Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક નાનું સ્મિત તમારી હેલ્થને રાખશે ટકાટક

એક નાનું સ્મિત તમારી હેલ્થને રાખશે ટકાટક

Published : 03 October, 2025 01:03 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સ્માઇલ કઈ રીતે હેલ્થ બૂસ્ટર બની શકે છે તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે એક નાનકડું સ્માઇલ કેવી રીતે સકારાત્મક અસર કરે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રોજિંદા જીવનની વ્યસ્તતા, તનાવ, ચિંતા અને ડર વચ્ચે એક સ્માઇલ આપણને માત્ર મનના આનંદથી નહીં ભરે પરંતુ આપણા શરીર અને મગજ માટે પણ ઘણું ફાયદાકારક હોય છે.  ‘સ્માઇલ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઑફ ધ હેલ્થ’ આ વાક્ય ફક્ત કહેવા પૂરતું નથી, સિદ્ધ પણ થાય છે. એ એટલી સરળ અને ઇફેક્ટિવ ભાષા છે કે એને સમજવા માટે કોઈ શબ્દની જરૂર પડતી નથી. ચહેરા પર એક નાનું સ્માઇલ પ્રાકૃતિક રીતે શરીર અને મગજ માટે ઓષધિની જેમ કામ કરે છે. દર વર્ષે ઑક્ટોબર મહિનાના પહેલા શુક્રવારે આવતા વર્લ્ડ સ્માઇલ ડે નિમિત્તે એક નાનું સ્માઇલ કઈ રીતે હેલ્થ બૂસ્ટર બની શકે છે તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે એક નાનકડું સ્માઇલ કેવી રીતે સકારાત્મક અસર કરે છે એ જાણીએ.

નર્વસ સિસ્ટમ રિલૅક્સ કરે



કામના સતત સ્ટ્રેસ અને બિઝી લાઇફસ્ટાઇલમાં પરોવાયેલા લોકો માટે સ્માઇલ કેટલું જરૂરી છે અને એનાથી મેન્ટલ હેલ્થ કેવી રીતે સારી રહે છે એ વિશે જણાવતાં તાતા મેમોરિયલ, સાયન હૉસ્પિટલ અને થાણે મેન્ટલ હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલી અને દાયકા કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતી ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ જૈની કારાણી કહે છે, ‘સ્માઇલ ચેપી છે અને એ એકલી જ એવી ચીજ ચેપી હશે જે તમારી હેલ્થને સારી રાખવાનું કામ કરશે. તમે કોઈ અજાણી વ્યક્તિ સામે જોશો અને તે સ્માઇલ કરતી હશે તો ઑટોમૅટિકલી તમારા ચહેરા પર પણ સ્માઇલ આવી જ જશે. એક નાનકડું સ્માઇલ કરવાથી બૉડીમાં ઘણા પૉઝિટિવ ચેન્જ આવે છે.  મગજમાંથી એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન નામનાં હૅપી હૉર્મોન રિલીઝ થાય છે જે તનાવ અને ચિંતાને ઓછાં કરવામાં મદદ કરે છે. આ સાથે એ શરીરની નર્વસ સિસ્ટમને રિલૅક્સ કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. જ્યારે આપણે સ્માઇલ કરીએ ત્યારે ફેશ્યલ મસલ્સ સ્ટ્રેચ થાય છે. આ મસલ્સ મગજને સિગ્નલ મોકલે છે, પરિણામે આપણાં ઇમોશન્સ અને હૉર્મોન્સ કન્ટ્રોલ થઈને હૅપી હૉર્મોન્સ રિલીઝ થાય છે. આ હૉર્મોન્સ નર્વસ સિસ્ટમને ખુશ રહેવાનો મેસેજ મોકલે છે અને આ જ કારણે સ્ટ્રેસ માટે જવાબદાર કૉર્ટિઝોલનું સ્તર ઓછું થાય છે અને એને જ લીધે શરીર રિલૅક્સ ફીલ કરે છે અને મગજ શાંત થાય છે.’


હેલ્થ બૂસ્ટર

એક નાનકડું સ્માઇલ બ્રેઇન ફંક્શન્સ અને નર્વસ સિસ્ટમને રિલૅક્સ કરવાની સાથે શારીરિક ફાયદાઓ પણ આપે છે એમ જણાવતાં જૈની કહે છે, ‘સ્માઇલ કરવાથી તનાવ માટે જવાબદાર હૉર્મોન્સની માત્રા ઘટે છે અને સાથે શરીરમાં રોગપ્રતિકારક કોષો વધુ સક્રિય બને છે. એટલે આપોઆપ ઇમ્યુનિટી વધશે, જેથી ઇન્ફેક્શન અને બીમારીઓ સામે સુરક્ષા મળશે. એક સ્મિત નૅચરલ પેઇનકિલરનું કામ કરે છે. હૅપી હૉર્મોન્સ રિલીઝ થવાથી શરીરમાં થતા દુખાવા અને પીડાને ઓછાં કરવામાં તે મદદ કરે છે અને મૂડ પણ સારો બનાવે છે. મસલ્સ રિલૅક્સ થવાથી શ્વાસની ગતિ નિયમિત થાય છે એટલે રેસ્પિરેટરી સિસ્ટમને પણ એ ઇમ્પ્રૂવ કરે છે. આટલા ફાયદા જાણ્યા બાદ અર્થ એવો નથી નીકળતો કે આખો દિવસ સ્માઇલ જ કર્યા રાખવાનું. કોઈ જાણીતી કે અજાણી વ્યક્તિ તમને મળે અથવા દેખાય, ટીવી કે મોબાઇલમાં કોઈ કન્ટેન્ટ જોતા હોય ત્યારે, સ્ટ્રેસ ફીલ થાય ત્યારે સ્માઇલ કરી શકાય. એ તનાવની સાથે ગુસ્સા અને ચિંતાને પણ કન્ટ્રોલ કરે છે. સ્માઇલ મગજનું રીસેટ બટન છે જે મનને શાંત કરે છે. સ્માઇલ યોગ પણ એક પ્રકારની ખાસ પ્રૅક્ટિસ છે જે ફેશ્યલ મસલ્સને ઍક્ટિવ રાખે છે. આ એક પ્રકારનું મેડિટેશન હોવાથી નકારાત્મક વિચારો ઘટે છે. ચહેરાના મસલ્સના વર્કઆઉટથી ફ્રેશ ફીલ થાય છે અને એ ચહેરાના સ્ટ્રેસને ઓછું કરવાની સાથે માથાનો દુખાવો, કમર અને પીઠની તાણમાં રાહત મળે છે. સ્માઇલ યોગ દરરોજ સવાર-સાંજ બેથી પાંચ મિનિટ કરશો તો પણ સારું થશે.’


જબરદસ્તીનું સ્માઇલ પણ ફાયદાકારક

ક્યારેય એવું થયું કે કોઈ તમને મળવા આવ્યું હોય પણ તમને એ વ્યક્તિ પસંદ ન હોવા છતાં તમારે તેની સામે જબરદસ્તીથી સ્માઇલ આપવું પડે? બળજબરીથી કરેલું સ્માઇલ પણ શરીર પર સકારાત્મક અસર કરે છે એમ જણાવતાં જૈની વધુમાં કહે છે, ‘મનમાં ક્યારેક દુઃખ, તનાવ, અથવા ઉદાસીનતા હોય ત્યારે પણ જો આપણે વગર ઇચ્છાએ પણ સ્માઇલ કરીએ તો ફાયદો થાય છે. જ્યારે આપણે જબરદસ્તી સ્માઇલ કરીએ ત્યારે ફેશ્યલ મસલ્સ મગજને સંકેત આપે છે કે આપણે ખુશ છીએ. આ સંકેતથી મગજને એવું લાગે છે કે એ કહે છે કે ખુશ છે તો ખુશ જ હશે અને આથી હૅપી હૉર્મોન્સનું સ્તર વધી જાય છે. ટેન્શનવાળી સ્થિતિમાં પણ જો સ્માઇલ કરીને સકારાત્મક વિચારીશું તો લોકો સાથેના સંબંધો સારા થશે અને તમારાં સોશ્યલ કનેક્શન સુધરે છે. રિસર્ચ જણાવે છે કે જે લોકો નિયમિત રીતે સ્માઇલ કરે છે એટલે કે નૅચરલ અથવા જબરદસ્તી, તેમનું આયુષ્ય લાંબું રહે છે. સ્માઇલ ડિપ્રેશન, ચિંતાનાં લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત સ્માઇલ કરવાથી વ્યક્તિમાં પૉઝિટિવ વિચારો, આત્મવિશ્વાસ વધે છે. જ્યારે મન ઉદાસ હોય તો હળવું સ્માઇલ કરવાનો પ્રયાસ કરશો તો કદાચ આ નકલી સ્માઇલ તમારા મગજને તમે ખુશ છો એ સંકેત આપશે.’

તમને ખબર છે?

મોટા ભાગના લોકો સ્મિતને ફક્ત ખુશી સાથે જોડે છે, પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર ૧૯ અલગ-અલગ પ્રકારનાં સ્માઇલ હોવાનું મનાય છે એમાંથી માત્ર ૬ જ પ્રકારનાં સ્માઇલ સાચી ખુશી સાથે જોડાયેલાં છે.

ગર્ભમાં રહેલું બાળક પણ સ્માઇલ કરે છે એ 4-D સ્કૅનિંગમાં જાણવા મળ્યું હતું. એટલે સ્માઇલ એવી ચીજ છે જે બાળકને શીખવવી નથી પડતી.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક સ્મિત કરવાથી તમારું મગજ જેટલું ઝડપી ગતિએ કામ કરે એ લગભગ ૨૦૦૦ ચૉકલેટ બાર ખાવાથી થાય છે. જોકે ચૉકલેટ ખાવાથી અન્ય ઘણાં નુકસાન થાય છે, જ્યારે સ્મિત મફત છે.

એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે મહિલાઓ પુરુષો કરતાં વધુ વખત સ્માઇલ કરે છે.

માનવ ચહેરાની બધી અભિવ્યક્તિઓમાં સ્મિત સૌથી વધુ સરળતાથી અને દૂરથી ઓળખી શકાય છે. લોકો ૩૦૦ ફીટ દૂરથી પણ સ્મિતને ઓળખી શકે છે.

જો તમે દિલથી સ્માઇલ કરો તો ફેશ્યલ મસલ્સની સાથે આંખોની આસપાસના સ્નાયુ સંકોચાય છે, જેને લીધે આંખોના ખૂણામાં ઝીણી કરચલીઓ પડે છે પણ ફેક સ્માઇલ કરશો ત્યારે ફક્ત મોંના સ્નાયુઓની જ મૂવમેન્ટ હોય છે. આ તફાવત સાચા અને બનાવટી સ્માઇલનો ભેદ બતાવી શકે છે.

જ્યારે તમે ફોનમાં સ્માઇલ કરીને વાત કરો છો ત્યારે તમારા મોંના પાછળના ભાગમાં આવેલું સૉફ્ટ પેલેટ ઊંચકાય છે જે અવાજના તરંગોને વધુ મધુર બનાવે છે તેથી જ્યારે સામેવાળી વ્યક્તિ તમારો અવાજ સાંભળશે તો વધુ ફ્રેન્ડ્લી અને સારું ફીલ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2025 01:03 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK