Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બ્રેકફાસ્ટમાં ઓટ્સનું પીણું કેટલું ચમત્કારી?

બ્રેકફાસ્ટમાં ઓટ્સનું પીણું કેટલું ચમત્કારી?

11 July, 2024 06:16 AM IST | Mumbai
Krupa Jani | feedbackgmd@mid-day.com

વેઇટલૉસ ઇન્ડસ્ટ્રીમાં નવો ટ્રેન્ડ આવ્યો છે Oatzempic (ઓટ્ઝેમ્પિક)નો. ઓટ્સને પલાળીને એનો જૂસ બનાવવાનો અને લીંબુ નાખીને પીવાનો એટલે તમારો બ્રેકફાસ્ટ ડન. મેટાબોલિઝમ ઝડપી બને એ માટે એમાં તજ અને અન્ય સ્પાઇસિસ નાખવાનું પણ કેટલાક લોકો કહે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરળ શબ્દોમાં ઓટ્ઝેમ્પિક એટલે પલાળેલા ઓટ્સનો જૂસ. ૨૦૨૩માં હૉલીવુડમાં આ પીણું વેઇટલૉસ તરીકે પ્રખ્યાત બન્યું. જોકે એનો મુખ્ય હેતુ ટાઇપ-ટૂ ડાયાબિટીઝના દરદીઓને


બ્લડ-શુગર લેવલ મૅનેજ કરવામાં મદદરૂપ થવાનો હતો જેથી તેઓ પોતાની રોજિંદી દવાઓ, હેલ્ધી આહાર અને એક્સરસાઇઝ સાથે આ ડ્રિન્ક લઈને તેમનું આરોગ્ય ઇમ્પ્રૂવ કરી શકે. ઓટ્સમાં બેટા ગ્લુકન ફાઇબર રહેલું છે જે સૉલ્યુબલ ફાઇબર છે. એ ધીમે-ધીમે પચે છે. ધીમે-ધીમે પચવાથી લાંબો સમય સુધી એમાંથી થોડી-થોડી એનર્જી મળતી રહે છે એટલે વ્યક્તિની એપેટાઇટ પણ ઘટે છે અને લાંબા સમય સુધી વ્યક્તિને ભૂખ લાગતી નથી. સોશ્યલ મીડિયા પર આ ડ્રિન્ક ટ્રેન્ડમાં આવ્યું છે એનું કારણ એ છે કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે રોજ સવારે આ ડ્રિન્ક પીવાથી તમે બે મહિનામાં ૧૮ કિલો સુધી વજન ઘટાડી શકો છો. આ દાવો કેટલો સાચો છે એ જોતાં પહેલાં સમજીએ આ ડ્રિન્કમાં શું છે.અળવીતરું નામ


ઓટ્ઝેમ્પિક નામ ઓટ્સ અને ઓઝેમ્પિક આ બે શબ્દોમાંથી બનેલું છે. ઓટ્સ એટલે જવ જેવા જ ધાન્યના ફાડા અને ઓઝેમ્પિક ડાયાબિટીઝની એક દવાનું નામ છે જે વ્યક્તિની બ્લડ-શુગર અને એપેટાઇટને નિયંત્રિત કરીને વેઇટલૉસમાં મદદ કરે છે. આ ડ્રિન્કમાં વેઇટલૉસ માટેની કોઈ દવાનો ઉપયોગ થયો નથી, પણ આ દવાના નામનો ઉપયોગ કરીને જેણે પણ આ ડ્રિન્કને કૅચી નામ આપવાનું ગિમિક કર્યું છે એ આ ડ્રિન્કને ફળ્યું છે. આ નામને લીધે જ આ ડ્રિન્ક સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર બન્યું છે એ વાતમાં કોઈ બેમત નથી.

કેવી રીતે કામ કરે છે?


ઓટ્ઝેમ્પિકની રેસિપીમાં ઓટ્સ, લાઇમ જૂસ અને પાણી મિક્સ કરવાનાં હોય છે જેની કોઈ સાઇડ-ઇફેક્ટ્સ નથી એમ જણાવતાં કાંદિવલીનાં જાણીતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ હેમાલી માલવિયા સમજાવે છે, ‘ઓટ્સમાં પુષ્કળ માત્રામાં ફાઇબર રહેલું છે, જે સારી ગુણવત્તાનું પણ છે. એને કારણે ઓટ્સ ખાધા પછી તૃપ્તિ અનુભવાય છે. વળી એમાં રહેલું સૉલ્યુબલ ફાઇબર પાચન માટે પણ મદદરૂપ છે. તેથી વ્યક્તિને જલદીથી ભૂખ લાગતી નથી. અન્ય અનાજની તુલનામાં વધુ પ્રોટીન હોય છે. એ ગ્લાયસીમિક ઇન્ડેક્સમાં લો છે અને વિટામિન્સ અને મિનરલ્સમાં સમૃદ્ધ છે. લીંબુમાં વિટામિન C વધારે હોવાથી એ પાચનને પ્રોત્સાહિત કરે છે અને શરીરમાં સંઘરાયેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને ડીટૉક્સિફાય કરવામાં મદદરૂપ બને છે. તેમ જ વ્યક્તિને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે.’

ફાઇબરથી સમૃદ્ધ

ઓટ્ઝેમ્પિક ફાઇબર-રિચ છે અને કોઈ પણ ફાઇબર-રિચ ફૂડ હેલ્થ અને વજન પર ખૂબ જ સારી અસર કરે છે એમ સમજાવતાં બોરીવલીનાં વેલનેસ કોચ જિજ્ઞાસા શાહ કહે છે, ‘ઓટ્ઝેમ્પિકમાં રહેલું ઓટ્સનું ફાઇબર તૃપ્તિકારક અને ધીમે-ધીમે પચતું હોવાથી બ્લડ-શુગર લેવલને નિયમિત કરવાનું અને લાંબો સમય એનર્જેટિક રાખવાનું કામ કરે છે. એને કારણે વણજોઈતી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો આ પીણાને તમારા સવારના રૂટીનમાં ઉમેરવામાં આવે તો વજન ઘટાડવા માટે જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડીને એ તમારી વેઇટલૉસ જર્નીને થોડી મદદ જરૂર કરશે.’

કેટલું વજન ઘટાડે?

કોઈ પણ પીણું વાઇરલ થાય એટલે એમાં લોકો બીજા પણ મનગમતા ઘટકો નાખીને પ્રયોગો કરી જ લે. એ વિશે હેમાલી માલવિયા કહે છે, ‘ઓટ્ઝેમ્પિકમાં ઓટમીલ મિલ્ક ઉપરાંત ઘણા લોકો લીંબુનો રસ, તજનો પાઉડર, પીનટ બટર, કોળાનાં કે સૂર્યમુખીનાં બીજ, બદામ કે કેળું નાખીને પોતપોતાની રીતે જૂસ બનાવીને બ્રેકફાસ્ટના વિકલ્પ તરીકે લે છે. એમાં ધ્યાન એ રાખવું કે ઓટ્સ પ્રોસેસ્ડ ન હોય તો એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે, કારણ કે એમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પ્રોસેસ્ડ ન હોય એવા સ્ટિલ-કટ ઓટ્સને તમે રાંધ્યા વિના પચાવી શકો જ નહીં. ઓટમીલ કે જે પ્રોસેસ્ડ ઓટ્સ છે એ એની પ્રોસેસ દરમ્યાન જ ફાઇબર અને અન્ય મહત્ત્વના ગુણો ગુમાવી બેસે છે. તેથી ઓટમીલમાંથી બનેલું ડ્રિન્ક હેલ્ધી છે એમ કહેવું યોગ્ય નથી. અફકોર્સ, આ ડ્રિન્કથી વેઇટલૉસ થશે અને તમારું પેટ ભરેલું લાગવાને કારણે તમારી ભૂખ ઘટશે, પણ એને બૅલૅન્સ્ડ મીલ કહી શકાય નહીં. ઉપરાંત એમાં ખૂબ જ માત્રામાં કાર્બ્સ હોય છે, જે તમને લાંબા ગાળે ઘટાડેલું વજન જાળવવામાં કે ટકાવવામાં મદદરૂપ થઈ શકે નહીં. ઓટ્ઝેમ્પિકમાં લગભગ ૧૪૦ કૅલરી છે, જે મોટા ભાગના લોકો એક નાસ્તામાં લે છે. તેથી આને એક ભોજન તરીકે પીવાથી કૅલરી ડેફિસિટ થવાથી વજન ઘટશે પણ કૅલરી ડેફિસિટ વધુ ભૂખ લાગવાનું અને એ કારણે વધુ ખોરાક લેવાનું કારણ પણ બની શકે છે, જે વજન ઘટાડવાના પ્રયાસોને લાંબા ગાળે ફેલ કરી શકે છે.’ 

આ બ્રેકફાસ્ટ પીણું છે, ભોજનનો વિકલ્પ નહીં 

ઓટ્સ સ્વાસ્થ્યપ્રદ છે અને લાઇમ જૂસની પોતાની આગવી ફ્લેવર છે પરંતુ ઓટ્ઝેમ્પિક ઓઝેમ્પિક દવાની જેમ વજન ઓછું કરી શકે છે એ માટે પુરાવા નથી એમ જણાવતાં જિજ્ઞાસા ઉમેરે છે, ‘ઓટ્ઝેમ્પિકનો કન્સેપ્ટ લોકોને આકર્ષે છે, કારણ કે એ ઓછા પ્રયત્નો સાથે વજન ઘટાડવાનો સરળ રસ્તો લાગે છે. આજકાલ માર્કેટમાં આવા ઘણા ટ્રેન્ડ આવતા-જતા રહે છે. સોશ્યલ મીડિયા આવા અનેક ટ્રેન્ડ્સને પૉપ્યુલર બનાવી દે છે, પણ આ બધાનું આંધળું અનુકરણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. ઓટ્ઝેમ્પિક પીણાને ભોજનના વિકલ્પ તરીકે અપનાવીને તમે કુલ કૅલરી ઓછી લેવાથી વજન ઘટાડશો, પરંતુ જો તમે એનો નિયમિત બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરશો અને દિવસમાં કેટલું ખાઓ છો એના પર ધ્યાન નહીં આપો તો આ પીણું તમને કોઈ જાદુઈ રિઝલ્ટ નહીં આપે.’

ચમત્કારી નહીં, પણ અસરકારક ખરું

ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે અમે ઓટ્સનાં ગુણગાન ગાતાં થાકતાં નથી એટલે હેમાલી અંતમાં ઉમેરે છે, ‘જો તમે ઓટ્ઝેમ્પિક ડ્રિન્ક અજમાવવા માગતા હો તો એમાં કોઈ નુકસાન નથી, આખરે એ ફક્ત ઓટ્સ જ છે. એ ચોક્કસપણે કોઈને નુકસાન કરશે નહીં, પણ એનો ઉપયોગ વજન ઘટાડવાના પીણા તરીકે કરવો યોગ્ય નથી.’

ટૂંકમાં ઓટ્ઝેમ્પિકનો તમારા આહારમાં ઉમેરો કરવાથી કોઈ નુકસાન નથી. ઓટ્ઝેમ્પિકને બદામ, સૂર્યમુખીનાં બીજ અથવા ગ્રીક યોગર્ટ જેવા પ્રોટીનથી ભરપૂર ટૉપિંગ્સ સાથે લેવાથી એનું પોષક મૂલ્ય વધે છે, જેથી તમે વધુ સમય સુધી તૃપ્તિ અનુભવશો અને જન્ક ફૂડનું ક્રેવિંગ નહીં થાય. પ્રોટીનના સ્રોતો સાથે ઓટ્ઝેમ્પિક ડ્રિન્ક લેવાથી એ તમારી ડાયટમાં મૂલ્યવાન ઉમેરો કરશે, પરંતુ એ તમામ પોષણની જરૂરિયાતોને પૂરી પાડે એવી બૅલૅન્સ્ડ ડાયટનો ભાગ હોવું અનિવાર્ય છે.

ઝટપટ વેઇટલૉસ જેવો કોઈ કન્સેપ્ટ નથી  

વજન ઉતારવા માટે હોલિસ્ટિક અપ્રોચ સાથે કામ કરવામાં આવે તો જ એ કાયમી અને લાંબા ગાળાનો ફાયદો આપે છે. ડાયટ સાથે લાઇફસ્ટાઇલ ચેન્જ પણ અનિવાર્ય છે એમ સમજાવતાં હેમાલી માલવિયા કહે છે, ‘તમારી સ્લીપિંગ પૅટર્ન પણ વજન ઘટાડવાની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારામાં કોઈ વિટામિન્સની ખામી છે કે? તમારું જીવન કેટલું ઍક્ટિવ છે? આ બધાં પરિબળો સમજવાં વેઇટલૉસ માટે જરૂરી છે. આ બધી બાબતોનો સુમેળ બેસે ત્યારે વ્યક્તિનું મેટાબોલિઝ્મ વધે અને તો જ કાયમી વેઇટલૉસ શક્ય છે.’

જો વ્યક્તિને સાચે વેઇટલૉસ કરવું હોય તો તેમણે સારી જીવનશૈલી અપનાવવા પર ફોકસ કરવું જોઈએ એ સમજાવતાં જિજ્ઞાસા શાહ કહે છે, ‘ડાયટમાં યોગ્ય પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોવાં અનિવાર્ય છે અને વેઇટલૉસ માટે વ્યાયામનો કોઈ વિકલ્પ જ નથી. ઝડપથી વેઇટલૉસ જેવો કોઈ કન્સેપ્ટ છે જ નહીં. વજન ઘટાડવા માટે નિયમિતતા અને ધીરજ અનિવાર્ય છે.’

હેલ્થ ટ્રેન્ડ ફૉલો કરતાં પહેલાં આટલું યાદ રાખો

- દરેકની ન્યુટ્રિશનની જરૂરિયાત જુદી છે. 
- આરોગ્ય અને વજન બે અલગ બાબતો છે.  
- ડાયટ જીવનશૈલી છે.  
- તમારા આહારમાં બધાં જ ન્યુટ્રિશનનો સમાવેશ અનિવાર્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 06:16 AM IST | Mumbai | Krupa Jani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK