ચોમાસામાં વધતી ભેજ, ફૂગ, પરાગકણો અને વાઇરલ ચેપને કારણે અસ્થમાના દરદીઓની તકલીફ વધી શકે છે. જાણો અસ્થમાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી અને કયા લક્ષણોને અવગણવા નહીં.
વરસાદને કારણે પણ વકરી શકે છે ઍલર્જી અને અસ્થમા
વરસાદની ઋતુ ગરમીમાંથી રાહત તો આપે છે, પરંતુ અસ્થમાના દરદીઓ માટે આ સીઝન ઘણી વખત પડકારરૂપ બની જાય છે. વરસાદ સાથે હવામાં ભેજ વધે છે તથા વરસાદી ભેજની સાથે પરાગકણો અને ફૂગના સૂક્ષ્મ કણો વધુ પ્રમાણમાં ફેલાય છે જે અસ્થમાને ટ્રિગર કરી શકે છે. એથી ચોમાસામાં કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે
ચોમાસામાં અસ્થમાના દરદીઓની તકલીફ વધી શકે છે, કારણ કે આ ઋતુમાં શ્વાસનળી વધુ સંવેદનશીલ બની જાય છે. ભેજવાળી અને ઠંડી હવા શ્વાસનળીમાં સોજો વધારી શકે છે. ઉપરાંત વરસાદ પછી પાણી ભરાવાની, પોલેન અને ફંગલ સ્પોર્સ હવામાં ફેલાતાં ઍલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
વરસાદમાં તકલીફ કેમ વધે?
માત્ર ભેજ જ નહીં, અન્ય કેટલાંક પરિબળો પણ અસ્થમાને વધુ ગંભીર બનાવી શકે છે.
ઘરમાં વધુ સમય પસાર કરવો : ચોમાસામાં લોકો મોટા ભાગનો સમય ઘરની અંદર વિતાવે છે. ઘરની ધૂળ, પાળતુ પ્રાણીઓના વાળ અને ત્વચાના સૂક્ષ્મ કણો તેમ જ ભેજને કારણે થતી ફૂગ અસ્થમાનાં લક્ષણોને વધારી શકે છે.
શ્વાસનળી વધુ સંવેદનશીલ બનવી :
હવામાનમાં ઝડપથી થતા ફેરફારોને કારણે શ્વાસનળી વધુ રીઍક્ટિવ બની જાય છે જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
હવામાં દબાણ અને ભેજમાં ફેરફાર :
ચોમાસામાં ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડક રહેતી હોવાથી ભેજ અને હવાનું દબાણ સતત બદલાતું રહે છે. એને કારણે ફેફસાંને સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે.
વાઇરલ ચેપનું જોખમ :
વરસાદની ઋતુમાં શરદી, ફ્લુ અને શ્વસનતંત્રના અન્ય ચેપનું પ્રમાણ વધે છે જે અસ્થમાના દરદીઓ માટે જોખમી બની શકે છે.
અસ્થમા હોય તો શું ધ્યાન રાખવું?
અસ્થમાનાં વ્યક્તિગત ટ્રિગર્સ ઓળખો અને એનાથી બચવાનો પ્રયાસ કરો. ધૂળ, ફૂગ, પરાગકણ, ધુમાડો તેમ જ જે વસ્તુઓથી તમને વ્યક્તિગત રીતે તકલીફ વધે એનાથી દૂર રહો.
શરદી, ઉધરસ, થાક, છાતીમાં ભાર લાગવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવાં પ્રારંભિક લક્ષણોને અવગણશો નહીં. ડૉક્ટરે સૂચવેલી દવાઓ અને ઇન્હેલર નિયમિત અને યોગ્ય સમયે લો. એમાં બેદરકારી રાખવાથી હુમલો ગંભીર બની શકે છે.
થન્ડરસ્ટૉર્મ પણ બની શકે છે જોખમ
વાવાઝોડા દરમ્યાન પરાગકણો નાના-નાના કણોમાં તૂટી જાય છે અને હવામાં વધુ પ્રમાણમાં ફેલાય છે. આ કણો સરળતાથી ફેફસાં સુધી પહોંચી જાય છે જેને કારણે અસ્થમા અથવા સીઝનલ ઍલર્જી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવી, વારંવાર છીંક આવવી અને આંખોમાં ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વરસાદ હવાને શુદ્ધ કરે છે અને પરાગકણોનું પ્રમાણ ઘટાડે છે, પરંતુ કેટલાક સંજોગોમાં ખાસ કરીને થન્ડરસ્ટૉર્મ દરમ્યાન એની વિપરીત અસર પણ થઈ શકે છે.
આ વધારાની સાવચેતીઓ પણ રાખો
વરસાદમાં ભીંજાવાનું ટાળો.
પૌષ્ટિક અને સંતુલિત આહાર લો.
નિયમિત બ્રીધિંગ એક્સરસાઇઝ કરો.
બહાર જતી વખતે જરૂર પડે તો માસ્ક પહેરો.
ઘરમાં ભેજ અને ફૂગ ન થાય એની કાળજી રાખો તથા નિયમિત સફાઈ કરો.
તીવ્ર સુગંધવાળાં પરફ્યુમ, ડીઓડરન્ટ અથવા સ્પ્રેનો ઉપયોગ ઓછો કરો.
પાળતુ પ્રાણીઓથી ઍલર્જી હોય તો યોગ્ય અંતર રાખો.
ચોમાસામાં માત્ર અસ્થમાના દરદીઓ જ નહીં; ઍલર્જી ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધોએ પણ વધુ સાવચેત રહેવાની જરૂર છે. જો શ્વાસ લેવામાં તકલીફ થાય, સતત ઉધરસ અથવા ઍલર્જીનાં લક્ષણોમાં વધારો થાય અને આરામ ન મળે તો વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
