ઍનિમલ ટ્રાયલ પર મળેલી સફળતા બાદ આ સંશોધન હવે હ્યુમન ટ્રાયલ પર પહોંચી ગયું છે જેમાં સ્નાયુઓના કોષોને ઇન્સ્યુલિન બનાવવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
યસ, દુનિયાના કેટલાક સંશોધકો એક એવા ક્રાન્તિકારી ઇન્જેક્શન પર રિસર્ચ કરી રહ્યા છે જે ટાઇપ-વન ડાયાબિટીઝના દરદીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે. ઍનિમલ ટ્રાયલ પર મળેલી સફળતા બાદ આ સંશોધન હવે હ્યુમન ટ્રાયલ પર પહોંચી ગયું છે જેમાં સ્નાયુઓના કોષોને ઇન્સ્યુલિન બનાવવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે
પૅન્ક્રિયાસ નિષ્ક્રિય હોય અને શુગર-મૅનેજમેન્ટ માટે જેમણે નિયમિત ઇન્જેક્શન લઈને પણ ઇન્સ્યુલિનની જરૂરિયાત પૂરી કરવી પડતી હોય છે એવા ટાઇપ-વન ડાયાબિટીઝના દરદીઓ માટે એક આશાસ્પદ કહી શકાય એવું સંશોધન સામે આવ્યું છે. અમેરિકા, ચીન, બ્રિટન સહિતના કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકો આ વર્ષે એક એવા ઇન્જેક્શનની ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યા છે જે સફળ થાય તો દરદીઓને જીવનભર દરરોજ લેવા પડતા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનમાંથી કાયમી મુક્તિ મળી શકે છે. પ્રાણીઓ પર કરેલી ટ્રાયલમાં સફળતા મળી છે અને હવે માનવો પર એ ઇન્જેક્શનની ટ્રાયલ શરૂ થશે.
ADVERTISEMENT
KRIYA-839 નામની આ સારવાર કોઈ પરંપરાગત દવા નથી પરંતુ એક જીન-થેરપી છે. આ થેરપી દ્વારા દરદીના સ્નાયુઓને ઇન્સ્યુલિન બનાવતી ફૅક્ટરીમાં ફેરવવામાં આવશે. એક વાર સાથળમાં ઇન્જેક્શન આપ્યા પછી સ્નાયુના કોષો લાંબા સમય સુધી ઇન્સ્યુલિન અને લોહીમાં શર્કરાને નિયંત્રિત કરતા પ્રોટીન બનાવવાનું શરૂ કરશે. આ સારવારમાં વ્યક્તિના DNAમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ સ્નાયુના કોષોને ઇન્સ્યુલિન બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલાં પ્રારંભિક પરીક્ષણોમાં આ થેરપી ૪ વર્ષ સુધી અસરકારક સાબિત થઈ છે. હવે પ્રથમ વખત માનવીઓ પર એનું પરીક્ષણ કરવામાં આવશે. એમાં એવા પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમને ડાયાબિટીઝ નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડી રહી છે. એક કલાક સુધી ચાલતી આ પ્રક્રિયામાં બન્ને સાથળમાં ઇન્જેક્શન આપવામાં આવે છે જેની સંપૂર્ણ અસર જોવા માટે બેથી ૩ મહિનાનો સમય લાગી શકે છે.
નિષ્ણાતોના મતે જો આ થેરપી ૧૦૦ ટકાને બદલે ૭૫ ટકા જરૂરિયાત પણ પૂરી કરે તો એ દરદીઓ માટે મોટું પરિવર્તન સાબિત થશે. અલબત્ત, વૈજ્ઞાનિકો એ પણ માને છે કે આને અત્યારે સંપૂર્ણ ક્યૉર કહેવાને બદલે ફંક્શનલ ક્યૉર તરીકે વધુ જોઈ શકાય, કારણ કે હજી એ જાણવાનું બાકી છે કે આ થેરપી કેટલા સમય સુધી અસરકારક રહેશે અને એ કેટલી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકશે.
