પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં મોટા ભાગે દરેક સ્ત્રીને સોજા આવતા હોય છે. આમ તો આ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલાક કેસમાં એ ગંભીર ચિહ્ન પણ હોઈ શકે છે. આ પાછળનાં કારણો જાણવાં અગત્યનાં છે, એ મુજબ જ એનો ઉપાય સમજી શકાય છે
ઇલિઆના ડિક્રુઝ
પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને સોજા આવે ત્યારે તે હેરાન-પરેશાન થઈ જતી હોય છે. પગ થાંભલા જેવા ફૂલેલા કે દડા જેવા ગોળમટોળ થઈ જાય અને ત્યારે તે ગભરાઈ જતી હોય છે. આ કેમ આટલા સોજા આવી જાય છે, મારાં ચંપલ મને થતાં નથી. શૂઝમાં પગ ઘૂસતો નથી અને સલવાર પગમાં ચડતી પણ નથી. મારી ઘૂંટીનું તો જાણે કોઈ અસ્તિત્વ જ નથી. પગમાં એ દેખાતી જ નથી. ઘણી સ્ત્રીઓને પગમાં જ સોજા હોય એવું નથી હોતું, હાથ પણ જાડા થઈ જાય છે. મોઢું પણ ફૂલી જાય છે. આ પ્રક્રિયામાં બહેનો ખાટું ખાવાનું મન હોય તો પણ ખાટું બંધ કરી દે છે. આ સિવાય મીઠું એટલે કે નમક ખોરાકમાં ઘટાડી દે છે અને પોતાની પથારીમાં તકિયાઓનો ખડકલો કરીને એ ટેકરા પર પોતાના પગ જમાવીને સૂતી હોય છે અને વારે-વારે ચેક કરતી હોય છે કે સોજો ઊતર્યો કે નહીં. ત્યારે ઘરની સ્ત્રીઓ તેને સમજાવતી હોય છે કે સોજા આવવાની પ્રક્રિયા સામાન્ય છે. એ તો આવે. આ વાત સાવ ખોટી નથી કે પ્રેગ્નન્સી દરમિયાન સોજા આવવાની સમસ્યા મોટા ભાગની સ્ત્રીઓને વત્તે-ઓછે અંશે આવતી જોવા મળે છે પરંતુ સોજા આવે તો આવવા દેવા એવું પણ નથી હોતું. આજે સમજીએ આ સોજા આવવા પાછળનાં કારણો અને એના ઉપાયો વિશે.
સામાન્ય તકલીફ
ADVERTISEMENT
પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીનું શરીર ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે. એમાંથી એક ફેરફારની શરીર પર અસર દેખાય એ જ સોજા. મેડિકલ સાયન્સ માને છે કે આમ તો સોજા આવવા એક સામાન્ય પ્રક્રિયા છે. પ્રેગ્નન્સીમાં કોઈ પણ સમયે સોજા આવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે ૨૬-૨૭ અઠવાડિયાં પછી એટલે કે બીજું ટ્રાયમિસ્ટર પતવાનું હોય ત્યારે કે ત્રીજું શરૂ થયા પછી સોજા આવવાની શરૂઆત થાય છે જે ડિલિવરી સુધી રહે છે. ડિલિવરી પછી મોટા ભાગે સોજા રહેતા નથી. સોજા પાછળનું મુખ્ય કારણ એ છે કે પ્રેગ્નન્સી દરમિયાન શરીર પોતાનામાં પાણીનો ભરાવો કરે છે. આખા દિવસ દરમિયાન શરીર નીચેના ભાગમાં પાણી એકઠું કરે છે. આ ભરાવો વધી જાય જ્યારે ગરમી ખૂબ હોય અથવા તો તમે વધુ સમય માટે ઊભા હો. આ સિવાય જો સ્ત્રીનું વજન ખૂબ વધારે હોય તો એનો ભાર પગ પર વધતો જાય એને કારણે પણ સોજા આવી શકે છે. આમ પ્રવાહીનો ભરાવો સોજાનું મુખ્ય કારણ છે.
કારણો સમજવાં જરૂરી
પણ આ ભરાવો થાય શું કામ એ સમજાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘પ્રેગ્નન્સી આગળ વધે ત્યારે ગર્ભાશયની સાઇઝ વધે અને લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય છે, કારણ કે જેમ ગર્ભાશય વધે એમ એ પગની નસો જે લોહી લઈ જવાનું કામ કરતી હોય એને દબાણ આપે છે. આ દબાણને કારણે પરિભ્રમણમાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે લોહીનો પ્રવાહ અસ્ખલિત રીતે હૃદયમાંથી પગ સુધી અને પગમાંથી હૃદય સુધી વહેતો હોય છે એમાં પગમાંથી ફરી ઉપરની તરફ એટલે કે હૃદય તરફ વહેવાની પ્રક્રિયા ગર્ભાશયને કારણે ઊભા થતા દબાણથી અઘરી બને છે. એટલે લોહીની પાછા ફરવાની પ્રક્રિયા થોડી ધીમી થઈ જાય છે. એટલે સોજા આવે.’
બીજાં કારણો
જેમને એકથી વધુ બાળક ગર્ભમાં છે ત્યારે પણ પગમાં સોજા આવવાની શક્યતા વધુ છે, કારણ કે આ સ્ત્રીઓમાં ગર્ભાશયની સાઈઝ વધુ મોટી હોય છે. પરંતુ આ સિવાયનાં પણ અમુક કારણો છે જેને લીધે સ્ત્રીને સોજા આવતા હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘ઘણી વાર હીમોગ્લોબિન ઓછું હોવાને કારણે પણ સોજા આવે છે. ઘણી વાર પોષણની કમી હોય, કોઈ ન્યુટ્રિશનની ઊણપ હોય તો પણ સોજા આવે છે. પ્રેગ્નન્સી દરમિયાન આયર્નની ટીકડીઓ લેવી અતિ જરૂરી છે. આ સિવાય જો સ્ત્રી થૅલેસેમિયા માઇનર હોય તો ફોલિક ઍસિડની ટીકડીઓ લેવી. હાઈ પ્રોટીન ડાયટ લેવી અતિ આવશ્યક છે. જોકે કોઈ કારણસર ડૉક્ટરે તમને હાઈ પ્રોટીન લેવાની ના પાડી હોય તો ન લેવું બાકી સામાન્ય રીતે પ્રોટીન વધુ લેવું જરૂરી છે. જો સ્ત્રીને પૂરતો આરામ ન મળતો હોય તો પણ સોજા આવી શકે છે. જો પગમાં ક્રૅમ્પ આવે એટલે કે પગ ખેંચાય, દુખે અને સોજા આવે તો એનું કારણ એ પણ હોઈ શકે કે પોટૅશિયમની ઊણપ છે. આ સિવાય પાણી ઓછું પીવામાં આવી રહ્યું હોય તો પણ આવું થતું હોય છે. આ પરિસ્થિતિમાં નારિયેળ પાણી, નાનાં એલચી કેળા જેમાં પોટૅશિયમની માત્રા વધુ છે એ લેવાં જરૂરી છે.’
બ્લડ-પ્રેશર ચિંતાજનક કારણ
પ્રેગ્નન્સીમાં આવતા સોજા આમ તો ચિંતાજનક નથી હોતા. એ બાબતે ચિંતા કરીને તબિયત ખરાબ ન કરવી પરંતુ તમારા ડૉક્ટરને મળીને સોજાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે એની તપાસ કરવી જરૂરી છે. સામાન્ય રીતે જો સોજા આવતા હોય અને આરામ કરવાથી એ ઊતરી જતા હોય તો એ સામાન્ય છે, એમાં ચિંતા જેવું કશું નથી. પરંતુ પૂરતો આરામ કર્યા પછી પણ સોજા ઊતરે જ નહીં અને પગેથી સોજા ચાલુ થાય અને હાથ-મોઢું બધે આવવાનું શરૂ થઈ જાય તો હાઈ બીપી કે પ્રી-એક્લેમ્સિયાની પરિસ્થિતિ હોઈ શકે છે. આમ આ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ-પ્રેશર વધતું હોય તો પણ સોજા આવી શકે છે. સામાન્ય રીતે આ ૨૦ અઠવાડિયાં પછીની તકલીફ છે. આ તકલીફનું નિદાન અત્યંત જરૂરી છે. નિદાન પછી એનો ઇલાજ પણ જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ-પ્રેશર વધવું એ સામાન્ય ઘટના નથી, એની જોડે રિસ્ક જોડાયેલાં છે. એટલે ખાસ આ બાબતે કાળજી રાખવી. પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરના સતત સંપર્કમાં રહેવું અને તમને થતી નાનામાં નાની તકલીફ ડૉક્ટરને જણાવવી જરૂરી છે.
શું કરવું અને શું નહીં?
પહેલી વાત તો એ કે સોજા આવે તો ચિંતા ન કરવી. ખાસ કરીને જો આરામ કરવાથી સોજા ઊતરી જતા હોય તો ખાસ ચિંતા જેવું કશું નથી પરંતુ સોજા પર આરામની કોઈ ખાસ અસર જોવા ન મળે, ફક્ત પગ પર જ નહીં પરંતુ મોઢા કે હાથ પર પણ સોજા હોય તો ડૉક્ટરની પાસે જઈને યોગ્ય નિદાન કરવું કે સોજા પાછળનું કારણ શું છે. ખોરાકમાં કાળજી લેવી. પોષણયુક્ત ખોરાક, આયર્ન, ફોલિક ઍસિડ જેવી ગોળીઓ ડૉક્ટરની સલાહ મુજબ વગર ભૂલ્યે લેવી જ. આ સિવાય પગ લટકતા ન રાખવા. નાના સ્ટૂલ પર રાખવાના. જે સ્ત્રીઓ સતત ખુરશી પર બેસીને કામ કરે છે તેમણે લેગ રેસ્ટ કે નીચે કશું રાખવું જેના લીધે પગ વધુ લટકેલા ન રહે. વળી સતત બેઠા રહેવું પણ ઠીક નથી. તેમણે વચ્ચે-વચ્ચે બ્રેક લેવાના અને ચાલવાનું. બાકી સૂતી વખતે પગ ઊંચા રાખીને પણ સૂઈ શકાય જેથી પરિભ્રમણ સારું થાય અને સોજા ઊતરી જશે. જો આરામ યોગ્ય ન થતો હોય તો સમય કાઢો અને ખુદ પર ધ્યાન આપો.
પૂરતો આરામ કર્યા પછી પણ સોજા ઊતરે જ નહીં અને પગેથી સોજા ચાલુ થાય અને હાથ-મોઢું બધે આવવાનું શરૂ થઈ જાય તો હાઈ બીપી કે પ્રી-એક્લેમ્સિયા હોઈ શકે છે. - ડૉ. સુરુચિ દેસાઈ

