મારે વધુ નહિ પણ ૬ કલાક ઓફીસ છે અને આવવા-જવાના ૨ કલાક ગણીએ તો કુલ ૮ કલાક સાચવવાના છે. સવારે અને રાત્રે ત્યારે સ્તનપાન કરાવું અને બાકીના સમયે ગાયનું દૂધ આપું તો ચાલે?
સ્તનપાન કરાવતી મહિલા અને તેના બાળક સહિતની પ્રતીકાત્મક તસવીર
મારું બાળક ૮ મહિનાનું થયું છે. ૬ મહિના સુધી મેં એને સંપૂર્ણ રીતે સ્તનપાન પર જ રાખ્યું હતું. પણ સાતમા મહિનાથી મેં ફળો શરૂ કર્યા. અત્યારે એ મગનું પાણી, ભાતનું ઓસામણ પીએ છે. જ્યુસ, પાતળી ક્રશ કરેલી ખીચડી આવું થોડુ-થોડું ખવાનું શરુ કર્યું તો છે. પરંતુ આ મહિનેથી હું ઑફિસ જવાનું શરૂ કરીશ. ઉપરનો ખોરાક એ થોડો-થોડો લે છે. પરંતુ એનો મુખ્ય ખોરાક હજુ પણ મારું દૂધ જ છે. મારે વધુ નહિ પણ ૬ કલાક ઓફીસ છે અને આવવા-જવાના ૨ કલાક ગણીએ તો કુલ ૮ કલાક સાચવવાના છે. સવારે અને રાત્રે ત્યારે સ્તનપાન કરાવું અને બાકીના સમયે ગાયનું દૂધ આપું તો ચાલે?
છ મહિનાની મૅટરનિટી લીવ લીધા પછી મોટાભાગની મમ્મીઓ ચિંતામાં પડી જાય છે. હકીકત એ છે કે તમે બાળકને ઓછામાં ઓછા ૧ વર્ષ સુધી સ્તનપાન કરાવો, પરંતુ એના માટે તમારે નોકરી છોડવાની જરૂર નથી. હવે ઘણી મમ્મીઓ એવી છે જે નોકરી પણ કરે છે અને બાળકને સ્તનપાન પણ કરાવે જ છે. સ્તનપાન એ બાળકની જરૂરિયાત છે. કોઈપણ કારણોસર એને બંધ ન કરવું જોઈએ. માર્કેટમાં સારા બ્રેસ્ટ પમ્પ મળે જ છે. પમ્પથી દૂધ કાઢી તમે સ્ટોર કરી શકો છો મિલ્ક. બાળકને ગાયનું દૂધ આપવાની જરૂર જ નથી. એક સાથે બે પ્રકારના દૂધ બાળકને ન આપો તો સારું. તમે ઓફિસે જાઓ એ પહેલાં દૂધ પમ્પ વડે કાઢીને જવું. તમે આવો ત્યાં સુધી એ દૂધ એને કામ આવશે. બાળકને શરૂઆતમાં આ આદત પાડવી પડશે. તેને ચમચીથી દૂધ પીવાની આદત પડશે એટલે વાંધો નહિ આવે.
ADVERTISEMENT
તમે જે દૂધ સિવાયનો ખોરાક બાળકને આપો છો એ પણ એક આદત છે. ધીમે-ધીમે એનું પ્રમાણ વધારતું જવું. એને જુદા-જુદા શાક, ફળો, ધાન્ય ખવડાવવાં. એનો ટેસ્ટ ડેવલપ થઇ જશે એટલે ધીમે-ધીમે એ દૂધ સિવાયનો ખોરાક ખાતું થઇ જશે. દૂધ છોડાવવાની જરૂર નહી પડે. જેમ ઉપરનો ખોરાક વધશે એમ ધીમે-ધીમે દૂધની જરૂરત ઓછી થતી જશે. પણ જ્યાં સુધી બાળકને દૂધ પીવું હોય ત્યાં સુધી એને તમે પિવડાવી શકો છો. માના દૂધનું પોષણ એને ચોક્કસ મળવું જ જોઈએ. સ્તનપાન એક નૅચરલ પ્રોસેસ છે. જરૂરત છે ફક્ત એ પ્રોસેસને સમજવાની અને એ રીતે એને અનુસરવાની.

