ઘણી વાર વ્યસન છોડવાનું મન બનાવી લેવાય છે, પણ એ મુકાતું નથી. જોકે એક સરળ બ્રીધિંગ ટેક્નિકથી વ્યસનને છોડવું શક્ય છે
પ્રતીકાત્મક તસવીર
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ ખબર હોવા છતાં ઘણા લોકો એના એટલા બંધાણી થઈ ગયા હોય છે કે તેમને એ વ્યસનમાંથી મુક્ત થવાની ઇચ્છા હોવા છતાં એને છોડી શકતા નથી. સ્મોકિંગની હૅબિટને છોડવાની બહુ જ સરળ ટ્રિક હાલમાં ટ્રેન્ડ કરી રહી છે અને નિષ્ણાતોએ આ ટ્રિકને બહુ જ અસરકારક ગણાવી છે.
બ્રીધિંગ ટેક્નિક નશો કન્ટ્રોલ કરશે
ADVERTISEMENT
આપણા શરીરમાં જે નર્વસ સિસ્ટમ હોય છે એ મન અને મગજને શાંત રાખવાની સાથે ઇમોશન્સ અને હૉર્મોન્સને પણ બૅલૅન્સ રાખવાનું કામ કરે છે અને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માટે નર્વસ સિસ્ટમને ઍક્ટિવેટ કરવી પડે છે. જ્યારે ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવામાં આવે તો નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે. જે લોકો વ્યસન છોડવાની કોશિશ કરે છે તેમને સ્મોકિંગનું ક્રેવિંગ વધુ પરેશાન કરે છે. આવા સમયમાં ડીપ બ્રીધિંગ કરવાથી સ્ટ્રેસ-લેવલ ઓછું થાય છે અને મન શાંત થવાની સાથે સિગારેટ પીવાની ઇચ્છા ઓછી થવા લાગે છે.
4-7-8 ટેક્નિક
રૂટીનમાં બ્રીધિંગની સરળ ટેક્નિકને અપનાવશો તો સ્મોકિંગની ઇચ્છા પર નિયંત્રણ મેળવી શકાશે. આ માટે 4-7-8 ટેક્નિક કામની ચીજ છે. આ માટે તમે ચાર સેકન્ડ શ્વાસ લો. એને સાત સેકન્ડ સુધી રોકો અને પછી આઠ સેકન્ડ સુધી ધીમે-ધીમે શ્વાસ છોડો. આ ટેક્નિક શરીરની નર્વસ સિસ્ટમને શાંત કરશે અને સ્મોકિંગની હૅબિટ ધીમે-ધીમે ઓછી થવા લાગશે. બ્રીધિંગની આ ટેક્નિક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
બૉક્સ-બ્રીધિંગ
બૉક્સ-બ્રીધિંગ ટેક્નિકમાં ચાર સેકન્ડ સુધી શ્વાસ લીધા બાદ ચાર સેકન્ડ સુધી રોકી રાખવો અને પછી ચાર સેકન્ડ સુધી એને છોડીને ચાર સેકન્ડ સુધી રોકી લીધા બાદ આ પ્રક્રિયા રિપીટ કરવી. આ પ્રકારની બ્રીધિંગ ટેક્નિકને બૉક્સ-બ્રીધિંગ કહેવાય. મેન્ટલ ક્લૅરિટી માટે આ ટેક્નિક અસરકારક સાબિત થાય છે અને સ્મોકિંગની આદતથી નૅચરલી છુટકારો મળશે. જો આ પ્રૅક્ટિસને કન્ટિન્યુ રાખી તો ભવિષ્યમાં ક્યારેય સિગારેટ પીવાનું મન નહીં થાય.
માઇન્ડફુલ બ્રીધિંગ
જ્યારે સ્મોકિંગનો વિચાર આવે અથવા મન થાય ત્યારે તમારી શ્વસનક્રિયા પર ધ્યાન આપવું જોઈએ. આ દરમિયાન શરૂઆતના થોડા સમય સુધી થોડી તકલીફ પડશે. દિવસમાં પાંચ વખત સ્મોકિંગ કરવાની આદત હોય તો એને સમય જતાં એક વખત કરી નાખવી અને પછી સાવ બંધ કરવી. એક ઝટકામાં બંધ કરશો તો તકલીફ વધુ થશે.
નોંધી લેજો
જ્યારે સ્મોકિંગની ઇચ્છા થાય ત્યારે માઇન્ડને બ્રીધિંગ ટેક્નિક્સ અપ્લાય કરવાની આદત પાડવી જોઈએ.
દરરોજ પાંચથી દસ મિનિટ સુધી બ્રીધિંગ ટેક્નિક્સની પ્રૅક્ટિસ કરો. ક્રેવિંગ ન થાય ત્યારે પણ પ્રૅક્ટિસ કરીને સવારે અને રાત્રે બ્રીધિંગ રૂટીન બનાવો.
સ્મોકિંગની આદતને છોડવા માટે ફક્ત બ્રીધિંગ ટેક્નિક પૂરતી નથી. સ્મોકિંગ-ટ્રિગર ઓળખીને એ સમયે મન પર કાબૂ રાખવાની કોશિશ કરવી. તીવ્ર ઇચ્છા થાય ત્યારે ડ્રાયફ્રૂટ્સ કે વરિયાળી રાખવી અને ધ્યાનને બીજાં કાર્યોમાં ડાઇવર્ટ કરવાની કોશિશ કરવી.
સ્મોકિંગ પર વધુ નિર્ભર રહેતા હોય એવા લોકોએ નિકોટીન રિપ્લેસમેન્ટ થેરપી લેવી જોઈએ.


