ચાવવામાં ધ્યાન ન હોય કે જલદી ચાવવા જઈએ અને એવું થઈ જતું હોય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૩૦ વર્ષની છું. આજકાલ જ્યારે હું જમવા બેસું છું ત્યારે જમતાં-જમતાં મારા ગલોફા પર બટકું ભરાઈ જાય છે. એકાદ વાર થયું તો મને લાગ્યું ઠીક છે, પણ છેલ્લા અઠવાડિયામાં ત્રણેક વાર આવું થયું. ગલોફા પર તો ઠીક, કાલે મને જીભમાં પણ બટકું ભરાઈ ગયું. મને ઘરમાં બધા કહે છે કે એક વાર બટકું ભરાઈ જાય પછી વારંવાર એવું થયા કરે છે. શું એ સાચી વાત છે? મને બટકું ભરવાની આદત પડી ગઈ છે? હું થોડી જાડી થઈ ગઈ છું અને મારા ગાલના ગટ્ટા વધી ગયા છે એને કારણે તો આવું નથી થઈ રહ્યું? આ તકલીફનો કોઈ ઉપાય હોય તો જણાવજો.
ક્યારેક જમતાં-જમતાં ભૂલથી ગલોફું ચવાઈ જાય કે જીભ આવી જાય એ નૉર્મલ ગણાતું હોય છે. ચાવવામાં ધ્યાન ન હોય કે જલદી ચાવવા જઈએ અને એવું થઈ જતું હોય છે. આજકાલ મોટા ભાગના લોકો જલદીમાં ભાગતા જ જોવા મળે છે. ટ્રાવેલિંગ દરમ્યાન ખાતા હોય છે કે ખાવા બેસે ત્યારે જલદી ખાવાનું પતાવવા માટે ફટાફટ મોટા-મોટા બાઇટ ખાય છે. જો તમે પણ આ પ્રકારની આદત ધરાવતા હોય તો તમને ગલોફું દાંતની વચ્ચે આવવાના એપિસોડ વારંવાર થતા હોય એમ બને.
ક્યારેક આવું થાય તો ઠીક છે, પણ તમે જેમ કહો છો એમ વારંવાર જો આવું થતું હોય તો એક વખત તમારે ડેન્ટિસ્ટને મળવાની જરૂર છે ખરી. મોટા ભાગે થાય છે એવું કે વ્યક્તિને ઉપરના જડબામાં ૧૬ દાંત હોય, પરંતુ નીચેના જડબામાં ૧૪ દાંત જ હોય તો છેલ્લા બન્ને વધારાના દાંત જડબાની સાથે હલે તો છે, પણ નીચેના દાંત સાથે ભટકાઈ નથી શકતા, કારણ કે એમની સામે નીચેના જડબામાં કોઈ દાંત જ નથી. ઉપરની દાઢ નીચે આવે, પણ નીચેના જડબામાં સ્પેસ જ નથી એટલે એ ગલોફું ન ઇચ્છવા છતાં ચવાઈ જતું હોય છે. જો આવું હોય તો ડૉક્ટર સલાહ આપે છે કે તમે ઉપરના બે વધારાના દાંત કઢાવી નાખો. તમે ૩૦ વર્ષના તો થઈ ગયા છો. હવે નીચેની દાઢ આવવાની શક્યતા ન બરાબર જ ગણાય. તો ઉપરના દાંતનું કઈ ખાસ કામ છે નહીં એટલે એ કાઢી નાખવી હોય તો કાઢી શકાય. આ સિવાય જો કોઈ વ્યક્તિની જીભ જરૂરતથી વધારે લાંબી હોય તો પણ આવું થઈ શકે છે. જોકે આવું હોય તો એનો કોઈ ખાસ ઉપાય નથી. મહત્ત્વનું એ છે કે તમે એક વાર ડેન્ટિસ્ટને મળી લો. એક વખત યોગ્ય નિદાન થઈ જાય પછી વાંધો નહીં.


