ચોમાસામાં પાચનશક્તિ મંદ પડતી હોય છે ત્યારે આ શાક ખાવાથી ભૂખ ઊઘડે છે, પેટ સાફ આવે છે અને રક્તવાહિની કે લિવરમાં ભરાતી ચરબીનું પ્રમાણ ઘટે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે ડાયટિંગ કરતા હો તો-તો આ શાકનો અચૂક ડાયટમાં ઉમેરો કરજો જ કરજો
પ્રતીકાત્મક તસવીર
ફળ અને શાકભાજી તો કાયમ સીઝનલ જ ખાવાં જોઈએ. અત્યારે ચોમાસું જોરદાર બેસી ગયું છે. ચોમાસામાં પરવળ અને કંટોલાં જેવાં શાક શાકમાર્કેટમાં દેખાવા લાગે છે. વડીલો પાસે સાંભળ્યું છે કે પરવળ ખાવાં ખૂબ જ ગુણકારી છે. ખાસ તો કબજિયાત સંબંધિત સમસ્યાઓમાં પરવળ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ચોમાસું શાકભાજીમાં અનેક ગુણ છે અને એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અમે આ બાબતે ન્યુટ્રિશનિસ્ટ પ્રિયા છેડા સાથે વાત કરી. પ્રીતિબહેન કહે છે, ‘આટલું ગુણકારી શાક છે, પરંતુ આજકાલ જોવા જાઓ તો બહુ ઓછાં ઘરમાં બને છે. હમણાંનાં બાળકો ગ્રીન સીઝનલ શાકથી દૂર જ ભાગે છે. એક ભીંડા, બીજું બટાટા અને ત્રીજું પનીર ભુરજી જેવાં શાક ટ્રેન્ડિંગ છે. આજની જનરેશનને આવાં બધાં ટ્રેડિશનલ શાક ભાવતાં જ નથી. ક્યાંથી ભાવે? ઘરમાં બને અને મમ્મીઓ ખાતાં શીખવે તો ભાવેને! પરવળ એક ઇમ્યુનિટી બૂસ્ટર શાક છે. એમાં ફાઇબર વધુ હોય છે. હમણાં મોસ્ટ્લી સ્કૂલોમાં શાક-રોટલી લઈ જવાનું ફરજિયાત બની ગયું છે. માત્ર શનિવારે સૂકો નાસ્તો લઈ જવાની પરમિશન હોય, બાકી અઠવાડિયું શાક-રોટલી લઈ જવાનાં. પણ એમાંય બાળકોના ટિફિનમાં એ જ બે કે ત્રણ બટાટા કે પનીર જેવાં શાક દેખાતાં હોય છે. આજકાલ ટીંડલી, પરવળ, કંટોલાં જેવાં શાક જોઈને છોકરાઓ તો ઠીક મમ્મીઓ પણ નાક ચડાવતી દેખાય છે, જે બિલકુલ યોગ્ય નથી.’
વેઇટલૉસમાં પણ ઉપયોગી
ADVERTISEMENT
આજકાલ લોકો સ્થૂળતાથી ઘણા હેરાન છે. જો તમે વેઇટલૉસ પ્રોગ્રામને અનુસરતા હો તો પરવળ એમાં પણ ફાયદાકારક છે એવું જણાવતાં પ્રિયાબહેન આગળ કહે છે, ‘વેઇટલૉસમાં તો હેલ્પ કરે છે પણ સાથે ડાયાબિટીઝના દરદીઓને પણ પરવળ ખાવાથી ઘણો ફાયદો થાય છે, કારણ કે પરવળ લોહીમાં શુગર-લેવલને કન્ટ્રોલ કરે છે. લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે. ફાઇબર હોવાને કારણે પેટની સમસ્યાઓમાં ઘણાં સારાં રિઝલ્ટ આપે છે. પચવામાં ખૂબ સરળ એવા આ શાકમાં વિટામિન A, B1, B2 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કૅલ્શિયમ, પોટૅશિયમ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, કૉપર અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વોથી સમૃદ્ધ છે. ચોમાસામાં ઘણા લોકોને વારંવાર શરદી થઈ જતી હોય છે. એટલા માટે જ કદાચ પહેલેથી જ આપણે ત્યાં ચોમાસામાં પરવળનું શાક ખાવાનું હિતાવહ ગણવામાં આવે છે.’
પરવળના ઔષધીય ગુણો
પરવળને અંગ્રેજીમાં પૉઇન્ટેડ ગોર્ડ કહેવાય છે જેના ગુણને કારણે એ કિંગ ઑફ ગોર્ડ મનાય છે. આ શાકમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ અને અન્ય ઘણાં સૂક્ષ્મ પોષક તત્ત્વો રહેલાં છે. આની શ્રેષ્ઠ ગુણવત્તા એ છે કે એમાં કૅલરી ખૂબ ઓછી છે. એટલે કે સો ગ્રામદીઠ માત્ર પચીસેક કૅલરી મળે અને એના કારણે કૉલેસ્ટરોલના દરદીઓને પણ રાહત થઈ શકે એમ છે. આ એવું શાક છે જે મોટા ભાગના લોકોને નથી ભાવતું અને એટલે જ મોટા ભાગના લોકો એના ગુણો વિશે પણ નથી જાણતા. પરવળની મીઠાઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પ્રિયાબહેન કહે છે, ‘જેવી રીતે કારેલાં થોડુંક અણગમતું શાક છે એવી જ રીતે પરવળ પણ અણગમતું છે. સાદાં કારેલાં ન ખાતાં બાળકો કાજુ-કારેલાંનું શાક બનાવીએ તો ખાશે. સ્ટફ્ડ કારેલાં બનાવીએ તો ખાશે. પરવળમાં પણ એવી રેસિપી બનાવવી જોઈએ. જેમ કે આપણે દાળ-દૂધીનું શાક બનાવીએ એ રીતે પરવળ અને ચણાની દાળનું શાક બનાવી શકાય. ચણા દાળ ઉમેરાશે એટલે પ્રોટીન પણ આવી જશે. પરવળના ભાજા બનાવો. સ્ટફ્ડ પરવળ બનાવો. આવું કશુંક ફૅન્સી હશે તો ખવાશે. હાલ ઝુકિની, રેડ-યલો બેલ પેપર્સ, રેડ કૅબેજ અને એવાં બહારથી આવેલાં શાકનો ઉપયોગ વધુ થાય છે. એ બધાં બહારથી આવતાં શાક આપણા સુધી ન જાણે કેટલાય દિવસો પછી પહોંચતાં હશે! ખરાબ ભલે ન થયાં હોય પણ પોષક તત્ત્વો કેટલાં બચતાં હશે એ પ્રશ્ન તો છે જ સાથે વધુ સમય સુધી બગડે નહીં એ માટે કેટલી દવાઓ છંટાતી હશે એ પણ વિચારવું રહ્યું. એમ છતાં એ પણ ભલે ખાઓ, પરંતુ રોજબરોજના જીવનમાં આપણી આજુબાજુ થતાં અને મળતાં સીઝનલ શાક તો ખાવાં જ જોઈએ.’
પરવળના વેલા થાય છે. અગાઉ ગામડાંમાં નાનો-મોટો ઘા લાગે તો લોકો પરવળનાં પાનનો લેપ બનાવીને લગાડતા અને બેત્રણ લેપમાં તો ઘા સુકાવા લાગતો. આમ આ શાક ગુણોનો ભંડાર છે અને એથી જ એને ચોમાસુ શાકનો રાજા કહીએ તોય જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
આયુર્વેદમાં બહુ ઓછી શાકભાજીને સદાપથ્ય ગણવામાં આવી છે. પરવળ એમાંનું એક છે. સદાપથ્ય એટલે એવું શાક જે બારેમાસ અને ત્રણેય પ્રકારના દોષોની તકલીફોમાં પચી શકે એવું હોય. એમ છતાં રોજિંદા જીવનમાં પરવળને સાવ જ નજરઅંદાજ કરવામાં આવ્યાં છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘પરવળ પચવામાં હલકાં હોવાથી જલદી પચી જાય છે. સાથે જ ઉષ્ણ ગુણ હોવાથી કફનું શમન કરે છે અને આહારને પચવામાં સહાયક બને છે. ખોરાક બરાબર પચતો હોવાથી પરવળ ભૂખ ઉઘાડનારાં કહેવાય છે. ચોમાસામાં એટલે જ પરવળ ખૂબ જ ગુણકારી શાક કહેવાય. મંદાગ્નિ હોય તો પણ પરવળનું શાક ખાઈ શકાય. પરવળમાં સ્નિગ્ધ, મધુર ગુણનું પણ સંતુલન છે. એને કારણે વાતદોષ વધ્યો હોય તો શમન કરે છે અને પિત્તદોષ વધ્યો હોય તો મધુર ગુણને કારણે શમન થાય છે.’
કેવાં પરવળ સારાં?
પરવળને કાપીએ તો અંદરથી ગર નીકળે છે. ક્યારેક એમાં બીજ પણ હોય છે જે કડક થઈ ગયેલાં હોય છે. આ બીજ પાકાં અને કડક ન હોય એ જોવું. ઓછાં બી અને વધુ ગરવાળાં પરવળ સૌથી ઉત્તમ કહેવાય એમ જણાવતાં ડૉ. રવિ કહે છે, ‘એમાં થોડીક માત્રામાં બીજ હોય એ જરૂરી એટલા માટે છે કે બીજ પાચકરસો સાથે ભળીને થોડાક ચીકણાં થાય છે જે મળ બાંધીને એનું સારણ કરવામાં મદદ કરે છે. જોકે પીળો ગર અને પાકાં બીજ હોય તો એ પિત્ત વધારે છે. કુમળાં પરવળનું શાક ખાવાથી પાચકાગ્નિની તકલીફ દૂર થાય છે અને કબજિયાત મટે છે. લિવરની તકલીફ થઈ હોય ત્યારે પાચન સાવ જ ઠેબે ચડી ગયું હોય છે. એવા સંજોગોમાં પણ બાફેલાં પરવળનું શાક કે સૂપ સુપાચ્ય કહેવાય.’
આજકાલ ફૅટી લિવરની તકલીફ બહુ જોવા મળે છે. એમાં પણ પરવળ કારગર છે. કફનાશક ગુણને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થવાનું અટકાવે છે અને ઈવન રક્તવાહિનીઓમાં ખરાબ કૉલેસ્ટરોલ ભરાતું હોય તો એ પણ પ્રિવેન્ટ કરે છે એમ જણાવતાં ડૉ. રવિ કહે છે, ‘જો તમે કડક ડાયટિંગ કરવાના મૂડમાં હો ત્યારે પણ પરવળનું શાક જરૂર ખાવું. હા, એ બનાવતી વખતે એમાં તેલ અને મસાલા ઓછાં હોય એ શરત તો ખરી જ. જાતીય નબળાઈ ધરાવતા પુરુષો માટે પણ એ ફાયદાકારક છે. જે ચીજ પિત્ત અને કફનું શમન કરે એ લોહીના બગાડની બીમારીઓમાં પણ અકસીર રહે. પિત્ત અને કફના અસંતુલનને કારણે થતા રક્તવિકારોમાં ગરમ મસાલા વિનાનું પરવળનું શાક ખોરાક નહીં, ઔષધ જેવું છે. એનાથી રક્તશુદ્ધિ ઝડપી બને છે અને રક્તશુદ્ધિ માટે આપેલાં અન્ય ઔષધોની કામગીરી પણ સહેલી થાય છે.’

