ગ્રોઇંગ એજમાં બાળકો માટે ડ્રાય ફ્રૂટ્સ તો બેસ્ટ કહેવાય, પણ મૅક્સિમમ લાભ લેવો હોય તો પાણીમાં પલાળવાં બહુ જરૂરી છે. હવે દિવાળીમાં ડ્રાય ફ્રૂટ્સનો ઘરમાં ઢગલો થશે ત્યારે જાણી લઈએ એ ખાવાની સાચી રીત કઈ
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ એજમાં સ્નૅક્સ સમયે મંચિગ કરવાનો મોસ્ટ સૂટેબલ ઑપ્શન કોઈ હોય તો એ છે ડ્રાય ફ્રૂટ્સ. દિવાળીમાં પણ માવા કે પનીરને બદલે ડ્રાય ફ્રૂટ્સની મીઠાઈઓ વધુ હેલ્ધી મનાય છે. અલબત્ત, દરેક હેલ્ધી ચીજને પણ ખાવાનો યોગ્ય તરીકો હોય છે અને એમાંથી સુપરફૂડ્સ ગણાતાં ડ્રાય ફ્રૂટ્સ પણ બાકાત નથી. ઇન ફૅક્ટ, ક્યારેક ખોટી રીતે ખાવામાં આવે તો એની આડઅસરો પણ વર્તાતી હોય છે. ડ્રાય ફ્રૂટ્સને હંમેશાં પલાળીને જ ખાવાં જોઈએ એવું કહેવાય છે. જો એમ ન કરો તો ખાધા પછી મોંમાં જાણે છાલાં પડી ગયાં હોય એવું લાગે છે. આવું થાય ત્યારે લોકો કહે છે કે ડ્રાય ફ્રૂટ્સ ગરમ પડે છે. શું આવું હોય? ડ્રાય ફ્રૂટની તાસીર ગરમ છે? આવું કેમ થાય છે એનાં કારણો તેમ જ બેસ્ટ ન્યુટ્રિશન માટે બીજું શું કરવું જોઈએ જેવી વાતો આજે નિષ્ણાત પાસેથી જાણીએ.
પલાળવાનું જરૂરી કેમ?
ADVERTISEMENT
સૂકો મેવો હંમેશાં પલાળીને જ ખાવો જોઈએ એનું કારણ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ જિનલ સાવલા કહે છે, ‘પલાળવાનું એક કારણ એ કે ડ્રાય ફ્રૂટ્સ ધોવાઈ જાય. તમે જોશો તો ડ્રાય ફ્રૂટ્સ પર રફ પાઉડર જેવું ચોંટેલું હોય છે. ખાસ કરીને કાળી દ્રાક્ષ. શાકભાજીની જેમ સૂકા મેવાને પણ ધોઈ લેવામાં આવે તો ઉપરથી છંટાતાં કેમિકલ્સથી બચી શકાય. બીજું કારણ એ છે કે એની છાલમાં સલ્ફ્યુરિક ઍસિડ અને ટેનિન જેવાં કેમિકલ્સ હોય છે જે મોંની અંદરની ત્વચા પર બહુ હાર્શ હોય છે. એનાથી ગલોફાં બહુ આળાં થઈ જાય છે. બદામ, કાજુ, અખરોટ વગેરેમાં કેટલાંક કેમિકલ્સ એવાં હોય છે જે પચવામાં નડતરરૂપ બને છે. જો આ ચીજોને પલાળી દેવામાં આવે તો એમાંથી આ કેમિકલ્સ ઘટી જાય છે. બદામ, અખરોટ જેવી ચીજોને ઓવરનાઇટ પલાળવામાં આવે તો બેસ્ટ. જો તમે પલાળ્યા વિના ખાઓ તો એનાથી તમને કોઈ તકલીફ થઈ જશે એવું નથી, પરંતુ એ પચવામાં તેમ જ એમાંનાં ન્યુટ્રિઅન્ટ્સનું શોષણ થવામાં અડચણ આવશે. તમે જે અમીનો ઍસિડ્સ અને વિટામિન્સ માટે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો એનું ઍબ્સૉર્પ્શન જ પૂરતું નહીં થાય. અને હા, સૂકો મેવો પલાળ્યા પછી એનું પાણી ફેંકી દેવું જોઈએ.’
ખાવાનો સમય
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે સવારે ઊઠીને જ પલાળેલાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાં જોઈએ. જોકે ખાવાનો સમય બેસ્ટ કયો એની વાત કરતાં પહેલાં ડ્રાય ફ્રૂટ્સના બે પાર્ટ છે એ સમજાવતાં જિનલ સાવલા કહે છે, ‘સૂકા મેવામાં બે ચીજો આવે. એક છે નટ્સ જેમાં બદામ, કાજુ, પિસ્તાં, અખરોટ, સિંગદાણા વગેરે આવે. બીજો પાર્ટ છે ડ્રાઇડ ફ્રૂટ્સનો. મતલબ કે જે આમ ફ્રેશ હોય ત્યારે ફ્રૂટ્સ તરીકે ખવાતાં હોય, પણ એને સૂકવીને ડ્રાય ફૉર્મમાં જાળવવામાં આવ્યાં હોય. કાળી દ્રાક્ષ, કિસમિસ, જરદાળુ, ખજૂર, ખારેક, પ્રૂન્સ વગેરે સૂકવેલાં ફ્રૂટ્સ છે. આ ફ્રૂટ્સ નૅચરલ અને ફ્રેશ ફ્રૂટ્સ જેટલાં જ હેલ્ધી છે, પરંતુ એમાંથી થોડાંક વિટામિન્સ ઘટી ગયાં હશે અને હાઇડ્રેશન પણ ઓછું આપશે. બીજી એક વાત, નટ્સ અને ડ્રાઇડ ફ્રૂટ્સ મોટા ભાગે સાથે ન ખાવાં જોઈએ. નટ્સ મોટા ભાગે વિટામિન ઈ, ઑમેગા થ્રી ફૅટી ઍસિડ્સનો સારો સ્રોત છે. વેજિટેરિયન્સ માટે આ ચીજો બહુ ઓછી જગ્યાએથી મળતી હોય છે. નટ્સ મોટા ભાગે જ્યારે બે મીલ્સની વચ્ચે ભૂખ લાગે ત્યારે સ્નૅક્સમાં ખવાય, જ્યારે ડ્રાઇડ ફ્રૂટ્સ ખાવાનો સમય છે ફ્રૂટ્સની અવેજીમાં ખાવાનો. ફ્રેશ ફ્રૂટ્સ ન મળે ત્યારે તમે એક-બે પીસ ડ્રાઇડ ફ્રૂટ્સના લઈ શકો છો. જ્યારે તમને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય ત્યારે કાળી દ્રાક્ષ, જરદાળુ, ખારેક લઈ શકાય. વર્કઆઉટ કરતાં પહેલાં કે ખૂબ એનર્જી માગી લે એવું કામ કરવાનું હોય ત્યારે એનર્જી માટે ડ્રાઇડ ફ્રૂટ્સ લેવાનાં. વર્કઆઉટ પછી પોષણ માટે નટ્સ ખાઈ શકાય. જ્યારે તમે બન્ને સાથે ખાઓ છો ત્યારે એનું પ્રૉપર ડાઇજેશન નથી થતું.’
કેટલી માત્રા લેવાય?

કેવી રીતે અને ક્યારે સૂકો મેવો લેવાય એ પછી સવાલ આવે કેટલી માત્રામાં લેવાય એનો. ડ્રાય ફ્રૂટ્સ તો બહુ સારાં એમ માનીને દોથો ભરીને એ ન ખવાય એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘એજ મુજબ દરેકની જરૂરિયાત અલગ-અલગ હોય છે. ટેક્નિકલ ચાર્ટમાં ન પડતાં દરેક વ્યક્તિ જાતે જ નક્કી કરી શકે એવી સિસ્ટમ છે મુઠ્ઠીની. મુઠ્ઠીભર નટ્સ પૂરતાં છે. એમાં પણ વધુ સ્પેસિફિક થઈએ તો દરેક વ્યક્તિની પોતાની મુઠ્ઠીમાં સમાય એટલાં નટ્સ પલાળીને લેવાં જોઈએ. તમારી મુઠ્ઠી બંધ થઈ શકે એટલાં નટ્સ તમારી હથેળીમાં મૂકો એટલો ડોઝ તમારા માટે બેસ્ટ છે. દરેક ઉંમરે વ્યક્તિની હથેળીની સાઇઝ જ બેસ્ટ મેઝરમેન્ટ રહેશે. એક દિવસમાં વધુમાં વધુ દસથી પંદર નટ્સના દાણા લેવા જોઈએ. સૂકાં ફ્રૂટ્સની વાત છે તો એમાં મુઠ્ઠીનું માપ નહીં ચાલે. આખા દિવસ દરમ્યાન તમે આઠથી દસ ડ્રાઇડ ફ્રૂટ્સ લઈ શકો છો. અલબત્ત, એ દિવસમાં બેથી ત્રણ ભાગમાં વહેંચાઈ જાય તો ઉત્તમ. ડ્રાઇડ ફ્રૂટ્સને પણ જો દૂધ સાથે કે સ્મૂધી સાથે લેવાં હોય તો એને પણ પહેલાં પલાળી રાખો.’
નટ્સ ડબ્બા ભરીને ખાવા માટે નથી. બાળક હોય કે પુખ્ત વયની વ્યક્તિ, દરેકે પોતાની મુઠ્ઠીમાં સમાય એટલાં નટ્સ પલાળીને લેવાં જોઈએ. : જિનલ સાવલા, ન્યુટ્રિશનિસ્ટ
દિવાળીમાં બેસ્ટ ઑપ્શન
બીજી કોઈ પણ મીઠાઈઓની સરખામણીએ ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ વધુ સારી છે એવો મત વ્યક્ત કરતાં ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘તમારી સામે જાતજાતની મીઠાઈઓ પડી હોય ત્યારે માવા કે પનીરની મીઠાઈઓ કરતાં ડ્રાય ફ્રૂટ્સની મીઠાઈની પસંદગી કરવી બહેતર છે. હવે તો કાજુકતરી પણ ગોળની મળે છે. સૂકા મેવાની મીઠાઈઓ પણ શુગર ફ્રી મળે છે. અલબત્ત, શુગર ફ્રીમાં કેમિકલ શુગરને બદલે નૅચરલ શુગર વાપરેલી હોય એનું ધ્યાન રાખવું.’
પલાળવા કે કૂક કરવાથી ફાયદો કેમ?

નટ્સ અને ઑઇલ સીડ્સ પોષકત્ત્વોથી ભરપૂર હોય છે અને એમને પલાળવાથી ફાયદો શું થાય છે એ વિશે ડાયટિશ્યન અંજુમ શેખ કહે છે, ‘લેક્ટિન, ઑક્ઝલેટ્સ અને ફાયટેટ્સ જેવાં ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ ઘટી જાય એ માટે નટ્સ અને તેલીબિયાંને પલાળવામાં આવે છે. આમ તો ધાન્ય, કઠોળમાં પણ આવાં કેમિકલ્સ હોય છે, પરંતુ રાંધવાથી એ ઇનઍક્ટિવેટ થઈ જાય છે. નટ્સની છાલમાં ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ વધુ માત્રામાં હોય છે એટલે નટ્સને પલાળ્યા પછી એની પરની છાલ ઉતારીને લેવાનું વધુ યોગ્ય છે. ફાઇટિક ઍસિડને કારણે નટ્સમાં રહેલાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, આયર્ન, ઝિન્ક, ક્રોમિયમ જેવાં પોષક તત્ત્વોનું શોષણ થવામાં અવરોધ આવે છે. પલાળવાથી માત્ર ચારથી પાંચ ટકા ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ તત્ત્વો જ નાશ પામે છે એટલે જો તમારું ઓવરઑલ ડાયટ સંતુલિત હોય તો નટ્સ પલાળો કે ન પલાળો, એનાથી બહુ ફરક નથી પડતો. નટ્સ બહુ ઓછી માત્રામાં લેવાના હોવાથી હું દરદીઓને કહેતી હોઉં છું કે પલાળવાનું ભૂલી જાઓ તોય વાંધો નથી, હા, તમે એ થોડીક માત્રામાં રોજ લો એટલું જરૂરી છે.’


