ચોમાસામાં જ્યારે મૉર્નિંગ વૉકમાં પણ બ્રેક લાગી હોય અને નબળી પાચનશક્તિ વચ્ચે પેટમાં કંઈ પણ નાખો એટલે હેવીનેસ અનુભવી રહ્યા હો તો શરીરના સ્વાસ્થ્યને વધારવાની સાથે પેટની ચરબી ઘટાડવામાં કામ લાગી શકે એવા યોગિક અભ્યાસો વિશે આજે જાણી લો
પ્રતીકાત્મક તસવીર
યોગની સૌથી મોટી બ્યુટી એ છે કે એ તમને દરેક રીતે આત્મનિર્ભર બનાવે છે. હવે જ્યારે વરસાદની મોસમ જામી છે અને ગમે ત્યારે ટપકી પડતાં ઝાપટાં રસ્તાને ખાબોચિયાંમાં પરિવર્તિત કરી રહ્યાં છે ત્યારે ઘરે બેસીને નાનકડી જગ્યામાં યોગનો નિયમિત અભ્યાસ તમારાં તન અને મન એમ બન્નેને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
અત્યારે બદલાયેલી મોસમમાં પેટની સમસ્યાઓની ભરમાર છે અને પેટની ચરબી તમારો પીછો છોડવાનું નામ નથી લઈ રહી ત્યારે એવા કયા અભ્યાસો છે જેને તમે આ દિવસોમાં ઘરે બેસીને કરી શકો એ વિશે નિષ્ણાત સાથે વાત કરીએ.
ADVERTISEMENT
શું કામ જરૂરી?
એવાં અઢળક સર્વેક્ષણો થયાં છે જેમાં બેલી ફૅટ એટલે કે પેટની આસપાસની ચરબી અઢળક પ્રકારના જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો આપી શકે એવી પુષ્ટિ કરતાં હોય. જેમ કે એક સર્વેક્ષણ કહે છે કે જેમને પેટની ફરતે ચરબીનું પ્રમાણ વધારે હોય તેમને હાર્ટ-અટૅક આવવાના ચાન્સ વધારે હોય છે. એ ઉપરાંત ડાયાબિટીઝ પણ પેટ પાસેની ચરબીની દેન બની શકે છે. હૃદયરોગ અને ડાયાબિટીઝ બીજી ઘણી બીમારીઓને વૉર્મ વેલકમ આપવા માટે પૂરતા હોય છે અને એટલે જ મોટું પેટ ધરાવતા શેઠ બનવામાં આજના જમાનામાં સાર નથી.
હવે મુદ્દો છે કે શું યોગથી પેટની ચરબી ઘટે? જવાબ આપે છે દસ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય હર્ષદ ભોસલે. હઠયોગ અને અષ્ટાંગ વિન્યાસ યોગમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતા આ ટીચર કહે છે, ‘યોગ તમને સર્વાંગી હેલ્થ આપે છે એ પહેલી વાત અને ભારતમાં યોગના વિવિધ પ્રકાર ઇન્ટ્રોડ્યુસ કરનારા શિક્ષકો થઈ ગયા છે એટલે પેટની ચરબી ઘટાડવા માટે પણ તમારી જરૂરિયાત મુજબનું પરિણામ મળી જ શકે છે એ બીજી વાત. જોકે જનરલી કહું તો યોગનું કોઈ પણ આસન કરો એમાં તમારા પેટ પર થોડોક લોડ આવે અને એ લોડ તમારા શરીરના અને ખાસ કરીને પેટના વજનને ઘટાડવામાં મદદ કરે.’
કેવા અભ્યાસો મદદ કરે?
કંઈ પણ કરો એટલે પેટના સ્નાયુઓએ તો કામે લાગવું જ પડે. એટલે જ તો ઈવન વૉક કરવાથી પેટની ચરબી ઘટે છે એવું કહેવાય છે. જોકે કેટલાક વિશિષ્ટ અભ્યાસની સ્પષ્ટતા કરતાં હર્ષદ કહે છે, ‘આગળ ઝૂકવાના, પાછળ ઝૂકવાના, સાઇડમાં ઝૂકવાના અને ટ્વિસ્ટિંગ સાથેના અભ્યાસો ખૂબ સારું પરિણામ આપશે, કારણ કે એમાં પેટના સ્નાયુઓ ડાયરેક્ટ સક્રિય થતા હોય છે. એમાંય અષ્ટાંગ વિન્યાસના યોગ ફૉર્મનો ઉપયોગ કરો તો પરિણામ વધુ ઝડપી મળે. ક્લાસિકલ યોગમાં સ્પીડ નથી હોતી, પરંતુ અષ્ટાંગ વિન્યાસ અને હઠયોગ, જે સાઉથમાં ડેવલપ થયેલો યોગનો પ્રકાર છે એમાં સ્પીડ પણ છે અને સ્ટ્રેચિંગ પણ છે. મારી પાસે એક ૧૨૦ કિલો વજન ધરાવતી લેડી આવેલી. લગભગ ત્રીસ વર્ષની ઉંમર હશે. PCOD અને થાઇરૉઇડને કારણે તેનું વજન વધ્યું હતું. પૂરતી ઊંઘ, જરૂરિયાત મુજબની અનુકૂળ ડાયટ અને દરરોજની દોઢ કલાક યોગ પ્રૅક્ટિસના પરિણામે દોઢ વર્ષમાં તેનું વજન ૬૫ કિલો પર પહોંચ્યું હતું. મજાની વાત એ હતી કે આવા ડ્રાસ્ટિક વેઇટલૉસ પછી પણ તેના ચહેરા પરનું તેજ વધ્યું હતું. ઘણા લોકો વજન ઘટાડ્યા પછી એકદમ ચુસાયેલી કેરી જેવા તેજહીન બની જતા હોય છે, કારણ કે તેમણે શરીરને એક્સપ્લોઇટ કરીને વજન ઘટાડ્યું હોય છે; જ્યારે યોગ તમારા શરીરને પુષ્ટ કરીને બિનજરૂરી ફૅટનો નિકાલ કરવામાં મદદ કરે છે જે તમારી ચહેરાની લાલિમા તો બરકરાર રાખે જ છે પણ તમને અંદરથી વધુ સ્ટ્રૉન્ગ મહેસૂસ કરાવે છે. તમારું સ્વાસ્થ્ય સુધરી જાય છે. મોટા ભાગના કેસમાં યોગમાં વેઇટલૉસ બાયપ્રોડક્ટ છે. યોગ તમારા સ્ટ્રેસને ઓછું કરે છે અને આજે ઘણા સાયન્ટિસ્ટ કહે છે કે વેઇટ ગેઇનમાં સ્ટ્રેસ બહુ જ મોટું ફૅક્ટર છે. ટૂંકમાં યોગ સર્વાંગી રીતે તમને હેલ્થ અને વેલનેસની સાથે ફૅટલૉસ તરફ લઈ જાય છે.’
નિશ્ચિત ઉપયોગી
જો તમારાં ઘૂંટણમાં દુખાવાની અને બૅકપેઇનની પણ સમસ્યા ન હોય તો દરરોજ દસ સૂર્યનમસ્કાર કરવાનો નિયમ બનાવી લો. આ સર્વ અંગ વ્યાયામ વજન ઘટાડવાની સાથે તમારા અન્ય અવયવોના સ્વાસ્થ્યને પણ સુધારશે.
પેટની ચરબી ઘટાડવા ટ્રાય કરો આ સાત આસનો
૧- પશ્ચિમોત્તાનાસન :
પેટની ચરબી ઘટાડવા માટે જમીન પર પગ લાંબા કરીને કમરથી આગળ ઝૂકીને થતું આ આસન ઉપયોગી છે. પેટની સાથે તમારી કરોડરજ્જુની લવચિકતા વધારવામાં પણ આ આસન જબરું પરિણામ આપનારું છે.
૨- અર્ધમત્સ્યેન્દ્રાસન :
સાઇડના ભાગમાં રહેલી પેટની ચરબીને ઘટાડવા માટે ઉપયોગી એવા આ આસનથી કરોડરજ્જુમાં સ્ટોર થતું સ્ટ્રેસ અને ટેન્શન પણ હળવાં થઈ જાય છે.
૩- વીરભદ્રાસન :
પેટની સાથે કોર મસલ્સ એટલે કે નિતંબ, સાથળ વગેરેના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરતાં સંતુલન વધારનારું છે અને બ્રેઇનની શાર્પનેસને સુધારનારું છે.
૪- દંડાસન :
અંગ્રેજીમાં આપણે જેને પ્લૅન્ક તરીકે ઓળખીએ છીએ એવું આ આસન પેટની ચરબીને ઘટાડવા માટે શ્રેષ્ઠતમ આસનોમાંનું એક છે અને સાથે જ શરીરનું પૉશ્ચર સુધારવામાં અને હાથ તથા પગના સ્નાયુઓને પણ મજબૂતી આપનારું છે.
૫- ધનુરાસન :
જમીન પર પેટના બળે સૂઈને થતું આ આસન પેટ પર સીધું જ વજન આવવાને કારણે બહુ જ અકસીર પરિણામ આપે છે અને સાથે જ જેમને બૅકપેઇન હોય, ફેફસાંના રોગો હોય, શ્વસનમાં તકલીફ પડતી હોય તેમને માટે પણ ઉપયોગી છે.
૬- ઉષ્ટ્રાસન :
કમરની અને ફેફસાંની તકલીફોમાં પણ ઉપયોગી મનાતું આ આસન તમારી ગરદન માટે અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ લાવીને પેટના ઇન્ટર્નલ ઑર્ગનને મસાજ આપવાનું કામ કરે છે.
૭- ઉપવિષ્ઠ કોણાસન :
પેટના સ્નાયુઓની સ્ટ્રેન્ગ્થ વધારીને ફૅટને એ વિસ્તારમાંથી અલવિદા કહેવામાં મદદ કરનારું આ આસન સાંધાના રોગોમાં પણ ઉપયુક્ત પરિણામ આપનારું છે.
(આ બહુ જ પાયાનાં આસનો છે. યોગ થકી વજન ઘટાડવા ઇચ્છનાર વ્યક્તિએ ધીમે-ધીમે આસનોની માત્રા, સમયમર્યાદા અને પ્રકારમાં અનુભવી શિક્ષકની દેખરેખ હેઠળ બદલાવ કરવા જરૂરી ગણાય છે. આસનો સાથે વ્યક્તિની ઉંમર, ઊંઘ અને આહારનું પણ પેટની ચરબી ઘટાડવામાં મહત્ત્વનું યોગદાન હોય છે.)
આ પણ ટ્રાય કરી શકાય
કેટલાક લોકો જેને પ્રાણાયામ તો કેટલાક જેને ક્રિયા તરીકે ઓળખે છે એ કપાલભાતિ પેટની તંદુરસ્તી જાળવવા, આંતરડાંને સક્રિય કરવા અને પાચન વધારવામાં ખૂબ જ અસરકારક છે. જોકે હૃદયરોગીઓ, હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓ, પેટમાં અલ્સર ધરાવતા, શરીરમાં નબળાઈ ધરાવતા જેવી કેટલીક મર્યાદાઓ ધરાવતા લોકોએ આ અભ્યાસ ન કરવો અથવા તો કોઈ અનુભવી શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ કરવો. ચોમાસામાં કપાલભાતિ ઉપરાંત અગ્નિસાર ક્રિયા (શ્વાસને સંપૂર્ણપણે બહાર કાઢીને પેટને અંદર-બહાર કરવું, વ્યક્તિની ક્ષમતા અનુસાર), સૂર્યમુદ્રા, ભસ્ત્રિકા પ્રાણાયામ પણ વજન ઘટાડવામાં અને પાચનને બહેતર કરવામાં તેમ જ શરીરમાં ગરમાટો અકબંધ રાખવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.