પહેલાંની જેમ હવે હર્નિયાના ઑપરેશન માટે ઓપન સર્જરી કરવી નથી પડતી.
પ્રતીકાત્મક તસવીર
હું ૫૮ વર્ષનો છું. મારા પેટમાં નાભિના નીચેના ભાગમાં જમણી અને ડાબી બંને બાજુ દુખાવો રહેવા લાગ્યો છે. પહેલાં ત્યાં થોડો સોજો લાગતો. ખાંસી આવે ત્યારે કે ઊઠવા-બેસવામાં થોડું-થોડું દુખતું રહેતું. ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે આ હર્નિયા છે અને એમાં તમારે સર્જરી જ કરવી પડશે. મને સર્જરી સિવાયનો કોઈ ઉપાય એ જણાવી નથી રહ્યા. શું આનો બીજો કોઈ ઇલાજ નથી? મને સર્જરીથી ડર લાગે છે.
નાભિ પાસે સોજો કે પેટના નીચેના ભાગમાં સોજો આવી જાય ત્યારે વ્યક્તિને સારણગાંઠ થઈ હોવાની શક્યતા વધુ છે. પેટની નીચેના ભાગમાં જમણી અને ડાબી બંને તરફ જે તકલીફ ઊભી થાય છે એ પુરુષોમાં વધારે જોવા મળે છે. આંતરડાં પેટની દીવાલની નાજુક બાજુએથી કે નબળી પડી ગયેલી બાજુએથી બહાર નીકળે એ અવસ્થા એટલે હર્નિયા. સામાન્ય ભાષામાં સમજો તો પ્લાસ્ટિકની પાતળી થેલીમાં આંગળી ભરાવીને એને ખેંચીએ તો એ એકદમ પાતળી થઈને થોડીક બહારની બાજુએ ઊપસી આવે અને એમાં કોઈ વસ્તુ કે પાણી ભરાઈ જાય. અહીં પ્લાસ્ટિકની
કોથળી એટલે સ્નાયુ, ટિશ્યુ કે પછી પેટની દીવાલ સમજો અને એમાં ભરાઈ જતી વસ્તુને અંગ કે આંતરડું સમજો તો સમજી શકાશે.
મહત્ત્વનું એ છે કે તમને હવે દુખાવો શરૂ થઈ ગયો છે જેનો અર્થ એ થાય કે તમે આ રોગના સ્ટેજ ટૂ સુધી પહોંચી ગયા છો. તમને જ્યારે સોજો હતો, ખાંસી કે ઊઠક-બેઠકથી જે તકલીફો થતી હતી એ વખતે જ તમારે સર્જરી કરાવી લેવાની હતી. તમે એ ન કરાવીને રોગને વધારી દીધો છે. હવે ગભરાયા વગર ડૉક્ટરની સલાહ મુજબ સર્જરી કરાવી જ લો. એ જરૂરી છે. પહેલાંની જેમ હવે હર્નિયાના ઑપરેશન માટે ઓપન સર્જરી કરવી નથી પડતી. આજની તારીખે દૂરબીન નાખીને એટલે કે લેપ્રોસ્કોપિક સર્જરી કરે છે જે ખૂબ સેફ છે. આ સિવાય રોબોટિક સર્જરી પણ થાય છે જે ખૂબ સારી છે. એનાથી પ્રિસિઝન સારું લઈ શકાય છે. આ રોગમાં દવાનો કોઈ રોલ નથી એટલે ડર્યા વગર સર્જરી કરાવી લો એ જરૂરી છે. હર્નિયાના ઑપરેશનમાં જે જગ્યાએ આંતરડું ફાટ્યું છે એ જગ્યાએ કૅપને બંધ કરીને સ્પેશ્યલ જાળી મૂકવી પડે છે. સર્જરી પહેલાં તમારા ડૉક્ટર સાથે આ જગ્યાએ જે જાળી મૂકવાની જરૂર છે એની કિંમત નક્કી કરી લો. એ અલગ-અલગ પ્રકારની આવે છે. એની રીતે એની કિંમત આંકવામાં આવે છે. તમારે કયા પ્રકારની સર્જરી કરવી છે એ નક્કી કરવાનું છે અને જાળી વિશેની માહિતી લેવાની છે.
ADVERTISEMENT
ડૉ. જિજ્ઞેશ ગાંધી

