સમગ્ર દુનિયાના આંકડાઓ તપાસીએ તો સ્પેનમાં દુનિયામાં સૌથી વધુ ઑર્ગન ડોનેટ થાય છે જેમાં દસ લાખ લોકોમાં ૧૨૨.૧ વ્યક્તિ ઑર્ગન ડોનેટ કરે છે
પ્રતીકાત્મક તસવીર
સમગ્ર દુનિયાના આંકડાઓ તપાસીએ તો સ્પેનમાં દુનિયામાં સૌથી વધુ ઑર્ગન ડોનેટ થાય છે જેમાં દસ લાખ લોકોમાં ૧૨૨.૧ વ્યક્તિ ઑર્ગન ડોનેટ કરે છે જયારે ભારતમાં દસ લાખ લોકોમાં ૧ કરતા પણ ઓછી વ્યક્તિ ઑર્ગન ડોનેટ કરે છે. આંકડાઓ પરથી જાણી શકાય છે કે આપણે ત્યાં ઑર્ગન ડોનેશન કેટલું ઓછું થાય છે. જેટલી આપણે ત્યાં ઑર્ગન્સની જરૂર છે એ મુજબ લોકો ડોનેટ કરી શકતા હોત તો એ જરૂરિયાતને પહોંચી વળાત. આ બાબતે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે. કેટલા દરદીઓ ડોનરની રાહ જોતાં-જોતાં જ મૃત્યુ સુધી પહોંચતા હોય છે. આવા દરદીઓના ભલા માટે એકમાત્ર ઉપાય ઑર્ગન ડોનેશન જ છે. ભારતમાં દર વર્ષે ૫ લાખ લોકો કોઈ ને કોઈ અંગ ખરાબ થઈ જવાને કારણે મૃત્યુ પામે છે. જો આ લોકોને અંગદાન પ્રાપ્ત થાય અને ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને તો તેમને નવજીવન પ્રદાન થઈ શકે છે. લિવર, કિડની, ફેફસાં, હાર્ટ, કૉર્નિયા, સ્કિન, બોન મૅરો, સ્વાદુપિંડ, નાનું આંતરડું વગેરે અંગોને દાનમાં આપી શકાય છે.
જે વ્યક્તિની ઇચ્છા હોય કે તેણે મૃત્યુ પછી ઑર્ગન ડોનેટ કરવા છે એ વ્યક્તિ કોઈ પણ મોટી હૉસ્પિટલમાં જઈને ડોનર કાર્ડ બનાવી શકે છે. મુંબઈમાં લગભગ ૩૩ જેટલી હૉસ્પિટલ છે જ્યાં ડોનર કાર્ડ બને છે. ઑનલાઇન પણ આ રજિસ્ટ્રેશન ફૉર્મ ભરી શકાય છે અને કાર્ડ ઘરે આવી જાય છે. હૉસ્પિટલ કે ઑનલાઇન ફૉર્મમાં ભરેલી વિગતો હંમેશાં ગુપ્ત રહે છે. હૉસ્પિટલમાં ડોનર કાર્ડ તાત્કાલિક હાથમાં મળે છે જ્યારે ઑનલાઇન રજિસ્ટ્રેશનમાં કાર્ડ ઘરે આવી જાય છે. આ કાર્ડ એક નાનકડું વસિયત સમજો જેમાં દરદી મૃત્યુ પછી પોતાનાં કયાં અંગો દાનમાં આપી શકે છે એનું લિસ્ટ હોય છે. તમારી ઇચ્છા મુજબ કયા અંગનું દાન કરવું છે એની સામે ટિક કરીને નીચે પોતાની અને પરિવારની સહી કરાવવાની હોય છે. આ કાર્ડ જરૂરી કાગળિયાં સાથે દરરોજ ગમે ત્યાં જાઓ ત્યાં સાથે રાખવું જોઈએ. ઍક્સિડન્ટ કે કોઈ બીજી રીતે આપણે હૉસ્પિટલ પહોંચી ગયા અને આપણું મૃત્યુ થયું તો એ કાર્ડ થકી હૉસ્પિટલના લોકોને ખ્યાલ આવી શકે છે કે આપણે ઑર્ગન ડોનેટ કરવા ઇચ્છીએ છીએ અને વિના વિલંબે એ લોકો આગળની કાર્યવાહી શરૂ કરી શકે છે. ડોનર કાર્ડ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. વળી એવો ડર રાખવાની જરૂર નથી કે તમને કોઈ બીમારી થાય તો તમે ડોનેટ કરી શકો કે નહીં. એમનેમ પણ જો તમારાં અંગો હેલ્ધી હશે તો જ કોઈ બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે. ડોનર કાર્ડ તમારી ઑર્ગન ડોનેશનની ઇચ્છા દર્શાવે છે નહીં કે તમારાં ઑર્ગન્સની ટ્રાન્સપ્લાન્ટ થવાની લાયકાત.


