Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ખાવામાં કઈ-કઈ ચીજો ઉમેરીને હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય?

ખાવામાં કઈ-કઈ ચીજો ઉમેરીને હાઈ બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય?

Published : 23 April, 2025 09:47 AM | Modified : 24 April, 2025 06:57 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

નવા રિસર્ચનું કહેવું છે કે આપણે શરીરમાં સોડિયમની સરખામણીમાં પોટૅશિયમનું લેવલ વધારવા પર ધ્યાન આપીએ તો બ્લડ-પ્રેશરને વધુ અસરકારક રીતે રેગ્યુલેટ કરી શકીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાઈપરટેન્શનના દરદીઓને સામાન્ય રીતે મીઠું એટલે કે સોડિયમનું સેવન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. એવામાં એક નવા રિસર્ચનું કહેવું છે કે આપણે શરીરમાં સોડિયમની સરખામણીમાં પોટૅશિયમનું લેવલ વધારવા પર ધ્યાન આપીએ તો બ્લડ-પ્રેશરને વધુ અસરકારક રીતે રેગ્યુલેટ કરી શકીએ. એવામાં નિષ્ણાત પાસેથી જાણી લઈએ કે એવાં કયાં ફૂડ છે જે પોટૅશિયમથી ભરપૂર છે અને એ ખાવાથી ફાયદો મળી શકે છે


તાજેતરમાં જ કૅનેડાની એક યુનિવર્સિટીએ એના રિસર્ચમાં એવું તારણ કાઢ્યું છે કે હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યામાં ફક્ત સોડિયમ ઇનટેકને ઓછું કરવા પર ધ્યાન આપવા કરતાં ડાયટમાં સોડિયમ કરતાં પોટૅશિયમનો રેશિયો વધારે રાખીએ તો બ્લડ-પ્રેશરને વધુ સારી રીતે રેગ્યુલેટ કરવામાં મદદ મળે છે. એ માટે ડાયટમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આજકાલ હાઈ બ્લડ-પ્રેશર ઘર-ઘરની બીમારી બની ગઈ છે. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈનેય બ્લડ-પ્રેશર સંબંધિત કોઈ સમસ્યા ન હોય. સ્વસ્થ આહાર બ્લડ-પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે અને હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. તમે તમારા આહારમાં ચોક્કસ પ્રકારના ફૂડનો સમાવેશ કરો તો એનાથી હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યામાં ફાયદો થઈ શકે છે જે આપણે ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી પાસેથી જાણી લઈએ. એ સાથે જ આપણા માટે એ પણ જાણવું જરૂરી છે કે બ્લડ-પ્રેશર એટલે શું? હાઈ બ્લડ-પ્રેશર કઈ રીતે બીજી સમસ્યા ઊભી કરી શકે? એ કયાં કારણોથી થાય છે? ડાયટની સાથે બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખીને એને નિયંત્રણમાં લાવી શકાય?



બ્લડ-પ્રેશર એટલે શું?


બ્લડ-પ્રેશર એટલે ધમનીઓની અંદર રક્તનો દબાવ, જે હૃદય દ્વારા પૂરા શરીરમાં રક્ત પમ્પ કરવાને કારણે થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો શરીરના દરેક અંગને લોહી પહોંચાડવા માટે લોહીને ચોક્કસ પ્રેશરથી હૃદય ધક્કો મારે છે. રક્તવાહિનીઓ મારફત શરીરના દરેક અંગ સુધી લોહી પહોંચાડવા માટેના ચોક્કસ પ્રેશરને બ્લડ-પ્રેશર કહેવામાં આવે છે. સામાન્ય રીતે બ્લડ-પ્રેશર ૧૨૦/૮૦ mmHg અથવા તો એનાથી નીચું હોય તો સામાન્ય માનવામાં આવે છે. જો તમારું બ્લડ-પ્રેશર ૯૦/૬૦ mmHg જેટલું અથવા તો એનાથી ઓછું રહેતું હોય તો એને લો બ્લડ-પ્રેશર અથવા તો હાઇપોટેન્શન માનવામાં આવે છે. એવી જ રીતે તમારું બ્લડ-પ્રેશર ૧૪૦/૯૦ mmHg જેટલું અથવા તો એનાથી વધુ રહેતું હોય તો એને હાઈ બ્લડ-પ્રેશર અથવા તો હાઇપરટેન્શન માનવામાં આવે છે.

શું નુકસાન થઈ શકે?


જેમનું બ્લડ-પ્રેશર હાઈ રહેતું હોય તેમને હાર્ટ-અટૅકનું જોખમ વધી જતું હોય છે. સતત હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય તો હૃદયને લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે વધારે પમ્પિંગ કરવું પડે. એને કારણે રક્તવાહિનીઓને નુકસાન થાય અને હૃદય પણ થાકી જાય. પરિણામે ગમે ત્યારે હાર્ટ-અટૅક આવી શકે. જે લોકોનું બ્લડ-પ્રેશર સતત હાઈ રહેતું હોય તેમને સ્ટ્રોક આવવાનું જોખમ પણ વધી જાય છે. હાઈ બ્લડ-પ્રેશરથી રક્તવાહિનીઓ કમજોર પડી જાય છે અને ફાટી શકે છે. એને કારણે મગજમાં રક્તસ્રાવ થઈ જાય છે, જેને બ્લીડિંગ સ્ટ્રોક અથવા બ્રેઇન હૅમરેજ કહેવાય છે.

પોટૅશિયમ-રિચ ફૂડ ખાઓ

જો તમારું બ્લડ-પ્રેશર હાઈ રહેતું હોય તો તમારે આહારમાં પોટૅશિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. સોડિયમના પ્રભાવને ઓછો કરીને પોટૅશિયમ બ્લડ-પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. સામાન્ય રીતે સોડિયમ બ્લડ-પ્રેશર વધારવાનું અને પોટૅશિયમ બ્લડ-પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. પોટૅશિયમ બ્લડ-વેસલ્સ રિલૅક્સ કરવામાં મદદરૂપ બને છે. પરિણામે રક્તવાહિકાઓ ફેલાય છે અને બ્લડ-પ્રેશર ઓછું થાય છે. આમ તો મોટા ભાગનાં ફળો અને શાકભાજીમાં ઓછાવધતા પ્રમાણમાં પોટૅશિયમ હોય છે, પણ આપણે જેમાં પોટૅશિયમનું પ્રમાણ વધુ હોય એવાં શાકભાજી-ફળોનો ડાયટમાં સમાવેશ કરીએ તો હાઇપરટેન્શનની સમસ્યામાંથી રાહત મળી શકે. પોટૅશિયમથી ભરપૂર ફળો-શાકભાજીમાં કેળાં, અવાકાડો, સંતરાં, સ્ટ્રૉબેરી, શક્કરિયાં, બ્રૉકલી, પાલક, કોળું વગેરેનો સમાવેશ થાય છે.

ડાયટમાં આનો પણ સમાવેશ કરો

મૅગ્નેશિયમથી ભરપૂર ફૂડ ખાવાથી પણ બ્લડ-પ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે. સામાન્ય રીતે બદામ, કાજુ, સૂર્યમુખીનાં બીજ, કોળાનાં બીજમાં મૅગ્નેશિયમનું પ્રમાણ સારું હોય છે. બ્લડ-પ્રેશરને ઓછું કરવામાં નાઇટ્રેટ ઑક્સાઇડની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બીટરૂટ, મૂળા, પાલક, લેટસ વગેરેમાં ડાયટરી નાઇટ્રેટ્સ હોય છે જેને આપણું શરીર નાઇટ્રેટ ઑક્સાઇડમાં રૂપાંતરિત કરે છે. સાઇટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટાં ફળો જેમ કે સંતરાંમાં ફ્લેવેનોઇડ્સ હોય છે જે બ્લડ-પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એવી જ રીતે પિસ્તા, અખરોટ, બદામ જેવાં નટ્સમાં રહેલી હેલ્ધી ફૅટ્સ પણ બ્લડ-પ્રેશરને ઘટાડવા માટે સારી હોય છે. ઓટ્સ, જવ જેવા અનાજમાં બીટા ગ્લુકન જે એક પ્રકારનું ફાઇબર છે એ હોય છે, જે બ્લડ-પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. એવી જ રીતે ખોરાકમાં દૂધી, તુરિયાં, તરબૂચ જેવાં હાઈ વૉટર કન્ટેન્ટ ધરાવતાં ફળો-શાકભાજી ખાવાં જોઈએ. વધારે પાણીની માત્રા ધરાવતાં આવાં ફળો બ્લડ-પ્રેશરને ઓછું કરવામાં મદદ કરી શકે છે, કારણ કે એ ડીહાઇડ્રેશનને રોકે છે જે બ્લડ-પ્રેશરને વધારી શકે છે.

ભારતમાં હાઈ બ્લડ-પ્રેશરની એટલે કે હાઇપરટેન્શનની સમસ્યા ખૂબ જ કૉમન છે. ઉપરથી હાઇપરટેન્શનનાં એવાં કોઈ ખાસ ​લક્ષણો હોતાં નથી. કેટલાક લોકોને વળી માથામાં દુખાવો કે બેચેની લાગે છે. જોકે આ રીઝન પણ એટલાં કૉમન છે કે એ હાઇપરટેન્શનને કારણે થાય છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એટલે હાઇપરટેન્શનને સાઇલન્ટ કિલર પણ કહેવાય છે. એને ડાયગ્નૉસ કરવા માટે રેગ્યુલર બેઝિસ પર ચેકઅપ કરાવતા રહેવું પડે. નહીંતર ઘણી વાર એવું થાય કે પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી હોય ત્યારે એની જાણ થાય. એટલે બ્લડ-પ્રેશર હાઈ રહેતું હોય તો દિવસમાં ત્રણ વાર એને સાત દિવસ સુધી મૉનિટર કરવું જરૂરી છે. દરમ્યાન જો તમે ડાયટ અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો અને બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં આવતું હોય તો એ સારી વાત છે. એમ છતાં જો કોઈ ફાયદો ન જણાય તો ડૉક્ટર પાસે જવું જરૂરી છે.

હાઈ બ્લડ-પ્રેશરનાં કારણો?

 ડાયટમાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન વધુ કરતા હોય અને પોટૅશિયમથી ભરપૂર ફૂડનું સેવન ઓછું કરતા હોય તેમને હાઈ બ્લડ-પ્રેશર થઈ શકે.

 વધુ પડતી તળેલી વાનગીઓ અને સૅચુરેટેડ ફૅટવાળી વસ્તુઓ ખાવી.

 ધૂમ્રપાન અને આલ્કોહૉલનું સેવન કરવાની આદત.

 તમે સતત સ્ટ્રેસમાં રહેતા હો તો પણ બ્લડ-પ્રેશર હાઈ રહે છે.

 જે લોકોનું જીવન બેઠાડુ હોય અને વધારે ફિઝિકલ ઍક્ટિવિટી ન થતી હોય એ લોકોને પણ બ્લડ-પ્રેશરનું જોખમ રહે છે.

 જેમનું શરીર ભારે હોય કે સ્થૂળ હોય તેમને પણ હાઇપરટેન્શનનું જોખમ રહે છે.

 કોઈની ફૅમિલી-હિસ્ટરી હોય એટલે કે ફૅમિલીમાં કોઈને હાઇપરટેન્શનનો પ્રૉબ્લેમ હોય તો તમને થઈ શકે છે.

નિયંત્રણમાં રાખવા શું કરવું?

 પોટૅશિયમથી ભરપૂર ફૂડનો આહારમાં સમાવેશ કરવો

 મીઠાનું સેવન ઘટાડવું

 સ્ટ્રેસ ઓછું કરવા માટે યોગ-ધ્યાન કરો

 હેલ્ધી વેઇટ મેઇન્ટેઇન કરો

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2025 06:57 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK