી પ્રોડક્ટ્સની પણ વાત કરીએ તો બધામાં જ હાનિકારક કેમિકલ્સ હોય છે. બાળકોની સ્કિન તો સેન્સિટિવ હોય જ છે. ઉપરથી તેમને વારંવાર હોઠ ચાટવાની કે હાથ મોઢામાં નાખવાની આદત હોય છે. એને કારણે એ કેમિકલ્સ સરળતાથી તેમના શરીરમાં દાખલ થઈ જાય છે. બાળકોનું શરીર હજી એટલાં કેમિકલ્સ સહેવા માટે તૈયાર હોતું નથી. એટલે ટૉક્સિન્સ તેમને સ્કિન-રૅશિસ આપી શકે અથવા તો શરીરની અંદર જઈને લાંબા ગાળે હૉર્મોનલ પ્રૉબ્લેમ વધારી શકે, કિડની-લિવર પર લોડ વધારી શકે, બ્રેઇનને નુકસાન પહોંચાડી શકે છે. મારી તો હંમેશાં પેરન્ટ્સને એટલી જ સલાહ હોય છે કે બાળક ગોરું દેખાય એ માટે પાઉડર લગાવવાની કે ચહેરો નમણો દેખાય એ માટે આંખમાં કાજલ લગાવવાની કે પછી તેને બ્યુટી-પ્રોડક્ટ્સ લગાવીને રેડી કરવાની કોઈ જરૂર નથી. ભગવાને તેમને જેવાં બનાવ્યાં છે એ શ્રેષ્ઠ જ છે. તમારે એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી.’
મેકઅપનું આટલું વળગણ કેમ?
ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે દીકરીઓ ત્રણ-ચાર વર્ષની માંડ થાય ત્યાં તેમને મેકઅપ લગાવીને ઢીંગલી બનાવવાનું મમ્મીઓ શરૂ કરી દેતી હોય છે. ઘણી વાર તેમને ખબર હોય કે મેકઅપની પ્રોડક્ટ્સ બાળકો માટે સારી નથી એમ છતાં તેઓ તેમની જાતને રોકી શકતી નથી એટલું જ નહીં, ઘણી વાર દીકરીઓ પણ મેકઅપ લગાવી આપવા માટે સામેથી જીદ કરતી હોય છે. મેકઅપ લગાવવા પાછળનાં આટલાં વળગણ પાછળની સાઇકોલૉજી સમજાવતાં સાઇકોથેરપિસ્ટ ઝીલ જોબનપુત્રા કહે છે, ‘મહિલાઓના મનમાં એવી ધારણા બેસાડી દેવામાં આવી છે કે મેકઅપથી તે વધારે સુંદર દેખાય છે. એટલે મહિલાઓ સમય કાઢીને મહેનત અને ધ્યાનથી મેકઅપ લગાવે છે. એ પછી તે એવું પણ ઇચ્છે કે લોકો તેની પ્રશંસા કરે અને સામે લોકોને પણ એવું લાગે કે મેકઅપ કર્યો છે એટલે પ્રશંસા કરવાની મારી ફરજ છે. સમાજનો આ એક વણલખ્યો નિયમ બની ગયો છે. ઘણી વાર નાનાં બાળકો લિપસ્ટિક કે
નેઇલ-પૉલિશ લગાવે એટલે તરત તેમને તમે એવું કૉમ્પ્લીમેન્ટ આપો કે વાહ, તું તો સરસ દેખાય છે એટલે બાળકને એમ લાગવા લાગે કે વાહ, આ કરવાથી મને પ્રશંસા મળી; જે કામથી પ્રશંસા મળે એ આપણે વધુ કરીએ. બાળકોનું પણ એવું જ છે. એ સિવાય બ્રિટિશરોના જમાનાથી ભારતીયોમાં એવી ધારણા બેસી ગઈ છે કે ગોરો રંગ સુંદરતાનું પ્રતીક છે. એટલે ઘણા પેરન્ટ્સ તેમનાં બાળકોને ગોરાં દેખાય એ માટે પાઉડર, કૉમ્પૅક્ટ પાઉડર લગાવતા હોય છે જેથી બીજા લોકો વચ્ચે તેમને વધુ સુંદર દેખાડી શકાય, પ્રશંસા મેળવી શકાય.’
પેરન્ટ્સે શું કરવું?
બાળકોને મેકઅપથી દૂર રાખવા એક પેરન્ટ તરીકેની તમારી જવાબદારી શું છે એ સમજાવતાં ઝીલ જોબનપુત્રા કહે છે, ‘બાળકો હંમેશાં તેમના ઘરના મોટા લોકોને જોઈને બધી વસ્તુ શીખતાં હોય છે. તમે જો કલાકો સુધી ઇન્ટરેસ્ટ લઈને મેકઅપ લગાવતા હો તો સ્વાભાવિક છે કે તમારી દીકરી પણ એ પ્રત્યે આકર્ષિત થશે, તેને પણ એ વસ્તુ કરવાનું મન થશે. એટલે એક પેરન્ટ તરીકે તમારી જવાબદારી છે કે તમે તેને બાહ્ય સુંદરતા કરતાં વધુ આંતરિક સુંદરતા વિશે અવગત કરાવો. તે મેકઅપ કરે ત્યારે તમે તેને જે કૉમ્પ્લીમેન્ટ આપો છો એ રીતે તેને એમ પણ કહેતા રહો કે તું વગર મેકઅપે પણ સારી લાગે છે; તારામાં આ ગુણ છે, આ કળા છે જે તને મેકઅપથી પણ વધુ સુંદર બનાવે છે. એ સિવાય બાળકો સહજ રીતે જ કલરફુલ વસ્તુઓ તરફ વધુ આકર્ષાય એટલે તેમને આઇશૅડો પૅલેટ, બ્લશ, લિપસ્ટિક જેવી રંગીન પ્રોડક્ટ લગાવવાનું મન થાય. એવા સમયે તમે તેને સમજાવો કે આ વસ્તુ મોટા લોકો માટે છે, તારા માટે એ સેફ નથી. બાળકને કલરફુલ રંગો સાથે રમવું જ હોય તો તમે તેને હર્બલ મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદીને આપી શકો. એ સિવાય તમે તેનું ધ્યાન બીજી ઍક્ટિવિટી તરફ ડાઇવર્ટ કરો જેમ કે ડ્રૉઇંગ, ડૉક્ટર-પેશન્ટ જેવી રોલપ્લે ગેમ્સ કે પછી તેને ડેકોરેટિવ આઇટમ્સ બનાવવા માટે આપો.’


