Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ ડાયટ તમારી ઓરલ હેલ્થને ચકાચક રાખશે

આ ડાયટ તમારી ઓરલ હેલ્થને ચકાચક રાખશે

Published : 20 February, 2026 04:01 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મેડિટરેનિયન ડાયટ માત્ર શું ખાવું એ નથી કહેતું, પણ કેવી રીતે ખાવું એ પણ સમજાવે છે. પરિવાર અને મિત્રો સાથે હસતાં-રમતાં ભોજન કરવું એ આ સંસ્કૃતિનો હિસ્સો છે, જે માનસિક તનાવ ઘટાડે છે. આહારની સાથે નિયમિત ચાલવું અથવા શારીરિક શ્રમ કરવો અનિવાર્ય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


જ્યારે દાંત અને પેઢાંની મજબૂતીની વાત આવે ત્યારે બ્રશ અને ફ્લૉસિંગ જેટલું જ મહત્ત્વ આપણે શું ખાઈએ છીએ એનું પણ હોય છે. મેડિટરેનિયન ડાયટ ઓવરઅૉલ હેલ્થની સાથે ઓરલ હેલ્થ માટે વધુ ફાયદાકારક છે એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વનો સૌથી તંદુરસ્ત આહાર ગણાતી આ ડાયટ  જાણીએ

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે જેવું અન્ન એવું મન, પરંતુ હવે મૉડર્ન સાયન્સ કહે છે કે ફૂડ તમારી ઓરલ હેલ્થ કેવી રહેશે એ નક્કી કરે છે. સામાન્ય રીતે આપણે ડાયટનો વિચાર માત્ર વજન ઘટાડવા કે હૃદયને સ્વસ્થ રાખવા માટે જ કરતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે તમારી ખાણીપીણીની આદતો તમારાં દાંત અને પેઢાંના સ્વાસ્થ્ય માટે કેટલી નિર્ણાયક છે? તાજેતરના એક અભ્યાસ મુજબ યુરોપના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચલિત મેડિટરેનિયન ડાયટ ઓરલ હેલ્થ માટે રામબાણ ઇલાજ સાબિત થઈ રહ્યો છે. પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડના અતિરેક વચ્ચે આ ડાયટ કેવી રીતે પાયોરિયા અને કૅવિટી જેવા રોગો સામે રક્ષણ આપીને તમારાં પેઢાંને મજબૂત બનાવે છે એ જાણવું રસપ્રદ છે ત્યારે નિષ્ણાત પાસેથી ડાયટના આ કન્સેપ્ટને સમજીએ.



શું છે મેડિટરેનિયન ડાયટ?


તાડદેવમાં ક્લિનિકનું સંચાલન કરતાં અનુભવી ડાયટિશ્યન માનસી પડેચિયા આ મેડિટરેનિયન ડાયટ વિશે જણાવે છે, ‘મેડિટરેનિયન ડાયટ એ કોઈ સામાન્ય ક્રૅશ ડાયટ કે વજન ઘટાડવાનો ટૂંકો રસ્તો નથી, પરંતુ એ જીવન જીવવાની અને ભોજન કરવાની એક પ્રાચીન પદ્ધતિ છે. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશો જેવા કે ગ્રીસ, ઇટલી અને સ્પેનના લોકોના ખોરાક પર આધારિત આ ડાયટને આજે વિશ્વનો સૌથી તંદુરસ્ત આહાર માનવામાં આવે છે. આ આહાર પદ્ધતિ અપનાવનારા લોકોમાં હૃદયરોગ, ડાયાબિટીઝ અને દાંતના રોગોનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. આ આહાર પદ્ધતિ ચોક્કસ કૅલરી ગણવાને બદલે ખોરાકની ગુણવત્તા પર ધ્યાન આપે છે. દરરોજના ભોજનમાં તાજી શાકભાજી, ફળો, આખાં અનાજ, કઠોળ અને બીજનો સમાવેશ કરવામાં આવે છે. આ પદાર્થો ફાઇબર, વિટામિન્સથી ભરપૂર હોય છે જે શરીરની પાચનશક્તિ સુધારે છે. મેડિટરેનિયન ડાયટની સૌથી મોટી વિશેષતા એમાં વપરાતું ઑલિવ ઑઇલ છે. માખણ કે વનસ્પતિ ઘીને બદલે અહીં એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલનો ઉપયોગ થાય છે, જે હૃદય માટે અત્યંત ગુણકારી મૉનો-અનસૅચ્યુરેટેડ ફૅટ, જે ગુડ ફૅટનો એક પ્રકાર છે એ પૂરી પાડે છે. આ ઉપરાંત બદામ અને અખરોટ જેવાં ડ્રાયફ્રૂટ્સ પણ લેવામાં આવે છે. આ ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ડાયટમાં મેદો, ખાંડવાળાં પીણાં, પૅકેટ ફૂડ, રિફાઇન્ડ તેલ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાની સખત મનાઈ હોય છે. મીઠાઈના બદલે ગળપણ માટે તાજાં ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.

મેડિટરેનિયન ડાયટ માત્ર શું ખાવું એ નથી કહેતું, પણ કેવી રીતે ખાવું એ પણ સમજાવે છે. પરિવાર અને મિત્રો સાથે હસતાં-રમતાં ભોજન કરવું એ આ સંસ્કૃતિનો હિસ્સો છે, જે માનસિક તનાવ ઘટાડે છે. આહારની સાથે નિયમિત ચાલવું અથવા શારીરિક શ્રમ કરવો અનિવાર્ય છે. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું આ આહારનો પાયો છે. મેડિટરેનિયન ડાયટ કુદરતની નજીક જવાનો માર્ગ છે. એ આપણને રાસાયણિક અને પ્રક્રિયા કરેલા ખોરાકથી દૂર લઈ જઈને શુદ્ધ અને પૌષ્ટિક આહાર તરફ વાળે છે. આપણે પણ આ ગોલ્ડન ડાયટને અપનાવીને એના ફાયદા મેળવી શકીએ છીએ.’


ઓરલ હેલ્થ સાથે કનેક્શન

સામાન્ય રીતે આપણે આહારને માત્ર વજન ઘટાડવા કે હૃદયના સ્વાસ્થ્ય સાથે જોડીએ છીએ, પરંતુ આહારની સીધી અસર ઓરલ હેલ્થ પર પણ થાય છે એમ જણાવતાં મેડિટરેનિયન ડાયટ કઈ રીતે ઓરલ હેલ્થને જાળવી રાખે છે એ વિશે વાત કરતાં માનસી કહે છે, ‘મેડિટરેનિયન ડાયટ પર થયેલી સ્ટડીઝમાં પણ જણાવાયું છે કે તે દાંતના સડા અને પેઢાંના રોગો સામે રક્ષણ આપે છે. આ પ્રકારનો આહાર અપનાવવાથી ઇન્ફ્લમેશન એટલે કે શરીરમાં સોજાની સમસ્યા રહેતી નથી. અખરોટ, અળસીમાં રહેલું ઑમેગા-3 પેઢાંના સોજા ઘટાડે છે અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે. આ ઉપરાંત ઑલિવ ઑઇલ, બેરીઝ અને ગ્રીન ટીમાં રહેલાં તત્ત્વો હાનિકારક બૅક્ટેરિયાને વધતાં અટકાવે છે અને પેઢાંમાં આવતા સ્ટ્રેનને ઘટાડે છે. એનાથી વિપરીત, વધુપડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડવાળો આહાર મોઢામાં હાનિકારક બૅક્ટેરિયાને પોષણ આપે છે, જે જિન્જીવાઇટિસ એટલે કે પેઢાંમાં લોહી આવવું અને પેરિયોડોન્ટાઇટિસ જેવી ગંભીર સમસ્યાઓ નોતરે છે. દાંતને માત્ર બહારથી સાફ રાખવા પૂરતા નથી, એને અંદરથી પોષણની પણ જરૂર હોય છે આ ડાયટને તમે લાંબા ગાળા સુધી અપનાવો તો દાંતનો સડો થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે આ આહારમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ એટલે મેંદો અને ચિપ્સની સાથે સાકરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે આપણે ખાંડ કે મેદો ખાઈએ છીએ ત્યારે મોઢામાં રહેલા બૅક્ટેરિયા એમાંથી ઍસિડ બનાવે છે જે ઇનૅમલને નુકસાન પહોંચાડે છે. મેડિટરેનિયન ડાયટમાં ફાઇબરયુક્ત ખોરાક વધુ હોવાથી એ લાળ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જે કુદરતી રીતે ઍસિડને ન્યુટ્રલાઇઝ કરે છે અને દાંતનું રક્ષણ કરે છે. જોકે આ આહાર ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ એમાં લીંબુ કે વિનેગર જેવા ઍસિડિક પદાર્થોનો ઉપયોગ પણ થાય છે. જો આવા પદાર્થો લાંબા સમય સુધી દાંતના સંપર્કમાં રહે તો ઇનૅમલનું ધોવાણ થઈ શકે છે. તેથી ખોરાક લીધા પછી મોઢું સાફ કરવું અને યોગ્ય સમયે ભોજન લેવું જરૂરી છે. મેડિટરેનિયન ડાયટ અપનાવવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે. એ ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડે છે અને લોહીની નળીઓને સાફ રાખે છે. ઑલ્ઝાઇમર્સ અને યાદશક્તિમાં ઘટાડો થતાં રોગો સામે રક્ષણ આપીને મેન્ટલ હેલ્થને પણ સારી રાખે છે.

સાવચેતી જરૂરી

મેડિટરેનિયન ડાયટ હેલ્ધી છે પણ બધી જ વ્યક્તિને સૂટ થાય એ જરૂરી નથી. કોણે આવી ડાયટ સાથે અંતર જાળવવું જોઈએ એ વિશે જણાવતાં માનસી કહે છે, ‘આ ડાયટમાં પોટૅશિયમ અને ફૉસ્ફરસયુક્ત ખોરાક જેમ કે આખાં અનાજ, કઠોળ, બદામ અને પાલક વધુ હોય છે. કિડનીના દરદીઓ માટે વધુપડતું પોટૅશિયમ જોખમી બની શકે છે તેથી ગંભીર કિડનીની બીમારી હોય એવા લોકોએ આવી ડાયટથી અંતર જાળવવું હિતાવહ રહેશે. મેડિટરેનિયન ડાયટમાં ગ્લુટનનો વપરાશ વધુ છે, તેથી જો કોઈને ગ્લુટનની ઍલર્જી હોય એવા લોકોએ આ પ્રકારની ડાયટ અપનાવવી ન જોઈએ. પાલક, બ્રૉકલી જેવી લીલાં પાંદડાંવાળી શાકભાજી આ પ્રકારની ડાયટમાં પુષ્કળ પ્રમાણમાં લેવાય છે જેમાં વિટામિન-K ભરપૂર હોય છે જે લોહી જામવાની પ્રક્રિયામાં મદદ કરે છે. આથી લોહી પાતળું કરવાની દવા લેતા દરદીઓ માટે આ ડાયટ અવરોધ ઊભો કરી શકે છે. મેડિટરેનિયન ડાયટ હેલ્ધી છે પણ એમાં ઑલિવ ઑઇલ, બદામ અને ચીઝ જેવાં હાઈ કૅલરી ફૂડ હોય છે જે વજન વધારવાનું કામ કરે છે. તેથી વેઇટલૉસ જર્નીમાં આ ડાયટને અપનાવી શકાય નહીં. આ ડાયટમાં ફાઇબર અને કઠોળનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે લોકોને IBS એટલે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ કે ગૅસ-બ્લોટિંગની ગંભીર સમસ્યા હોય તેમને અચાનક આટલુંબધું ફાઇબર લેવાથી પેટમાં દુખાવો કે અસ્વસ્થતા થઈ શકે છે. કોઈ પણ ડાયટ વન સાઇઝ ફિટ્સ ઑલ હોતું નથી. જો તમને કોઈ લાંબી બીમારી હોય તો હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટર કે ડાયટિશ્યનની સલાહ લઈને તમારા શરીર મુજબ એમાં ફેરફાર કરવા જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 04:01 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK