બિરયાની વેચતી હૈદરાબાદની રેસ્ટોરાંમાં એક સામાન્ય તપાસમાં જણાયેલી ચૂકને પગલે થયો પર્દાફાશ, અધિકારીઓએ કમ્પ્યુટરમાં બનેલા બિલની તપાસ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી પકડ્યું કૌભાંડ, ૧૩,૦૦૦ કરોડથી વધુ બિલનો નાશ કરવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદમાં બિરયાની રેસ્ટોરાંની એક રૂટીન તપાસમાં એક સામાન્ય ચેકિંગ દરમ્યાન બહુ મોટા ટૅક્સચોરીના સ્કૅમનો પર્દાફાશ થયો હતો. એક બિરયાની રેસ્ટોરાંની તપાસે આખા ભારતની અનેક રેસ્ટોરાંમાં હજારો કરોડ રૂપિયાની ટૅક્સચોરીનું પગેરું પકડ્યું હતું.
ભારતભરની અનેક રેસ્ટોરાંઓએ પોતાની અસલી કમાઈ છુપાવવા માટે બિલિંગ સૉફ્ટવેઅરમાં હેરાફેરી કરી હતી જેમાં ૧૩,૦૦૦ કરોડથી વધુના બિલનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જોયું હતું કે કેટલીક રેસ્ટોરાં પૈસા કમાઈ રહી હતી, પરંતુ દેખાવ એવો કરતી કે તેમણે બહુ ઓછી કમાણી કરી છે જેથી ટૅક્સ આપવાથી બચી શકાય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ટૅક્સચોરી થઈ હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
રેસ્ટારાં દ્વારા બિલ બનાવવા માટે વપરાતી એક મોટી કમ્પ્યુટર સિસ્ટમનો સ્ટડી કરતાં આ ખબર પડી હતી. બિલિંગ સૉફ્ટવેઅરનો વપરાશ દેશભરમાં એક લાખથી વધુ રેસ્ટોરાંઓ કરે છે. કમ્પ્યુટર ટૂલ્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અધિકારીઓએ લગભગ ૧.૭૭ લાખ રેસ્ટોરાંના બિલિંગ રેકૉર્ડ્સ ચેક કરવા માટે ૬૦ ટૅરાબાઇટ ડેટા ફંફોસ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે કસ્ટમર્સે પેમેન્ટ કરી દીધા પછી અનેક બિલ ચૂપચાપ ડિલીટ કરી દેવામાં આવ્યાં હતાં અથવા તો સિસ્ટમની અંદર જ બદલી નાખવામાં આવ્યાં હતાં.
આખા ભારતમાં આ સૉફ્ટવેઅરનો વપરાશ કરનારી રેસ્ટોરાંઓએ ૧૩,૦૦૦ કરોડથી વધુ બિલનો નાશ કર્યો છે. બીજી વાર તપાસ માટે અધિકારીઓએ જાતે ૪૦ રેસ્ટોરાંની તપાસ કરી હતી અને અસલી વેચાણની તુલના કમ્પ્યુટરના રેકૉર્ડ સાથે કરી હતી.
કયાં રાજ્યો મોખરે?
સૌથી વધુ ટૅક્સચોરી કર્ણાટકની રેસ્ટોરાંઓમાંથી મળી હતી. એ પછી તેલંગણ અને તામિલનાડુનો નંબર આવે છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં મળીને છૂપું વેચાણ લગભગ ૫૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું નીકળ્યું હતું. નવાઈની વાત એ છે કે કેટલીક રેસ્ટોરાંએ તો બિલ ડિલીટ કરવાની તસ્દી પણ નહોતી લીધી. તેમણે બસ ટૅક્સ ડિપાર્ટમેન્ટને પોતાની રિયલ કમાણીને બદલે ઘણી ઓછી કમાણી બતાવી હતી. અધિકારીઓનું માનવું છે કે લગભગ ૨૫ ટકા રેસ્ટોરાંઓએ અસલી વેચાણના આંકડા છુપાવ્યા છે.
કૅશના પૈસામાં ગોટાળો
રેસ્ટોરાં સામાન્ય રીતે કૅશ અને કાર્ડનું બધું જ પેમેન્ટ બિલિંગ સૉફ્ટવેઅરમાં નાખે છે જેથી સ્ટાફ પૈસા ન ચોરી શકે. જોકે તપાસ કરતી વખતે ખબર પડી કે માલિક ખુદ જ સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી રહ્યા હતા. કૅશને ટ્રૅક કરવાનું મુશ્કેલ હોય છે એટલે કૅશ બિલ ડિલીટ કરી દેવાનું સૌથી સરળ છે. કેટલીક રેસ્ટોરાંઓએ તો આખા મહિનાના પીક અવર્સમાં બનેલાં બિલ ડિલીટ કરી દીધાં છે જેને કારણે ખૂબ જ ઓછી આવક દેખાડીને ઓછું ટૅક્સ રિટર્ન ફાઇલ કરી શકાય.
અધિકારીઓના અંદાજ મુજબ છેલ્લાં ૬ વર્ષમાં લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાના વકરાને ટૅક્સ-સિસ્ટમમાંથી ગાયબ કરી દેવામાં આવ્યો હતો.
